(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આંખો દુઃખે છે અને ઊંઘ અપૂરતી થાય છે? સ્માર્ટફોનનાં સેટિંગ્સ બદલી જુઓ

આપણો વધુ ને વધુ સમય સ્માર્ટફોનના સ્ક્રીન સામે પસાર થતો હોવાની આડઅસર હવે ઘણા લોકો અનુભવવા લાગ્યા છે. તેનો સામનો કરવા માટે મોટા ભાગના ફોનમાં ડાર્ક મોડ અને બ્લુ લાઇટ ફિલ્ટર આવી ગયાં છે – તે કેટલાં ઉપયોગી છે તે વિશે મતમતાંતર છે, પણ પઅજમાયશ જરૂર કરી શકાય.

આગળ શું વાંચશો?

  • આ બધું તો સમજ્યા, પણ ઉપાય શું?

  • બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કેવી રીતે?

  • મોબાઇલની બ્લુ લાઇટની આપણા મગજ અને શરીર પર અસર

દિવસે તમારો કેટલોક સમય મોબાઇલ કે કમ્પ્યુટરના સ્ક્રીન સામે જાય છે? અને રાત્રે? તમારો જવાબ કદાચ બંને સવાલ માટે સરખો જ હશે – ઘણો સમય, અથવા તો વધુ પડતો સમય!

આપણા જીવન પર ઇન્ટરનેટ અને સ્માર્ટફોન હાવી થતાં જાય છે તેમ તેમ તેની આડઅસરો પણ ધીમે ધીમે દેખાવા લાગી છે. જે લોકો ઓફિસ જોબ મેળવવા બદલ પોતાને સદભાગી માને છે, તેમની ઓફિસના ટેબલ પર કમ્પ્યુટર તો લગભગ હોવાનું જ. દિવસ આખો કમ્પ્યુટરના સ્ક્રીન સામે ગાળ્યા પછી સાંજે થાક્યા પાક્યા ઘરે આવીને આપણે ટીવી સામે ગોઠવાઇએ અને રાત્રે સૂવા જઈએ ત્યારે હાથમાં મોબાઇલ હોય!

છેવટે શરીર એટલું થાક્યું હોય કે આપણે મોબાઇલ બાજુએ મૂકીને ઊંઘવાનો પ્રયાસ કરીએ, પણ સરખી ઊંઘ આવે જ નહીં!

આવું તમારી સાથે પણ થતું હોય તો તેનું કારણ હોઈ શકે છે, કમ્પ્યુટર અને મોબાઇલના સ્ક્રીનમાંથી આપણી આંખ પર જેનો સતત મારો થાય છે તે ‘બ્લુ લાઇટ’.

જ્યારે આપણી આંખે સતત બ્લુ લાઇટનો મારો સહન કરવો પડે ત્યારે છેવટે આંખમાં દુઃખાવો શરૂ થાય છે. વ્યક્તિએ વ્યક્તિએ આ તકલીફનું પ્રમાણ બદલાય છે.

નિષ્ણાતો કહે છે કે આ બ્લુ લાઇટ શોર્ટ-વેવલેન્થની હોય છે અને તેમાં ઊર્જા વધુ હોય છે. જ્યારે આપણી આંખે સતત આવી બ્લુ લાઇટનો મારો સહન કરવો પડે ત્યારે છેવટે આંખમાં દુઃખાવો શરૂ થાય છે. વ્યક્તિએ વ્યક્તિએ આ તકલીફનું પ્રમાણ બદલાય છે, પણ આંખના દુઃખાવા ઉપરાંત તેની અન્ય અસરો પણ હોઈ શકે છે, જેમાંની એક છે ઊંઘ પર અસર.

નિષ્ણાતોના મતે, બ્લુ લાઇટને કારણે આપણા શરીરમાં મેલેટોનિન નામનાં હોર્મોન્સ ઓછાં પેદા થાય છે, સ્વસ્થ ઊંઘ આ હોર્મોનના પૂરતા પ્રમાણને આભારી હોય છે. અપૂરતી ઊંઘથી અન્ય તકલીફોનું એક આખું વિષચક્ર શરૂ થાય છે.

આ બધું તો સમજ્યા, પણ ઉપાય શું?

ઉપાય તરીકે કેટલાક સાવ સાદા નિયમ અપનાવી શકાય.


૨૦-૨૦-૨૦નો નિયમઃ નિષ્ણાતો કહે છે કે સતત કમ્પ્યુટર સામે રહીને તમારી આંખો થાકવા લાગે એ પહેલાં, દર ૨૦ મિનિટે, ૨૦ ફૂટ દૂર રહેલી કોઈ વસ્તુ જુઓ અને તેને ૨૦ સેકન્ડ સુધી જુઓ! આંખને નુક્સાન થતું ટાળવાનો આ એક સહેલો રસ્તો છે.

કમ્પ્યુટરથી દૂર જાઓઃ કામના બોજ તળે આપણને ઘણી વાર પાણી પીવાનું પણ યાદ રહેતું નથી, તો દર 20 મિનિટે દૂર ક્યાંક જોવાનું તો ક્યાંથી યાદ આવે એવું સવાલ થતો હોય તો હજી એક સહેલો નિયમ છે – જો તમે ઓફિસમાં ખરેખર વ્યસ્ત રહેતા હશો તો તમારા પર વારંવાર ફોન આવતા હશે અને તમારે બીજાને ફોન કરવાના થતા હશે.

જ્યારે પણ મોબાઇલમાં કોલ કરવાના કે રીસિવ કરવાના થાય ત્યારે તમારી જગ્યાએથી ઊભા થઈ જાઓ. ખરા અર્થમાં, દેખીતો ફાયદો થશે!

રાત્રે મોબાઇલનો ઉપયોગ ઘટાડોઃ રાતના સમયે પથારીમાં પહોંચ્યા પછી પણ મોબાઇલમાં પરોવાયેલા રહેવાનું ટાળો. ખાસ કરીને અંધારા રૂમમાં મોબાઇલનો ઉપયોગ વધુ નુક્સાનકારક છે.

બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કરોઃ હવે ઘણાં ખરાં કમ્પ્યુટર/લેપટોપ અને મોબાઇલમાં ‘બ્લુ લાઇટ ફિલ્ટર’ની સગવડ મળે છે. તમારા પીસી કે ફોનમાં એનું નામ ‘નાઇટ લાઇટ’ કે હજી જુદું કંઈક હોઈ શકે છે. જેમ ફોનમાં આસપાસ પ્રકાશની સ્થિતિ મુજબ સ્ક્રીનના ડિસ્પ્લેની બ્રાઇટનેસ આપોઆપ વધતી-ઓછી થાય એવી સગવડ હોય છે તેમ કેટલાક ફોનમાં આ ફિલ્ટર પણ પ્રકાશની સ્થિતિ મુજબ આપોઆપ ઓન થાય એવી પસંદગી કરી શકાય છે (બ્લુ લાઇટ અમુક સ્થિતિમાં સારી પણ છે).

સતત બ્લુ લાઇટ ફિલ્ટર મોડમાં ફોનનો ઉપયોગ કરવો પણ યોગ્ય નથી. રાતના સમયે તેનો ઉપયોગ તમને અનુકૂળ આવે અને આંખોને દેખીતી રાહત મળતી હોય તો રાતના સમયે તેનો લાભ ચાલુ રાખી શકાય.

જેમાં વાંચવાનું વધુ થતું હોય એવી એપ્સ સ્ક્રીનની લાઇટ સેપિયા કલરની કરવાની સગવડ આપે છે. મોટી મોટી ટેક કંપની પોતાની બધી એપ્સમાં હવે ‘ડાર્ક મોડ’ આપવા લાગી છે, જે બેટરી ઉપરાંત આંખ માટે પણ સારો હોવાનું કહેવાય છે. એન્ડ્રોઇડના આગામી, દસમા વર્ઝનથી તો એક ક્લિકે આખા ફોનમાં ડાર્ક મોડ ઇનેબલ કરવાની સગવડ આપણને મળવાની છે.

ટૂંકી વાત એટલી કે ફોનથી આંખો દુઃખતી હોય તો ફોન હાથમાં ને હાથમાં રાખવાને બદલે, બાજુમાં વધુ રહે એવી ટેવ પાડી જુઓ! એ શક્ય ન હોય તો ફોનમાં અને પીસીમાં બ્લુ લાઇટ ફિલ્ટર કે નાઇટ લાઇટની સગવડ શોધીને તેને અજમાવી જુઓ.

ખાસ ધ્યાન આપશોઃ ડાર્ક મોડ કે બ્લુ લાઇટ ફિલ્ટર ખરેખર કેટલાં ઉપયોગી છે એ વિશે હજુ ઘણા મતમતાંતર છે. એટલું યાદ રાખશો કે સતત બ્લુ લાઇટ ફિલ્ટર મોડમાં ફોનનો ઉપયોગ કરવો પણ યોગ્ય નથી.

રાતના સમયે તેનો ઉપયોગ તમને અનુકૂળ આવે અને આંખોને દેખીતી રાહત મળતી હોય તો રાતના સમયે તેનો લાભ ચાલુ રાખી શકાય.

દરેક ફોનમાં આ ફીચર આપણી અનુકૂળતા મુજબ ઓન કે ઓફ કરવાની સગવડ હોય છે, પણ કાયમ તેને મેન્યુઅલી ઓન અને ઓફ કરવાનું યાદ રહે નહીં. લગભગ બધા ફોનમાં તેને ઓટોમેટિકલી, નિશ્ર્ચિત સમયે ચાલુ/બંધ કરવાની કે સૂર્યાસ્ત સમયે ચાલુ અને સૂર્યોદય થતાં બંધ કરવાની સગવડ હોય છે. તેનો લાભ લઈ શકાય.

એ ઉપરાંત, આ મોડની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતામાં પણ વધઘટ કરી શકાતી હોય છે. ઇન્ટેન્સિટી જેમ વધારશો તેમ સ્ક્રીન ઓછો સફેદ અને વધુ પીળાશ પડતો થતો જશે. તમને શું અનુકૂળ થશે એ તમારે જ નક્કી કરવું પડશે!

એટલું યાદ રાખશો કે તમે પહેલી વાર આ ફીચર ઓન કરશો ત્યારે ડિસ્પ્લેના કલરમાં તરત ફેરફાર થતો હોવાથી આંખને ટેવાતાં થોડી વાર લાગશે.

બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કેવી રીતે?

જુદા જુદા એન્ડ્રોઇડ ફોનમાં…

હવે દરેક કંપની પોતપોતાની રીતે, પોતાના ફોનમાં બ્લુ લાઇટનું ફિલ્ટર આપતી હોય છે, એટલે તમારા ફોનમાં એ ક્યાંથી મળશે એ કહેવું થોડું મુશ્કેલ છે, પણ મોટા ભાગે તે ફોનના સેટિંગ્સમાં, ડિસ્પ્લે સેક્શનમાં મળશે.

દરેક કંપની આ પ્રકારના ફિલ્ટરને જુદા જુદા નામે ઓળખાવે છે. એલજીના મોબાઇલમાં તે ‘કમ્ફર્ટ વ્યૂ’ નામે, એચટીસી અને વનપ્લસમાં ‘નાઇટ મોડ’, હુવેઇમાં ‘આઇ કેર’, મોટોરોલામાં ‘નાઇટ ડિસ્પ્લે’ અને ઝાયોમીના ફોન્સમાં ‘રીડિંગ મોડ’ નામે ઓળખાય છે.

ગૂગલ પિક્સેલ કે સ્ટોક એન્ડ્રોઇડ ફોનમાં

જો તમારી પાસે ગૂગલનો પિક્સેલ ફોન હોય કે એન્ડ્રોઇડ ૮.૦ ઓરિયો કે ત્યાર પછીનું સ્ટોક વર્ઝન (એટલે કે જેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીએ પોતાની રીતે કોઈ ફેરફાર કર્યો ન હોય તેવું વર્ઝન) ધરાવતો ફોન હોય તો તેમાં આ સુવિધા ‘નાઇટ લાઇટ’ નામે ઓળખાય છે. આવા ફોનમાં, સેટિંગ્સમાં, ડિસ્પ્લેમાં નાઇટ લાઇટ સુધી પહોંચીને તેને ઓન કરી શકાશે.

સેમસંગ ગેલેક્સી ફોનમાં

જો તમારી પાસે સેમસંગ ગેલેક્સી ફોન હોય તો તેમાં ફોનનું નોટિફિકેશન શટર ડાઉન કરી, ફરી નીચેની તરફ સ્વાઇપ કરીને ક્વિક સેટિંગ્સમાં જાઓ. અહીં તમે ‘બ્લુ લાઇટ ફિલ્ટર’નું સેટિંગ્સ જોવા મળશે. જેને તમે ઓન-ઓફ કરી શકશો. અથવા આ ફોન્સમાં પણ સેટિંગ્સમાં, ડિસ્પ્લેમાં બ્લુ લાઇટ ફિલ્ટર જોવા મળશે.

થર્ડ પાર્ટી એપ

જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં બ્લુ લાઇટ ફિલ્ટરની સુવિધા ન જ હોય, તો તમે ટ્વાઇલાઇટ (Twilight: Blue light filter) નામની એક થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરી શકો છો.

એપલ ડિવાઇસમાં

એપલમાં આઇઓએસ ૯.૩ વર્ઝનથી આ સુવિધા ‘નાઇટ શિફ્ટ’ નામે ઉમેરાઈ છે, જેની મદદથી તમે બ્લુ લાઇટ ફિલ્ટર કરીને ડિસ્પ્લે કલર્સને તમારી અનુકૂળતા મુજબ સોફ્ટ બનવી શકો છો. એપલ ડિવાઇસમાં સેટિંગ્સમાં, ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસ સેક્શનમાં નાઇટ શિફ્ટ વિભાગમાં જઈને આ સેટિંગ કરી શકાશે.

કમ્પ્યુટરમાં બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ

જો તમને રાત્રે ઓફિસમાં કે પથારીમાં પણ લેપટોપ પર કામ કરવાની આદત હોય અને આ આદત તમે છોડી શકો તેમ ન હો, તો પીસી કે લેપટોપમાં બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ તપાસી શકાય.

માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૧૦માં ‘નાઇટ લાઇટ’ નામે આ સુવિધા આપી છે. તેનો લાભ લેવા માટે,

  • કમ્પ્યુટરના સેટિંગ્સમાં જાઓ.
  • તેમાં મેનૂમાંથી ‘સિસ્ટમ’ પસંદ કરો.
  • અહીં ડાબી તરફના મેનૂમાં ‘ડિસ્પ્લે’ પસંદ કરો.
  • તેમાં નાઇટ લાઇટ સ્વિચ ઓન કરો.
  • તેની નીચે આપેલ ‘નાઇટ લાઇટ સેટિંગ્સ’ પર ક્લિક કરી, આ મોડને શિડ્યુલ કરી શકાય છે તેમ જ તેની ઇન્ટેન્સિટી નક્કી કરી શકાય છે.

એપલના મેક પીસી કે મેકબુકમાં, આ જ રીતે સિસ્ટમ પ્રેફરન્સીઝમાં ડિસ્પ્લેમાં જઈને નાઇટ શિફ્ટ ટેબ ઓન-ઓફ કરી શકાશે તેમ જ તેની ઇન્ટેસિટી અને શિડ્યુલ સેટ કરી શકાશે.

મોબાઇલની બ્લુ લાઇટની આપણા મગજ અને શરીર પર અસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!