સાદા ફોન અને સ્માર્ટફોનમાં પાયાનો તફાવત એ છે કે તમારી આખી ડિજિટલ લાઇફ સ્માર્ટફોનમાં પણ સમાઈ જાય છે. જો તમે સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારા મેઇલ્સ (બિઝનેસ અને બેન્ક સંબંધિત બધા જ), બેન્ક એપ્સ, પર્સનલ ફોટોઝ સહિત ઘણી બધી સેન્સિટિવ ઇન્ફર્મેશન તમારા સ્માર્ટફોનમાં ધરબાયેલી હોય છે. પહેલાં સાદો ફોન ખોવાય તો બહુ બહુ તો આપણા બધા કોન્ટેક્ટ્સ જતા, પરંતુ હવે?
આગળ શું વાંચશો?
- પહેલું પગલું
- બીજું પગલું
- કેટલીક સ્પષ્ટતા
શાંતિથી વિચારશો તો લખલખું આવી જશે!
એટલે ફોન લીધા પછી સૌથી પહેલાં તમારા ફોનમાં તમને પોતાને બરાબર યાદ રહે એવાથી પાસવર્ડ કે પેટર્નથી લોક સેટ કરવાનું કામ કરવા જેવું છે. કિંમતમાં ભલે સસ્તો હોય, પણ અંગત માહિતીની રીતે મહામૂલો સ્માર્ટફોન ખોવાય ત્યારે શું કરવું જોઈએ? અત્યાર સુધી હેન્ડસેટ્સના ક્ષેત્રે જગપ્રસિદ્ધ કંપનીઓ પોતાની રીતે આ સવાલના જવાબ આપતી હતી (‘સાયબરસફર’ અંક-૧૫, મે ૨૦૧૩માં આપણે સેમસંગ કંપનીની આવી સર્વિસ વિશે વિગતવાર માહિતી મેળવી હતી). એ માટે તમારા હેન્ડસેટની મેન્યુફેક્ચરિંગ કંપનીમાં તમારે એક એકાઉન્ટ ખોલાવવું પડતું. ગૂગલ પ્લે સ્ટોરમાં ઘણી બધી એપ્સ પણ ઉપલબ્ધ છે, જે ફોન ખોવાય ત્યારે જરૂરી પગલાં લેવામાં મદદ કરે છે. કેટલીક એપ્સ તો એવી છે જેમાં તમે ફોન ખોવાયા પછી તેના પરથી આઉટગોઇંગ કે ઇનકમિંગ કોલ્સનો લોગ મેળવી શકો છો, નવા આવતા કોલ આપોઆપ બીજા નંબર પર ફોરવર્ડ કરી શકાય છે કે ચોક્કસ નંબર પરથી ચોક્કસ પ્રકારનો એસએમએસ આપણા ખોવાયેલા ફોન પર મોકલતાં એ ફોન જીપીએસની મદદથી પોતાનું ચોક્કસ લોકેશન આપણને મોકલી આપે છે! દૂર બેઠાં બેઠાં આપણે ખોવાયેલા ફોનનો કેમેરા ઓન કરી શકીએ, ફોન ફોટોગ્રાફ ખેંચે અને તે ચોક્કસ સાઇટ પર અપલોડ થતાં આપણે તપાસી શકીએ કે ફોન ક્યાં હશે (આવા ફોનને સ્માર્ટફોન નામ કાંઈ અમથું મળ્યું છે?!).
એપલ અને માઇક્રોસોફ્ટ ખોવાયેલા ફોનને લોકેટ કરવાનાં સોલ્યુશન આપે છે, પણ એન્ડ્રોઇડમાં અત્યાર સુધી ગૂગલ તરફથી એવું કોઈ સોલ્યુશન અપાતું નહોતું, હવે એ ખોટ પૂરી થઈ છે.
આપણે એન્ડ્રોઇડ ફોન કે ટેબલેટ લઈએ એટલે પહેલું કામ તેને આપણા ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટ કરવાનું તો કરીએ જ છીએ. એટલે ફોન ખોવાય ત્યારે જરૂરી પગલાં લેવાની સગવડ પણ ગૂગલ તરફથી જ મળે તો વાત ઘણી સહેલી બની જાય.
ગૂગલે આ સગવડ ‘એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર’ નામે લોન્ચ કરી છે. આપણો સ્માર્ટફોન ખોવાય કે ચોરાઈ જાય ત્યારે આ એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર આપણને કેવી રીતે કામ લાગે? એક, ફોન ઘરમાં જ ક્યાંક આડોઅવળો મૂકાયો હોય અને વાઇબ્રેટર પર હોય તો પણ એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરની મદદથી આપણે પાંચેક મિનિટ સુધી ફૂલ વોલ્યુમમાં તેનો રિંગટોન ચાલુ કરી શકીએ છીએ – ઓશિકા નીચે ભૂલાયો હોય તો શોધી શકાય. બહારગામથી પરત ફર્યા પછી ખ્યાલ આવે કે ખિસ્સામાં સ્માર્ટફોન નથી, તો આપણે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરની મદદથી ગૂગલ મેપ પર જાણી શકીએ છીએ કે ફોન રાજકોટમાં બહેનના ઘરે જ ભૂલાયો છે કે પછી હાઇવે પર લીંબડીમાં ચા-પાણી કરવા હોટલે ઊભા રહ્યા હતા ત્યાં ટેબલે રહી ગયો છે (ફોનમાં જીપીએસની સગવડ હોવી જોઈએ).
બહેનને ઘરે ભૂલાયો હોય તો નો-ટેન્શન, પણ લીંબડીની હોટલમાં રહી ગયો હોય તો? તો, ફોન પાછો મળવાની કોઈ શક્યતા ન હોય એવી સ્થિતિમાં તમે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરની મદદથી, દૂર બેઠાં બેઠાં તમારા ફોનમાંનો બધો ડેટા બિલકુલ ભૂંસી શકો છો.
સગવડ બહુ કામની છે. માત્ર તપાસવા જેવી નહીં, એક્ટિવેટ કરવા જેવી છે. ફક્ત, તમારે એનો ઉપયોગ કરવો ન પડે એવી શુભેચ્છા સાથે, આ સગવડનો લાભ કઈ રીતે લેવો તેની માહિતી જાણી લો!
પહેલું પગલું
આ સુવિધા બધા જ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી, એટલિસ્ટ હાલ પૂરતી. તમારા ફોનમાં આ સુવિધા છે કે નહીં તે તપાસવા નીચેનાં પગલાં લો :
- ફોનના સેટિંગ્સમાં જાઓ અને સિક્યોરિટી મેનુમાં જાઓ.
- ડિવાઇસ એડમિનિસ્ટ્રેશનમાં ‘સિલેક્ટ ડિવાઇસ એડમિનિસ્ટ્રેટર’નો વિકલ્પ ક્લિક કરો.
- અહીં એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરનો વિકલ્પ જોવા મળે તો ખુશખબર, તમારા ફોનમાં આ સુવિધા છે! (ન હોય તો ફોનનું સોફ્ટવેર અપડેટ થાય ત્યાં સુધી રાહ જોવી રહી)
- એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરને ઇનેબલ કરવા બોક્સમાં ટિક કરો.
- હવે જે પરમિશન્સ ડાયલોગ બોક્સ ઓપન થાય, તે ધ્યાનથી વાંચીને એક્સેપ્ટ કરો.
- જો તમારા ડિવાઇસમાં એન્ડ્રોઇડનું ૪.૧ કે તે પછીનું વર્ઝન હોય તો તમારે લોકેશન એક્સેસ પણ ઇનેબલ્ડ કરવી પડશે. ફોન કે ટેબલેટમાં ગૂગલ સેટિંગ્સમાં, લોકેશન, એક્સેસ લોકેશનમાં જઈને તેને ઇનેબલ કરી શકાશે.
બીજું પગલું
હવે આપણે જે કંઈ જોવા-તપાસવાનું ને કરવાનું છે તે બધું આ સર્વિસની વેબસાઇટ પર છે, કેમ કે ફોન ખોવાયા પછી તે આપણા હાથમાં તો હોવાનો નથી!
- google.com/android/devicemanager?u=0 પર જાઓ.
- તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થાઓ (તમારા ફોનમાં પણ આ જ ગૂગલ એકાઉન્ટથી કનેક્ટ થયા હોવા જોઈએ).
- તમે તમારા એકાઉન્ટથી એકથી વધુ સાધન (જેમ કે સ્માર્ટફોન અને ટેબલેટ) કનેક્ટ કર્યાં હોય તો અહીં તમે ડિવાઇસનું ચોક્કસ નામ આપી શકો છો.
- હવે આ સર્વિસ તમારા ડિવાઇસનું લોકેશન શોધશે. જો તે શોધી લેશે તો ગૂગલ મેપ પર તેનું અંદાજિત સ્થાન બ્લુ ગોળાકારથી બતાવશે. જો ડિવાઇસ બંધ હોય કે ઓફલાઇન હોય તો ગૂગલ તેનું લોકેશન શોધી શકશે નહીં.
- જો તમારું ડિવાઇસ એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરમાં જોવા જ ન મળે કે ડિવાઇસ ઓનલાઇ હોય તો પણ અનનોન લોકેશન એવું લખેલું જોવા મળે તો નીચેનાં પગલાં લો :
-
- ફોન કે ટેબલેટમાં ગૂગલ સેટિંગ્સમાં જાઓ.
- એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરને ટચ કરો.
- એલાઉ રીમોટ ફેક્ટરી રીસેટ અનચેક કરો.
- ડિવાઇસના મેઇન સેટિંગ્સ મેનુમાં જઈને એપ્સ – ઓલ – ગૂગલ પ્લે સર્વિસીઝમાં જાઓ.
- ક્લિક ડેટા ટચ કરો. ગૂગલ બાંહેધરી આપે છે કે આમ કરવાથી પર્સનલ ડેટા રીમૂવ થતો નથી.
- ફરી ગૂગલ સેટિંગ્સમાં જઈને એલાઉ રીમોટ ફેક્ટરી રીસેટ ટચ કરો.
- ડિવાઇસને રીસ્ટાર્ટ કરો.
હવે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર તમારા સાધનને લોકેટ કરી શકશે.
હવે તમે રિંગ ઓપ્શન પર ક્લિક કરી, તમારોન ફોન સાઇલેન્ટ કે વાઇબ્રેટર પર હોય તો પણ તેના રિંગટોનને ફૂલ વોલ્યુમ પર પાંચ મિનિટ સુધી વગાડી શકો છો.
એ જ રીતે, ફોન પાછો મળવાની કોઈ શક્યતા ન હોય તો અહીંથી તમે ‘ઇરેઝ’નો વિકલ્પ પસંદ કરીને ડિવાઇસમાંનો ડેટા ભૂંસી શકો છો. રિંગટોનનો ટેસ્ટ તમે લઈ શકો છો, પણ ડેટા ઇરેઝ કરવાનું પગલું બહુ કાળજીપૂર્વક અને સમજી-વિચારીને જ લેશો.
ફોન ખોવાય તેવી સ્થિતિમાં હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પોતે જે સોલ્યુશન્સ આપે છે કે બીજી થર્ડ પાર્ટી એપ્સ જે ઢગલાબંધ સુવિધાઓ આપે છે તેની સરખામણીમાં એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર હજી બહુ ઓછી સુવિધા આપે છે. પરંતુ ફક્ત ખોવાયેલો ફોન શોધવા પૂરતી કે પરત ન જ મળે તેમ હોય તેવા ફોન કે ટેબલેટનો ડેટા ભૂંસવા જ જરૂરિયાત હોય તો આ સુવિધા પૂરતી છે. ગૂગલની પોતાની આ સુવિધા હોવાથી આપણે અજાણી એપ્સનો આશરો લેવો પડતો નથી.
ફરી એક વાર, આ સુવિધાનો તમારે લાભ લેવો ન પડે તેવી શુભેચ્છા!
કેટલીક સ્પષ્ટતા…
ગૂગલ પહેલેથી ચોખવટ કરે છે તેની આ સુવિધા ખોવાયેલા સાધન માટે છે, ફોન કે ટેબલેટ ચોરાયું છે એવું લાગે તો ચોક્કસ પોલીસનો સંપર્ક કરી જરુરી પગલાં લો.
- એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર સુવિધામાં આપણા સાધનના લોકેશનની હિસ્ટ્રી જળવાતી નથી.
- જો ડિવાઇસ બંધ હોય કે ઓફલાઇન હોય તો તેનું લોકેશન જાણી શકાતું નથી.
- એ જ રીતે, બંધ ડિવાઇસમાં રિંગ વગાડી શકાતી નથી કે ડેટા રીમોટલી ઇરેઝ કરી શકાતો નથી.
- અલબત્ત, આપણે પહેલેથી ‘ઇરેઝ’નો ઓપ્શન આપી દઈએ તો સાધન જ્યારે ફરી ઓનલાઇન થાય ત્યારે તે ડેટા ઇરેઝ કરી નાખે છે.

