એક વેબસાઇટ પર નોંધાયેલો કિસ્સો, ઘણા માટે ચિંતાજનક બની શકે તેવો છે
હમણાં એક વેબસાઇટ પર નોંધાયેલો એક કિસ્સો સાચો હોય તો ઘણા માટે ચિંતાજનક બની શકે તેવો છે. એ સાઇટના દાવા મુજબ, આ કિસ્સા વિશે મુંબઈના બોરિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે.
બન્યું એવું કે એક મહિલાએ એક ઓનલાઇન શોપિંગ પોર્ટલ પરથી એક સાડી ખરીદી. સાડીની કિંમત રૂ. ૧,૧૦૦ હતી. એ મહિલાએ કેશ-ઓન-ડિલિવરીને બદલે ઓર્ડર સાથે જ પેમેન્ટ કરી દીધું હતું. જ્યારે ઓર્ડર મુજબ સાડી આવી, ત્યારે મહિલાનું ધ્યાન ગયું કે સાડીમાં તો કંઈક નુક્સાન હતું. આવા કિસ્સામાં આપણામાંના મોટા ભાગના લોકો જે કરે એ જ, એ મહિલાએ કર્યું. તેણે સાડી રીટર્ન કરવાનું નક્કી કર્યું.
પેલી મહિલાના કિસ્સામાં કદાચ સાડીમાં ખરેખર નુક્સાની હશે એવું માની લઈએ. તેણે સાઇટના કસ્ટમર કેર સેન્ટરમાં ફોન કર્યો. સામે છેડે કોઈ મહિલાએ કોલ રીસિવ કર્યો. તેણે તરત જ સાડી પરત લેવાનું સ્વીકારી લીધું અને મહિલાની રકમ પરત જમા કરાવવા તેનું બેન્ક એકાઉન્ટ, આઇએફએસઆઇ કોડ વગેરે વિગતો માગી. ‘નુક્સાનીવાળી સાડી માથે પડી હોત, માંડ બચી’, એવું કંઈક વિચારીને મહિલાએ આ વિગતો આપી દીધી.
એ મહિલાએ ચોક્કસ કઈ કઈ વિગતો આપી અને તેની સાથે ચોક્કસ કેવી રીતે છેતરપીંડી થઈ તેની સ્પષ્ટતા નથી, પણ પછી એ મહિલાને તેની બેન્ક તરફથી નોટિફિકેશન મળ્યું કે તેના ખાતામાંથી રૂ. ૭૫,૦૦૦ ઉપડ્યા છે! પછીની તપાસમાં બહાર આવ્યું કે બેન્કના એટીએમમાંથી આ રકમ ઉપાડવામાં આવી હતી, મતલબ કે તેનું બનાવટી ડેબિટ કાર્ડ બનાવવામાં આવ્યું હોય એવું બની શકે છે.
આ કિસ્સાની પૂરતી વિગતો પ્રકાશમાં આવી નથી, પણ પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલાઓને કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાના બેન્ક ખાતાની વિગતો આપવા સામેનાં જોખમો સમજાવવા જેવાં છે. બધાં ઓનલાઇન શોપિંગ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ જોખમી નથી, પણ આપણે પોતે અજાણતાં વધુ પડતી વિગતો આપીને મુસીબત વહોરી લઈએ એવું બની શકે છે.
ઓનલાઇન શોપિંગ રીટર્ન પોલિસી કડક બનાવાઈ
માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ઓનલાઇન શોપિંગ સાઇટ્સ માટે ખરીદેલી ચીજ રીટર્ન કરવાની સુવિધા માથાનો દુ:ખાવો બની રહી છે. ઓનલાઇન સાઇટ્સ રોજિંદી દુકાનોની હરીફાઇમાં આગળ રહેવા માટે પ્રમાણમાં ઠીક ઠીક ઉદાર રીટર્ન પોલિસી ઓફર કરતી હોય છે.
વાસ્તવમાં, આ રીટર્ન પોલિસી વસ્તુમાં ખરેખર કંઈક ખરાબી હોય કે સાઇટ પર દર્શાવેલી વિગતો કરતાં, આપેલી વસ્તુ જુદી હોય તો તે પાછી મોકલવા માટે હોય છે.
જોકે ઘણા લોકો તેનો ન ગમે તો પાછું એવો અર્થ પણ કરી લેતા હોય છે. આ કારણે ઓનલાઇન સાઇટ્સનું નુક્સાન વધતું જાય છે અને છેવટે તેમણે પોતાની રીટર્ન પોલિસીને થોડી કડક બનાવવી પડે છે. એમેઝોન સહિતની કેટલીક સાઇટ્સ, જે કસ્ટમર વધુ પડતી વાર વસ્તુ રીટર્ન કરે તેનાં એકાઉન્ટ બ્લોક કરવા લાગી હોવાનું નોંધાયું છે.

