(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણા ડેટાનો આપણને લાભ અપાવતી નવી વ્યવસ્થા

જેમ પેમેન્ટ માટે યુપીઆઇ વ્યવસ્થા લોકપ્રિય થઈ રહી છે, એમ લોન પ્રક્રિયા ઝડપી અને વધુ લાભદાયી બનાવતી ‘સહમતી’ નામની નવી વ્યવસ્થાના પણ લાંબા ગાળાના લાભ દેખાઈ રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી આપણે એક વાત સતત સાંભળતા આવ્યા છીએ – ઇન્ટરનેટ પર આપણી દરેકે દરેક હીલચાલનું પગેરું દબાવવામાં આવે છે અને ગૂગલ, ફેસબુકથી માંડીને બીજી કેટલીય કંપની આપણા આ ડેટામાંથી જબરી કમાણી કરે છે.

આ વાત હકીકત પણ છે અને આપણને સૌને ધીમે ધીમે આપણા ડેટાની પ્રાઇવસીનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે, પણ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરો કે આપણા ડેટામાંથી જેમ બીજી કંપની કમાણી કરે છે એમ આપણા ડેટાને આપણે પોતાના ફાયદા માટે પણ ઉપયોગમાં લઈ શકીએ?

વાતમાં રસ પડ્યો? પડવો જ જોઈએ! આપણે માટે આનંદની વાત છે કે ભારતે આ દિશામાં હવે પગલાં માંડવાનું શરૂ કર્યું છે.

આગળ શું વાંચશો?

  • આપણા ડેટાનો આપણા ફાયદા માટે ઉપયોગ

  • ‘સહમતી’ ખરેખર છે શું?

  • સહમતીનું માળખું કેવું છે?

  • સહમતી એકાઉન્ટ એગ્રીગેટર શું છે?

  • આમાં આપણો કેટલો ફાયદો?

  • આગળ જતાં શું થશે?

  • ડેટામાંથી ફાયદો!

  • સહમતી અને ડિજિલોકરમાં શું ફેર છે?

આપણા ડેટાનો આપણા ફાયદા માટે ઉપયોગ

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ એટલે કે આધાર)ના વડા તરીકે અને એ પહેલાં ઇન્ફોસિસના સહસ્થાપક તરીકે જાણીતા નંદન નિલેકણી છેલ્લાં કેટલાંય વર્ષોથી, ભારતમાં ‘ડેટા ડેમોક્રસી’ એટલે કે ડેટાના ક્ષેત્રે પણ લોકશાહી લાવવાની અને ડેટાના ક્ષેત્રે લોકો પોતાની મરજી ચલાવી શકે એવી સ્થિતિ સર્જવાનું સ્વપ્ન જોતા હતા.

જુલાઈ મહિનાની ૨૫મી તારીખે મુંબઈમાં, કેટલાક ખાસ આમંત્રિતોની હાજરીમાં તેમણે આ દિશામાંની એક નવી જ પહેલને સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ પહેલને નામ આપવામાં આવ્યું છે – સહમતી.

આ પ્રેઝન્ટેશનને પગલે, ‘ફિનટેક’ એટલે કે ફાઇનાન્સ સંબંધિત ટેક્નોલોજીના ક્ષેત્રે કાર્યરત લોકોમાં જબરી ચર્ચા જાગી છે અને આવનારા સમયમાં, આ સહમતીની પહેલ ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) કરતાં પણ મોટી ક્રાંતિ લાવશે એવા અભિપ્રાયો વ્યક્ત થવા લાગ્યા છે.

આ વિચાર પર ત્રણ-ચાર વર્ષથી કામ ચાલી રહ્યુ છે, છતાં, સહમતીની પહેલ હજી તેના પહેલા ચરણમાં જ છે. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં તે સૌને માટે લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.


જેમ યુપીઆઇથી બે જુદી જુદી પાર્ટી પોતપોતાનાં બેન્ક ખાતાંની વિગતો એકમેકને આપ્યા વિના – અને છતાં – સીધા એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની આપલે કરી શકે છે, એ જ રીતે સહમતી વ્યવસ્થા હેઠળ આપણે જુદી જુદી સંસ્થાને, સહમતી વ્યવસ્થા હેઠળ, ‘એકાઉન્ટ અગ્રીગેટર’ નામની કંપનીની મદદથી આપણો ડેટા આપી શકીશું – સલામત અને ખાનગી રીતે અને આપણી મરજી મુજબ, આપણા લાભ માટે.

આવનારા સમયમાં, સહમતી અને એકાઉન્ટ અગ્રીગેટર શબ્દ બહુ ગાજશે અને આપણે ઘણી રીતે ઉપયોગી પણ થાય  એવી શક્યતા છે. ‘આધાર’ની જેમ જ, સહમતીમાં પણ  પ્રાઇવસી અને ડેટાની સલામતીના મુદ્દે વિવાદો જાગશ, પણ એ પહેલાં આપણે આ વ્યવસ્થા વિશે મુદ્દાસર જાણીએ.

‘સહમતી’ ખરેખર છે શું?

આપણે એક સાદા ઉદાહરણથી આખી વાત સમજીએ.

થોડા સમય પહેલાં આવેલી એક ગુજરાતી ફિલ્મમાં તમે કદાચ જોયું હશે કે હીરો પોતાનું ઘર ખરીદવા ઠેકઠેકાણેથી પૈસા ભેગા કરીને, દસ્તાવેજોની ફાઇલ બનાવીને બેંકમાં લોન માટે અરજી કરે છે, પણ બેન્ક કેટલાય વાંધા કાઢીને લોન આપવાની ના કહે છે. પછી હીરો રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, આપણી સિસ્ટમ સામે આક્રોશ ઠાલવે છે… છેવટે બધું ઠેકાણે પડી જાય છે. વાસ્તવિક જગતમાં આ બધું એટલું સહેલું નથી.

તમારે વ્યક્તિગત ઉપયોગ માટે કે પોતાના નાના વેપાર-ઉદ્યોગ માટે બેંકમાંથી લોન જોઈતી હોય તો બેંક તમારી આર્થિક સદ્ધરતા માપવા માટે જાતજાતના દસ્તાવેજો માગે છે. આ દસ્તાવેજોની ફાઇલ તૈયાર કરતાં નવ નેજાં પાણી ઊતરે.

તમારે તમારા પૈસાના પ્લાનિંગ માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળવું હોય તો પહેલાં તો તમારે જુદાં જુદાં મ્યુચ્યુઅલ ફંડમાં તમારા રોકાણનાં સ્ટેટમેન્ટ્સ, શેર્સમાં રોકાણ કર્યું હોય તો ડીમેટ ખાતાંનાં સ્ટેટમેન્ટ્સ, જીવન વીમા પોલિસીના દસ્તાવેજ, બીજી બચતના દસ્તાવેજો, બેંક ખાતાની માહિતી… આ બધું ભેગું કરી, પ્રિન્ટ કાઢીને એડવાઇઝરને આપવું પડે.

હવેના સમયમાં આ બધી માહિતી નેટ પરથી ડાઉનલોડ કરીને ઇ-મેઇલ કરી શકાય, પણ એ માટે કેટકેટલી જગ્યાએ લોગ-ઇન થવું પડે, એ માટે કેટલાય પાસવર્ડ શોધવા કે રીસેટ કરવા પડે!

ઘણા લોકો આ જફાનો ટૂંકો પણ બહુ જોખમી રસ્તો અપનાવતા હોય છે, તેઓ પોતાનાં એકાઉન્ટ્સના પાસવર્ડ એડવાઇઝરને આપી દેતા હોય છે!

પણ જો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર આ બધી માહિતી એવી રીતે મેળવી શકે કે તમારે ઓફિસનાં કામ પડતાં મૂકીને કે રજા લઈને કોઈ દસ્તાવેજ કે કાગળો લેવા દોડાદોડી કરવી ન પડે તો? જિંદગી ઘણી સહેલી થઈ જાય!

આ વાત ‘સહમતી’ના રૂપમાં વાસ્તવિકતા બનવાની તૈયારી છે.

‘સહમતી’ એક એવી વ્યવસ્થા છે, જે સામાન્ય લોકો અને નાના ઉદ્યોગોને થર્ડ પાર્ટી સાથે પોતાની નાણાકીય બાબતો ડિજિટલ માધ્યમથી, પોતાની મરજી મુજબ શેર કરવામાં મદદ કરશે.

યાદ રહે, જેમ યુપીઆઇ પોતે કોઈ એક એપ નથી, પણ એક આખી વ્યવસ્થા છે, એમ ‘સહમતી’ માત્ર એક વ્યવસ્થા છે, તેનો લાભ આપણને વિવિધ એકાઉન્ટ અગ્રીગેટર કંપની દ્વારા મળશે. કઈ રીતે, એ જાણતાં પહેલાં સહમતીનું માળખું સમજી લઈએ.

સહમતીનું માળખું કેવું છે?

આર્થિક ક્ષેત્રે ભારતની ચાર ટોચની સંસ્થાઓએ સાથે મળીને ‘સહમતી’ વ્યવસ્થા વિક્સાવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચારેક વર્ષ પહેલાં આ વિચાર અમલમાં મૂક્યો હતો અને હવે તે સાકાર થઈ રહ્યો છે. આ ચાર મુખ્ય સંસ્થાઓ છેઃ

  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ),
  • સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (એસઇબીઆઇ-સેબી),
  • ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એજન્સી  (આઇઆરડીએ-ઇરડા)
  • પ્રોવિડન્ટ ફંડ રેગ્યુટરી એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (પીએફઆરડીએ)

જેમ અત્યારે આપણે યુપીઆઇ વ્યવસ્થાનો ભીમ એપ, જુદી જુદી બેન્કની યુપીઆઇ એપ, ગૂગલ પે, ફોનપે, પેટીએમ ઉપરાંત હાઇક કે વોટ્સએપ (પ્રાયોગિક ધોરણે) જેવી મેસેજિંગ એપમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ, એ રીતે, સહમતી વ્યવસ્થાનો આપણે ‘એકાઉન્ટ અગ્રીગેટર’ તરીકે ઓળખાતી કંપનીઓની મદદથી લાભ લઈ શકીશું.

આપણે આ એકાઉન્ટ અગ્રીગેટર દ્વારા આપણો ડેટા શેર કરી શકીશું, પણ તેઓ આપણે કોઈ ડેટા સ્ટોર કરી શકશે નહીં કે ડેટા જોઈ કે બીજા કોઈને વેચી શકશે નહીં.

આ પદ્ધતિમાં ડેટા શેરિંગ પૂરેપૂરું ડિજિટલ સ્વરૂપે થતું હોવાથી, એકદમ ઝડપથી થશે. તેના બીજા પણ ઘણા લાભ છે, જેની વાત આપણે આગળ કરીશું.

સહમતી એકાઉન્ટ એગ્રીગેટર શું છે?

સહમતી વ્યવસ્થા હેઠળ, હાલમાં આઠ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીઝ આપતી કંપનીઓને, એકાઉન્ટ અગ્રીગેટર તરીકે સેવા આપવા રિઝર્વ બેન્ક તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ કંપનીઓમાં આદિત્ય બિરલા, કેમ્સ અને જિયો જેવાં જાણીતાં નામ પણ છે.

આપણે આમાંની કોઈ પણ કંપનીમાં આપણું ખાતું ખોલાવી શકીશું. આ એકાઉન્ટ અગ્રીગેટર ખાતા સાથે આપણા બેન્ક ખાતા (અને અન્ય પ્રકારનાં ‘ખાતાં’ પણ) લિંક કરી શકીશું.

ફરી, માની લો કે તમારે બેંક પાસેથી લોન લેવી છે કે જીવન વીમા પોલિસી ખરીદવી છે અને તેના માટે અરજી કરવાની છે. લોન મંજૂર કરતાં પહેલાં કે પોલિસી આપતાં પહેલાં બેંક કે વીમા કંપની તમને તમારી નાણાકીય માહિતી આપવાનું કહેશે.

ટેક્નોલોજીની મજા એ છે કે ડેટા શેરિંગ અકાઉન્ટ અગ્રીગેટર દ્વારા થતું હોવા છતાં, તે આપણો ડેટા જોઈ શકશે નહીં કે સ્ટોર કરી શકશે નહીં .

જેમાં બેંકના ખાતાની માહિતી, તમારી આવકની જાણકારી, ક્લેઇમ હિસ્ટ્રી વગેરેનો સમાવેશ થાય છે. આ બધું તમારે જે તે જગ્યાએથી જાતે જઈને ભેગું કરવાનું રહે. પણ ‘સહમતી’ એકાઉન્ટ એગ્રીગેટરમાં લોગ-ઇન કરો તો તરત જ બધી માહિતી એક જગ્યાએ મળશે અને ત્યાંથી જ તે બેંક કે વીમા કંપની સાથે તમારી સંમતિ સાથે શેર કરશે.

‘સહમતી’ પાસે નાણાકીય માહિતી મેળવી આપતી બધી જ ફર્મ – પછી એ બેંક હોય કે મ્યુચ્યુઅલ ફંડ કે વીમા કંપનીઓ કે ઇન્કમ ટેક્સ વિભાગ – બધા સુધી એની પહોંચ હશે. એકાઉન્ટ અગ્રીગેટર કંપની આ સર્વિસના બદલામાં ફી લેશે.

જેમ અત્યારે આપણે કોઈ ઓનલાઇન શોપિંગ સાઇટ પર શોપિંગ કર્યા પછી, રૂપિયા ચૂકવવા માટે આપણી બેન્કની નેટ બેન્કિંગ સુવિધાનો લાભ લઈ શકીએ છીએ, એવું જ કંઈક લોન લેતી વખતે થશે…

  • આપણે લોન કંપનીને આપણું બેન્ક સ્ટેટમેન્ટ આપવાનું થાય ત્યારે, એ લોન કંપનીની વેબસાઇટ/એપ પર જવાનું.
  • ત્યાં ‘શેર યોર ડેટા’ જેવું બટન જોવા મળશે.
  • તેના પર ક્લિક કરતાં જુદી જુદી અકાઉન્ટ અગ્રીગેટર કંપનીમાંથી આપણી કંપની પસંદ કરી શકાશે.
  • તેના પર, સલામતીની વ્યવસ્થા (પાસવર્ડ-પિન વગેરે) વટાવ્યા પછી, આપણે પોતાના ખાતામાંથી કયો ડેટા લોન કંપની સાથે શેર કરવો તે નક્કી કરી શકીશું!
  • આપણો ડેટા એકાઉન્ટ અગ્રીગેટર દ્વારા, લોન કંપનીને તરત જ મળી જશે.

ટેક્નોલોજીની મજા એ છે કે ડેટા શેરિંગ અકાઉન્ટ અગ્રીગેટર દ્વારા થતું હોવા છતાં, તે આપણો ડેટા જોઈ શકશે નહીં કે સ્ટોર કરી શકશે નહીં (‘આધાર’ વ્યવસ્થાનો બધો વિવાદ આ મુદ્દા પર જ છે – ‘સહમતી’માં પણ આ મુદ્દે અચૂક વિવાદ જાગવાનો!).

સહમતી વ્યવસ્થાનો પહેલાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં ઉપયોગ કરવામાં આવશે અને ધીમે ધીમે તેને ટેલિકોમ, હેલ્થકેર અને બીજાં ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાશે.

અત્યારે જે માહિતી મળી રહી છે, એ મુજબ એકાઉન્ટ એગ્રીગેટર એવું પ્લેટફોર્મ બનશે, જેમાં પોતાની નાણાકીય માહિતી કેટલી વખત, કોની સાથે, ક્યારે અને કેટલી શેર કરવી એનો પૂરો અંકુશ યૂઝર્સના હાથમાં રહેશે.

આમાં આપણો કેટલો ફાયદો?

પહેલી વાત એ કે લોન કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જેવી પ્રક્રિયા સહમતીને કારણે ઘણી ઝડપી બની જશે. આપણો સમય અને શક્તિ બચશે, કાગળિયાંની કડાકૂટમાંથી બચી જવાશે એ પણ ફાયદો.

નિષ્ણાતો માને છે કે આ દેખીતા ફાયદા ઉપરાંત, સહમતીનો બીજો પણ એક મોટો ફાયદો છે. અત્યારે આપણે વ્યક્તિગત કે પોતાના નાના વેપાર-ઉદ્યોગ માટે લોન લેવી હોય તો કંઈક ને કંઈ જામીનગીરી આપીને લોન મેળવવી પડે છે. લોન આપનાર કંપની સામાન્ય રીતે, આપણી હાલની આર્થિક પરિસ્થિતિ અને જામીન મિલકત કે અન્ય સંપત્તિનું મૂલ્ય ધ્યાને રાખીને જ લોન આપે છે, આપણો વેપાર-ઉદ્યોગ ભવિષ્યમાં કેટલો નફાકારક બની શકે તેમ છે તે મુદ્દો બહુ ધ્યાને લેવાતો નથી, કેમ કે તેમાં ફક્ત અનુમાન હોય છે, નક્કર ડેટાનો આધાર હોતો નથી.

સહમતીથી આ સ્થિતિ બદલાઈ જશે.

મરજી મુજબ અને પ્રાઇવસી સાથે ડેટા શેરિંગ કરવાની સગવડ મળશે તો તેના અનેક રીતે લાભ લેવાના નવા રસ્તાઓ પણ ખૂલશે!

સહમતી વ્યવસ્થાને કારણે આપણે આપણા બેન્ક ખાતા, જીએસટીનાં રીટર્ન, અન્ય કોઈ લોન ચાલુ હોય તો તેનાં ખાતાં વગેરેનો ડેટા, નવી લોન કંપની સાથે ‘લાઇવ’ શેર કરી શકીશું.

પરિણામે, લોન કંપની મંજૂરી સમયની આપણી આર્થિક સદ્ધરતા તો જાણશે જ, સાથોસાથ આપણો વેપાર-ઉદ્યોગ નફો કરી રહ્યો છે કે ખોટમાં જઈ રહ્યો છે એ પણ જાણી શકશે! પરિણામે લોન કંપનીને લાગે કે તેણે આપેલી લોન ડૂબે તેમ છે, તો તે તરત જરૂરી પગલાં લઈ શકશે.

અત્યારે રીયલ એસ્ટેટના ક્ષેત્રે, જે તે પ્રોજેક્ટનું બાંધકામ આગળ વધતુું જાય તેમ તેમ તબક્કા અનુસાર લોન રીલિઝ કરવાનું પ્રમાણ વધતું જાય છે. આને કારણે લોન આપનાર કંપનીનાં નાણાં ડૂબવાનું જોખમ ઘટે છે.

સહમતીને કારણે લોન કંપનીની મૂડીનું જોખમ ઘટતું હોવાથી, લોન આપવામાં તે વધુ ઉદાર બની શકે છે.

આગળ જતાં શું થશે?

આગળ વાત કરી તેમ, સહમતી વ્યવસ્થા હાલમાં માત્ર ફાઇનાન્સ સેક્ટર માટે અમલમાં આવી રહી છે, પણ આગળ જતાં, જુદાં જુદાં અનેક ક્ષેત્રોમાં આપણો ડેટા, આપણી મરજી મુજબ શેર કરવાનું સરળ બનશે અને તેનો આપણે લાભ લઈ શકીશું.

અત્યારે ગૂગલ પર આપણે ડાયાબિટીસ વિશે વધુ સર્ચ કર્યું હોય તો વીમા કંપની એ ડેટાને આધારે આપણું પ્રીમિયમ વધારી દે તેવું જોખમ છે, પરંતુ પછી આપણે પોતે ગૂગલ ફિટ જેવી ફિટનેસ એપના આધારે ફિટનેસ એક્ટિવિટીનો સારો ડેટા વીમા કંપની સાથે શેર કરીને પોતાનું પ્રીમિયમ ઓછું કરાવી શકીએ એવું પણ બની શકે છે (આવું અત્યારે જ બની રહ્યું છે, ઘણી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની આવી રીતે જો આપણે નિયમિત ચાલતા હોવાનું એપના ડેટાથી સાબિત કરીએ તો પ્રીમિયમમાં લાભ આપે છે)!

અત્યારે આપણે ફૂડ ડિલિવરી એપ કે એપ કેબ સર્વિસનો લાભ લઈએ છીએ એ એક પ્રકારની અગ્રીગેટર કંપની જ છે, જે જુદી જુદી જરૂરિયાત ધરાવતા લોકોને મેળવી આપે છે અને તેમાં આપણે પોતાની મરજી મુજબ પોતાનો ડેર શેર કરીએ છીએ.

અત્યાર સુધી આપણા અર્થતંત્રમાં રોકડિયા અને બેનામી વ્યવહારોનો સિંહફાળો રહ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે અને એકમેક સાથે સંકળાઈ રહ્યું છે અને તેના સૌને લાભ પણ દેખાઈ રહ્યા છે. એ જોતાં, આપણી મરજી મુજબ અને પ્રાઇવસી સાથે ડેટા શેરિંગ કરવાની સગવડ મળશે તો તેના અનેક રીતે લાભ લેવાના નવા રસ્તાઓ પણ ખૂલશે!

ડેટામાંથી ફાયદો!

દુનિયાઆખી યૂઝર્સની ડેટા પ્રાઇવસી અને કન્સેન્ટની કાગારોળ મચાવી રહી છે ત્યારે ભારતે જુદી જ દિશામાં પહેલ કરી છે.

આખી દુનિયામાં ડેટાના પ્રોટેક્શનની એટલે કે આપણો ડેટા કોઈ ચોરી ન જાય એ રીતે, સલામત કેવી રીતે રાખવો તેની ચિંતા ચાલી રહી છે, ત્યારે ભારતે યૂઝર પોતાની મરજીથી ડેટાનું શેરિંગ કરી શકે અને પોતાના ડેટાનો લાભ લઈ શકે એવી દિશા પકડી છે. ભારતમાં આ માટે ડેટા એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન આર્કિટેક્ચર (ડીઇપીએ)નો વિચાર નક્કર સ્વરૂપ લઈ રહ્યો છે.

સહમતી અને ડિજિલોકરમાં શું ફેર છે?

‘ડિજિટલ ઇન્ડિયા’ના વિચારને સાકાર કરવાના એક પગલાં તરીકે ભારત સરકારે આપણા અગત્યના દસ્તાવેજો સાચવવા માટે ‘ડિજિલોકર’ નામની એક વ્યવસ્થા વિક્સાવી છે (વધુ માહિતી માટે જુઓ ઓક્ટોબર ૨૦૧૬નો અંક).

ડિજિટલ લોકરમાં આપણે પોતાના દસ્તાવેજો સ્ટોર કરીને કોઈની પણ સાથે ડિજિટલ સ્વરૂપમાં શેર કરી શકીએ છીએ. સહમતી વિશે વાંચ્યા પછી આ બંનેમાં ફેર શું છે, એ સવાલ ચોક્કસ થાય તેમ છે.

બંનેમાં એક પાયાનો તફાવત છે.

ડિજિલોકર આપણને વિવિધ સંસ્થાઓ તરફથી મળતાં કાયમી સર્ટિફિકેટ્સ અને અન્ય દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સાચવવાની અને સલામત રીતે શેર કરવાની સુવિધા છે. આ એવા દસ્તાવેજો છે, જેમાં ભવિષ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી.

જ્યારે સહમતીમાં, આપણાં વિવિધ એકાઉન્ટ્સનો ડેટા જીવંત સ્વરૂપે શેર કરવાની વાત છે. એટલે કે બેન્ક ખાતાની વાત કરીએ તો તેમાં રકમની જે લેવડ-દેવડ થાય તે, આપણે આ એકાઉન્ટ જેની સાથે સમજી-વિચારીને શેર કર્યંુ હોય તે જોઈ શકે છે.

ભારત સરકાર અત્યારે ‘જેમ (જેએએમ) ટ્રિનિટી’ એટલે કે જનધન ખાતાં, આધાર અને મોબાઇલની ત્રિશક્તિનો લોકોના ફાયદામાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. જનધન યોજના હેઠળ ૩૩.૬૬ કરોડ જેટલાં નવાં બેંક ખાતાં ખોલાયાં છે, આધાર હેઠળ દેશની લગભગ આખી વસતીને આવરી લેવાઈ છે અને મોબાઇલ પણ લગભગ સૌની પાસે છે. તેની મદદથી લોન પ્રક્રિયાને ઝડપી અને સામાન્ય માણસ માટે વધુ લાભદાયી બનાવવાનો પ્રયાસ એટલે સહમતી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!