(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો?

આજના ટેક્નોલોજી યુગમાં, નોકરી માટે પહેલાં ફોન પર જ ઇન્ટરવ્યૂ લેવાનું વલણ વધી રહ્યું છે, ત્યારે આવા ઇન્ટરવ્યૂ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણી લો.

આગળ શું વાંચશો?

  • ઇન્ટરવ્યૂ લેનાર વિશે જાણો

  • કઈ માહિતી ફરી તપાસવી?

  • કંપની વિશે જાણો

  • ઇન્ટરવ્યૂ પહેલાં જ વિવિધ બાબતો નક્કી કરો

  • ઇન્ટરવ્યૂ વખતે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ?

  • ઇન્ટરવ્યૂ વખતે શું શું હાથવગું રાખવું જોઈએ?

  • તણાવ અનુભવો તો…

  • કઈ રીતે વાતની શરૂઆત કરવી?

  • વાતચીત દરમિયાન ઇન્ટરવ્યૂ લેનાર તમને વચ્ચે રોકે તો?

  • ઇન્ટરવ્યૂનો સમય ફાવે એમ ન હોય તો?

  • છેલ્લે ઇન્ટરવ્યૂ લેનાર કદાચ પૂછી શકે, હજુ કોઈ સવાલ?

  • ફોન ઇન્ટરવ્યૂ પૂરો થાય પછી?

  • ફોન ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે એવા કેટલાક સવાલો

આ અંકમાં, માઇક્રોસોફ્ટે  હોલોગ્રામ ટેક્નોલોજીમાં કેવી પ્રગતિ કરી છે તે વિશેના લેખમાં, કોઈ મોટા કોર્પોરેશનના અતિ વ્યસ્ત અધિકારી, દુનિયાના ગમે તે ખૂણે હોલોગ્રામ સ્વરૂપે ‘પહોંચી’ને, પોતે જે ભાષા જાણતા જ ન હોય એ ભાષામાં પ્રેઝન્ટેશન આપી શકે તેવી શક્યતા દર્શવવામાં આવી છે.

જો આપણું ભાવિ આવું હોય તો નોકરી માટેના ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારને કંપનીની ઓફિસે બોલાવવાને બદલે પહેલાં ફોન પર જ ઇન્ટરવ્યૂ લઈને ઉમેદવારને ચકાસી લેવાનું વલણ વધે એમાં કોઈ નવાઈ નથી!

લગભગ તમામ પ્રકારની કંપનીઝમાં આ પ્રકારે પ્રારંભિક ચકાસણીનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને તમે સારી આઇટી કંપનીમાં જોબ માટે તૈયારી કરી રહ્યા હો, તો તો ફોન પર પહેલા ઇન્ટરવ્યૂ માટે અનિવાર્યપણે તૈયાર રહેવું પડે.

હવેના સમયમાં કોલેજમાં જ વિવિધ ડિબેટ, ક્વિઝ કે એ પ્રકારના અન્ય પ્રોગ્રામ્સને કારણે આપણે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે તો પ્રમાણમાં ખાસ્સા તૈયાર હોઈએ, પણ ફોન પર ઇન્ટરવ્યૂની વાત ઘણા વિદ્યાર્થીઓને વધુ નર્વસ કરી દેતી હોય છે.

તેનાં દેખીતાં કારણો છે – ફોન પર ઇન્ટરવ્યૂ લેનાર કોણ છે, વાત કરતી વખતે તેના હાવભાવ કેવા છે એ કંઈ ફોન પર દેખાય નહીં. વળી એની પણ ચિંતા કે આપણી આજુબાજુમાં કોઈ ધમાચકડી ન ચાલતી હોય, આપણે ધીમેથી બોલવાનું છતાં સ્પષ્ટ રીતે અને મુદ્દાસર આપણી વાત રજુ કરવાની (એ તો વધારે મુશ્કેલ કેમ કે એવી આપણને ટેવ નથી!) એટલે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ કરતાં ફોન ઇન્ટરવ્યૂ જરા મુશ્કેલ હોય છે. આ સંદર્ભમાં, ટેલિફોનિક ઇન્ટરવ્યૂની પરીક્ષામાંથી પાર ઊતરવામાં મદદ કરી શકે તેવી કેટલીક જાણકારી મેળવી લઈએ…

ઇન્ટરવ્યૂ લેનાર વિશે જાણો

તમને જાણ થાય કે જે તે વ્યક્તિ ફોન પર તમારો ઇન્ટરવ્યૂ લેવાની છે તો તરત જ લિંક્ડઇન પર સર્ચ કરીને તે વ્યક્તિનો કંપનીમાં શો રોલ છે તેની માહિતી મેળવી લો. મોટા ભાગે એ વ્યક્તિ રિક્રુટિંગ ટીમની સભ્ય હોય છે. એનો અર્થ એ કે તમારા ભાવિ બોસ કે હાયરિંગ મેનેજર તો નહીં જ હોય, એટલે અડધી ચિંતા દૂર!

બીજી મહત્ત્વની વાત એ કે ઇન્ટરવ્યૂ લેનાર તમને બેઝિક પ્રશ્નો પૂછશે, તમે અત્યાર સુધી કરેલા કામ વિશે અને એમની કંપનીની દૃષ્ટિએ તમારામાં એવું શું છે કે તમને જ નોકરી આપવી જોઈએ એ જાણવા માગશે. એટલે ફોન ઇન્ટરવ્યૂમાં બહુ અઘરા પ્રશ્નો પૂછાવાની શક્યતા નથી, એ આવશે બીજા તબક્કામાં.


કઈ માહિતી ફરી તપાસવી?

નોકરીની જાહેરાતમાં આપેલી બધી જ વિગતો બરાબર ધ્યાનથી વાંચી જાઓ. એમાં જે મહત્ત્વના કીવર્ડ્સ હોય, જે સ્કિલ્સ માગી હોય તેને સમજી લો. ઇન્ટરવ્યૂ લેનાર સાથે વાતચીત ચાલતી હોય ત્યારે આ માહિતીનો સમજપૂર્વકનો ઉપયોગ કરી શકો છો. જાહેરાત વાંચતી વખતે એક કાગળ પર આવા શબ્દો લખી રાખો જેથી તમે એ બધા યાદ રાખી શકશો અને વાતચીતમાં ઉમેરી શકશો.

બીજી એક અગત્યની વાત, તમે જે પણ નોકરી માટે અરજી કરી હોય તેની વિગતોની ડિજિટલ ફાઇલ બનાવી રાખો. તમે કોઈ પણ સારા ટુ-ડુ લિસ્ટ કે ગૂગલ ડોક કે સ્પ્રેડશીટ કે વર્ડ-એક્સેલનો ઉપયોગ કરી શકો. ધ્યાન એ રાખો કે આ માહિતી તમારા માટે કાયમ હાથવગી રહે. આ એક સ્માર્ટ અભિગમ છે. જે જે કંપનીમાં અરજી કરી હોય તેની તારીખ, પોઝિશન, ફોલોઅપ વગેરેની ડિટેઇલ્સ સ્ટોર કરી રાખો.

કંપની વિશે જાણો

જે કંપની તરફથી ફોન ઇન્ટરવ્યૂ આવ્યો છે તેના વિશે લિંક્ડઇન અને કંપનીની સાઇટ પર ખાંખાંખોળાં કરો. “તમે શા માટે અમારી કંપનીમાં કામ કરવા માગો છો?” એ સવાલનો જવાબ તમે કંપની વિશે માહિતી મેળવી હશે તો સારી રીતે આપી શકશો.

ઇન્ટરવ્યૂ પહેલાં જ વિવિધ બાબતો નક્કી કરો

ઇન્ટરવ્યૂ પહેલાં જ તમે નક્કી કરી લો કે તમારે કેટલો પગાર જોઈએ કે અત્યારે મળતા પગારમાં કેટલો વધારો જોઈએ છે. તમે તમારી માપસરની અપેક્ષાની રેન્જ સરળ રીતે જણાવી શકો છો.

ફોન ઇન્ટરવ્યૂ છે એટલે ફાઇનલ ઇન્ટરવ્યૂ તો ન હોય તેથી બહુ અઘરા સવાલો નહીં પૂછાય, પણ સરળ સવાલોની પણ પૂરતી તૈયારી કરી રાખો. તમારા પક્ષે તમે નોકરીએ રાખવા માટેની પ્રોસેસ કેવી હોય છે, હવે પછી શું, કામ ક્યારે શરૂ થાય એવું ઇચ્છો છો? વગેરે પૂછી શકો.

ઇન્ટરવ્યૂ વખતે કેવી જગ્યા પસંદ કરવી જોઈએ?

ઇન્ટરવ્યૂ વખતે શાંત જગ્યા પસંદ કરો. ઇન્ટરવ્યૂ પહેલાં તમે પોતે કોઈ દોડાદોડીમાં ફસાવ નહીં એનું ધ્યાન રાખો, ફોનની બેટરી પૂરી ચાર્જ હોવાનું પણ ચકાસી લો. આજુબાજુમાં કોઈ ઘોંઘાટ ન હોય, ઘરમાં હો તો બાળકોનો શોરબકોર કે ટીવીના અવાજ ન હોય એનું ધ્યાન રાખો. પરિવારમાં સૌને એ સમયે શાંત રહેવા પહેલેથી જણાવી દો.

શાંત વાતાવરણમાં વાતચીત કરશો તો તમે પૂરી સ્વસ્થતાથી, શાંત અવાજે વાત કરી શકશો. હેડફોન્સનો ઉપયોગ મદદરૂપ થશે.

ઇન્ટરવ્યૂ વખતે શું શું હાથવગું રાખવું જોઈએ?

રેઝ્યુમે, લિંક્ડઇન, નોકરીની વિગતો અને લેપટોપ હાથવગાં રાખવાં જોઈએ. જેમ પર્સનલ ઇન્ટરવ્યૂ માટે આ બધું સાથે રાખીએ  છીએ, એમ ફોન ઇન્ટરવ્યૂ વખતે પણ આ બધું સામે જ રાખો જેથી જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકો.

તણાવ અનુભવો તો…

‘સાયબરસફર’ના ઓગસ્ટ  ૨૦૧૩ના અંકમાં, ગૂગલ ઇન્ડિયાના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદ થયેલા ગુજરાતના છ વિદ્યાર્થીઓએ તેમની ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના અનુભવો લખ્યા હતા.

ત્યારે તેમણે લખ્યું હતું કે તેમના માટે એ જિંદગીનો પહેલો ઇન્ટરવ્યૂ હતો, એ પણ સીધો ગૂગલમાંથી અને એ પણ ફોન પર! છતાં, આ દરેક વિદ્યાર્થીનો અનુભવ હતો કે પહેલી બે-ચાર ક્ષણમાં જ તેમનો બધો તણાવ દૂર થઈ ગયો અને સહજ રીતે વાતચીત આગળ વધવા લાગી.

જો ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એકદમ પ્રોફેશનલ હોય તો એ તમારો સ્ટ્રેસ બિલકુલ ઓછો કરીને, તમને સાહજિક રીતે વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરશે. ઇન્ટરવ્યૂ લેનાર તો આપણને હળવા બનવાશે, પણ…

કેમ? કેમ કે ફોન પર ઇન્ટરવ્યૂ કરનારી વ્યક્તિને આ પ્રક્રિયાનો ખાસ્સો અનુભવ હોય છે. આપણા માટે એ કદાચ પહેલો અનુભવ હોઈ શકે છે, પણ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એકદમ પ્રોફેશનલ હોય તો એ તમારો સ્ટ્રેસ બિલકુલ ઓછો કરીને, તમને સાહજિક રીતે વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એકદમ પ્રોફેશનલ હોવાથી એ આપણને હળવા-સહજ બનવાશે, પરંતુ એનો અર્થ એવો પણ ન કરવો કે હવે તો દોસ્તી થઈ ગઈ છે, છૂટથી વાત કરી શકાય! આપણે પૂરી મર્યાદા અને માન જાળવીને જ વાતચીત કરવી રહી. ફોન ઇન્ટરવ્યૂમાં, તમને તમારા સબ્જેક્ટનું કેટલું નોલેજ છે એના કરતાં, સામાન્ય રીતભાતમાં તમે કેટલા ઠરેલ અને છતાં સ્માર્ટ છો એ વધુ ચકાસવામાં આવે છે.

કઈ રીતે વાતની શરૂઆત કરવી?

પ્રોફેશનલી વાત કરો. ફોન ઉપાડો ત્યારે કહો, ‘‘હલો, હું (તમારું પૂરું નામ) બોલું છું.’’ એનાથી ઇન્ટરવ્યૂ લેનારને તમને ઓળખવામાં સહેલું પડશે અને સ્પષ્ટ થશે કે તમે ઇન્ટરવ્યૂ માટે એકદમ તૈયાર છો. અમુક ચોક્કસ રીતે વાત શરૂ કરવાથી એ સ્પષ્ટ થઈ જશે કે તમને આ ફોન ઇન્ટરવ્યૂ થવાનો છે તેની ખબર છે.

વાતચીત દરમિયાન ઇન્ટરવ્યૂ લેનાર તમને વચ્ચે રોકે તો?

તમે યોગ્ય જવાબ આપો છો કે નહીં તે જાણવું હોય તો બહુ સહેલું છે. તમારી વાત લાંબી ચાલે અને ઇન્ટરવ્યૂ લેનાર વચ્ચે રોકે તો સમજી લો કે તમે જે વાત કરી રહ્યા છો તે હાલપૂરતી કામની નથી. તમે વાત ચાલુ રાખશો તો એ કદાચ તમારી વાતમાં ધ્યાન નહીં આપતા હોય. એના બદલે ઇન્ટરવ્યૂ લેનાર તમને વચ્ચે રોકે તો એમની વાત પહેલાં સાંભળો અને તમારી વાત ફરી ક્યારેક મોકો મળે ત્યારે કરો.

ઇન્ટરવ્યૂનો સમય ફાવે એમ ન હોય તો?

ઇન્ટરવ્યૂનો સમય બદલવાનું કહેવું યોગ્ય નથી, પણ એવું બને કે તમારા વર્તમાન બોસ તમને કોઈ મીટિંગમાં હાજરી આપવા કહે અને એ સમય તમારા ફોન ઇન્ટરવ્યૂ માટે નક્કી થયેલો હોય તો રિક્રુટ કરનારી કંપનીને વિનાસંકોચે જાણ કરો કે એ સમય અનુકૂળ નથી.

એટલું ખાસ યાદ રાખશો કે ફોન પરનો ઇન્ટરવ્યૂ હોય કે પર્સનલ ઇન્ટરવ્યૂ, તમારી વર્તમાન કંપનીના કામની તમને પરવા નથી એવી છાપ ક્યારેય પડવા દેશો નહીં. આ બાબતે તમે જેટલા સજાગ રહેશો એટલી સારી છાપ કેળવી શકશો.

કંપની પણ સમજશે કે તમે તમારા કામ વચ્ચે નોકરીની શોધ માટે મથામણ કરો છો એટલે એ પણ તમને સપોર્ટ કરશે.

એટલું ખાસ યાદ રાખશો કે ફોન પરનો ઇન્ટરવ્યૂ હોય કે પર્સનલ ઇન્ટરવ્યૂ, તમારી વર્તમાન કંપનીના કામની તમને પરવા નથી એવી છાપ ક્યારેય પડવા દેશો નહીં.

છેલ્લે ઇન્ટરવ્યૂ લેનાર કદાચ પૂછી શકે, હજુ કોઈ સવાલ?

ફોન ઇન્ટરવ્યૂ દરમિયાન તમે સહજ રીતે જવાબ આપ્યા, સમજપૂર્વક સવાલ પૂછ્યા અને છેલ્લે ઇન્ટરવ્યૂ લેનાર કદાચ તમને પૂછે કે તમારે હજુ કંઈ પૂછવું છે? તો તમે કહી શકો કે એમને હજી કોઈ સવાલ પૂછવા છે? આનાથી તેમને ખ્યાલ આવશે કે તમે હજી વધારે સવાલો માટે તૈયાર છો અને તમે ઇન્ટરવ્યૂ પ્રોસેસમાં પૂરેપૂરા ઇન્વોલ્વ છો!

ફોન ઇન્ટરવ્યૂ પૂરો થાય પછી?

ઇન્ટરવ્યૂ પ્રોસેસ પૂરી થાય એ પછી સામેની વ્યક્તિનો અચૂક આભાર માનો. ફોન ઇન્ટરવ્યૂ પૂરો થાય પછી થોડા કલાકોમાં જ કંપનીને થેંકયુ ઈ-મેઇલ કરો. ભાષા ફોર્મલ અને ભૂલો વિનાની હોવી જોઈએ.

સમયનું મહત્ત્વ પહેલાં પણ હતું અને આજે પણ છે. પણ હવે હાલાકી વધી છે ત્યારે ટેક્નોલોજી આપણી મદદે આવી છે એટલે કામ ઘણાં સહેલાં થઈ જાય છે.

ફોન ઇન્ટરવ્યૂ કંપનીનો અને તમારો આવવા-જવાનો સમય અને પૈસા બચાવવાનો એક પ્રેક્ટિકલ રસ્તો છે. એના માટે પૂરા તૈયાર રહેશો તો ચોક્કસ સફળ થશો!

ફોન ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે એવા કેટલાક સવાલો

  • ફોન ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે એવા કેટલાક સવાલો
  • તમારા કામ વિશે થોડું જણાવો.
  • તમે તમારી અત્યારની કંપની શા માટે છોડવા માગો છો?
  • તમારી અત્યારની પોઝિશનમાં કઈ સૌથી મોટી ચેલેન્જ તમારી સામે આવી છે અને તમે એનો સામનો કઈ રીતે કર્યો?
  • તમારી છેલ્લી નોકરીમાં તમે કોઈ નોંધપાત્ર કામ કર્યું હોય તો તે જણાવો.
  • તમારી છેલ્લી નોકરીમાં તમારું સૌથી મનગમતું/ઓછું ગમતું શું હતું?
  • અમારી કંપનીની સફળતામાં તમે કઈ રીતે ફાળો આપી શકો?
  • તમે એકલે હાથે અને ટીમ સાથે મળીને કેટલું સારું કામ કરી શકો છો?
  • તમે અમારા માટે કામ શા માટે કરવા ઇચ્છો છો?
  • તમને આ ચોક્કસ પોઝિશન માટે રસ કેમ પડ્યો?
  • આ પોઝિશન માટે તમે આદર્શ ઉમેદવાર છો એવું કઈ રીતે કહી શકાય?
  • તમે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે ક્યારે આવી શકો એમ છો?
  • (તમે બીજા શહેરમાં નોકરી માટે અરજી કરી હોય તો) તમે તમારું શહેર છોડીને અહીં આવવા ઇચ્છો છો? અમે તમને કોઈ જાતની મદદ પૂરી ન પાડીએ તો પણ તમે અહીં શિફ્ટ થવા ઇચ્છો છો?
  • તમારી પગારની અપેક્ષા શી છે?
  • નોકરીની તમારી શોધમાં કેટલે સુધી કામયાબ થયા છો? બીજી કંપનીઓ સાથે વાતચીત ચાલે છે?
  • આવતાં પાંચ વર્ષમાં તમે પોતાને ક્યાં જુઓ છો?
  • તમારે કંઈ પૂછવું છે?

છેલ્લો સવાલ બહુ જ અગત્યનો છે. એનો જવાબ આપવા માટે ફોન ઇન્ટરવ્યૂ પહેલાં તમારે કંપની વિશે જાણી લેવું જોઈએ અને બહુ જ વિચારીને પ્રશ્નો પૂછવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!