પીડીએફ કે ઇમેજ સ્વરુપે રહેલું લખાણ એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવી આપતી ટેક્નોલોજી ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન એટલે કે ઓસીઆર તરીકે ઓળખાય છે. તમારે ક્યારેક આવી રીતે કોઈ પીડીએફ કે ઇમેજમાંના લખાણને વર્ડ જેવા પ્રોગ્રામમાં ફેરફાર કરી શકાય તેવી ટેક્સ્ટમાં ફેરવવું હોય તો એક ઓનલાઇન સર્વિસ છે –
આપણે ફક્ત આ સાઇટ પર જઈને આપણી ઇમેજની જેપીઇજી, પીએનજી, જીઆઇફ, બીએમપી, ટીફ, પીડીએફ વગેરે ફોર્મેટમાં રહેલી ફાઈલ અપલોડ કરવાથી, અથવા જો નેટ પરની જ ફાઈલ ટેક્સ્ટમાં કન્વર્ટ કરવી હોય તો તેનું યુઆરએલ આપવાનું અને ફાઈલમાં કઈ ભાષામાં લખાણ છે એ કહેવાનું. બસ, પછી પ્રીવ્યૂના બટન પર ક્લિક કરતાં અપલોડ થયેલી ફાઈલ દેખાય છે, પછી ઓસીઆરના બટન પર ક્લિક કરતાં નીચેની વિન્ડોમાં ટેક્સ્ટમાં ફેરવાયેલું લખાણ મળે છે, જેને આપણે વર્ડ ફાઈલ કે રીચ ટેક્સ્ટ ફાઈલ કે પીડીએફ સ્વરુપે ડાઉનલોડ કરી શકીએ છીએ.
આ સાઇટ પર ૫૮ જેટલી ભાષાઓમાં ઓસીઆરની સગવડ મળી શકે છે. ભાષાઓની યાદીમાં હિન્દી સહિત સંખ્યાબંધ ભારતીય ભાષાઓ જોવા મળે છે, અલબત્ત તેમાં ગુજરાતી નથી! ‘સાયબરસફર’ના ટેસ્ટમાં યુનિકોડમાં લખેલા હિન્દી લખાણની ઇમેજ ટેક્સ્ટમાં કન્વર્ટ તો થાય છે, પણ પરિણામમાં ઘણી બધી ભૂલો જોવા મળી. બીજી તરફ, ઇંગ્લિશમાં પરફેક્ટ પરિણામ મળ્યું. બિલકુલ ઓછા રેઝોલ્યુશનવાળી ફાઈલ અને બે-ત્રણ કોલમમાંના લખાણનું પરફેક્ટ કન્વર્ઝન મળ્યું.

જો તમે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હો તો તેમાં પણ ઇમેજ કે પીડીએફને અપલોડ કરતી વખતે કન્વર્ટ ટેક્સ્ટનો વિકલ્પ પસંદ કરવાથી ટેક્સ્ટ ગૂગલ ડોક્યુમેન્ટ તરીકે ઉપલબ્ધ થાય છે. ‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૨ અંક (પેજ-૩૬-૩૭)માં આ વિશે વિગતવાર વાત કરી હતી.
