મિત્રો, વેકેશનની પડઘમ સંભળાઈ રહી છે. કેટલાંક ગેજેટ – સેવી માતાપિતાઓ પોતાના સંતાનોને નવી ગેમ્સ અપાવશે. પી.એસ.પી. એક્સ બોક્સ, ‘વી’ કે પછી ઓનલાઇન ગેઈમ્સની વ્યવસ્થા થશે. આ ડાયલોગ સાંભળો…
‘જો અંશબેટા, આ વખતે ચોથા ધોરણની તારી ફાઇનલ એક્ઝામમાં ૮૫ ટકા આવશે તો તે પ્લે સ્ટેશન અપાવીશું’ ડેડી બોલ્યા. અંશબેટાએ બીજી ડિમાન્ડ કરી ‘મે પ્લે સ્ટેશન નહીં, પણ ‘વી’ ગેમ જ જોઈએ. મારા ફ્રેન્ડ્ઝ પાસે એ જ છે. મને બીજું કાંઈ ન જોઈએ.’
અને આવા અંશબેટાઓ પ્લે સ્ટેશન માટે યેન કેન પ્રકારેણ જરૂરી ટકા કે ગ્રેડ લાવી દે છે. આમાં ભણવાની ઇચ્છા નહીં, પણ પેલી વીડિયો કે કમ્પ્યુટર ગેમનું પ્રલોભન વધારે હોય છે. પછી આ સોદાબાજી દર એકઝામ વખતે અથવા દર વર્ષે એનું કલેવર બદલતી જાય છે. એક જમાનો હતો ત્યારે મહામહેનતે બાળકોને બાઇસિકલ મળતી કે પછી ક્રિકેટનું બેટ મળતું. એ પણ લક્ઝરી માનતી હતી. આજે તો માતાપિતા જ એવું મને-કમને પગલું લે છે કે સંતાનોને કોઈ આઉટ-ડોર ગેમ્સ રમવાની તક જ નથી રહેતી.
આ માટે માત્ર માબાપોને જવાબદાર ઠેરવી શકાય. સ્કૂલના મિત્રો પાસે ‘ફલાણી ગેમ’ ડાઉનલોડ કરેલી હોય તો મારી પાસે કેમ ન હોય અને જો એ ગેમ ન હોય તો પોઝિશનમાં પંચર પડતું જાય. એક પ્રકારની લઘુતાગ્રંથિ સવાર થઈ જાય. સંતાનોમાં તો ઠીક પણ માતાપિતાઓમાં પણ હીણપતની લાગણી પ્રવેશે કે અમે અમારાં સંતાનોને લેટેસ્ટ વસ્તુઓથી દૂર રાખીશું તો સમાજમાં અમારું સ્ટેટ્સ કેવું લાગશે? આ ‘કેવું લાગશે?’ની લાહાયમાં એક પ્રકારની રેટ-રેસ ચાલુ થઈ જાય છે. અત્યારા બાળકોને માટે ક્રિકેટ એટલે ટી. વી. પર રમાતી ગેમ. ફૂટબોલ એટલે ટી. વી. પર રમાતી ગેમ, ચેસ – તો ઓનલાઇન જ મજા આવે, કાર રેસ તો પી એસ. પી.માં જ રમાય, ટેનિસ તો વી-ગેમમાં જ રમાય.
અરે ભાઈ! આમાંની મોટા ભાગની આઉટ-ડોર ગેમ્સ છે. અત્યારનાં બાળકોને ‘સુરક્ષિત્’ જગ્યાએ પણ આઉટ-ડોર ગેમ્સ રમવા માટે માબાપ ટોકે છે. પોતાનું બાળક સહેજ ધૂળમાટીમાં રમે એ કપડાં ગંદા થાય તો મમ્મીને સૌથી પહેલી ચિંતા ઇન્ફેક્શનની થાય છે. એટલે પહેલેથી જ બાળક સહાનુભૂતિના અને સેફ્ટીના કથિત કોચલામાં જ મોટું થાય છે. કયારેક માબાપો પોતો બહાર જવું હોય કે બાળકની જીદથી તાત્કાલિક છૂટી જવું હોય એટલે કોઈ મોનિટરવાળી ગેમ બાળકને ઇન ડાયરેકટ લાંચ તરીકે મળી જાય છે.
એટલે બાળક પણ હવે મોનિટરની સામે જ રમતાં થઈ ગયાં છે. પોતાની બધી જ લાગણીઓ સ્ક્રીનની સામે ઠાલવતાં થઈ ગયાં છે. ઓફકોર્સ કેટલીક મહત્ત્વની ઇન્ફર્મેશન કમ્પ્યુટરની સ્ક્રીન જ પ્રોવાઇડ કરે છે. જરૂર જણાય ત્યાં ખપ પૂરતો ઉપયોગ ડહાપણ છે, પરંતુ અતિરેક સમસ્યાઓ સર્જે છે. બાળક રમતાંરમતાં પોતાનો ગુસ્સો, જુસ્સો, આવેશ, જીતનો રોમાંચ કે હારનું દુ:ખ અને બદલાની ભાવના જેવા મનોભાવો ઉદભવે છે. એને રિયલ લાઇફ એકિસિરિયન્સના કોઈ સ્કોપ જ નથી રહેતા. આ તો પક્ષીઓને પ્લાસ્ટિકના માળા આપવાની વાત થઈ.
કુદરત સાથે બાળકનું અંતર જેટલું વધારે એટલું તે વધારે ચીડિયું, આક્રમક, સ્ટ્રેસફુલ, હાયપર એકિટવ કે તીવ્ર સંવેદનશીલ બને છે. એનામાં સાઇકોલોજીની દૃષ્ટિએ પર્સનાલિટી ડિસઓર્ડર થવાની પણ શકયતા છે. એવું બને છે કે ઇન્ડોર-મોનિટર સમક્ષ રમત રમતું બાળક અંતર્મુખી બનતું જાય. એનામાં સામાજિક કૌશલ્યો વિકસતાં અટકી જાય. IQ (બુદ્ધિઆંક) જિનિયસ કક્ષાનો હોય પણ EQ (લાગણીના આંક) નોચો હોય, ‘કુશાગ્ર્ર બુદ્ધિ’ હોય પણ ‘સામાન્ય બુદ્ધિ’ વિકસે જ નહીં. વિશિષ્ટ શક્તિઓ હોય પણ વ્યાવહારિક દૃષ્ટિકોણનો અભાવ થઈ જાય.
વળી, ટી.વી. કે કમ્પ્યુટરની સામે બેસી રહેતાં બાળકોમાં શારીરિક સમસ્યાઓ પણ વકરતી જાય. આવા કાઉચ-પોટેટો મોટા થઈને પણ ‘સ્ક્રીન-એડિક્ટ’ થઈ જાય છે. હાઇપરટેન્શન, ઓબેસિટી, ડાયાબિટીસ વગેરે મહારાગોને ભાવભીનું આમંત્રણ મળતું જાય.
આઉટ-ડોર ગેમ્સ રમતા બાળકમાં નિઃશંકપણે ટીમભાવના વિકસે છે. ફિઝિકલ ફિટનેસ તો સ્વાભાવિક રીતે જ વિકસે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. મસલ્સનું ટોનિંગ અને સ્ટેમિના વધે છે. કમ્યુનિકેશન અને કોન્સન્ટ્રેશન સારું થાય છે. છેવટે ભણતરમાં પણ ફાયદો જ થાય છે. સંતાન હાર પચાવતાં શીખે એ પણ જીતવા જેટલું જ મહત્ત્વું છે.
