આઇ.સી. દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો શંખનાદ : ૭ મે, ૧૯૫૨
જુદી જુદી કામગીરી ધરાવતા પૂરજાને એક જ બોર્ડ પર જોડતું સર્કિટનું જાળું- ઇન્ટિગ્રેટેડ સર્કિટ (આઇ.સી.) વીસમી સદીની ક્રાંતિકારી શોધોમાંનું એક ગણાય છે.
આ વિચાર બ્રિટિશ સૈન્ય સાથે સંકળાયેલા ઇજનેર જ્યોફ્રી ડમરે રજૂ કર્યો ત્યારે વાલ્વની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર્સ અને સેમિકન્ડક્ટર્સ કાર્યરત બની ચૂક્યા હતા. ડમરનો ખ્યાલ હતો કે એક જ બ્લોક પર ઇન્સ્યુલેટિંગ, કન્ડક્ટિંગ, એમ્પ્લિફાયિંગ જેવા જુદા જુદા હેતુ માટેના જુદા જુદા સ્તર હોય અને તેના થકી જુદા જુદા પૂરજા યથાયોગ્ય રીતે જોડાઇને અર્થપૂર્ણ સર્કિટ રચતા હોય.
ડમર પોતે જોકે આ વિચારને વ્યવહારમાં આણી શક્યા નહીં. એ કામ ૧૯૫૮માં અમેરિકાની ‘ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ના જેક કિલ્બીએ કરી બતાવ્યું. એ શોધ બદલ વર્ષ ૨૦૦૦માં તેમને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મળ્યું. વર્તમાન યુગમાં આઇ.સી. વગર નાનામાં નાના ઇલેક્ટ્રોનિક ઉપકરણની કલ્પના થઈ શકતી નથી. આઇ.સી.નો ઇતિહાસ આલેખતું જેક કિલ્બીનું નોબેલ પારિતોષિક સ્વીકાર પ્રવચન: http://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/2000/kilby-lecture.pdf
