જર્મન ઇજનેર ફર્ડિનાન્ડ ઝેપેલિને તૈયાર કરેલાં ‘ઝેપેલિન’ દેખાવમાં લંબગોળાકાર બલૂન જેવા લાગતાં, પણ વિમાની મુસાફરીના ક્ષેત્રે ત્રીસીના દાયકામાં તેમનો દબદબો હતો. ઝેપેલિન ‘હિન્ડનબર્ગ’ ૭૨ મુસાફરો અને ૬૦ જણના સ્ટાફ સાથે, ડીઝલ એન્જિનના જોરે અને હાઇડ્રોજન વાયુના તારકબળના સહારે ફક્ત ત્રણ દિવસમાં જર્મનીથી અમેરિકા પહોંચાડી દેતું હતું. ઝડપ: ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક. ઝેપેલિન હિટલરના જર્મની માટે ગૌરવનું અને અમેરિકા સહિતના દેશો માટે ઈર્ષ્યાનું પાત્ર બન્યાં.
૩ મે, ૧૯૩૭ના દિવસે સૌથી વિશાળ કદ ધરાવતું ઝેપેલિન ફ્રેન્કફર્ટ, જર્મનીથી ઊપડ્યું અને ૬ મેના રોજ લેકહર્સ્ટ, અમેરિકા પહોંચ્યું. પરંતુ ઉતરાણની પ્રક્રિયા દરમિયાન રહસ્યમય કારણોસર આગ ફાટી નીકળતાં આખું ‘હિન્ડનબર્ગ’ અગનગોળામાં ફેરવાયું. સૌની આંખ સામે ૩૫ જણને ભડથું બનાવનારી આ દુર્ઘટના સાથે, હવાઈ મુસાફરીના ક્ષેત્રે ઝેપેલિનનો યુગ આથમી ગયો.
કરુણ દુર્ઘટનાની ‘લાઇવ’ વીડિયો, હૃદયદ્રાવક કોમેન્ટરી સાથે: http://www.youtube.com/watch?v=F54rqDh2mWA
