લેસરનાં ‘એકાગ્ર’ કિરણોનું સર્જન : ૧૬ મે, ૧૯૬૦
‘લાઇટ એમ્પ્લિફિકેશન બાય ધ સ્ટિમ્યુલેટેડ એમિશન ફોર રેડિએશન’ ટૂંકમાં LASERનું સૈદ્ધાંતિક અસ્તિત્વ ઘણા સમયથી ચચર્તિું હતું. જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા પદાર્થના અણુઓ ઉત્તેજિત (સ્ટિમ્યુલેટ) થઈને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે કિરણોત્સર્ગ (રેડિએશન) પેદા (એમિટ) થાય. તેને પ્રકાશ (લાઇટ)માં ફેરવી શકાય, તો એ પ્રકાશનાં કિરણો એકસરખી તરંગલંબાઈનાં હોય. તેમના માટેનો ટૂંકાક્ષરી શબ્દ ‘લેસર’ કોલમ્બિયા યુનિવર્સિટીના ગોર્ડન ગોલ્ડે બનાવ્યો હતો, પણ લેસરનું વ્યવહારુ મોડેલ પહેલવહેલું થિયોડોર માઇમેને બનાવ્યું અને તેના પેટન્ટ પણ મેળવી લીધા. માઇમેને માણેક (રુબી)માંથી લેસરનો પહેલો શેરડો પેદા કર્યો ત્યારે તેમને પણ અંદાજ નહીં હોય કે લેસર તબીબીથી લશ્કરી સુધીનાં અનેક ક્ષેત્રોમાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે. પાંચ જુદી જુદી લેસરકેન્દ્રી શોધો બદલ તેના શોધકોને ૧૯૬૪, ૧૯૭૧, ૧૯૮૧, ૧૯૯૭ અને ૨૦૦૦માં ભૌતિકશાસ્ત્ર માટેનાં નોબેલ પારિતોષિક મળ્યાં.
વધુ માહિતી:http://www.laseruses.com/
