નવા સમયની ‘નોલેજ ઇકોનોમી’માં તમારી ડિગ્રી નહીં, વિષયની સમજ અને ખરી આવડત જ કામ લાગશે.
બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ, જેફ બેઝોઝ, અને લેરી પેજ – આ પાંચ નામ અત્યારે સફળતા, સિદ્ધિ અને વૈભવના પર્યાય ગણાય છે. આ પાંચેય જણ દુનિયાની સૌથી મોટી પાંચ કંપનીઓ – માઇક્રોસોફ્ટ, એપલ, બર્કશાયર હેથવે, એમેઝોન અને ગૂગલના સ્થાપક છે.
આપણને તેમની સફળતા અને મનીપાવર દેખાય છે પણ આ બધા પોતપોતાના ક્ષેત્રમાં ટોચ પર છે તેની પાછળ એક અનોખું સિક્રેટ છે.
એ છે ‘ફાઇવ અવર રૂલ’.
શું છે આ ‘ફાઇવ અવર રૂલ’?
ઉપર જણાવેલા પાંચેય મહાનુભાવોએ જીવનનાં શરૂઆતનાં વર્ષોથી એક ટેવ કેળવી અને એ આજીવન ટકાવી રાખી – અઠવાડિયાના ઓછામાં ઓછા પાંચ કલાક કશુંક અનોખું, તેમના પોતાના ક્ષેત્રથી અલગ હોય એવું વાંચવાની અને જાણવાની ટેવ.
આ છે એમનો ફાઇવ અવર રૂલ.
આ ખાસિયતને લીધે જ તેઓ પોતાના ક્ષેત્ર સિવાય, બીજાં ઓછામાં ઓછાં ત્રણ અલગ અલગ ક્ષેત્રોનું સારું એવું જ્ઞાન ધરાવે છે અને આ બધા જ્ઞાનને તેમણે પોતાના કામમાં એ રીતે વણી લીધું છે કે એનાથી તેઓ ટોચ પર બિરાજે છે.
એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે શીખેલું કદી નકામું જતું નથી. જેટલું નવું શીખો એ ભૂતકાળમાં જે પણ શીખ્યા હોઈએ તેમાં વધારો જ કરે છે, તમને બધાથી બે કદમ આગળ રાખે છે.
“દરેક પુસ્તક મને કંઈક નવું શીખવે છે અને દુનિયાને જુદી રીતે જોવામાં મદદ કરે છે. હું એટલો નસીબદાર કે મને વાંચવા માટે પ્રોત્સાહિત કરનારાં મા-બાપ મળ્યાં. વાંચનથી આપણા વિશ્વ વિશેની જિજ્ઞાસા વિસ્તરે છે, અને એનાથી જ કદાચ હું મારી કારકિર્દીમાં અને અત્યારે હું જે કામ કરું છું તેમાં આગળ વધી શક્યો.”
– બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સ્થાપક, ટાઇમ મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં
પોતાના ક્ષેત્ર વિશે તો વધુમાં વધુ જાણવું અનિવાર્ય છે જ, પણ પોતાના ક્ષેત્ર સિવાય બીજાં ક્ષેત્રો વિશે જાણો તો એનાથી તમારામાં જુદી જુદી આવડતોને એકબીજા સાથે સાંકળવાની આગવી સૂઝ વિકસે છે અને એનો ફાયદો એ છે કે તમે બીજા બધાથી આગળ રહો છો, ખાસ તો તમારામાં અનોખો આત્મવિશ્વાસ કેળવાઈ શકે છે.
બિલ ગેટ્સ છેલ્લા પાંચેક દાયકાથી દર અઠવાડિયે એક પુસ્તક વાંચે છે. એમાંનાં ઘણાં બધાં પુસ્તકોને તેમના સોફ્ટવેર કે બિઝનેસ સાથે કંઈ લાગતુંવળગતું નથી!
આખી કરિયર દરમિયાન તેમણે દર વર્ષે બે અઠવાડિયાંનું વેકેશન લીધું છે – ફક્ત વાંચવા માટે. તેઓ કબૂલે છે કે તેમને મહાન વૈજ્ઞાનિકો વિશે જાણવામાં જેટલો રસ પડે છે એટલો બિઝનેસની વાતો વાંચવામાં નથી પડતો!
નવું શીખો, વધુ જાણો
આ પાંચ નામ ઉપરાંત, ટેક દુનિયામાં જાણતા એલન મસ્ક (સ્પેસ એક્સ, ટેસ્લા, પે-પાલ માટે જાણીતું નામ) એવી વ્યક્તિ છે, જે પોતાને બિઝનેસમેન નહીં પણ ડિઝાઇનર, એન્જિનીયર, ટેક્નોલોજિસ્ટ અને ક્યારેક તો વિઝાર્ડ ગણાવે છે.
લેરી પેજ ગૂગલના ન્યુક્લિયર ફ્યૂઝન સાયન્ટિસ્ટથી માંડીને સિક્યુરિટી ગાર્ડ સાથે પણ વાત કરતા રહે છે અને હંમેશાં આ લોકો પાસેથી નવું શું શીખી શકાય તે વિચારતા હોય છે.
વોરન બફેટ પોતાની સફળતા માટે કહે છે કે રોજનાં અઢળક પાનાં વાંચો. જુઓ એ જ્ઞાન કેવું કામ કરે છે. એ જ્ઞાન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતું જાય છે!
“એલન પહેલેથી અંતર્મુખી અને વિચારશીલ રહ્યો છે… બધા લોકો કોઈને ઘેર જોરદાર પાર્ટીમાં ગયા હોય અને મોજમસ્તી કરતાં રગ્બી કે સ્પોર્ટ્સની વાતો કરતા હોય ત્યારે એલન તમને એ ઘરની લાઇબ્રેરી શોધીને તેમાંનાં પુસ્તકો ફંફોસતો જોવા મળે.”
– એરોલ, એલન મસ્કનો ભાઇ
એપલને ટોચ પર લઈ જનારા સ્ટીવ જોબ્સ કહેતા કે ટેક્નોલોજી એકલી કાફી નથી. એની સાથે જુદી જુદી માનવવિદ્યાઓ જોડાયેલી છે. ટેક્નોલોજી અને માનવવિદ્યાના જોડાણથી જ પરિણામો મળે છે.
આ બધા દુનિયાના સૌથી બિઝી માણસો છે અને છતાં, એમાંથી મોટા ભાગના લોકો પોતાના અત્યંત વ્યસ્ત શિડ્યુલમાંથી સમય ફાળવીને નવું નવું વાંચવાનો અને જાણવાનો રસ આગળ ધપાવતા રહે છે.
આ લોકો ફ્યુઝન પાવર, ફોન્ટ ડિઝાઇન, વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રો વગેરે વગેર એવું બધું વાંચે છે જે તેમના પોતાના ક્ષેત્રમાં કશું જ કામનું નથી!
આ લોકોના હાથ નીચે દુનિયાના સૌથી સ્માર્ટ હજારો લોકો કામ કરે છે. તેઓ બિઝનેસનું એકેએક કામ સૌથી બુદ્ધિશાળી અને તેજસ્વી લોકો પાસે કરાવે છે. તો પછી એવું શું છે જે તેમને નવું નવું શીખવા પ્રેરે છે?
એ છે શીખવાની ધગશ.
તો આપણામાં એ ધગશ કેમ નથી? આપણે હંમેશા સતત નવું શીખતા રહીએ એવું કેમ નથી બનતું? એની પાછળ, આપણા મનમાં ઘર કરી ગયેલી ત્રણ માન્યતાઓ છે, જે ભૂતકાળમાં કદાચ સાચી હશે પણ હવે એવું નથી. એ ત્રણ ભ્રમ છે :
- જ્ઞાન જુદા જુદા વિષયોમાં વહેંચાયેલું છે.
- મોટા ભાગનું શીખવાનું સ્કૂલ અને કોલેજમાં જ થાય છે.
- તમારે એક જ ફીલ્ડ પકડવું જોઇએ અને એમાં માસ્ટર થવું જોઈએ.
આ માન્યતાઓ છેતરામણી છે. એના કારણે આપણી નવું શીખવાની, જ્ઞાન મેળવવાની ઝંખના મરી પરવારી છે અને તેથી આપણે ધારી સફળતા મેળવી શકતા નથી.
તકલીફ શું છે?
આપણી શૈક્ષણિક વ્યવસ્થામાં જ્ઞાનને જુદા જુદા વિષયોમાં વહેંચી દેવામાં આવ્યું છે, જેમ કે ગણિત, ઇતિહાસ, વિજ્ઞાન વગેરે.
આ બધા વિષયો અલગ અલગ જ શીખવાના હોય એવો ખ્યાલ આપણા દિમાગમાં બાલમંદિરથી જ ઠસાવી દેવાય છે. વિષયોમાં પણ પાછો પેટાવિષય અને એમાં સ્પેશ્યલાઇઝેશન.
જેમ કે ઇકોનોમિક્સમાં માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ.
આના ફાયદા ઘણા છે અને એનાથી ઘણી મહત્ત્વની શોધ થઈ છે, પણ એનો એક મોટો ગેરફાયદો એ છે કે એક વિષય શીખ્યા પછી બીજું કંઈક અલગ શીખવું હોય તો અઘરું બને છે.
આવા સ્પેશ્યલાઇઝ્ડ ફિલ્ડમાં ગળાડૂબ થઈ ગયેલા લોકોને તેમના વિશ્વની બહાર, પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે તે સમજવાનું મુશ્કેલ પડે છે.
આપણે જે શીખ્યા હોઈએ તે એ ક્ષેત્ર પૂરતું જ સીમિત થઈ જાય છે. આપણે એને બીજા સંદર્ભમાં ઉપયોગમાં નથી લઈ શકતા.
તો શું થવું જોઈએ?
શિક્ષણને વિષયોમાં વહેંચવું જેટલું અગત્યનું છે એટલું જ એ વિષયોને એકબીજા સાથે સાંકળવા-જોડવાનું પણ મહત્ત્વનું છે.
માણસ બહારની દુનિયામાંથી-ઘરમાંથી, રમતના મેદાનમાંથી, મુસાફરીમાં અને નોકરીમાંથી જેટલું શીખે છે એટલું એ કદાચ ક્યાંયથી નથી શીખતો.
શાળામાં જે ભણીએ છીએ તે વાસ્તવિક જિંદગીથી સાવ અલગ જ હોય છે. શાળામાં સારા વર્તન માટે, બધા જ નિયમોનું પાલન કરનારને શાબાશી મળે છે પણ વાસ્તવિક જીવનમાં લીડરશીપ માટે જોખમ ઉઠાવવું અને મૌલિક વિચારવું એ સૌથી અગત્યના ગુણ બને છે.
અત્યારનું શિક્ષણ લીડર્સ નહીં, ટોળાં પેદા કરે છે. બીજી તરફ મોટા ભાગના અગ્રણીઓ, કલાકારો અને વૈજ્ઞાનિકોને શીખવા પ્રત્યે પ્રેમ હોય છે. બિલ ગેટ્સે એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ રાતે મોડે સુધી કામ કરે છે છતાં ઘરે જઈને વાંચવાનું તો ખરું જ. એલન મસ્ક દુનિયાના સૌથી તેજસ્વી લોકોને પોતાની કંપનીમાં રાખે છે પણ તેઓ ડિગ્રીને નહીં, આવડતોને ધ્યાનમાં રાખે છે.
હવે સમય છે નોલેજ ઇકોનોમીનો
આપણે હવે નોલેજ ઇકોનોમીમાં કામ કરી રહ્યા છીએ છે એટલે તેમાં ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી અને ક્રિયેટિવિટી વધુ જરૂરી બને છે.
આ બંને આવડત વધુ ને વધુ નવું શીખવાથી, નવું જાણવાથી ધારદાર બનશે. પહેલાં ઉદ્યોગો પર નભતા અર્થતંત્ર માટે કોઈ એક વિષયનું સ્પેશ્યલાઇઝેશન મહત્ત્વનું હતું પણ હવેના માહિતી અને જ્ઞાનના અર્થતંત્રમાં કામ કરવા માટે તો પોતાના વિષય સિવાય બીજાં ત્રણેક વિષયોનું જ્ઞાન હોવું અને એને પોતાના વિષય સાથે સાંકળી લેવું પણ બહુ જરૂરી છે.
એટલે કૂવામાંના દેડકા બનવાને બદલે આજુબાજુના જગતમાં શું ચાલી રહ્યું છે જોવાની જરૂર છે. તમે પણ ફાઇવ અવર રૂલ અપનાવી લો, તમારી સાથેના લોકો હજી જાણતા પણ નથી એવું જાણવામાં-શીખવામાં સમય ઇન્વેસ્ટ કરો અને પછી જુઓ, તમે પણ સફળતાના પર્યાય બની શકો છો!
(જાણીતા અમેરિકન લેખક માઇકલ સિમન્સના એક લેખને આધારે)

“દરેક પુસ્તક મને કંઈક નવું શીખવે છે અને દુનિયાને જુદી રીતે જોવામાં મદદ કરે છે. હું એટલો નસીબદાર કે મને વાંચવા માટે પ્રોત્સાહિત કરનારાં મા-બાપ મળ્યાં. વાંચનથી આપણા વિશ્વ વિશેની જિજ્ઞાસા વિસ્તરે છે, અને એનાથી જ કદાચ હું મારી કારકિર્દીમાં અને અત્યારે હું જે કામ કરું છું તેમાં આગળ વધી શક્યો.”
“એલન પહેલેથી અંતર્મુખી અને વિચારશીલ રહ્યો છે… બધા લોકો કોઈને ઘેર જોરદાર પાર્ટીમાં ગયા હોય અને મોજમસ્તી કરતાં રગ્બી કે સ્પોર્ટ્સની વાતો કરતા હોય ત્યારે એલન તમને એ ઘરની લાઇબ્રેરી શોધીને તેમાંનાં પુસ્તકો ફંફોસતો જોવા મળે.”