(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કૌન બનેગા કરોડપતિમાં જીતો, લૂંટાઓ નહીં

લોકપ્રિય ક્વિઝ શોમાં આપણે ઘેરબેઠાં ભાગ લઈને ઇનામ જીતી શકીએ છીએ, તેમ હેકર્સ આપણને આ શોને નામે લૂંટવાની ફિરાકમાં પણ છે.

આગળ શું વાંચશો?

  • હકીકત શું છે?

  • ઇનામ કેવી રીતે મળે છે?

  • હેકર્સ કેવી ટ્રિક અજમાવે છે?

નમસ્કાર, મૈં અમિતાભ બચ્ચન, કૌન બનેગા કરોડપતિ સે બોલ રહા હૂં…!’’ જો તમે આ અત્યંત લોકપ્રિય ક્વિઝ શો – કેબીસી – જોતા હશો તો તમે પણ ક્યારેક ને ક્યારેક એવું સપનું જોયું હશે કે ક્યારેક આપણા પર પણ અચાનક કોઈ ફોન આવે અને સામે છેડેથી આપણને અમિતાભ બચ્ચનના ચિરપરિચિત અવાજમાં આ શબ્દો સાંભળવા મળે!

આ ક્વિઝ શોની અગિયારમી સીઝન શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી, હોટ સીટ પર બિરાજમાન વ્યક્તિ કોઈ સવાલથી મૂંઝાય તો તે ‘ફોન-અ-ફ્રેન્ડ’ હેલ્પલાઇનની મદદ લઈ શકતી હતી. સ્પર્ધક એ હેલ્પલાઇન પસંદ કરે એટલે ક્વિઝમાસ્ટર અમિતાભ ‘કમ્પ્યુટરજી’ને, સ્પર્ધક જેને કહે તે વ્યક્તિને કોલ જોડવા કહે અને કોલ કનેક્ટ થતાં જ અમિતજી બોલી ઊઠે, ‘‘નમસ્કાર, મૈં અમિતાભ…!’’

કેબીસીની લેટેસ્ટ સીઝનમાં ‘ફોન-અ-ફ્રેન્ડ’ હેલ્પલાઇન બંધ કરી દેવામાં આવી છે, તેમ છતાં, હજી પણ કેટલાક લોકોને ‘કેબીસી તરફથી’ કોલ આવે છે. તેમાં શબ્દોમાં જરા અમથો ફેર હોય છે. જો તમારા પર આવો કોઈ કોલ આવે તો તમને સાંભળવા મળે કે ‘‘કોન્ગ્રેચ્યુલેશન્સ! મૈં અમિતાભ બચ્ચન કે કૌન બનેગા કરોડપતિ શો સે બોલ રહા હૂં, લકી ડ્રો મેં આપકા નંબર સિલેક્ટ હુઆ હૈ, આપ પચ્ચીસ લાખ રૂપયે જીત ચૂકે હો…!’’

પચ્ચીસ લાખનો આંકડો, કેબીસી શો, અમિતાભ બચ્ચનનું નામ, તેમના જેવો અવાજ… આ બધાની સાંભળનાર પર એવી જાદૂઈ અસર થાય કે એમને એવો વિચાર સુદ્ધાં ન આવે કે કે પોતે કેબીસીમાં ભાગ જ લીધો નથી, પણ ઇનામ જીતવાની વાત ક્યાં આવી?!

કેબીસીની નવી સીઝન શરૂ થતાંની સાથે, અગાઉની સીઝન્સની જેમ, ઠગ લોકો પણ આ શો અને તેના હોસ્ટની લોકપ્રિયતાનો લાભ વટાવી ખાવા મેદાનમાં આવી ગયા છે.

હકીકત શું છે?

પાછલી કેટલીક સીઝનથી આ શોમાં હોટ સીટ પર પહોંચવા ન મળે તો પણ દર્શકો પોતે, ઘેર બેઠાં કેબીસીમાં ભાગ લઈ શકે એ રીતે ‘કેબીસી પ્લે એલોંગ’ની સુવિધા ઉમેરવામાં આવી છે. તેનો લાભ લેવા માટે આપણે સોનીલિવ એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી, તેમાં આપણા મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે.

એ પછી લાઇવ શોની સાથોસાથ આપણે પણ પોતાના સ્માર્ટફોનમાં સવાલો અને તેના જવાબોના વિકલ્પો જોઈ શકીએ અને આપણી રીતે જવાબો પસંદ કરી શકીએ છીએ. દરેક એપિસોડના અંતે એક લકી ડ્રો થાય અને તેમાં આપણને, અસલી સ્પર્ધક જેવાં તોતિંગ નહીં પણ રૂ. ૧૦૦થી શરૂ કરીને રૂ. ૧૦,૦૦૦ સુધીનાં ઇનામો મળી શકે છે.


ઇનામ કેવી રીતે મળે છે?

જો તમે કેબીસી પ્લે એલોંગ એપ પર તેની શરતો અને નિયમો ધ્યાનપૂર્વક વાંચો તો તેમાં લખેલું છે કે વિજેતાને દર અઠવાડિયે એક વાર પસંદ કરવામાં આવે છે અને થર્ડ-પાર્ટી સર્વિસની મદદથી, વિજેતાને તેની રકમ આપવામાં આવે છે. એ માટે…

  • વિજેતાને BZ-LIVKBC તરફથી એક એસએમએસ મળે છે, જેમાં તમે કેબીસી પ્લે એલોંગના વિજેતા હોવાનું કહી, ઇન્સ્ટન્ટ કેશ પ્રાઇઝ મેળવવા માટે એક વેબપેજની લિંક આપવામાં આવે છે.
  • જો તમે કેબીસી પ્લે એલોંગમાં ભાગ ન લીધો હોય છતાં, આવી લિંક મળી હોય તો પૂરી શક્યતા છે કે એ લિંક જોખમી હોય અને તમારી વિગતો ચોરવા માટે કે કોઈક રીતે તમારા મોબાઇલમાંથી રકમ ચોરવાનો તેમાં ઇરાદો હોય.
  • પણ જો તમે કેબીસી પ્લે એલોંગમાં રમી રહ્યા હો અને આવો મેસેજ મળે, તો તે ખરેખર BZ-LIVKBC તરફથી હોવાની ખાતરી કરો અને તેમાં આપેલી લિંક  https://kbcpagewinnings.maxamind.in પેજ પર લઈ જતી હોવાની ખાતરી કરો.
  • તમે આ પેજ પર પહોંચો એટલે તેમાં તમે ગેમની શરૂઆતમાં રજિસ્ટ્રેશન સમયે આપેલો મોબાઇલ નંબર જણાવવા કહેવામાં આવે છે. સાથોસાથ, તમે ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના હોવાનું કન્ફર્મ કરવાનું રહેશે.
  • તમે આપેલો નંબર સાચો હશે, તો તમારા પેટીએમ (કે અન્ય કોઈ) વોલેટની મદદથી તમને રકમ આપવાનું કહેવામાં આવશે.
  • તમે એ વોલેટ પસંદ કરશો એટલે તરત તમારા વોલેટમાં, તમારા ઇનામની રકમ ટ્રાન્સફર થઈ જશે.

આ આખી પ્રક્રિયાનો ‘સાયબરસફર’ ટીમે પોતે અનુભવ કર્યો છે (કેબીસીમાં એક નાનું ઇનામ જીત્યું પણ છે!), એટલે આ પ્રક્રિયા સાચી ઠરેલી છે, પણ તેમાં કેટલાંક જોખમો છે. જેમ કે,

  • તમને આવો એસએમએસ મળે તો પહેલાં તો શંકાની નજરે જ જુઓ! ઇનામને નામે લૂંટી જનારા ઘણા છે અને આપણા મેસેજ બોક્સમાં આવા મેસેજ ઠલવાતા જ રહે છે.
  • આવો મેસેજ મળતાં, તે મોકલનારનું નામ તપાસો (આ કિસ્સામાં BZ-LIVKBC). એ જ નામ, કેબીસી પ્લે એલોંગની ટર્મ્સ એન્ડ કંડિશનમાં આપેલું હોવાથી શંકા થોડી ઘટે છે.
  • પછી, મેસેજમાં આપવામાં આવેલી લિંક કોપી કરી, ઇનકોગ્નિટો મોડમાં પેસ્ટ કરીને ઓપન કરી જુઓ. આથી ઉપર દર્શાવ્યા મુજબનું પેજ ખૂલે છે. આવું પેજ હેકર્સ બહુ સહેલાઈથી બનાવી શકે છે, એટલે આ તબક્કે શંકા થોડી વધે છે.
  • પરંતુ અહીં માત્ર આપણો મોબાઇલ નંબર માગ્યો છે. આપણો મોબાઇલ નંબર આજના સમયમાં ખાનગી રહી શકતો નથી એટલે ફક્ત નંબર આપવામાં ખાસ વાંધો નથી.
  • નંબર આપ્યા પછી, આપણા ફોનમાંની પેમેન્ટ એપનો લોગો બતાવી, એ સિલેક્ટ કરવા કહેવામાં આવે છે.
  • જો તે સિલેક્ટ કર્યા પછી કોઈ પણ પ્રકારનો પાસવર્ડ માગવામાં આવે, તો ઇનામ ગમે તેટલું મોટું હોય, એ જતું કરવું સારું. જુલાઈ ૨૦૧૯ અંકમાં આપણે વાત કરી હતી તેમ, યુપીઆઇ કે વોલેટમાં રકમ મેળવતી વખતે કોઈ પાસવર્ડ આપવો જરૂરી નથી. માત્ર પેેમેન્ટ કરવાનું હોય તો જ પાસવર્ડ જરૂરી છે.

‘સાયબરસફર’ના કિસ્સામાં, આ તબક્કે કોઈ પાસવર્ડ માગવામાં આવ્યો નહીં અને ઇનામની રકમ ખરેખર ‘સાયબરસફર’ના પેટીએમ વોલેટમાં તરત ટ્રાન્સફર થઈ!

હેકર્સ કેવી ટ્રિક અજમાવે છે?

કેબીસીની અગાઉની સીઝન્સ દરમિયાન જોવા મળ્યું છે કે લોકોને એસએમએસ કે વોટ્સએપ મેસેજ દ્વારા મોટી રકમનું ઇનામ લાગ્યું હોવાનું જણાવી, પ્રોસેસિંગ ફીના નામે અમુક રકમ માગવામાં આવે છે.

આ લેખની શરૂઆતમાં લખ્યું તેમ અમિતાભ બચ્ચનનું નામ અને મોટી રકમનો આંકડો ઘણા લોકોને આંજી શકે છે. મોટી રકમની લાલચે, પ્રોસેસિંગ ફીના નામે કોઈ રકમ ચૂકવવામાં આવે તો છેવટે તે રકમ ગુમાવવી પડે છે. હેકર્સ બેન્કની વિગતો પણ માગતા હોય છે.

ગયા વર્ષે, દિલ્હીમાં એક મહિલાએ તેને આવા કોલ્સ આવી રહ્યા હોવાનું જણાવીને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘણા લોકો આવી બનાવટ પારખી શકતા નથી. પોતે કેબીસીમાં કોઈ ભાગ જ લીધો નથી એમ કોઈ કહે તો હેકર્સ તેમને સમજાવે છે કે તમારા પરિવારમાંથી કોઈએ ભાગ લીધો હશે!

એટલા માટે જ, આ વખતની સીઝનમાં અભિતાભ બચ્ચન વારંવાર કહે છે એ આપણે સૌએ યાદ રાખવા જેવું છે, ‘‘સતર્ક બનેં, સાવધાન રહેં!’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!