સોશિયલ મીડિયા પર બીજાનું ધ્યાન ખેંચવા માટે અને એ જ કારણસર એડવર્ટાઇઝિંગમાં એક અનોખા પ્રકારના મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે.
આગળ શું વાંચશો?
- સિનેમાગ્રાફ શું છે?
- સિનેમાગ્રાફ કેવી રીતે બનાવી શકાય?
જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટવીટર પર ખાસ્સા એક્ટિવ હશો તો ક્યારેક ને ક્યારેક કોઈ એવા ફોટોગ્રાફ કે વીડિયો તમારી નજરમાં આવ્યા હશે જેણે તમારી નજર ખરેખર જકડી રાખી હશે. કારણ એટલું જ કે તમે જે જોઈ રહ્યા હો તેને ફોટોગ્રાફ કહેવો કે વીડિયો એ જ સમજાતું નહીં હોય!
તમે કદાચ ક્યારેક નીચેની સ્થિતિ દર્શાવતા આવા મીડિયા સોશિયલ પ્લેટફોર્મ પર જોયા હશેઃ
- કોઈ દરિયાકિનારે કોઈ કપલ એકીટસે સૂર્યાસ્ત જોઈ રહ્યું હોય અને પાણીનાં એકધારાં મોજાં કિનારા પર આવી રહ્યાં હોય…
- કોઈ છોકરી હાથમાં ફૂલઝર પકડીને સ્થિર ઊભી હોય અને ફક્ત તેના હાથમાંના ફૂલઝરમાં તણખા ઝરી રહ્યા હોય…
- કોઈ ગ્લાસમાં બોટલમાંથી પીણું રેડાઈ રહ્યું હોય અને પ્રવાહી સિવાય બાકીનું બધું જ સ્થિર હોય….
- કોઈ વ્યક્તિ દૂર સુધી વિસ્તરેલા પર્વતો જોતી સ્થિર ઊભી હોય અને પર્વતો પર વાદળાં ઝડપથી વહી રહ્યાં હોય…
પહેલી નજરે આ પ્રકારના મીડિયા ફોટોગ્રાફ જ લાગે કારણ કે તેમાં બધું જ સ્થિર હોય પરંતુ એ મીડિયા આપણા સ્ક્રીન પર લોડ થયા પછી એક-બે સેકન્ડમાં તેમાં જાણે જીવ આવે અને કેટલીક બાબતોમાં મૂવમેન્ટ શરૂ થાય, જે સતત ચાલતી જ રહે છે.
આવા મીડિયા કેવી મજાની અસર ઊભી કરી શકે છે એ અહીં શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. તેનો જાત અનુભવ કરવા માટે તમારે ઇન્ટરનેટ પર આ શબ્દ સર્ચ કરવો પડે – Cinemagraph. અથવા આ સાઇટ https://www.shutterstock.com પર પહોંચીને તેમાં સિનેમાગ્રાફ સર્ચ કરતાં તમને તેનાં અનેક ઉદાહરણ જોવા મળશે.
ઇન્ટરનેટ પર ઉપર ક્યાંક આવા મીડિયા જોયા પછી તમને ચોક્કસ જિજ્ઞાસા જાગશે કે આખરે આ સિનેમાગ્રાફ છે શું અને તે કેવી રીતે બનાવી શકાય. આવો જાણીએ!
સિનેમાગ્રાફ શું છે?
અત્યાર સુધી આપણે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર લૂપ થયા કરતા એટલે કે પૂરા થયા પછી ફરી ફરી ચાલુ થતા નાના વીડિયો ‘જિફ’ ફાઇલ સ્વરૂપે જોયા છે. પરંતુ તેમાં વીડિયો એક ધાર્યા ચાલ્યા કરે એ સિવાય ખાસ કોઈ વિશેષતા હોતી નથી.
જ્યારે અહીં આપણે જે અનોખા મીડિયાની વાત કરી રહ્યા છીએ તેમાં સ્ટિલ ફોટોગ્રાફ અને મોશન ધરાવતા વીડિયોનું ગજબનું મિશ્રણ હોય છે. તેમાં સ્થિર ફોટોગ્રાફના માત્ર અમુક ભાગમાં સતત મૂવમેન્ટ જોવા મળે છે. ફોટો અને વીડિયોનું આ મિશ્રણ એવી ખૂબીથી કરવામાં આવે છે કે સ્ટિલ ફોટોગ્રાફમાંનો વીડિયો ક્યારે પૂરો થઇને લૂપમાં ફરી શરૂ થાય છે એ સહેલાઇથી પારખી શકાતું નથી.
સિનેમાગ્રાફ કોઈ નવી વાત નથી. એવું માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૧માં ન્યૂ યોર્કમાં એક ફેશન વીક દરમિયાન, બે ફેશન ફોટોગ્રાફર્સે પોતાના ફોટોઝમાં કંઇક નવીનતા લાવીને તેને સૌ સાથે શેર કર્યા અને લોકોને એ બેહદ ગમી ગયા. ત્યારે આવી ક્રિએટિવ ઇમેજ માટે કોઈ ચોક્કસ શબ્દ ન હોવાથી, તેમણે આ મીડિયા માટે “સિનેમાગ્રાફ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું અને એ જ શબ્દ ચલણી બની ગયો.
બંને ફેશન ફોટોગ્રાફર્સે એડોબ આફ્ટર ઇફેક્ટ ટૂલ્સની મદદથી ફોટોઝમાં આવી કરામત કરી હતી. હવે એડવર્ટાઇઝિંગમાં આ પ્રકારના મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. સામાન્ય ફોટો કે વીડિયોને બદલે સિનેમાગ્રાફથી લોકોનું વધુ સહેલાઈથી ધ્યાન ખેંચી શકાય છે.



એપ ઓપન કરો, નાનો વીડિયો કેપ્ચર કરો, મોશન જાળવવી હોય તે ભાગને ટચ કરો, સેવ કરી, સિનેમાગ્રાફ શેર કરો!
સિનેમાગ્રાફ કેવી રીતે બનાવી શકાય?
અગાઉ એડોબ આફ્ટર ઇફેક્ટસ કે એડોબ ફોટોશોપ જેવા પ્રોગ્રામ્સમાં ઘણી જહેમત પછી સિનેમાગ્રાફ તૈયાર કરી શકાતા હતા, પણ હવે એવી સંખ્યાબંધ એપ્સ આવી ગઈ છે, જેની મદદથી આપણે પળવારમાં સિનેમાગ્રાફ બનાવી શકીએ છીએ.
અલબત્ત, લોકોની નજર ખરેખર જકડાઈ રહે એવા, ખાસ કરીને એડ્સ માટેના સિનેમાગ્રાફ બનાવવા ખાસ્સી પ્રેક્ટિસ અને પ્રોફેશનલ ટૂલ્સ જરૂરી છે.
સિનેમાગ્રાફ પર અમસ્તો જ હાથ અજમાવવો હોય તો એન્ડ્રોઇડમાં ક્રેઝી લેબ્સ કંપનીની ’સિનેમાગ્રાફ’ એપ ઇન્સ્ટોલ કરી જુઓ.
ધ્યાન રાખશો, આ એપ ફોટોગ્રાફીને લગતી હોવાથી તે ફોનના કેમેરા, મીડિયા સ્ટોરેજની એક્સેસ માગશે (આ જ અંકમાં ફેસએપવાળો લેખ વાંચશો!).
આ એપમાં ઇમેજ સ્ટેબિલાઇઝેશનની સગવડ નથી એટલે જો ખરેખર સારો સિનેમાગ્રાફ તૈયાર કરવા માગતા હો તો તમારે ટ્રાઇપોડ પર ફોટ સેટ કરીને પછી વીડિયો કેપ્ચર કરવો પડશે.
એપનો ઉપયોગ તદ્દન સહેલો છે. એપ ઓપન કરી, કોઈ પણ સબ્જેક્ટ, જેમાં કંઈક મોશન હોય (જેમ કે છોડની ડાળી પર ઝૂલી રહેલું ફૂલ!) તેનો નાનો વીડિયો શૂટ કરો. હવે ઝૂલી રહેલા ફૂલવાળા ભાગને સ્પર્શ કરીને કાળજીપૂર્વક સિલેક્ટ કરો. હવે એપ આપણો સિનેમાગ્રાફ તૈયાર કરશે અને તેને કયા સોશિયલ પ્લેટફોર્મ પર કયા ફોર્મેટમાં શેર કરવા માગો છો તે પૂછશે. ફોર્મેટ પસંદ કરી તમારો સિનેમાગ્રાફ શેર કરો!
આ એપ અને અન્ય કેટલીક એપ્સમાં આપણે અગાઉ કેપ્ચર કરેલા વીડિયોમાંથી પસંદગીના ભાગમાં મૂવમેન્ટ રાખી, બાકીના ભાગને સ્ટિલ ફોટોગ્રાફમાં ફેરવીને સિનેમાગ્રાફ બનાવવાની સગવડ પણ મળે છે.
આ રીતે, તમે તૈયાર કરેલ સિનેમાગ્રાફ ખરેખર આકર્ષક બનશે કે નહીં તેનો બધો આધાર તમે કેવો વીડિયો પસંદ કરો છે કે કેપ્ચર કરો છો અને પછી તેમાં કયા ભાગની મોશન જાળવીને સિનેમાગ્રાફ બનાવો છો તેના પર છે!


