આગળ શું વાંચશો?
- ઝિયોમીનો ઓનલાઈન સ્ટોર
- હવે વિન્ડોઝ ૧૦
- યુટ્યૂબફોર કિડ્સ

સૌથી સસ્તો નોકિયા લૂમિયા ફોન
માઇક્રોસોફ્ટ કંપનીએ નોકિયા કંપની હસ્તગત કર્યા પછી, સ્માર્ટફોન માર્કેટ પર પકડ જમાવવાની કોશિશ વધુ તેજ કરી છે. એના ભાગરુપે, એપ્રિલ મહિનામાં માંડ રૂા. ૪૪૦૦માં નોકિયા લૂમિયા ૪૩૦ ફોન મળવા લાગે તેવી શક્યતા છે. આ સૌથી ઓછી કિંમતનો વિન્ડોઝ સ્માર્ટફોન હશે.
કિંમત આટલી ઓછી હોવા સ્પેકિફિકેશન નબળાં નથી. ૪ ઇંચનો ડિસ્પ્લે, ડ્યુઅલ કોર ૧.૨ ગીગાહર્ટ્ઝનું પ્રોસેસર, ૧ જીબી રેમ અને ૮ જીબીની ઇન્ટરનલ મેમરી, જેને ૧૨૮ જીબી સુધી માઇક્રોએસડી કાર્ડથી એક્સપાન્ડ કરી શકાય! ફોનમાં ૩જી સહિત બધા પ્રકારની કનેક્ટિવિટી છે, ફક્ત કેમેરા અને બેટરી નબળાં છે. વિન્ડોઝ ૧૦ આવી જાય ત્યારે તેનું અપડેટ મળવાની પણ ખાતરી છે.
સસ્તા ફોન આપવાની દિશામાં માઇક્રોસોફ્ટ કંપની હજી એક ડગલું આગળ વધી છે. કંપનીએ નોકિયા ૨૧૫ નામે ફક્ત રૂા. ૨,૧૮૪માં ફોન લોન્ચ કર્યો છે. આ ફોન આમ તો બધી રીતે સ્માર્ટફોન કહી શકાય એમ નથી અને ફિચર ફોન છે, પણ તેમાં વેબએક્સેસ શક્ય છે અને ફેસબુક અને મેસેન્જર પ્રીલોડેડ છે, એટલું જ નહીં, ફેસબુકનો ૧૧ ભારતીય ભાષામાં ઉપયોગ કરી શકાય છે!
બીજી એક વાત, એપલમાં સિરી છે, એન્ડ્રોઇડમાં ગૂગલ નાઉ છે અને વિન્ડોઝ ફોનમાં? વિન્ડોઝમાં કોટર્નિા નામે ઇન્ટેલિજન્ટ પર્સનલ આસિસ્ટન્ટની સુવિધા મળે છે, જેની મદદથી આપણે વોઇસ કમાન્ડથી કોલ કરી શકીએ, ટેક્સ્ટ મેસેજ મોકલી શકીએ કે વેબ સર્ચ કરવા જેવાં કામ કરી શકીએ. આ તો બેકગ્રાઉન્ડ થયું, મૂળ વાત એ છે કે માઇક્રોસોફ્ટ કંપની પોતાની આ શોધ એક અલગ એપ તરીકે એન્ડ્રોઇડ અને આઇઓએસમાં પણ આપવા માગે છે!
ઝિયોમીનો ઓનલાઇન સ્ટોર
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઝિયોમી કંપનીએ અત્યાર સુધી ભારતમાં તેના એક્સક્લુઝિવ ઓનલાઇન પાર્ટનર ફ્લિપકાર્ટ પર ફ્લેશ ઓનલાઇન સેલથી તો તહેલકો મચાવ્યો છે, પણ હવે કંપની સાદા સ્ટોરમાં પણ પોતાના ફોન વેચવા લાગી છે, કંપનીએ ભારત માટે પોતાનો ઓનલાઇન સ્ટોર (http://www.mi.com/in/) પણ શરુ કર્યો છે અને ભારતમાં વધતી ડિમાન્ડને પહોંચી વળવા, ભારતમાં જ ફેક્ટરી નાખવાનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે!
હવે વિન્ડોઝ ૧૦
વિન્ડોઝ ૧૦ વર્ઝન સૌ માટે, એક સાથે ૧૯૦ દેશમાં અને ૧૧૧ ભાષામાં લોન્ચ થઈ રહ્યું છે, આ ઉનાળામાં કે ઓગસ્ટ સુધીમાં લોકોને નવું વિન્ડોઝ મળવા લાગશે. જાન્યુઆરી મહિનામાં માઇક્રોસોફ્ટે જાહેરાત કરી હતી કે વિન્ડોઝ ૭ કે તેનાથી ઊંચું વર્ઝન ધરાવતા લોકોને કંપની બિલકુલ ફ્રીમાં વિનડોઝ ૧૦ આપશે.
એવી પણ વાત આવી છે કે જો તમે પાઇરેડેટ વિન્ડોઝ વાપરતા હો તો પણ વિન્ડોઝ ૧૦ અપગ્રેડ ફ્રીમાં મળશે!
યે બાત કુછ હજમ નહીં હુઈ? દેખીતી રીતે, આમાં કેટલીક શરતો અને નિયમો છે, એની વાત જ્યારે વિન્ડોઝ ૧૦ ખરેખર મળવા લાગશે ત્યારે કરીશું!
યુટ્યૂબ ફોર કિડ્ઝ
યુટ્યૂબનું ખાસ બાળકો માટેનું વર્ઝન આવી રહ્યું છે એવા સમાચાર લાંબા સમયથી આપણે સાંભળી રહ્યા હતા, હવે એ હકીકત બન્યા છે.
અલબત્ત, યુટ્યૂબ ફોર કિડ્ઝ એપ અત્યારે ફક્ત યુએસમાં લોન્ચ થઈ છે, આપણે થોડી રાહ જોવી પડશે. ગૂગલ વિવિધ રીતે શિક્ષણમાં ઇન્ટરનેટના ઉપયોગને પ્રોત્સાહન આપે છે, પણ ખાસ બાળકોને જ ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ હોય એવી આ ગૂગલની પહેલી પ્રોડક્ટ મનાય છે.

