રોજબરોજ જે આપણી નજરતળેથી પસાર થતું હોય એની ઘણી બાબતોની આપણે અજાણ રહી જઈએ એવું બનતું હોય છે. આ અંકમાં જે મુખ્ય લેખો છે એ બધા કોઈ ને કોઈ રીતે આ જ વાતના આધાર પર લખાયેલા છે.
માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ. આપણે આપણું કામ ચાલી જાય એટલી, ખપ પૂરતી તો તેની જાણકારી મેળવી લીધી હોય છે, પરંતુ આ પ્રોગ્રામ એટલો વિશાળ છે અને એટલો બધો વિચારપૂર્વક ડેવલપ કરાયેલો છે કે તેની સંખ્યાબંધ ખાસિયતો આપણા ધ્યાન બહાર રહે છે. આ અંકની કવર સ્ટોરીમાં આવાં કેટલાંક પાસાં પર પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કર્યો છે.
વર્ડની જેમ જ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે મેઇલ. આપણું જીમેઇલનું એકાઉન્ટ વાસ્તવમાં તો ગૂગલનું એકાઉન્ટ છે, જે ગૂગલની અનેક સર્વિસમાં લોગ-ઇન થવા માટે ઉપયોગી છે. આ એકાઉન્ટ અત્યંત અગત્યનું હોવા છતાં, તેને સિક્યોર બનાવવાનો મુદ્દો આપણે ભાગ્યે જ ધ્યાન પર લઈએ છીએ. સદભાગ્યે તેમાં બેંક જેવી ટુ-સ્ટેપ વેરિફિકેશન સિસ્ટમ આવી ગઈ છે. આ અંકમાં તેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજણ આપી છે.
એ જ રીતે રોજેરોજ જે આપણા હાથમાં રહે છે તે સ્માર્ટફોન ખોવાય તો શું કરવું અથવા શું શું થઈ શકે એ વિશે પણ આ વખતે વિગતવાર માહિતી આપી છે.
વાચકોની લાગણીને અનુસરીને ‘સાયબરસફર’માં હવે મોબાઇલ કે ટેબલેટ સંબંધિત લેખોનું પ્રમાણ થોડું વધાર્યુ છે, એ તમે કદાચ નોંધ્યું જ હશે!
સાથોસાથ, આ વેકેશનનો સમય છે એ કેમ ભૂલાય?! ફુરસદનો સમય આનંદથી પસાર થાય એવી ઢગલાબંધ લિંક્સ આ અંકમાં મળી રહેશે!
– હિમાંશુ

