ફેસબુક કંપની મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને એકમેક સાથે જોડી દેશે એવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ફેસબુકે આ દિશામાં હમણાં એક ડગલું માંડ્યું છે.
વોટ્સએપ પર તેના યૂઝર્સ ૨૪ કલાક સુધી સૌને દેખાય એવી રીતે સ્ટેટસ મૂકી શકે છે. આ સ્ટેટસ હવે યૂઝર ઇચ્છે તો ફેસબુકના સ્ટોરી સેકશનમાં પણ મોકલી શકશે. ફીચરની દૃષ્ટિએ વોટ્સએપમાં સ્ટેટસ અને ફેસબુકમાં સ્ટોરી બંને સરખાં છે. વોટ્સએપની જેમ જ વોટ્સએપમાંથી ફેસબુક પર શેર કરેલી સ્ટોરી ૨૪ કલાક સુધી સૌને દેખાશે.
વોટ્સએપમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપમાં આ ફીચર રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે.
વોટ્સએપ સ્ટેટસને ફેસબુક સ્ટોરીઝમાં શેર કરવા માટે…
વોટ્સએપમાં નવું સ્ટેટસ ક્રિએટ કરો.
‘માય સ્ટેટસ’માં ‘શેર ટુ ફેસબુક સ્ટોરી’ના વિકલ્પ પર ક્લિક કરો.
આથી વોટ્સએપમાંથી ફેસબુક એપ ઓપન થશે.
અહીં આપણે જે ઓડિયન્સ સાથે આપણું સ્ટેટસ શેર કરવું હોય તેને પસંદ કરીને ‘શેર નાઉ’ બટન ક્લિક કરવાનું રહેશે.
આ રીતે વોટ્સએપમાં પહેલેથી શેર કરેલ કોઈ સ્ટેટસ પણ ફેસબુક પર શેર કરી શકાશે.

