જો તમે વ્યસ્ત એક્ઝિક્યુટિવ હો તો તમારું કામ ચોક્કસ પણે મોબાઇલ અને ડેસ્કટોપ વચ્ચે વહેંચાયેલું રહેતું હશે. ઘણી વાર એવું પણ બનતું હશે કે તમારે ડેસ્કટોપમાં કંઇક કોપી કરીને તેને મોબાઇલમાં વોટ્સએપમાં પેસ્ટ કરીને આગળ મોકલવાનું થાય.
આવી સ્થિતિનો એપલ બહુ સરસ ઉપાય આપે છે. એપલમાં ‘યુનિવર્સલ ક્લિપબોર્ડ’ નામની સુવિધા છે જેની મદદથી તમે મેકબુકમાં કોઈ ટેકસ્ટ કોપી કરો અને પછી તરત આઇફોનમાં વોટ્સએપ ઓપન કરીને તેમાં પેસ્ટ કમાન્ડ પસંદ કરો તો મેકબુકમાં કોપી કરેલી ટેક્સ્ટ વોટ્સએપમાં પેસ્ટ થઇ જાય છે!
આવું જ ઊંધું પણ થઈ શકે છે.
યુનિવર્સલ ક્લિપબોર્ડની મદદથી તમે કોઈ પણ એક એપલ ડિવાઇસ પર ટેકસ્ટ, ઇમેજ, ફોટો, વીડિયો વગેરે કોપી કરીને બીજા એપલ ડિવાઇસમાં પેસ્ટ કરી શકો છો. અલબત એક ડિવાઇસ પર કોપી કરેલ કન્ટેન્ટ અન્ય ડિવાઇસીસ પર પેસ્ટ કરવા માટે ફક્ત થોડો સમય ક્લિપબોર્ડમાં ઉપલબ્ધ રહે છે.
આ સુવિધાનો લાભ લેવા માટે તમે તમારા તમામ ડિવાઇસિસમાં એક જ એપલ આઇડીથી આઇક્લાઉડમાં સાઇન હો તે જરૂરી છે. ઉપરાંત ડિવાઇસીસમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ અને હેન્ડઓફ ઓન તે પણ જરૂરી છે.
એન્ડ્રોઇડમાં પણ આવી સુવિધા મળી શકે છે, પણ એ માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડે છે. ઉપરાંત, એપલમાં આ કામ કેટલી સહેલાઈથી થઈ શકે છે એ જુઓ પછી સમજાય કે એપલ કેમ એપલ છે!

