ગૂગલનો તમે કેટલો ઉપયોગ કરો છે તેની વિગતોથી માંડીને ગૂગલની વિવિધ સર્વિસનાં મહત્ત્વનાં સેટિંગ્સ પર એક સાથે નજર રાખવી હોય તો એ માટે તમારે તપાસવું પડે તમારું ગૂગલ ડેશબોર્ડ – આ રીતે…
આગળ શું વાંચશો?
- સમજીએ ગૂગલનું આપણું ડેશબોર્ડ
- ગૂગલના આપણા એકાઉન્ટની વિગતો
- ગૂગલની વિવિધ સર્વિસમાં આપણી પ્રવૃત્તિ
- ગૂગલ ડેસ્કબોર્ડમાં કંઈ પણ શંકાસ્પદ જણાય તો શું કરવું?
જાણતાં-અજાણતાં આપણે સૌ દિવસમાં અનેક વાર, જુદાં જુદાં સાધનોમાં, ગૂગલની અનેક સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ કોઈ આપણને પૂછે કે તમે ગૂગલનો કેટલો અને કેવો ઉપયોગ કરો છો તો જવાબ આપવામાં આપણે ગોથાં ખાઈએ. જો તમે પણ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરતા હો, તો સામાન્ય રીતે નીચેના સવાલોના જવાબ તમને ખબર હોય એ તમારા જ હિતની વાત છે. તપાસી જુઓ તમારું પોતાનું ગૂગલ નોલેજ!
- તમને ખબર છે કે તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ સહેલાઈથી કેવી રીતે બદલી શકાય?
- તમારા ગૂગલ એકાઉન્ટ સાથે કેટલી એપ્લિકેશન્સ અને સાઇટ્સ કનેક્ટેડ છે?
- તમે જાણો છો કે છેલ્લા થોડા દિવસમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં કઈ તારીખે, કેટલા વાગ્યે, કયા સાધનમાંથી અને ક્યાંથી લોગ-ઇન કરવામાં આવ્યું હતું?
- તમે કયાં કયાં સાધનને તમારા ગૂગલ એકાઉન્ટને એક્સેસ કરવાની છૂટ આપી છે, તમને ખબર છે?
- તમે જેનો ઉપયોગ ક્યારનો બંધ કરી દીધો છે (કે જે વેચી જ નાખ્યો છે!) એ મોબાઇલમાં હજી તમારું ગૂગલ એકાઉન્ટ એક્ટિવ હોય તો તેની તમને જાણ છે?
- એન્ડ્રોઇડ મોબાઇલ કે ટેબલેટનો ઉપયોગ કરતા હો તો તેના આઇએમઇઆઇ નંબર, તેનો ચોક્કસ મોડેલ નંબર વગેરે જાણવું જરૂરી છે, પણ તમે જાણો છો?

આ સિવાય, ગૂગલ કેલેન્ડર, બ્લોગર, ડ્રાઇવ, કોન્ટેક્ટ્સ, જીમેઇલ, યુટ્યૂબ વગેરે પાર વગરની સર્વિસનો આપણે ઉપયોગ તો કરીએ છીએ, પણ આપણા જ એકાઉન્ટની ઘણી બધી વાતોની આપણને જાણ હોતી નથી.
સદનસીબે, ગૂગલ પોતે આ બધી જ વાતોની વિગતવાર અને મુદ્દાસર નોંધ રાખે છે અને આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે આ વિગતો તપાસી પણ શકીએ છીએ. આ માહિતી પર નજર રાખતા રહેવું જરૂરી એટલા માટે છે કે આપણા સિવાય બીજી કોઈ વ્યક્તિ કોઈક રીતે આપણા ગૂગલ એકાઉન્ટમાં એક્સેસ મેળવી લે કે તેવો પ્રયાસ કરે તો આપણને તરત તેની જાણ થાય અને પાસવર્ડ બદલી નાખવા જેવાં પગલાં પણ આપણે તાત્કાલિક લઈ શકીએ.
આ માટે આપણે જોવું જરૂરી છે આપણું ગૂગલ ડેશબોર્ડ! ગૂગલ પરની આપણી આખી કર્મ-કુંડળી આ એક જ વેબપેજ પર આપણે જોઈ શકીએ છીએ અને ત્યાંથી જ, સંબંધિત પગલાં પણ લઈ શકીએ છીએ.
આ પેજ પર આપેલી વિવિધ લિંક્સ પર ક્લિક કરીને, તમે એ પણ જાણી શકશો કે ગૂગલ તમારા વિશે કેટલું જાણે છે! તમે શું શોધો છો, ક્યાં હરો-ફરો છો એ બધું ગૂગલ જાણે છે અને એનો રેકોર્ડ પણ રાખે છે!
આવો સમજીએ ગૂગલનું આપણું ડેશબોર્ડ
સૌથી પહેલાં, www.google.com/dashboard પર જાઓ. જો તમે ગૂગલની કોઈ પણ સર્વિસમાં પહેલેથી લોગ્ડ-ઇન હશો તો પણ તમને ફરીથી તમારો પાસવર્ડ પૂછવામાં આવશે, એ જ બતાવે છે કે આ ડેશબોર્ડ આપણા માટે કેટલું અગત્યનું છે. આ ડેશબોર્ડમાં મુખ્યત્ત્વે આપણે બે બાબત તપાસી કે કરી શકીએ છીએ :
જે તે સર્વિસમાંની આપણી પ્રવૃત્તિઓ, જેમ કે ગૂગલ એકાઉન્ટ, કેલેન્ડર, સર્ચ, યુટ્યૂબ વગેરેમાં આપણે તાજેતરમાં શું શું કર્યું.
જે તે સર્વિસ માટેના સેટિંગ વિભાગમાં જઈને તેમાં જરી ફેરફાર કરવા હોય તો તે અહીંથી કરી શકાય છે.
આ ડેશબોર્ડની મદદથી, આપણા એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ હોય તો તરત આપણા ધ્યાનમાં આવી શકે છે. ડેશબોર્ડ પર સૌથી પહેલાં આપેલા વિકલ્પને પસંદ કરીને, આપણે મહિને એક વાર ગૂગલ જ ડેશબોર્ડ તપાસવાનું યાદ અપાવે એવું સેટિંગ કરી શકીએ છીએ.
હવે આ પેજ પર જે કંઈ જોવા મળે છે, તે એક પછી એક સમજતા જઈએ.
એકાઉન્ટ
આપણા ગૂગલ એકાઉન્ટનું સરવૈયું અહીં જોવા મળે છે, સમગ્ર એકાઉન્ટનાં મહત્ત્વનાં સેટિંગ્સ અહીંથી થઈ શકે છે. એકાઉન્ટ પહેલાંના એરો પર કે એકાઉન્ટ પર ક્લિક કરતાં, તે ભાગ એક્સપાન્ડ થશે અને વધુ વિગતો જોવા મળશે.
જેમ કે તમારા એકાઉન્ટનું નામ, મુખ્ય ઈ-મેઇલ, એકાઉન્ટને મેનેજ કરવા માટેની લિંક, પાસવર્ડ બદલવાની લિંક, આપણે જે અલગ અલગ એપ્લિકેશન્સ કે સાઇટમાં, જે મોબાઇલ કે ટેબલેટમાં ગૂગલના એકાઉન્ટમાં સાઇન-ઇન થયા હોઈએ તેની વિગતો વગેરે જાણવા મળે છે. આ વિગતો વારંવાર ધ્યાનથી તપાસતા રહેવી જોઈએ.
તે ઉપરાંત, છેલ્લા ૨૮ દિવસમાં, આપણે ક્યારે ક્યારે એકાઉન્ટમાં, કયા સ્થળે, કયા બ્રાઉઝરમાં, કયા પ્લેટફોર્મ (વિન્ડોઝ, એન્ડ્રોઇડ વગેરે)માં સાઇન-ઇન થયા તે જોઈ શકાય છે. તેનું ફૂલ લિસ્ટ જોતાં, આપણે ભારતમાં હોઈએ અને બીજા કોઈ દેશમાંથી પણ આપણા એકાઉન્ટમાં લોગ-ઇન થયું હોવા જેવું કંઈ પણ શંકાસ્પદ દેખાય તો આપણે તરત આગળનાં પગલાં લઈ શકીએ છીએ (આ વિશે વધુ વિગતો આગળ આપી છે).
અહીં આપણે જે જે ડિવાઇસ, એટલે કે સ્માર્ટફોન, ટેબલેટ વગેરેને આપણા ગૂગલ એકાઉન્ટને એક્સેસ કરવાની મંજૂરી આપી હોય તેની યાદી પણ જોવા મળે છે.
અહીં જો તમે જેનો ઉપયોગ બંધ કરી દીધો હોય (કે વેચી દીધો હોય) તેવા મોબાઇલનું નામ પણ જોવા મળે તો તેને આપેલી ‘એક્સેસ રીવોક’ કરી શકીએ છીએ, એટલે કે મંજૂરી પાછી ખેંચી શકીએ છીએ.
આવા સાધન માટે ડેશબોર્ડ આપણને જાણ કરે છે કે પાછલા કમ સે કમ ૬૦ દિવસથી આ સાધનના એકાઉન્ટમાં કોઈ એક્ટિવિટી થઈ નથી.
એડસેન્સ
જો તમે ગૂગલ એડસેન્સનો ઉપયોગ કરતા હો, એટલે કે તમારા પોતાના બ્લોગ કે વેબસાઇટ પર ગૂગલની જાહેરાતો મૂકીને તમે તેમાંથી કમાણી કરતા હો તો તેની ઝીણવટભરી માહિતી અહીં જોઈ શકાય છે.
એલર્ટ્સ
ગૂગલની આ સર્વિસથી તમે માહિતગાર હશો, (‘સાયબરસફર’માં આપણે તેની વાત કરી ગયા છીએ). સમગ્ર વેબજગતમાં કોઈ ચોક્કસ બાબત વિશે કંઈ પણ નવી માહિતી મૂકાય તો તેની માહિતી આપણને ઈ-મેઇલ દ્વારા મળે તે માટે આપણે ગૂગલ એલર્ટ ગોઠવી શકીએ છીએ.
અહીંથી આપણે આપણે ગોઠવેલા એલર્ટ મેનેજ કરી શકીએ છીએ અને નવા ઉમેરી શકીએ છીએ.
એનાલિટિક્સ
તમારા પોતાના બ્લોગ કે વેબસાઇટ (કે તમે જેના માટે કામ કરતા હો તેવો અન્યનો બ્લોગ કે વેબસાઇટ) પરના ટ્રાફિક વિશે ગૂગલ એનાલિટિક્સની સર્વિસથી અનેક પ્રકારની માહિતી અને ઇનસાઇટ્સ મેળવી શકાય છે. આપણે જે જે સાઇટ માટે એનાલિટિક્સ મેળવી રહ્યા હોઈએ તે તમામની માહિતી અને સેટિંગ્સ અહીંથી મેળવી શકાય છે.
એન્ડ્રોઇડ
તમે જે જે એન્ડ્રોઇડ ડિવાઇસને ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલ હોય તે દરેકની વિગતવાર માહિતી અહીંથી મળશે. એ ડિવાઇસને તમે આપેલું નામ, તેનો આઇએમઇઆઇ નંબર, મોડેલ નંબર, મેન્યુફેક્ચરર કંપની, તમે જે કંપનીનું સિમકાર્ડ વાપરતા હો તેનું નામ, એ ડિવાઇસ પર છેલ્લે કઈ તારીખે તમારું એકાઉન્ટ એક્ટિવ હતું, કઈ તારીખે તમે એ ડિવાઇસ પર તમારું એકાઉન્ટ રજિસ્ટર કર્યું હતું, એ ડિવાઇસમાંની કઈ કઈ એપ્લિકેશનનો બેક-અપ ગૂગલના સર્વિસ પર સચવાયેલો છે… વગેરે બધી માહિતી અહીં મળે છે.
મેનેજ એક્ટિવ ડિવાઇસીઝની લિંક પર ક્લિક કરશો તો તમે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરમાં દાખલ થશો અને ત્યાંથી તમારા ડિવાઇસને દૂર બેઠે બેઠે પણ મેનેજ કરી શકશો ( આ સગવડ વિશે ‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૩ અંકમાં આપણે મુદ્દાસર વાત કરી છે).
ઓડિયો
તમે જાણતા જ હશો તેમ હવે આપણે સ્માર્ટફોન કે ટેબલેટને વોઇસથી હુકમ આપી શકીએ છીએ અને કે પછી કમ્પ્યુટર સાથે પણ ‘વાતચીત’ કરી શકાય છે. આવા આપણા ઓડિયો કમાન્ડ્સની હિસ્ટ્રી અહીંથી તપાસી શકાય છે અને જે એન્ટ્રી ચાહો તેને ડિલિટ કરી શકો છો.
બ્લોગર
જો તમે ગૂગલની લોકપ્રિય બ્લોગર સર્વિસ પર તમારો (કે તમારા!) બ્લોગ ચલાવતા હો તો બ્લોગર પરનો તમારો પ્રોફાઇલ અને બ્લોગને મેનેજ કરવાની લિંક પણ અહીંથી મળે છે.
કેલેન્ડર
આજની બિઝી લાઇફને મેનેજ કરવામાં ગૂગલ કેલેન્ડર પીસી અને મોબાઇલ ડિવાઈસ બંનેમાં ખૂબ ઉપયોગી થાય છે. અહીં તમે તમારાં તમામ કેલેન્ડર, તેમાં સૌથી છેલ્લે ઉમેરેલી માહિતી વગેરે જોઈ શકો છો અને કેલેન્ડર તથા મોબાઇલ ડિવાઇસીઝને મેનેજ કરી શકો છો.
ક્રોમ સિન્ક
જો તમે ક્રોમમાં સાઇન-ઇન થઈને પછી તેનો ઉપયોગ કરતા હો અને પીસી અને મોબાઇલ ડિવાઇસીઝ બધે ક્રોમના ઉપયોગ સાથે તેને સિન્ક્ડ રાખતા હો તો તમારા સેવ કરેલા બધા પાસવર્ડ, એક્સટેન્શન્સ, તમારાં સેટ્ંિગ્સ, ઓમ્નિબોક્સમાંની હિસ્ટ્રી, બુકમાર્ક વગેરેની સંખ્યા અહીં જોઈ શકો છો અને એક ક્લિકથી બધી હિસ્ટ્રી ક્લિયર કરી શકો છો.
કોન્ટેક્ટ્સ
તમારા ગૂગલ કોન્ટેક્ટ્સમાંના કુલ કોન્ટેક્ટ્સની સંખ્યા, સૌથી વધુ કઈ વ્યક્તિનો સંપર્ક કરો છો વગેરે માહિતી ઉપરાંત, કોન્ટેક્ટસને મેનેજ કરવાની લિંક અહીંથી મળશે. ક્યારેક ક્યારેક આ તરફ નજર ફેરવતા રહેવું જરુરી છે!
ડોક્સ
ગૂગલ ડોક્સમાં તમે કેટલાં ડોક્યુમેન્ટસ ક્રિએટ કર્યાં છે, તમારી સાથે કેટલાં ડોક્યુમેન્ટ્સ શેર થયેલાં છે વગેરે માહિતી ઉપરાંત તેમને મેનેજ કરવાની લિંક પણ અહીં મળશે.
ફીડબર્નર
તમે તમારા બ્લોક કે વેબસાઇટ પર ફીડબર્નરની મદદથી આરએસએસ ફીડ ક્રિએટ કરીને બીજા લોકો સાથે શેર કરતા હો તો તેને લગતી માહિતી અહીંથી મળશે.
જીમેઇલ
આ વિભાગ તમને કદાચ સૌથી વધુ નવાઈજનક જાણકારી આપશે, તમારા પોતાના વિશે! જેમ કે તમે તમારા જીમેઇલ એકાઉન્ટમાં કુલ કેટલા મેઇલ્સ છે, કેટલા ઇનબોક્સમાં છે, સેન્ટ મેઇલના ફોલ્ડરમાં કેટલા મેઇલ્સ છે, વગેરે બધું અહીં જોઈ શકશો. તમે જીમેઇલ ચેટનો ઉપયોગ કરતા હો તો તેની હિસ્ટ્રી અને અન્ય સેટિંગ્સ અહીંથી પણ એક્સેસ થઈ શકશે.
ગૂગલ ફોટોઝ, ગૂગલ પ્લસ
ગૂગલ ફોટોઝના તમારા એકાઉન્ટમાં કેટલા ફોટોગ્રાફ, આલ્બમ વગેરે છે, તેમાંથી કેટલા પબ્લિક છે વગેરે માહિતી ઉપરાંત, ફેસ ટેગ્સ અને અન્ય સેટિંગ્સ અહીંથી કરી શકાશે. એ જ રીતે ગૂગલ પ્લસના એકાઉન્ટ અને તેમાં તમે ક્રિએટ કરેલાં પેજીસની માહિતી મળશે.
ગ્રૂપ્સ
ઘણા લોકોની જેમ તમારી પણ ફરિયાદ હોય કે તમારા જીમેઇલના ઇનબોક્સમાં પાર વગરના અનેક ઈ-મેઇલ્સ ઠલવાયા કરે છે, તો તેનું એક કારણ હોય છે આ ગૂગલ ગ્રૂપ્સ.
લોકો તમને પોતાના ગ્રૂપમાં ઇન્વાઇટ કરી શકે છે અથવા તમે પોતે ક્યારેક જાણે-અજાણ્યે તેમાં સામેલ થઈ ગયા હો છો. અહીં તમને જે ગ્રૂપ્સ તરફથી મેઇલ્સ આવી રહ્યા હોય તેની યાદી જોવા મળશે અને તમે તે ગ્રૂપ છોડી શકો છો.
લોકેશન હિસ્ટ્રી અને ગૂગલ મેપ્સ
તમે તમારા મોબાઇલમાં લોકેશન હિસ્ટ્રી ઇનેબલ્ડ રાખતા હશો તો ગૂગલ મેપ પર, કઈ તારીખે, કેટલા વાગ્યે તમે કયા સ્થળે હતા એ અહીં જાણી શકો છો! એટલું જ નહીં, તમારી મૂવમેન્ટને કેએમએલ ફાઇલ સ્વપે ડાઉનલોડ કરીને ગૂગલ અર્થ પર પણ જોઈ શકો છો. ગૂગલ મેપ પર તમે સેવ કરેલાં લોકેશન્સ અને અન્ય વિગતો અહીં તપાસી શકાય છે.
પેકેજ ટ્રેકિંગ
ગૂગલ નાઉ અને ગૂગલ વોલેટની મદદથી તમે ઓનલાઇન શોપિંગ માટે ઓર્ડર કરેલાં પેકેજ ટ્રેક કરી શકો છો, તેની માહિતી અહીંથી મળશે કે આ સુવિધાનો ઉપયોગ અહીંથી બંધ પણ કરી શકાશે.
પ્લે મ્યુઝિક
ગૂગલની મ્યુઝિક સર્વિસથી તમે જુદાં જુદાં ડિવાઇસમાંની મ્યુઝિક ફાઇલ્સ સિન્ક કરી હશે તો તેની વિગતો અહીં જાણવા મળશે.
પ્લે સ્ટોર
ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે જેટલી એપ્સ ઇન્સ્ટોલ કરી હોય તે તમામની સંખ્યા અને લેટેસ્ટ ઇન્સ્ટોલ કરેલ એપ અહીં જોઈ શકાય છે. અહીંથી જ પ્લે સ્ટોરમાં માય એપ્સ વિભાગમાં જઈને તમે તમારી તમામ એપ્સ તપાસી અને મેનેજ કરી શકો છો.
પ્રોફાઇલ
તમને કદાચ જાણ નહીં હોય, પણ ગૂગલ પ્રોફાઇલમાં તમારી ઘણી બધી માહિતી સચવાયેલી હોય છે અને તમે કરેલા સેટિંગ અનુસાર ઘણી બધી માહિતી પબ્લિક પણ હોઈ શકે છે. અહીંથી તમે તમારા પ્રોફાઇલમાંની વિગતો એડિટ કરી શકો છો.
સર્ચ હિસ્ટ્રી
આ વિભાગમાં તમે મોબાઇલ કે પીસીમાં ગૂગલ એકાઉન્ટથી લોગ્ડ-ઇન હો ત્યારે તમે જે કંઈ ગૂગલિંગ કરો – વેબ, ઇમેજીસ, ન્યૂઝ, શોપિંગ, વીડિયો, મેપ્સ, બુક્સ વગેરે તમામ માટેની વિગતો અહીં મળશે. છેલ્લા ૨૮ દિવસમાં જે કંઈ સર્ચ કર્યું હોય તેની હિસ્ટ્રી અહીં જોઈ શકાશે અને અહીંથી જ ડિલીટ પણ કરી શકાશે.
યુટ્યૂબ
સર્ચની જેમ, યુટ્યૂબ પરની તમારી બધી પ્રવૃત્તિઓ અહીં રેકોર્ડ થાય છે! તમારું યુટ્યૂબ એકાઉન્ટ મેનેજ કરો, તમે પોતે અપલોડ કરેલા વીડિયો જુઓ, છેલ્લા ૨૮ દિવસમાં તમે કેટલા વીડિયો જોયા વગેરે તપાસો અને હા, તમારી હિસ્ટ્રી પણ મેનેજ કરવી હોય તો એ અહીં શક્ય છે.
તો આ રીતે આપણે તપાસી શકીએ કે ગૂગલ આપણા વિશે કેટલું જાણે છે અને આપણે પોતે ગૂગલ પર આપણા વિશે કેટલું જાણીએ છીએ.
ગૂગલ ડેશબોર્ડમાં કંઈ પણ શંકાસ્પદ જણાય તો શું કરવું?
આપણા એકાઉન્ટની સલામતી માટે આપણા ડેશબોર્ડ પર મુખ્યત્વે ત્રણ બાબત પર નજર રાખવી જરુરી છે.
સ્થળ : આપણે ભારતમાં રહેતા હોઈએ અને અચાનક ઓસ્ટ્રેલિયા કે નાઇજિરિયામાંથી આપણા એકાઉન્ટમાં સાઇન-ઇન થયું હોવાનું જાણવા મળે.
બ્રાઉઝર અને પ્લેટફોર્મ : આપણે જેનો રોજિંદો ઉપયોગ કરતા હોઈએ તે ક્રોમ, ફાયરફોક્સ વગેરે ઉપરાંત કોઈ નવા જ બ્રાઉઝરમાંથી સાઇન-ઇન થવાનું જાણવા મળે, અથવા આપણે ફક્ત એન્ડ્રોઇડ અને વિન્ડોઝનો ઉપયોગ કરતા હોઈએ,પણ આઇફોન પરથી સાઇન-થયું હોવાનું જાણવા મળશે.
ઇમેઇલની સંખ્યા : આપણે સામાન્ય રીતે ઈ-મેઇલનો જેટલો ઉપયોગ કરતા હોઈએ તેના કરતાં, આપણા ઈમેઇલમાંથી મોકલાયેલા કે આવેલા ઇ-મેઇલની સંખ્યામાં અચાનક ઉછાળો જોવા મળે તો પણ ચેતી જવું.
કંઈ પણ શંકાસ્પદ ધ્યાનમાં આવે તો, ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન હોઈએ ત્યારે જમણી તરફ ઉપરના છેડે આપણા ફોટોગ્રાફ પર ક્લિક કરી, એકાઉન્ટ પર ક્લિક કરીને, સિક્યુરિટી ચેકઅપમાં જઈ, સિસ્ટમની સલાહ મુજબ, જુદાં જુદાં પગલાં લઈને આપણાં સિક્યુરિટી સેટિંગ્સ તપાસી લેવાં જરુરી છે.
આ રીતે ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સના પેજ પર સિક્યુરિટી ચેકઅપ વિભાગમાં પહોંચીને ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો (તમારે ફરી પાસવર્ડ આપવો પડશે).
અહીં સૌથી પહેલાં શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે આપણું ધ્યાન દોરી શકાય તે માટે અને ભૂલી એકાઉન્ટ લોક થઈ જાય તો તેની રીકવરી માટે ગૂગલ આપણો ફોન નંબર અને રીકવરી ઇ-મેઈલ જાણવા મળશે.
એ આપ્યા પછી, ગૂગલ ફરી આપણી તાજેતરની પ્રવૃત્તિ જણાવશે, જેમાં જુદાં જુદાં સાધન, પીસી, સ્માર્ટફોન, ટેબલેટ વગેરેમાં છેલ્લે કઈ તારીખે, ક્યાંથી લોગ-ઇન થયા હતા તે જણાવશે. એટલું યાદ રાખશો કે ગૂગલ લોકેશન આઇપી એડ્રેસ પરથી નક્કી કરે છે એટલે તે ગુજરાતને બદલે મુંબઈ, મહારાષ્ટ્ર એવું બતાવી શકે છે, પણ મુંબઈને બદલે બીજા કોઈ દેશનું લોકેશન બતાવે તો વાત ચિંતાજનક. બાકીનું બધું બરાબર હોય તો આગળ વધો. બાકી, ‘સમથિંગ લૂક્સ રોંગ’ બટન પર ક્લિક કરી, તરત તમારો પાસવર્ડ બદલી નાખો.

અહીંથી આગળ વધશો એટલે કયા કયા ડિવાઇસ પર તમે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છો તે ફરી જાણવા મળશે. ડેશબોર્ડ પર આપણે તે બધું જોયું જ હતું, પણ આપણને કશુંક લાગ્યું હતું એટલે આપણે બધું ફરી તપાસવું પડશે! આપણે કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દીધો હોય, પણ ગૂગલ એકાઉન્ટની એક્સેસ તેમાં ચાલુ હોય તો તે અહીંથી દૂર કરી શકાશે.
હવે તમે એપ્સના પાસવર્ડ તપાસી શકો છો. જે એપ્સ ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ ન કરતી હોય તેના માટે નવા પાસવર્ડ જનરેટ કરી શકાય છે. આ મુદ્દો ન સમજાય તો તેનો મતલબ કે તમે એનો ઉપયોગ કરતા જ નથી, એને અવગણીને આગળ વધો!
હવે આપણે સૌથી મહત્ત્વના તબક્કે આવીએ છીએ. આપણે વારંવાર ગૂગલ કે બીજી સર્વિસીઝ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો લાભ લેવાની વાત કરી છે. જો તમે તેનો લાભ લેતા હો તો અહીં તેનાં સેટિંગ્સ તપાસી શકાશે.
તમને કયા મોબાઇલ નંબર પર વેરિફિકેશન ટેક્સ્ડ કે કોલ મળે છે, બેકઅપ ફોન નંબર કયો છે, ફોન ઉપલબ્ધ ન હોય ત્યારે ઉપયોગી બેકઅપ કોડ વગેરે અહીંથી જાણી શકાશે. આટલું તપાસીને તમે તમારા ગૂગલ એકાઉન્ડને સલામત બનાવી શકો છો!

