ઇન્ટરનેટ પર અત્યારે એક રસપ્રદ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોતાના સર્ચ એન્જિનની મદદથી વેબજગત પર રાજ કરતા ગૂગલને પોતાની પહોંચથી સંતોષ નથી એટલે એ થોડા થોડા સમયે સોશિયલ મીડિયામાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ કરે છે. ગૂગલ બઝના નિષ્ફળ પ્રયાસ પછી ગૂગલ પ્લસને સારી એવી સફળતા મળતાં ગૂગલને પક્ષે જોર વધ્યું છે. સામે પક્ષે સોશિયલ મીડિયાની જાયન્ટ કંપની ફેસબુક હવે સર્ચના ફિલ્ડમાં પોતાની પહોંચવા વધારવા માગે છે!
ખબર આવ્યા છે કે ફેસબુક હવે પોતાના સર્ચ એન્જિનને વધુ મજબૂત બનાવવા માગે છે, જેથી ફેસબુક યુઝર્સને કશું પણ શોધવા માટે ફેસબુકની બહાર (મતલબ કે ગૂગલ પર!) જવાની જરુર ન રહે. અત્યાર સુધી ફેસબુક માટે સર્ચ અગત્યનો વિષય નહોતો. ફેસબુકના સર્ચ બોક્સની મદદથી આપણે બીજા ફેસબુક યુઝર્સને શોધી શકીએ, કે જુદી જુદી બ્રાન્ડનાં ફેસબુક પેજીસ સુધી પહોંચી શકીએ, પણ એથી વિશેષ, સર્ચની રીતે એ મદદપ નથી. ફેસબુકના આ નવા સર્ચ પ્રોજેક્ટને ગૂગલના એક ભૂતપૂર્વ એન્જિનિયર લીડ કરી રહ્યા છે.
બીજી એક આડવાત પણ જાણી લો – ગ્લાસડોર નામની એક કરિયર વેબસાઇટ દર વર્ષે કઈ કંપની તેના કર્મચારીઓને સૌથી વધુ સંતોષ આપે છે એનો સર્વે કરે છે. છેલ્લાં ચાર વર્ષથી આ બાબતે ફેસબુક ગૂગલ કરતાં આગળ હતી, પણ આ વર્ષે રિથતિ બદલાઈ છે!

