વોટ્સએપ એપ ફેસબુકને વેચાઈ નહોતી ત્યાં સુધી તેનું કામ બહુ સીધું સાદું હતું – ફટાફટ અને બહુ સહેલાઈથી જુદા જુદા લોકો કે ગ્રૂપ્સ વચ્ચે મેસેજીસની આપલે કરવાનું કામ.
ફેસબુકે તેને ખરીદ્યા પછી તેમાં સતત નવાં નવાં ફીચર્સનો ઉમેરો થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તેમાં, આપણી આંખને રાહત આપતો ડાર્ક મોડ પણ ઉમેરાઈ રહ્યો છે, પણ એથી પણ વધુ ચર્ચા જાગે એવું એક ફીચર તેમાં આવી રહ્યું છે – મેસેજના સેલ્ફ-ડિસ્ટ્રક્શનની સગવડ આપતું ફીચર.
સ્નેપચેટ એપ આ જ સગવડને કારણે, ખાસ કરીને ટેનેજર્સમાં, ખાસ્સી પોપ્યુલર થઈ છે.
વોટ્સએપના બીટા વર્ઝનમાં આ સગવડ ઉમેરાઈ ગઈ છે. તેનો લાભ લઈને કોઈ પણ યૂઝર પોતે મોકલેલો મેસેજ અમુક નિશ્ર્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થાય એવું સેટિંગ કરી શકશે.
અલબત્ત, ડાર્ક મોડ અને સેલ્ફ-ડિસ્ટ્ર્ક્શન બંને ફીચર બધા યૂઝરને ક્યારે મળશે તેની કોઈ સ્પષ્ટતા નથી.
