ફેસબુકને લાગે છે કે પોસ્ટને ‘અપૂરતી’ લાઇક્સ મળવાથી ઘણા લોકો ફેસબુકથી દૂર જતા જાય છે, આથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં લાઇક્સની સંખ્યા ન બતાવવાનું ટેસ્ટિંગ શરૂ થયું છે.
આગળ શું વાંચશો?
- વોટ્સએપ સ્ટેટસ ફેસબુકમાં પણ શેર કરો
જેમ આખા ઇન્ટરનેટનું અર્થતંત્ર આપણી પસંદ-નાપસંદ જાણી, જુદી જુદી એડ બતાવીને ચાલે છે, એ જ રીતે ફેસબુકની અત્યાર સુધીની ઓળખ, તેના લાઇક બટનથી છે. ઘણે અંશે ફેસબુકનું અર્થતંત્ર પણ તેના આ લાઇક બટનથી જ ચાલે છે, પણ એક નવા સમાચાર મુજબ, ફેસબુક આપણી પોસ્ટ્સ સાથે તેને કેટલી લાઇક્સ મળી એ દર્શાવવાનું બંધ કરે તેવી શક્યતા છે!
આંચકો લાગ્યો? આ જાણીને તમે રાજી થયા કે નારાજ થયા? જો તમે ફેસબુક પર કંઈ પણ પોસ્ટ કરો અને તેને ધડાધડ ઢગલાબંધ લાઇક્સ મળી જતી હોય, તો દેખીતું છે કે લાઇક્સની સંખ્યા બતાવવાનું બંધ કરવામાં આવે તો તમે નારાજ થાઓ. પરંતુ, ફેસબુક પર એક બહુ મોટો વર્ગ એવો છે, જે તેમની પોસ્ટ્સને ધારી લાઇક્સ ન મળે કે પોતાના મિત્રોને વધુ લાઇક્સ મળતી જુએ તો નિરાશ થાય છે અને લાંબા ગાળે હતાશામાં ડૂબતા જાય છે! ફેસબુક પર લાઇક્સ ઇર્ષા અને હતાશા બંનેનું કારણ બને છે.
જ્યારે લોકો મોટી અપેક્ષા સાથે કંઈક પોસ્ટ કરે અને તેને પૂરતી લાઇક્સ મળે તો તેઓ એ પોસ્ટને ડિલીટ કરી નાખે છે કે ધીમે ધીમે ફેસબુકથી જ દૂર જતા જાય છે. આ બંને મુદ્દા ફેસબુકની લોકપ્રિયતાને નુકસાન કરી શકે છે. કદાચ એટલે પણ, ફેસબુક કંપની લાઇક્સની સંખ્યા બતાવવાનું બંધ કરવામાં આવે તો યૂઝર્સ પર અને ફેસબુકના ઓવરઓલ બિઝનેસ પર શી અસર થાય તે તપાસી રહી છે.
હાલમાં ઇન્ટાગ્રામ પર પણ, સાત દેશમાં આ જ રીતે, લાઇક્સ દર્શાવવાનું બંધ કરવાનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. હા, તમે જે ફોટો કે વીડિયો શેર કર્યા તેને કેટલી લાઇક્સ મળી તે પોતે જાણી શકો છો, પણ બીજા લોકો આ સંખ્યા જાણી શકતા નથી! કેનેડાથી શરૂઆત કરીને ઇન્સ્ટાગ્રામ પર અત્યારે આયર્લેન્ડ, ઇટાલી, જાપાન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લાઇક કાઉન્ટ બતાવવાનું બંધ કરવાનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જોકે કેનેડા જેવા કેટલાક દેશમાં અમુક યૂઝર્સને હવે ફરીથી લાઇક્સની સંખ્યા જોવા મળી રહી છે!
ફેસબુક કંપનીએ આ વિશે માત્ર એટલું કન્ફર્મ કર્યું છે કે હાલમાં જુદા જુદા દેશમાં ઇન્સ્ટાગ્રામ પર આવો પ્રયોગ ચાલી રહ્યો છે અને ફેસબુક માટે પણ આ મુદ્દો વિચારણા હેઠળ છે. એક ટેક એક્સપર્ટે ફેસબુકની એન્ડ્રોઇડ એપમાં લાઇક કાઉન્ટ્સ હિડન રહેતા હોય એવો ડ્રાફ્ટ કોડ શોધી કાઢ્યો છે.
એ નિશ્ચિત છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જીવાદોરી લાઇક્સ જ છે. તેને કાપવાથી લોકો આ પ્લેટફોર્મ્સ પર હજી વધુ પ્રમાણમાં શેરિંગ કરતા થાય અને ફેસબુકની આવક પર કોઈ વિપરિત અસર ન થતી હોવાની એફબીને ખાતરી થાય તો જ ભવિષ્યમાં આપણા એફબી પરથી લાઇક્સ ગાયબ થશે, ત્યાં સુધી લાઇક્સ જોઈને રાજી કે નારાજ થતા રહો!
વોટ્સએપ સ્ટેટસ ફેસબુકમાં પણ શેર કરો
ફેસબુક કંપની મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને એકમેક સાથે જોડી દેશે એવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ફેસબુકે આ દિશામાં હમણાં એક ડગલું માંડ્યું છે.
વોટ્સએપ પર તેના યૂઝર્સ ૨૪ કલાક સુધી સૌને દેખાય એવી રીતે સ્ટેટસ મૂકી શકે છે. આ સ્ટેટસ હવે યૂઝર ઇચ્છે તો ફેસબુકના સ્ટોરી સેકશનમાં પણ મોકલી શકશે. ફીચરની દૃષ્ટિએ વોટ્સએપમાં સ્ટેટસ અને ફેસબુકમાં સ્ટોરી બંને સરખાં છે. વોટ્સએપની જેમ જ વોટ્સએપમાંથી ફેસબુક પર શેર કરેલી સ્ટોરી ૨૪ કલાક સુધી સૌને દેખાશે.
વોટ્સએપમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપમાં આ ફીચર રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે.
વોટ્સએપ સ્ટેટસને ફેસબુક સ્ટોરીઝમાં શેર કરવા માટે…
- વોટ્સએપમાં નવું સ્ટેટસ ક્રિએટ કરો.
- ‘માય સ્ટેટસ’માં ‘શેર ટુ ફેસબુક સ્ટોરી’ના વિકલ્પ પર ક્લિક કરો.
- આથી વોટ્સએપમાંથી ફેસબુક એપ ઓપન થશે.
- અહીં આપણે જે ઓડિયન્સ સાથે આપણું સ્ટેટસ શેર કરવું હોય તેને પસંદ કરીને ‘શેર નાઉ’ બટન ક્લિક કરવાનું રહેશે.
- આ રીતે વોટ્સએપમાં પહેલેથી શેર કરેલ કોઈ સ્ટેટસ પણ ફેસબુક પર શેર કરી શકાશે.

