સ્માર્ટફોનમાં ગુજરાતી – પોતાના ફોન્ટમાં ગુજરાતી ફોન્ટ ધરાવતા લોકોને કોઈ ચિંતા નથી, પણ જેમના ફોન્ટમાં ગુજરાતી ફોન્ટ ન હોય એમના માટે પણ, એક ઉપાય તો છે!
મોબાઇલમાં જુદી જુદી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ, તેનાં જુદાં જુદાં વર્ઝન અને આ બધું હેન્ડસેટનાં જુદાં જુદાં મોડેલમાં ઓફર કરતી ઘણી બધી કંપનીઓ… આ બધાને કારણે, થોડાં વર્ષ પહેલાં કમ્પ્યુટરમાં સ્થાનિક ભાષાના ઉપયોગના સંદર્ભે જે ગૂંચવણો જોવા મળતી હતી એ બધી અત્યારે મોબાઇલમાં પણ જોવા મળે છે.
એન્ડ્રોઇડના સંદર્ભે વાત કરીએ તો, જુદી જુદી હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ગૂગલની આ ઓપરેટિંગ સિસ્ટમનો આધાર તરીકે ઉપયોગ કરીને, તેમાં પોતાની રીતે સુવિધાઓ ઉમેરીને પછી મોબાઇલ ફોનનું વેચાણ કરે છે. આ બધી જ કંપનીઓ ફોનની મૂળ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ યુઝર એટલે કે આપણે કોઈ ફેરફાર ન કરી શકીએ એ રીતે લોકિંગની સિસ્ટમ અપનાવે છે. ફોનની સિસ્ટમના જાણકારો ફોનનું રૂટિંગ કરે તો પછી તેઓ ઓપરેટિંગ સિસ્ટમમાં ધાર્યા ફેરફારો કરી શકે છે, પરંતુ એમ કરવા જતાં કંઈક ગરબડ થાય તો ફોન સદંતર ઠપ્પ થઈ જવાનો ભય રહે છે અને હેન્ડસેટ કંપનીની વોરંટી તો રદ થાય જ છે.
આ પૂર્વભૂમિકા સાથે, ફોનમાં ગુજરાતી ફોન્ટના અભાવની તકલીફની વાત કરીએ.
ડેસ્કટોપ કે લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ ૨૦૦૦ કે તેથી ઉપરનાં વર્ઝનમાં – બાય ડિફોલ્ટ – યુનિકોડ ફોન્ટ (ગુજરાતી માટે શ્રુતિ અને હિન્દી માટે મંગલ) સામેલ હોય છે. પરિણામે, આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ કે ક્રોમ જેવાં બ્રાઉઝરમાં ગુજરાતી ફોન્ટ ધરાવતી સાઇટ જોઈએ તો કોઈ મુશ્કેલી થતી નથી.
મોબાઇલમાં પણ જો મેન્યુફેક્ચરિંગ કંપનીએ પોતાના મોડેલમાં હિન્દી કે ગુજરાતી ફોન્ટ ઉમેર્યા હોય તો આપણે ગુજરાતી કે હિન્દી સાઇટ જોઈ શકીએ છીએ.
તકલીફ એ છે કે કંપનીએ ફોન્ટ ઉમેર્યુ ન હોય તો આપણે સહેલાઈથી તેમાં ફોન્ટ ઉમેરી શકતા નથી કેમ કે ફોન્ટની સિસ્ટમ લોક્ડ હોય છે! ફોનનું રૂટિંગ કર્યા પછી જ આ કામ થઈ શકે છે.
છતાં, જો તમારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોય અને તમારે ગુજરાતી વેબસાઇટ્સ સર્ફ કરવી હોય તો ઓપેરા મિની બ્રાઉઝરમાં એક કરામત છે (આપણે ‘સાયબરસફર’ના પહેલા અંકમાં આ કરામતની વાત કરી હતી, તેની ઉપયોગીતા ધ્યાને રાખીને અહીં પુનરાવર્તન કરી લઈએ).
ઓપેરા મિની બ્રાઉઝરમાં બિટમેટ ફોન્ટ ઇનેબલ કરવાથી આ કામ થઈ શકે છે. એ માટે સૌથી પહેલાં, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઓપેરા મિની બ્રાઉઝર ડાઉનલોડ કરીને ફોનમાં ઇન્સ્ટોલ કરી લો.
હવે તેના એડ્રેસ બારમાં Opera:config લખીને ઓકે/ગો બટન પ્રેસ કરો (કોલન પછી સ્પેસ રાખશો નહીં). જે વિન્ડો ઓપન થાય તેમાં છેક નીચે, છેલ્લેથી બીજા ઓપ્શનમાં Use bitmap fonts for complex scripts માં YES સિલેક્ટ કરીને સેવ કરી લો. આ રીતે, વેબસાઇટમાંનું લખાણ બતાવવા માટે બ્રાઉઝર ફોનમાં ગુજરાતી ફોન્ટ શોધવાને બદલે તેના સર્વિસમાં રહેલી સગવડનો ઉપયોગ કરશે. હવે તમે ઓપેરા મિની બ્રાઉઝરમાં ગુજરાતી લખાણ બરાબર જોઈ શકશો.
છતાં હજી તકલીફનો અંત આવતો નથી! ઓપેરા મિની બ્રાઉઝરમાં બાય ડિફોલ્ટ ફ્લેશ સપોર્ટ નથી, એટલે ફ્લેશ ફાઇલ્સ ધરાવતી (જેમ કે ‘સાયબરસફર’ની ઓનલાઇન એડિશન) સાઇટ્સનો ઓપેરા મિની બ્રાઉઝરમાં લાભ લઈ શકાતો નથી. આ માટે આપણે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરની મદદ લેવી પડે છે. મેગેઝિનની ઓનલાઇન એડિશન માટે દરેક પેજની ઇમેજ તૈયાર કરીને પછી તેને ફ્લેશની મદદથી ફ્લિપિંગ બુકનું સ્વરુપ આપવામાં આવે છે. આથી તેમાં ફોન્ટ રહેતા જ ન હોવાથી ગુજરાતી લખાણ વિના વિઘ્ને વાંચી શકાય છે. ફાયરફોક્સમાં યુનિકોડને અનુરૂપ ફોન્ટનું એનકોડિંગ સેટ કરવાની સુવિધા છે, પરંતુ ફોનમાં જ ગુજરાતી ફોન્ટ ન હોય તો સાઇટ પરનું બીજું, સીધું જ શ્રુતિ ફોન્ટથી લખાયેલું ગુજરાતી લખાણ વાંચી શકાતું નથી!
સદભાગ્યે મોબાઇલ ક્ષેત્રની આ બધી ગૂંચવણો દૂર કરવા માટે કેટલાક સંનિષ્ઠ પ્રયાસો પણ થઈ રહ્યા છે. આવતા અંકોમાં આપણે તેની વિગતવાર માહિતી મેળવતા રહીશું.

