શિયાળો બેસતાં જ આપણે ઢળતી સાંજે આપણી માથે ઝળૂંબતું પ્રદૂષણ જોઈ શકીએ છીએ. આ પ્રદૂષણ આખી પૃથ્વી પર કેવી રીતે ફેલાઈ રહ્યું છે એ બતાવે છે એક ઇન્ટરએક્ટિવ મેપ.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમની રાજકીય નિવેદનબાજી માટે જેટલા જાણીતા છે, એટલા જ જાણીતા તેમની ખાંસી માટે પણ છે. તેમને ખાંસી ક્યારેય મટતી જ નથી! હકીકત એ છે મુખ્ય પ્રધાનની જેમ દિલ્હી શહેરની મોટા ભાગની વસતિ ધીમે ધીમે સૂકી ખાંસીનો કાયમી શિકાર બની રહી છે. કારણ છે દિલ્હીનું સતત વધતું પ્રદૂષણ.
આ વખતે દિવાળી દરમિયાન, દિલ્હીનું પ્રદૂષણ અખબારી માધ્યમોમાં ખાસ્સું ચમક્યું, પણ પછી નોટબંધીની આંધીમાં આ ચિંતાનજક મુદ્દો બાજુએ ધકેલાઈ ગયો.
એક અભ્યાસ મુજબ, એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ – જુઓ સાથેનું બોક્સ)ની રીતે નવી દિલ્હીનો ‘સ્મોગ’ અમેરિકા જેને ‘જોખમી’ એક્યુઆઇ સ્ટાન્ડડ્ર્સ ગણે છે તેને પાર કરી ગયો છે અને પીએમ2.5 (જુઓ સાથેનું બોક્સ) માટે તો દિલ્હી 300ના આંકે પહોંચેલ છે, જે વિશ્વ આરોગ્ય સંસ્તા તેને સ્વીકાર્ય સ્તર ગણે છે તેના કરતાં 12 ગણો વધુ છે! એમ મનાય છે કે આ કારણે દિલ્હીનાં 44 લાખ જેટલાં બાળકોનાં ફેફસાંને કાયમી નુક્સાન થઈ રહ્યું છે અને લોકો કાયમી સૂકી ખાંસીનો ભોગ બની રહ્યા છે.
વાત ફક્ત દિલ્હીની નથી. હવામાં પ્રદૂષણની બાબતે હજી ગયા વર્ષ સુધી, બધી રીતે આપણું હરીફ ચીન સમગ્ર વિશ્વમાં ટોપ પર હતું. 2015માં ભારત તેને પાછળ રાખીને વિશ્વનો સૌથી વધુ હવા પ્રદૂષિત દેશ બની ગયો છે. ભારતમાં લગભગ એકાદ દાયકાથી સતત અને ખાસ્સા ઝડપી વિકાસને કારણે આપણે 2016ના વર્ષ દરમિયાન, વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્રનો શિરપાવ પણ મેળવ્યો, પણ પ્રદૂષણની મોંધી કિંમત ચૂકવીને.
દુનિયાના બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં પ્રદૂષણની સ્થિતિ ખરેખર કેટલી ગંભીર છે એ સમજવું હોય, કોરા આંકડા સરખાવવા એ એક રસ્તો છે અને બીજો રસ્તો, પૃથ્વીના ગોળા પર, વિવિધ દેશોમાં પ્રદૂષણની સ્થિતિ નજરોનજર જોવી!
એ માટે આપણે નજર દોડાવવી પડે, https://airvisual.com સાઇટ તરફ. જગતના 4 જુદા જુદા ખંડમાં, 6 દેશોમાં પથરાયેલા વિવિધ એન્વાયરર્નમેન્ટલ સાયન્ટીસ્ટ્સ, મીટઇર્લોજિલ એક્સપટ્ર્સ, કેમિકલ એન્જિનીયર્સ અને પ્રોગ્રામર્સ, ડેવલપર્સ, ડિઝાઇનર્સ વગેરેએ સાથે મળીને એક ઓનલાઇન કમ્યુનિટી વિક્સાવી છે, જેમનું લક્ષ્ય એક જ છે – પૃથ્વી પર વધી રહેલા પ્રદૂષણ સંબંધિત વિવિધ ડેટા એકઠો કરવો અને સૌ સાથે વિવિધ રીતે વહેંચવો.
ડેટા વહેંચવાની આવી એક રીત એટલે આ કમ્યુનિટીએ તૈયાર કરેલો, ગ્લોબલ એર પોલ્યુશન દર્શાવતો એક ઇન્ટરએક્ટિવ મેપ. https://airvisual.com/earth પેજ પર આપણે આ મેપ જોઈ શકીએ છીએ. આ નક્શા પર, પૃથ્વીના ખૂણે ખૂણેથી એકઠા થતા ડેટાના આધારે, જે તે ક્ષણે એક્યુઆઇ મુજબ પ્રદૂષણની કેવી સ્થિતિ છે તે જોઈ શકાય છે. તમે માઉસથી પૃથ્વીનો ગોળો ફેરવીને જુદા જુદા ભાગ તપાસી શકો છો. દેખીતું છે કે આમાં ભારતનો ઘણો ભાગ ઘેરા લાલ રંગનો છે!
વિશ્વના જુદા જુદા ભાગોમાંથી સરકારી એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સ તથા એર વિઝ્યુઅલ કમ્યુનિટીનાં પોતાનાં મોનિટર્સ, સેટેલાઇટ ઇમેજરી વગેરે એકઠું કરીને પૃથ્વી પરના વાતાવરણાં કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું પ્રમાણ તપાસીને, ડીપ લર્નિંગ સહિતની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને ઇન્ટરએક્ટિવ મેપ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.
આ નક્શો ટેક્નોલોજી કેવી કરામત સર્જી શકે છે એ જોવા માટે ઉપયોગી છે, તેમ આપણે ધીમે ધીમે કેવા ભાવિ તરફ ધકેલાઈ રહ્યા છે એ સમજવા માટે પણ કામનો છે.
એક્યુઆઈ શું છે?
એર ક્વોલિટી ઇન્ડેક્સ – એક્યુઆઈ હવાની ગુણવત્તા સમજવાનો એક સૂચકાંક કહી શકાય. આ ઇન્ડેક્સ 0થી 500ની રેન્જમાં હોય છે, આ આંક 50 સુધીનો હોય ત્યાં સુધી હવાની ગુણવત્તા સારી ગણાય. તેનાથી આંક જેમ ઊંચો જાય તેમ હવા વધુ પ્રદૂષિત ગણાય. આ લેખ સાથેનો નક્શો બતાવે છે તેમ ભારતમાં જે 43 સ્થળો માટે આ ડેટા મેળવવામાં આવે છે, તેમાંથી ઘણા ખરમાં તે 150થી ઉપર છે!
પીએમ2.5 શું છે?
પ્રદૂષિત હવામાં જે ધૂળ, રજકણ, ધુમાડો અને અન્ય ઘટકો હોય છે તેમને પર્ટિક્યુલેટ મેટર (પીએમ) કહેવામાં આવે છે. આવાં ઘટકો અલગ અલગ રીતે જોવા જઈએ તો નરી નજરે જોઈ ન શકાય, પણ ભેગા થઈને ‘સ્મોગ’ રચે છે. 2.5 માઇક્રોમીટર્સથી કે તેથી નાના ઘટકો માટે પીએમ2.5 શબ્દ વપરાય છે. અત્યંત નાના હોવાને કારણે તે હવામાં લાંબો સમય તરતા રહે છે અને શ્વાસમાં જાય તો લોહીમાં સહેલાઈથી ભળી શકે છે. આથી, જ તેનું ઊંચું પ્રમાણ સ્વાસ્થ્ય માટે સૌથી હાનિકારક મનાય છે.

