આગળ શું વાંચશો?
- સ્ટોરેજ વિશેની ગૂંચવણો
- નવા સ્માર્ટફોનમાં ડાઉનલોડ
- ફોનની મેમરીમાંના ફોટો ડિલીટ કરવા
આમ તો આ સવાલ ન થવો જોઈએ કેમ કે આપણા તમામ ડિજિટલ ફોટોઝને ખરેખર લાંબા સમય માટે સલામત રીતે સાચવવા માટે ગૂગલની ફોટોઝ સર્વિસ શ્રેષ્ઠ હોવા વિશે લગભગ બધા નિષ્ણાતો એક મત છે!
આથી, ફોટોઝ સર્વિસમાંથી ફોટો ડાઉનલોડ કરવાની રીતો જાણતાં પહેલાં, એવું કરવું બિનજરૂરી શા માટે છે તેનાં કારણ જાણી લઈએ.
પહેલું કારણ એ છે કે આપણા ડિજિટલ ફોટોઝ સ્માર્ટફોન, એસડી કાર્ડ, પીસીમાં જુદા જુદા ફોલ્ડર્સ કે પેન ડ્રાઇવ કે પછી અગાઉના ડિજિટલ કેમેરાના મેમરી કાર્ડ જેવી અલગ અલગ જગ્યાએ વિખરાયેલા પડ્યા રહે તેના બદલે તમામ ફોટોગ્રાફ્સ એક જ જગ્યાએ એક સાથે સચવાય એ બહુ મહત્ત્વનું છે.
બીજું કારણ એ છે કે આપણે ઇચ્છીએ તો પણ પોતાની રીતે આપણા ફોટોગ્રાફ્સને લાંબા સમય માટે સલામત રાખી શકીએ નહીં. કમ્પ્યુટર, સ્માર્ટફોનની મેમરી, સીડી-ડીવીડી, એકસ્ટ્રા હાર્ડડિસ્ક કે પેનડ્રાઇવ વગેરે ગમે ત્યારે બગડવાની સંભાવના રહે છે. બીજી તરફ ફોટોગ્રાફ્સ લેવાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે.
કે એ બધું એક સાથે એક જગ્યાએ વ્યવસ્થિત રીતે સાચવવું અને તેનો એક કે વધુ જગ્યાએ સલામત બેકઅપ રાખવો વ્યક્તિગત રીતે લગભગ અસંભવ છે.
આ સ્થિતિમાં જો તમે ઇન્ટરનેટની સારી સ્પીડવાળું નેટ કનેકશન ધરાવતા હો તો ગૂગલની ફોટોઝ સર્વિસ અત્યંત ઉપયોગી થઈ શકે છે.
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બિલકુલ મફતમાં અનલિમિટેડ ફોટોઝ-વીડિયોઝ સ્ટોર કરવાની સગવડ આપે છે. ઉપરાંત આ ગૂગલની સર્વિસ હોવાથી દેખીતું છે કે તે આપણા કરતાં તેને વધુ સલામત રાખી શકશે.
અલબત ફોટોઝ સર્વિસના ઉપયોગ વિશે ઘણાં લોકોને કેટલીક ગૂંચવણો હોય છે. પહેલાં આપણે તે ગૂંચવણો ઉકેલીએ.
૧. સ્ટોરેજ વિશેની ગૂંચવણો
ગૂગલનું એકાઉન્ટ આપણને કુલ ૧૫ જીબી સ્પેસ ફ્રી આપે છે, જે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાં વહેંચાયેલી હોય છે.
પરંતુ, જો આપે ગૂગલ ફોટોઝમાં અપલોડ સાઇઝ હાઇ ક્વોલિટી (ફ્રી અનલિમિટેડ સ્ટોરેજ) પસંદ કરેલ હશે તો ગૂગલ ફોટોમાં આપણે અનલિમિટેડ ફોટોઝ સ્ટોર કરી શકીએ છીએ. ફોટોઝ એપના સેટિંગ્સમાં, બેકઅપ એન્ડ સિન્કમાં, અપલોડ સાઇઝ ચેક કરી શકાશે.
અલબત્ત, આ પ્રકારના સેટિંગ્સમાં ગૂગલ ફોટોઝને થોડા કમ્પ્રેસ કરે છે, પણ સામાન્ય ઉપયોગમાં ફોટોમાં જરા પણ ફેરફાર જણાશે નહીં.
૨. નવા સ્માર્ટફોનમાં ડાઉનલોડ
જે લોકો પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝનો ઉપયોગ કરતા હોય તેમને આ સર્વિસ ચોક્કસ કેવી રીતે કામ કરે છે તેની સ્પષ્ટ સમજ ન હોવાને કારણે, જો તેઓ નવો સ્માર્ટફોન લે તો તેમાં જૂના સ્માર્ટફોનમાંના ફોટા ડાઉનલોડ કરવા પડશે એવું તેઓ માનતા હોય છે.
ગૂગલ ફોટોઝમાંથી એક-એક કે એકથી વધુ ફોટો સિલેક્ટ કરીને ડાઉનલોડ કરી શકાય છે, પણ એક સાથે તમામ ફોટોઝ ડાઉનલોડ કરવા હોય તો…
વાસ્તવમાં એવું નથી. જ્યારે આપણે આપણા ફોટોઝ ગૂગલ ફોટોઝ સર્વિસ કે એપમાં અપલોડ કરીએ ત્યારે તે આપણા ગૂગલ એકાઉન્ટમાં સચવાય છે અને પછી જ્યારે કોઈ પણ સાધન (પીસી કે સ્માર્ટફોન)માં ફોટોઝ સર્વિસમાં ગૂગલ એકાઉન્ટથી લોગઇન થઇએ એટલે બધા ફોટોગ્રાફ તેમાં જોઈ શકાય છે. એ માટે આપણે ફોટોગ્રાફ ડાઉનલોડ કરવાની જરૂર હોતી નથી.
૩. ફોનની મેમરીમાંના ફોટો ડિલીટ કરવા
ફોટોઝ સર્વિસની આ સૌથી સારી સગવડ છે. આપણે સ્માર્ટફોનથી જે ફોટોગ્રાફ લઇએ તે પહેલાં સ્માર્ટફોનની મેમરીમાં સ્ટોર થાય છે. પરંતુ ફોટોઝમાં બેકઅપનું સેટિંગ્સ આપણે ઓન રાખ્યું હોય તો સ્માર્ટફોનમાંની મેમરીમાંના ફોટોઝ આપોઆપ ફોટોઝ એપમાં અપલોડ થતા રહે છે.
આ સ્થિતિમાં આપણા ફોટોગ્રાફની બે કોપી થાય છે. એક સ્માર્ટફોનની મેમરીમાંની કોપી અને બીજી ગૂગલ ફોટોઝના ક્લાઉડમાં પહોંચી ગયેલી કોપી.
તમે ફોટોઝ એપની ડાબી પેનલ ઓપન કરશો તો તેમાં ફ્રી અપ ડિવાઇસ સ્ટોરેજનો વિકલ્પ મળશે, જેનો લાભ લઈએ તો ફોનની મેમરીમાં રહેલા, પણ ગૂગલ ફોટોઝમાં બેકઅપ થઈ ગયેલા ફોટોઝ કોઈ ચિંતા વિના ડિલીટ કરી શકાશે.
મતલબ કે એ ફોટો, ફોટોઝના ક્લાઉડ સ્ટોરેજમાં સચવાયેલા રહેશે, પણ ફોનની મેમરીમાંથી ડિલીટ થઈ જશે.
આપણા ફોટોઝ, આપણે પોતે સાચવીએ તેના કરતાં ગૂગલ જેવી કોઈ સારી ઓનલાઇન, ક્લાઉડ સર્વિસમાં વધુ સલામત રીતે સચવાઈ શકશે એ ધ્યાનમાં રાખશો.
એ દૃષ્ટિએ આપણા ફોટોઝ ગૂગલ ફોટોઝના ક્લાઉડમાં જ રહે તે સારું છે કેમ કે આપણા પોતાના કરતાં ગૂગલ તેને વધુ સારી રીતે સલામત રાખી શકશે!
આમ છતાં, આપણે ઇચ્છીએ તો ગૂગલ ફોટોઝમાંના ફોટો (કે વીડિયો)ને ફરી આપણા લેપટોપ કે પીસીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. ગૂગલ ફોટોઝ એપ કે વેબસર્વિસમાંથી એક-એક કે એકથી વધુ ફોટો સિલેક્ટ કરીને ડાઉનલોડ કરી શકાય છે, પણ એક સાથે તમામ ફોટોઝ ડાઉનલોડ કરવા હોય તો એ માટે જુદા રસ્તા અજમાવવા જોઈશે. આવું કરવાના બે રસ્તા છે.
પહેલો રસ્તો : ગૂગલ ટેકઆઉટ સર્વિસની મદદ લેવી
ગૂગલ તેની તમામ સર્વિસીઝમાંના આપણા ડેટાને એક સાથે ડાઉનલોડ કરવા માટે ટેકઆઉટ નામની એક સર્વિસ આપે છે. તેનો લાભ લેવા માટે https://takeout.google.com સાઇટ પર જાઓ, સાઇનઇન થાઓ અને તેમાં માત્ર ફોટોઝ પસંદ કરીને તમામ ફોટો ડાઉનલોડ કરી લો.
તમે ફોટોઝ અપલોડ કરવા માટે જે ક્વોલિટી પસંદ કરી હશે એ એ ક્વોલિટીના ફોટો તમે પરત મેળવી શકશો. તમારું કલેક્શન મોટું હોય તો એક પછી એક આલબમ પસંદ કરીને ડાઉનલોડ કરી શકાય.
બીજો રસ્તો : ગૂગલ ડ્રાઇવની મદદ લેવી
આપણે ફોટોઝમાંના આપણા ફોટોને ગૂગલ ડ્રાઇવમાં એક ફોલ્ડર તરીકે જોઈ શકીએ છીએ અને ત્યાંથી તમામ ફોટોઝ એક સાથે ડાઉનલોડ કરી શકીએ છીએ.
તેનો લાભ લેવા માટે ફોનમાં કે પીસીમાં ગૂગલ ડ્રાઇવમાં જાઓ. તેમાં સેટિંગ્સમાં ગૂગલ ફોટોઝ ઓટો એડ વિકલ્પ ઇનેબલ કરી દો. હવે માય ડ્રાઇવ ફોલ્ડરમાં, ગૂગલ ફોટોઝ નામનું ફોલ્ડર ઉમેરાશે અને તેમાં, ફોટોઝ એપમાં અપલોડ કરેલા તમામ ફોટોઝ દેખાશે. અહીંથી તમે ઇચ્છો તે અથવા બધા જ ફોટો એક સાથે ડાઉનલોડ કરી શકશો!
ઉપરના બંને રસ્તામાં, તમારું નેટ કનેક્શન સારી સ્પીડનું હોવું જરૂરી છે.
પરંતુ આગળ કહ્યું તેમ, માત્ર ફોટોઝને કારણે ક્લાઉડમાં જગ્યા ભરાતી નથી, તેથી તેની ચિંતા રાખશો નહીં.


