થોડા દિવસ પહેલાં, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લા પાને એક નાના સમાચાર છપાયા હતા – ‘મહેસાણાનો વિદ્યાર્થી ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર બન્યો’. વિદ્યાર્થીનું નામ – બોની પ્રજાપતિ – વાંચીને ચમકારો થયો કે અરે, આના પપ્પા તો રુબરુ આવીને ‘સાયબરસફર’નું લવાજમ ભરી ગયા છે! બોનીએ કહ્યું કે પોતે ભલે કમ્પ્યુટર એન્જિનીયરિંગ ભણે, આ મેગેઝિનમાંથી એને પણ ઘણું નવું જાણવા મળે છે.
બે-ત્રણ મહિના પહેલાં, અમદાવાદ નેશનલ બુકફેરમાં એક જરા જુદા પિતા-પુત્રનો ભેટો થયો હતો. પિતાએ અંકો હાથમાં લીધા, પાનાં ઉથલાવ્યાં અને તરત, દસમા કે બારમા ધોરણમાં ભણતા દીકરા સામે જોઈને ક્હ્યું, ‘સારું લાગે છે, લવાજમ ભરશું?’ દીકરાએ – કોઈ અંક હાથમાં લીધા વિના – જવાબ વાળ્યો ‘આ તો બધું મને આવડે છે!’
ઘણા વિદ્યાર્થીઓમાં – ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં ભણેલા – એક સમાન લાક્ષણિકતા જોઈ છે કે તેમને જે આવડતું નથી એ ‘આવડે છે’ એવું માને છે અને જે આવડે છે, ‘એ નથી આવડતું’ એવું માને છે! આ અંકની કવરસ્ટોરી માટે ગુજરાતની ટેક્નિકલ કોલેજોના પ્રોફેસર કે પ્લેસમેન્ટ ઓફિસર્સ સાથે વાતચીત થઈ તેમાં સૌએ લગભગ એક અવાજે કહ્યું કે ગુજરાતીમાં ભણેલા વિદ્યાર્થીઓ આવડતમાં સહેજ પણ ઊતરતા નથી, છતાં આત્મવિશ્વાસના અભાવથી પીડાય છે.
શિક્ષકો માઉસને પાંખો આપે અને વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના ગગનમાં ઊડતા કરે, શાળાના બ્લોગ બનાવે, શાળાનો પ્રવાસ યોજાય તો પહેલાં ગૂગલ મેપ અને વિકિપીડિયા પર પ્રવાસનાં સ્થળો ફેંદી વળે, ફેસબુક પર પેજ બનાવે અને શેર-શાયરીને બદલે કોઈ વિદ્યાર્થીને કશુંક નવું કરી બતાવવાની ચાનક ચઢે એવી માહિતી અને દિશાસૂચનનો મહાસાગર ઠાલવે… બિલકુલ હસતાં-રમતાં અંગ્રેજી ભાષાની કેવી ઊંડી સમજ કેળવાય અને જુદા જુદા વિષયોનું જ્ઞાન કેવું પાકું થાય એ વિચારી જુઓ.
– હિમાંશુ
