(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

“હેં? યુટ્યૂબ પેઇડ થઈ જશે?

દુનિયાભરના અનેક લોકો જે સર્વિસ પરના અનેક વીડિયોમાં અનેક કલાકો સુધી પરોવાયેલા રહે છે તે યુટ્યૂબ સર્વિસ ટૂંક સમયમાં પેઇડ થઈ રહી હોવાના સમાચારે કેટલાયના જીવ અધ્ધર કરી દીધા છે. આવો જાણીએ, હકીકત શું છે?

આગળ શું વાંચશો?

  • કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની લોકપ્રિયતા…
  • જીમેઈલ આપણા મેઈલ્સ વાંચશે?
  • જોખમી આદત- ડ્રાઈવિંગ અને ટેક્સ્ટિંગ
  • આવી રહ્યો છે ગૂગલ મેપ્સનો નવો ઈન્ટરફેસ
  • સેમસંગની મીઠી સમસ્યા
  • ઈન્ટેલની પીસી અવેરનેસ ડ્રાઈવ

હમણાં હમણાં આપણાં અખબારોમાં એક સમાચાર વાંચીને ઘણાના હૈયે ધ્રાસ્કો પડ્યો હશે, “હેં? યુટ્યૂબ પેઈડ સર્વિસ થઈ જશે? યુટ્યુબ પર વીડિયો જોવાના પૈસા આપવા પડશે?

આ સમાચાર ખરેખર તો અધકચરા સમાચાર છે. પહેલી વાત એ કે યુટ્યૂબની આખી સર્વિસ પેઇડ થવાની નથી, ફક્ત તેની કેટલીક ચેનલ્સ પેઈડ થઈ રહી છે. બીજી વાત કે પેઇડ ચેનલ્સનો આ આખો ક્ધસેપ્ટ ભારતમાં આવતાં ઘણી વાર લાગવાની છે.

હકીકત એ છે કે લાંબા સમયની અટકળોના અંતે, મે મહિનાના પહેલા અઠવાડિયામાં યુટ્યૂબે જાહેરાત કરી છે કે યુટ્યૂબ પર વીડિયો અપલોડ કરતા પ્રોડયુસર્સને તેમની ચેનલ પેઇડ ચેનલ બનાવવાની સવલત આપવામાં આવશે.

સૌથી પહેલાં તો, આ ‘યુટ્યૂબની ચેનલ’ એટલે શું એ સમજી લઈએ. આપણે જીમેઇલના એકાઉન્ટનો ઉપયોગ કરીને કે યુટ્યૂબમાં નવું એકાઉન્ટ ખોલાવીને તેના પર નવા નવા વીડિયો અપલોડ કરીએ, તો આપણે યુટ્યૂબ પર આપણી ચેનલ શરૂ કરી તેમ કહેવાય. યુટ્યૂબ પર દુનિયાના સંખ્યાબંધ લોકોએ વ્યક્તિગત રીતે અપલોડ કરેલા વીડિયોનું પ્રમાણ સૌથી વધુ છે, પણ યુટ્યૂબની લોકપ્રિયતા વધતાં મોટાં કોર્પોરેશન્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને ટીવી ક્ધટેન્ટ પ્રોડ્યુસર કંપનીઓ અને અન્ય મીડિયા કંપનીઓએ પણ યુટ્યૂબ પર પોતપોતાની ચેનલ શરુ કરી.

યુટ્યૂબની શરૂઆત ચાડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમે ફેબ્રુઆરી ૨૦૦૫માં કરી હતી. એક જ વર્ષમાં તેની લોકપ્રિયતા સખ્ખત વધતાં ગૂગલ કંપનીએ ઓક્ટોબર ૨૦૦૬માં તેને ૧.૬ અબજ ડોલરમાં ખરીદી લીધી હતી. યુટ્યૂબ પર સામાન્ય રીતે ૪થી ૫ મિનિટની લંબાઈ ધરાવતા વીડિયોની ભરમાર છે, પણ નવેમ્બર ૨૦૦૮થી તેના પર આખેઆખી ફિલ્મ્સ અને ટીવી સિરિયલ્સના એપિસોડ પણ અપલોડ થવાનું શરુ થયું. માર્ચ ૨૦૧૦માં યુટ્યૂબે હવે વગોવાઈ ગયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૬૦ ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યુ હતું. આવડી મોટી સ્પોર્ટ ઇવેન્ટનું આટલા મોટા પાયે વિશ્વભરમાં ઓનલાઇન બ્રોડકાસ્ટિંગ થયું હોય એવી એ પહેલી ઘટના હતી.

આજે યુટ્યૂબ પર યુનિક વિઝિટર્સની સંખ્યા દર મહિને એક અબજ પર પહોંચી છે. એકના એક, ફરી ફરીને યુટ્યૂબ પર આવીને વીડિયો જોનારા લોકોની સંખ્યા તો તેનાથી કેટલીય વધુ હશે.

આટલી જબરજસ્ત લોકપ્રિયતા હોય તો તેમાંથી નાણાં કમાવાની ઇચ્છા કોને ન થાય?

ગૂગલે ૨૦૦૭થી જ યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામ શરુ કર્યો હતો, જે અનુસાર, યુટ્યૂબના જુદા જુદા માપદંડમાં ખરા ઉતરે તેવા વીડિયો બનાવનારા લોકો પોતાના વીડિયો યુટ્યૂબ પર બતાવીને તેમાંથી કમાણી કરી શકે છે.

એક વાર યુટ્યૂબ તરફથી આપણા વીડિયોના મોનેટાઇઝેશન માટે લીલી ઝંડી મળે તે પછી દુનિયાભરમાંથી કોઈ પણ વ્યક્તિ આપણો વીડિયો જુએ ત્યારે તેને આપણા વીડિયોની બાજુમાં, વીડિયોને અનુરૂપ કોઈ જાહેરાત જોવા મળે તેવી ગોઠવણ કરી શકાય છે (બ્લોગ્સ, સર્ચ નેટવર્ક વગેરે પર આ રીતે જાહેરાતોનું જબરજસ્ત મોટું નેટવર્ક ચાલે છે – જેમાં જાહેરખબર આપનાર કંપની અને પોતાના બ્લોગ પર જાહેરાત બતાવનાર બ્લોગર બંનેને ફાયદો થાય છે અને બંને વચ્ચે મધ્યસ્થી તરીકે ગૂગલ કમાણી કરે છે, ફેસબુક પર પણ આવું નેટવર્ક છે).


યુટ્યૂબ જુદી જુદી કંપનીઓ પાસેથી, અલગ અલગ વીડિયોની બાજુમાં બતાવવા માટે જાહેરાતોના કોન્ટ્રેક્ટ મેળવે છે. અત્યારે, આ પ્રકારની જાહેરાતનું ગણિત એવું છે કે યુટ્યૂબ આવા એડવટર્ઇિઝર્સ પાસેથી ૧૦૦ રૂપિયાનો ચાર્જ લે તો તેમાંથી ૪૫ રૂપિયા પોતે રાખીને બાકીના ૬૫ રૂપિયા, જે લોકોના વીડિયોની બાજુમાં જાહેરાત બતાવવામાં આવી હોય તે સૌમાં વહેંચી આપવામાં આવે છે (આ બધી ગણતરી એકદમ અટપટી છે, પણ અંતે આખી વાતમાં સંકળાયેલી ત્રણેય પાર્ટીઓને લાભકર્તા હોય છે).

આ રીતે જેટલી કમાણી થાય છે તેનાથી વીડિયો અપલોડ કરનારા લોકો (અને યુટ્યૂબ)ને સંતોષ નહોતો એટલે વીડિયોની આખી ચેનલ પેઇડ બનાવવાનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ રીતે, અત્યારે યુટ્યૂબ પરની ત્રીસેક ચેનલ પેઈડ બનાવવામાં આવી છે, જે પહેલા ૧૪ દિવસ મફતમાં જોઈ શકાય છે અને પછી વધુ સમય માટે તેનો લાભ લેવો હોય તો માસિક એક ડોલરથી આઠ ડોલર (અંદાજે ૫૦થી ૪૦૦ રૂપિયા) જેટલો ચાર્જ લેવામાં આવશે. યુટ્યૂબ પર પેઇડ ચેનલની સંખ્યા ધીમે ધીમે સતત વધારવામાં આવશે.

જોકે ભારતમાં નજીકના ભવિષ્યમાં આવી સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરવાનો યુટ્યૂબનો કોઈ ઇરાદો નથી. કંપનીના એશિયા પેસિફિક રીજનના ક્ધટેન્ટ ઓપરેશન્સના વડાએ હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારને કહ્યું હતું કે “ભારતનું માર્કેટ હજી ડેવલપ થઈ રહ્યું છે એટલે અત્યારમાં અહીં પેઇડ સર્વિસ શરૂ કરવાનો અમારો કોઈ પ્લાન નથી.

તેમણે જ આપેલા આંકડા અનુસાર, આખી દુનિયામાં દર મિનિટે ૭૨ કલાકના વીડિયો યુટ્યૂબ પર અપલોડ થાય છે અને તેમાંથી એશિયામાં સૌથી વધુ અપલોડ ભારતમાંથી થાય છે. વિશ્ર્વમાં અપલોડની સંખ્યામાં ભારત ત્રીજા નંબરે છે. ભારતમાં દર મહિને યુટ્યૂબ જોનારા લોકોની સંખ્યા ૩.૭૦ કરોડ છે અને દર વર્ષે આ સંખ્યા બમણી થતી જાય છે.

એ જોતાં, વહેલાં મોડું ભારતમાં પણ યુટ્યૂબ પર વીડિયો જોવાના રૂપિયા આપવા પડશે, પણ અત્યારમાં તેની ચિંતા કરવાની જરૂર નથી!

કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની લોકપ્રિયતા…

  • દર મહિને ૧ અબજ યુનિક વિઝિટર્સ યુટ્યૂબ પર આવે છે
  • દર મહિને કુલ ૪ અબજ કલાકની લંબાઈના વીડિયો જોવાય છે
  • દર મિનિટે ૭૧ કલાકના નવા વીડિયો અપલોડ થાય છે
  • યુટ્યૂબનો ૭૦ ટકાથી ટ્રાફિક યુએસ બહારનો છે
  • યુટ્યૂબ ૫૩ દેશોમાં લોકલાઇઝ્ડ કરાયેલ છે અને ૬૧ સ્થાનિક ભાષાઓમાં જોઈ શકાય છે
  • પૃથ્વી પરનો દરેક માણસ યુટ્યૂબ પર ગયો હોય તો તેણે ૧૪૦ વખત વીડિયો જોયા હોય – આટલી સંખ્યામાં યુટ્યૂબને ફક્ત ૨૦૧૧ના એક વર્ષમાં વ્યૂ મળ્યા હતા
  • યુટ્યૂબના કુલ વ્યૂમાંથી ૨૫ ટકા મોબાઇલ ડિવાઈસ પર જોવાય છે
  • મોબાઇલ ડિવાઇસ પરનો ટ્રાફિક ૨૦૧૧માં ત્રણ ગણો થઈ ગયો છે

(સ્રોત : યુટ્યૂબ, સ્ટેટિસ્ટીક્સ)

યુટ્યૂબ પરની હાલની પેઇડ ચેનલ્સ

 

જીમેઇલ આપણા મેઇલ્સ વાંચશે?

યુઝર્સની પ્રાઇવસીના ભંગના મુદ્દે સામાન્ય રીતે ફેસબુક વધુ વિવાદમાં રહે છે, પણ ગૂગલ પણ અવારનવાર ઝપટમાં આવે છે. તમે જીમેઇલનો ઉપયોગ કરતી વખતે, મેઇલ ઉપરાંત આજુબાજુ જરા ધ્યાનથી જોયું હશે તો ચોક્કસ નવાઈ પામ્યા હશો કે તમારા મેઇલમાંના લખાણ સાથે સીધો સંબંધ ધરાવતી જાહેરાત કેમ જોવા મળે છે? આનો સીધો અર્થ એ થયો કે ગૂગલ આપણા મેઇલ ‘વાંચીને’ આપણને વધુ ઉપયોગી લાગે એવી જાહેરાત મેઇલની બાજુમાં દશર્વિે છે. આ મુદ્દે ગૂગલ પર પસ્તાળ પડેે જ છે, હવે તેનું વધુ એક પગલું મોટો વિવાદ ઊભો કરે તેમ છે.

હફિંગ્ટનપોસ્ટ અખબારના એક અહેવાલ મુજબ, ગૂગલે ‘પોલિસી વાયોલેશન ચેકર’ નામના એક ટૂલ માટે નવી પેટન્ટ મેળવવાની અરજી કરી છે. આ ટૂલની મદદથી, ગૂગલ કોઈ પણ વ્યક્તિના જીમેઇલ તપાસી શકશે અને કંપની કે જે તે દેશની નીતિ સામે વાંધાજનક હોય તેવું લખાણ તારવી શકશે. એટલું જ નહીં, ગૂગલ આ વિશે જુદી જુદી એજન્સીને જાણ પણ કરી શકશે. ત્રાસવાદનો સામનો કરવા પૂરતી આ વાત બરાબર હશે, પણ ચીન જેવા દેશમાં કોઈ વ્યક્તિ સરકારની ટીકા ધરાવતો મેઇલ લખીને મિત્રને સેન્ડ કરો તો થોડા સમયમાં ચીની એજન્ટ આવીને તેને ઉઠાવી જાય એવું પણ બની શકે છે!

જોખમી આદત – ડ્રાઇવિંગ અને ટેક્સ્ટિંગ

ભારતમાં જેમ અનેક લોકોને કાન અને ખભા વચ્ચે મોબાઇલ દબાવીને, વાંકી ડોકે ટુ-વ્હીલર ચલાવવાની જોખમી ટેવ છે તેમ યુએસમાં કાર ડ્રાઇવ કરતાં કરતાં લોકોને એસએસએમ (ત્યાંની ભાષામાં ટેક્સ્ટિંગ!) કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. યુએસમાં અત્યાર સુધી કાર એક્સિડેન્ટમાં ટીએજર્સના મૃત્યુનું સૌથી મોટું કારણ ડ્રિન્ક લઈને ડ્રાઇવ કરવાનું હતું, પણ હવે સૌથી પહેલું કારણ કાર ડ્રાઇવ કરતાં કરતાં ટેક્સ્ટિંગની આદત છે. ન્યૂ યોર્કના કોહેન ચિલ્ડ્રન્સ મેડિકલ સેન્ટરના અભ્યાસ અનુસાર યુએસમાં દર વર્ષે ડ્રાઇવિંગ કરતાં કરતાં ટેક્સ્ટિંગ કરતા ૩૦૦૦ ટીનએજર્સ મૃત્યુ પામે છે અને ત્રણ લાખ જેટલા ઇજા પામે છે.

આવી રહ્યો છે ગૂગલ મેપ્સનો નવો ઇન્ટરફેસ

‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ના અંકમાં આપણે ગૂગલ મેપ્સ વિશે વિગતવાર માહિતી મેળવી હતી, હવે સમાચાર છે કે ગૂગલ કંપનીના એન્જિનીયર્સ મેપ્સ માટે એક બિલકુલ નવો ઇન્ટરફેસ તૈયાર કરી રહ્યા છે. અત્યારે આપણે સ્ક્રીન પર એક તરફ મોટા ભાગમાં મેપ અને ડાબી તરફના સાઇડબારમાં સંબંધિત માહિતી જોઈ શકીએ છીએ, પણ નવા લેઆઉટમાં કદાચ આખા સ્ક્રીન પર મેપ રહેશે અને જે તે સ્થળ વિશેની માહિતી વિવિધ પોપ-અપ વિન્ડોમાં જોવા મળશે. આ નવો લેઆઉટ ક્યારે રીલિઝ થશે તે વિશે હજી આધારભૂત માહિતી મળી નથી.

વિશ્ર્વની ૭.૧ અબજની વસતિ સામે, અત્યારે વિશ્ર્વમાં ૬.૮ અબજ મોબાઇલ ફોન સબસ્ક્રિપ્શન હોવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૪ સુધીમાં વિશ્ર્વમાં માણસ કરતાં મોબાઇલની સંખ્યા વધી જશે.

સેમસંગ કંપનીએ ૫જી ટેક્નોલોજીનું સફળ ટેસ્ટિંગ કર્યુ છે અને ૨૦૨૦ સુધીમાં કમર્શિયલ લોન્ચિંગ કરશે. આ નવી ટેક્નોલોજીથી હાઇ ક્વોલિટી ડિજિટલ મૂવીઝ જેવી અત્યંત હેવી ફાઇલ્સની પણ સહેલાઈથી નેટ પર હેરફેર કરી શકાશે.

સેમસંગની મીઠી સમસ્યા

સ્માર્ટફોનનું વેચાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આ કેટેગરીમાં વર્લ્ડલીડર બની ગયેલ સેમસેંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની માટે એક ખાસ, મીઠી મૂંઝવણ પણ વધતી જાય છે.

ધ વોલસ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર, સેમસંગ કંપની પાસે વપરાયા વિનાની રોકડ રકમ જમા થવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે.

હાલના નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીના નેટ પ્રોફિટમાં ૪૨ ટકાનો વધારો થયો છે અને તેની રોકડ માર્ચના અંત સુધીમાં ૪૦ અબજ ડોલર (અંદાજે ૨૦૦૦ અબજ રૂપિયા!)ના આંકડે પહોંચી છે. દેવું બાદ કરતાં પણ આ રકમ ૨૮.૫ અબજ ડોલર થાય છે.

નિષ્ણાતો કહે છે કે સેમસંગ આ રકમનો નવી કંપનીઓ હસ્તગત કરવામાં ઉપયોગ કરશે. જોકે તેના શેરધારકો એવી આશામાં છે કે કંપની ડિવિડન્ડ વધારશે!

ઇન્ટેલની પીસી અવેરનેસ ડ્રાઇવ

આપણા પીસીમાં પ્રાણ પૂરતી ઇન્ટેલ કંપની ભારતમાં ટેક્નોલોજી વિશેની જાણકારી વધારવા પર ધ્યાન આપી રહી છે. કંપની ભારતનાં ગુજરાત સહિતનાં ૧૦ રાજ્યોનાં ૪૦ શહેરોને આવરી લેતું એક કેમ્પેઇન લોન્ચ કરી રહી છે, જેમાં પ્રિન્ટ એડ્સ, રેડિયો જિંગ્લ્સ અને કમ્પ્યુટરનો જાત અનુભવ કરાવતા ‘માય ડિસ્કવરિઝ’ નામના એક કાર્યક્રમની મદદથી, લોકો કમ્પ્યુટર્સની મદદથી શું શું શીખી-જાણી શકે છે તે તેમને સમજાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!