‘નવી ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરવામાં આપણા નરેન્દ્રભાઈને કોઈ ન પહોંચે’ આ વાત સાચી ઠરાવતાં ટવીટર પર ભાજપે દરેક વ્યક્તિને પોતાને વ્યક્તિગત જવામ મળ્યાનો સંતોષ આપ્યો!
ગયા મહિને, ‘ફિર એક બાર, મોદી સરકાર’નો નારો સાચો સાબિત થયો તેની પાછળ અનેક સ્તરનાં નાનાં-મોટાં કારણો અને પ્રયાસોએ ભાગ ભજવ્યો હશે, પણ અહીં, આપણા વિષયના સંદર્ભે, સોશિયલ મીડિયાનો વડા પ્રધાન અને ભાજપે કેટલો સ્માર્ટ ઉપયોગ કરી જાણ્યો તેની એક નાનું ઉદાહરણ જોઈ લઈએ!
આ ચૂંટણીમાં ‘ચોકીદાર’ શબ્દની ચર્ચા રહી કેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ ૧૫, ૨૦૧૯ના રોજ એક ટવીટ કરીને પોતાને દેશના ચોકીદાર ગણાવીને, ટવીટર પર પોતાના નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ ઉમેર્યો હતો. એ સાથે તેમણે #MainBhiChowkidar હેશટેગ વહેતો મૂક્યો હતો.
એ પછી સંખ્યાબંધ લોકોએ, ટીવટર પર પોતાના નામ આગળ ‘ચોકીદાર’ શબ્દ ઉમેરવાનું, નરેન્દ્રભાઈના એ ટવીટને રીટવીટ કરવાનું અને એ જ હેશટેગ સાથે પોતનું સમર્થન વ્યક્ત કરતા ટવીટ્સ કરવાનું શરૂ કર્યું.
જો તમે પણ એ હેશટેગ સાથે કોઈ ટવીટ કરી હોત, તો એવું કરનારા અનેક લોકોની જેમ, કદાચ તમને પણ નરેન્દ્રભાઇના સત્તાવાર ટવીટર હેન્ડલ @narendramodi તરફથી, તમારો આભાર વ્યક્ત કરતો જવાબ મળ્યો હોત.
એ તો દેખીતું છે કે નરેન્દ્રભાઈ દરેક વ્યક્તિનો આભાર માનવા બેસે નહીં, એ માટે ‘બોટ’ એટલે કે ઓટોમેટિક જવાબ આપતી વ્યવસ્થાની મદદ લેવામાં આવી હોય. આવા ઓટોમેટિક રીપ્લાય કોઈ નવી વાત નથી, તેમાં રેડી ડેટાબેઝમાંથી નામ મેળવીને દરેકને નામ સાથે જવાબ આપવો એ પણ સહેલું છે.
પરંતુ ટવીટર પર એ વાત એટલી સહેલી નથી. ભાજપ માટે સોશિયલ મીડિયા હેન્ડલ કરતી એજન્સીએ સ્માર્ટ કામ કરીને એવો બોટ તૈયાર કર્યો, જેમાં ‘મૈંભીચૌકીદાર’ હેશટેગ સાથેના ટવીટ્સ અલગ તારવી, એ ટવીટ કરનાર વ્યક્તિનું નામ મેળવીને વળતો જવાબ મોકલી શકાતો હતો. એટલું જ નહીં, આ દરેક વળતા ટવીટ સાથે વડા પ્રધાનની અલગ અલગ તસવીર અને જુદા લખાણ સાથેના આભારપત્રની ઇમેજ પણ મોકલવામાં આવી અને આ ઇમેજમાં પણ ટવીટ કરનારનું નામ પણ હતું!
હાર અને જીત વચ્ચેનો તફાવત આવી સ્માર્ટ પદ્ધતિઓ જ નક્કી કરતી હોય છે, જેનાથી લોકોનાં દિલ જીતી શકાય છે!
(માહિતી અને ઇમેજ સૌજન્ય : www.labnol.org)
