થોડા સમય પહેલાં, રેલવેમાં મુસાફરી કરવી હોય તો આપણે રેલવે સ્ટેશને જઈને રિઝર્વેશન માટે લાંબી લાઇનમાં તપ કરવું પડતું અથવા એજન્ટને સાધવા પડતા. ઓનલાઇન રિઝર્વેશનની સગવડ મળ્યા પછી એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. હવે તો પેપરલેસ ટિકિટિંગની પહેલને આગળ ધપાવતાં ભારતીય રેલવેએ અનરિઝર્વ્ડ કેટેગરી માટે પણ ફટાફટ, મોબાઇલ પરથી ટિકિટ મેળવી શકાય એવી સુવિધા આપી છે. અત્યાર સુધી અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરીની ટિકિટ મેળવવા માટે, ટ્રેન ચૂકી જવાના ટેન્શન વચ્ચે પણ રેલવે સ્ટેશને લાઇનમાં ઊભા રહ્યા સિવાય છુટકો નહોતો.
ભારતીય રેલવેએ એપ્રિલ મહિનાના અંતમાં આ માટે એક વિશેષ એપ લોન્ચ કરી, જે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ થશે.
આ સુવિધાનો લાભ લેવા માટે, એપ ડાઉનલોડ કરી, આપણે એક રજિસ્ટ્રેશન આઇડી મેળવી રેલવે ઇ-વોલેટ ક્રિએટ કરવાનું રહેશે. આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી અથવા કોઈ પણ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર આ ઇ-વોલેટમાં રૂપિયા જમા કરાવી શકાશે અને પછી ગમે ત્યારે ઇ-વોલેટની મદદથી ટિકિટ ખરીદી શકાશે. આ ટિકિટની પ્રિન્ટ મેળવવાને બદલે, ફક્ત મોબાઇલ સ્ક્રીન પર સોફ્ટકોપી ટીટીઇને બતાવી શકાશે.

