સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે તેના લાભ અને ગેરલાભ બંને છે એ તો આપણે જાણીએ છીએ, પણ ફોન કેટકેટલી રીતે પોતાનું લોકેશન નક્કી કરી શકે છે એ પણ જાણવા જેવું છે.
આ ગલા લેખમાં જેની વાત કરી તે ‘એમેઝોન ગો’ રીટેઇલ સ્ટોરમાં કે ગયા અંકમાં જેની વાત કરી હતી તે ‘ગૂગલ હેન્ડ્સફ્રી’ નામની નવી પેમેન્ટ સર્વિસમાં, આપણે ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યા વિના, આપોઆપ પેમેન્ટ કરી શકી છીએ, તેની પાછળ જે જુદી જુદી ટેક્નોલોજી કામ કરે છે, તેમાંની એક છે આપણું જિયોલોકેશન નક્કી કરતી ટેક્નોલોજી.
જિયોલોકેશન એટલે તેના નામ પ્રમાણે, જે તે સમયે આપણે પૃથ્વીના ચોક્કસ કયા સ્થળે હાજર છીએ તે જાણવાની ટેકનિક.
એમેઝોન ગો કે ગૂગલ હેન્ડ્સફ્રીમાં, જે તે સમયે દુકામાંથી કેમેરા આપણા ચહેરાની, એમેઝોન કે ગૂગલના પ્રોફાઇલમાંના કેમેરા સાથે ખાતરી કરે છે, પછી આપણા ખિસ્સામાં રહેલો ફોન પણ સાક્ષી પૂરે કે આપણે ખરેખર એ દુકામાં હાજર છીએ અને તેના આધારે આપોઆપ પેમેન્ટ થાય છે! ફોનમાંથી લોકેશ ટ્રેકિંગ સિસ્ટમ એ વાતી પણ ખાતરી આપે કે બીજી કોઈ દુકાનમાં, આપણા જેવી દેખાતી બીજી કોઈ વ્યક્તિ આપણા નામે ખરીદી કરી ન જાય!
હવે માની લો કે અદાલતમાં કોઈ કેસ ચાલી રહ્યો છે અને હત્યાનો આરોપી, હત્યા સમયે ઘટના સ્થળે હાજર હતો કે નહીં તે સાબિત કરવાની મથામણ અદાલતમાં ચાલી રહી છે. અત્યાર સુધી, આવા કિસ્સામાં પોલીસને ઘટના સ્થળે આરોપીની ફિંગરપ્રિન્ટ્સ મળે તો એ બહુ મોટો પુરાવો બનતી, હવે એવું બની શકે કે સ્માર્ટફોનના લોકેશનને આધારે પણ પોલીસ, જે તે સમયે કોઈ વ્યક્તિ ક્યાં હતી એ પુરવાર કરી શકે – એ માટે પોલીસને સ્માર્ટફોન અથવા એ સ્થળનો વાઇ-ફાઇ રાઉટરનો ડેટા પણ પૂરતો થઈ પડે!
સ્માર્ટફોમાં લોકેશ ટ્રેકિંગની આ લેટેસ્ટ ઉપયોગિતા છે, આવી તો બીજી કેટલીય છે. સ્માર્ટફોનમાં રહેલી મેપ કે નેવિગેશન એપ આપણા લોકેશનને આધારે જ, આપણી નજીકના પેટ્રોલ પમ્પ કે બેન્ક એટીએમનું સરનામું આપણને બતાવી શકે છે.
સામાન્ય રીતે આપણે પોતાના સ્માર્ટફોનમાં જોવા મળતી જાહેરાતો તરફ બહુ ધ્યાન આપતા નથી, પણ જો આપીએ તો એવું બની શકે કે આપણને આપણા લોકેશન મુજબની જાહેરાતો બતાવવામાં આવી રહી હોય!
એ કંપનીઓને આપણું લોકેશન કેવી રીતે ખબર પડે છે? સાદો જવાબ છે, આપણા જ ખિસ્સામાં રહીને આપણી જાસૂસી કરી રહેલો સ્માર્ટફોન. ફોનમાંના સેટિંગ્સ મુજબ, સ્માર્ટફોન સતત આપણી જાસૂસી કરતો રહીને, આપણી દરેક હિલચાલ વિશે કેટલીય કંપીઓને (મોટા ભાગે આપણે મંજૂરી આપી હોય તો) જાણ કરતો રહે છે. મેપ જેવી સર્વિસ આપતી એપ આપણું લોકેશન જાણવા માગે એ તો સમજ્યા, પણ ટોર્ચ એપ કે ગેમ એપ કે સુવાક્યો જણાવતી એપને આપણું લોકેશન જાણવાની શી જરૂર પડે? સાદો જવાબ એટલો કે આવી એપ્સ આપણો લોકેશન ડેટા એટવર્ટાઇઝિંગ નેટવર્ક કંપનીને આપીને તેમાંથી કમાણી કરે છે!
આ આપણા લોકેશનની જાસૂસીનું એક પાસું થયું, પણ તેની પાછળ જે ટેક્નોલોજી કામ કરે છે તે ખરેખર રસપ્રદ છે. ટચૂકડો સ્માર્ટફોન કેવી રીતે આપણું લોકેશન જાણી શકે છે એવું કોઈ પૂછે તો આપણે બહુ બહુ તો ‘જીપીએસ કે મોબાઇલના ટાવરથી ટ્રેકિંગ થાય છે’ એટલું કહી શકીએ, પણ હકીકત એ છે ફોન જુદી જુદી કેટલીય જાતની ટેકનિકથી આપણું લોકેશન પારખી શકે છે.
આવો જાણીએ…
1. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)
આ વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ, પણ થોડું પુનરાવર્તન કરી લઈએ. જીપીએસ ટેક્નોલોજી અમેરિકન ડીફેન્સ ડીપાર્ટમેન્ટે વિક્સાવી અને 1990ના દાયકાના અંત ભાગમાં તેનો સેલફોનમાં ઉપયોગ થવા લાગ્યો. આપણું લોકેશન નક્શા પર સચોટ રીતે જાણવા માટે જીપીએસ અત્યાર સુધીની સૌથી અસરકારક ટેક્નોલોજી ગણાય છે.
આ ટેક્નોલોજીમાં, પૃથ્વી પર અંતરિક્ષમાં ફરતા રહેતા સેટેલાઇટ્સનું ઝૂમખું સતત પૃથ્વી પર સિગ્નલ મોકલતું રહે છે. આપણા ફોનમાં આ સિગ્નલ્સ ઝીલવાનું રીસિવર હોય છે. જો ફોન ઓછામાં ઓછા ત્રણ સેટેલાઇટના સિગ્નલ્સ પકડી શકે તો તેના આધારે અંતર અને સમયની ત્રિરાશી માંડીને, પૃથ્વી પર પોતે ચોક્કસ કયા સ્થળે છે તે સ્માર્ટફોન જાણી લે છે. જો ફોન ચાર સેટેલાઇટનાં સિગ્નલ ઝીલી શકે તો પૃથ્વી પર આપણે કયા સ્થળે અને કેટલી ઊંચાઈએ છીએ તે પણ જાણી શકાય છે.
અમેરિકાની જેમ ચીન, રશિયા, યુરોપ વગેરે પોતાની આગવી જીપીએસ સિસ્ટમ વિક્સાવી છે. હમણાં હમણાં ભારતે પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં એન્ટ્રી મેળવી લીધી છે (વધુ વિગતો માટે જુઓ ‘સાયબરસફર’ અંક જૂન 2016).
હવે ફોન બનાવતી કંપનીઓ, ફક્ત અમેરિકન જીપીએસને બદલે આવી જુદી જુદી સિસ્ટમનાં સિગ્નલ્સ ઝીલી શકે એવાં રીસિવર ફોનમાં ફિટ કરવા લાગી છે, જેથી લોકેશન વધુ ઝડપથી નક્કી થઈ શકે.
2. આસિસ્ટેડ જીપીએસ (એ-જીપીએસ)
ફોનનું લોકેશન જાણવા માટે જીપીએસ સચોટ છે, છતાં તેની મર્યાદા છે. જો આપણે કોઈ બિલ્ડિંગની અંદર હોઈએ, જ્યાં સેટેલાઇટ્સનાં સિગ્નલ્સને ફોન સુધી પહોંચવામાં અવરોધ નડે તો લોકેશન ઝડપથી નક્કી થઈ શકતું નથી.
આપણે જાણીએ છીએ કે ફોનમાં જીપીએસ ટ્રેકિંગ ઓન હોય ત્યારે બેટરી ઝડપથી ખાલી થાય છે. તેનું કારણ એ છે કે જ્યારે ફોનમાંનું રીસિવર સેટેલાઇટ્સનાં સિગ્નલ્સ ઝીલી શકે ત્યારે તે, આવતા ચાર કલાક સુધી એ સેટેલાઇટ્સ ક્યાં હશે તેનો ડેટા પણ ડાઉનલોડ કરે છે.
આના ઉપાય તરીકે, ફોન કંપનીઓ ફોનમાં જીપીએસ ઉપરાંત, એ-જીપીએસની સગવડ ઉમેરવા લાગી છે, જે આ ડેટાને સેલ્યુલર કે વાઇ-ફાઇ નેટવર્કની મદદથી ફોનમાં ડાઉનલોડ કરે છે અને આ નેટવર્કના ડેટાની મદદથી પણ પોતાનું લોકેશન નક્કી કરે છે.
આ કારણે માત્ર સેટેલાઇટ પર આધારિત સિસ્ટમમાં ટ્રેકિંગ શરૂ થતાં 45 સેકન્ડ જેટલો સમય લાગે, તેને બદલે એ-જીપીએસવાળી સિસ્ટમમાં લગભગ 15 કે તેથી ઓછી સેકન્ડમાં આપણું લોકેશન ટ્રેકિંગ શરૂ થઈ જાય છે!
3. સિન્થેટિક જીપીએસ
એ-જીપીએસમાં પણ આખરે તો ફોનને મોબાઇલ નેટવર્ક કે વાઇ-ફાઇ મારફત સેટેલાઇટની માહિતી મળે તો આખું કામ ઝડપી બને છે. આ સમય હજી વધુ ઘટાડવા માટે, નિષ્ણાતોએ સિન્થેટિક જીપીએસની સુવિધા વિક્સાવી છે.
આ ટેક્નોલોજીમાં, કમ્પ્યુટરની શક્તિ કામે લગાડીને સેટેલાઇટ્સનાં લોકેશન આગામી દિવસો કે અઠવાડિયાંઓમાં ક્યાં હશે તેની માહિતી આગોતરી નક્કી કરી લેવામાં આવે છે. અગાઉ આ કામ જુદી જુદી કંપનીનાં ડેટા સેન્ટર્સમાં થતું હતું, પણ હવે ફોનમાં જ એવી કરામત કરવામાં આવી છે કે એક વાર ફોનને સેટેલાઇટ્સનાં સિગ્નલ્સ મળે એટલે એ તાબડતોડ તેને જોઈતી આગામી સમયની માહિતીની આગોતરી ગણતરી કરી લે છે.
આ કારણે ફોન તેનું લોકેશન માંડ બે સેકન્ડ જેટલા સમયમાં પારખી શકે છે!
4. સેલ આઇડી
હવે વાત આવે છે, આપણે જેના વિશે થોડું ઘણું જાણીએ છીએ તેની. જીપીએસના દરેક પ્રકારમાં, અંતે તો ફોનને ત્રણ સેટેલાઇટનાં સિગ્નલ મળવાં જરૂરી છે. એ જો થઈ શકે તો ફોનનું સચોટ લોકેશન નક્કી થઈ શકે, પણ ફોમાં જીપીએસની સુવિધા ઉમેરાઈ એ પહેલાંથી ફોન કંપનીઓ ફોનના લોકેશનનો અંદાજ તો બાંધી જ શકતી હતી.
મોબાઇલ ફોન હંમેશા આસપાસના મોબાઇલ ટાવર્સ તરફથી સિગ્નલ્સ મેળવતો રહે છે, એટલે કે અમુક નિશ્ચિત મોબાઇલ ટાવર્સના ઘેરા (સેલ) વચ્ચે મોબાઇલ રહે છે. દરેક મોબાઇલ, મોબાઇલ ટાવર, તેમને સાંકળતા બેઝ સ્ટેશની વગેરેની નિશ્ચિત ઓળખ હોય છે. તેના આધારે, જે તે ફોન કયા કયા મોબાઇલ ટાવર્સનાં સિગ્નલ્સ મેળવી રહ્યો છે તેની ત્રિરાશી માંડીને ફોન કંપની જાણી શકે છે કે અત્યારે અમુક-તમુક નંબરનો ફોન ક્યાં છે.
જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ટાવર્સની સંખ્યા શહેરો કરતાં ઓછી હોવાથી ટાવર્સથી રચાતા સેલ વધુ મોટા હોવાથી આ કામ બહુ સચોટ રહેતું નથી.
5. વાઇ-ફાઇ
મોબાઇલ ટાવર્સ વચ્ચે ઘેરાતો વિસ્તાર મોટો હોવાની સમસ્યા વાઇ-ફાઇથી દૂર થાય છે, કેમ કે વાઇ-ફાઇ સિગ્નલ્સ ટૂંકા અંતરમાં જ કામ કરે છે. વાઇ-ફાઇથી ફોનનું લોકેશન બે પ્રકારે નક્કી થઈ શકે છે.
તમે ક્યારેક ફોનનાં વિવિધ સેટિંગ્સ ફંફોસ્યાં હોય તો તેમાં સંખ્યાબંધ એક્સેસ પોઇન્ટ્સની યાદી જોવા મળી હશે. ‘રીસિવ્ડ સિગ્નલ સ્ટ્રેન્થ ઇન્ડિકેશન’ નામની ટેકનોલોજીમાં, આપણો ફોન આવા જે એક્સેસ પોઇન્ટ્સમાંથી સિગ્નલ્સ મેળવતો હોય તેની આગવી ઓળખને આધારે, ફોનનું લોકેશન પકડાઈ જાય છે. ‘વાયરલેસ ફિંગરપ્રિન્ટિંગ’ નામની બીજી ટેક્નોલોજીથી, જરા વધુ ચોક્સાઈથી જે તે ફોનનું લોકેશન ટ્રેક થઈ શકે છે.
આપણે અલગ અલગ જગ્યાએ જઈએ અને સ્માર્ટફોનમાં વાઇ-ફાઇ કનેક્શન ઓન રાખ્યું હોય તો, જે તે વિસ્તારમાંથી મળતા વાઇ-ફાઇ નેટવર્કની નોંધ ફોનમાં લેવાતી હોય છે. તે જ રીતે, આપણે કોઈ નેટવર્કમાં લોગ-ઇન થઈએ કે થવાનો પ્રયાસ કરીએ તો તેની નોંધ એ નેટવર્કનાં સિગ્નલ મોકલતું રાઉટર રાખતું હોય છે! (જે આવનારાં વર્ષોમાં પોલીસ માટે મહત્વના પુરાવા બની શકશે). જ્યારે આપણે ફોન સાથે કોઈ બિલ્ડિંગની અંદર હોઈએ ત્યારે ફોનમાંનું જીપીએસ રીસિવર સેટેલાઇટ્સનાં સિગ્નલ્સ ઝીલી શકતું નથી. આવે સમયે વાઇ-ફાઇનાં એક્સેસ પોઇન્ટસ આપણું લોકેશન નક્કી કરવામાં સિંહફાળો આપે છે.
૬. સેન્સર્સ
માની લો કે આપણે કોઈ એવી જગ્યાએ છીએ, જ્યાં સેટેલાઇટ્સનાં સિગ્નલ્સ મળતાં નથી કે વાઇ-ફાઇ નેટવર્ક પણ નથી, તો?
આવે સમયે આપણા ફોનમાંનાં સ્માર્ટ સેન્સર્સ પોતાનું કામ શરૂ કરે છે. મોટા ભાગના સ્માર્ટફોનમાં હવે કમ્પાસ કે મેગ્નેટોમીટર, એક્સેલરોમીટર અને જાયરોસ્કોપ જેવાં સેન્સર્સ હોય છે (મોબાઇલમાં કાર રેસ રમતી વખતે, ફક્ત મોબાઇલને સ્ટીયરિંગની જેમ ફેરવીને કારને ઘૂમાવીએ છીએ તે આ બધાં સેન્સર્સની કરામત હોય છે). કમ્પાસ કે મેગ્નેટોમીટર ફોન કઈ દિશામાં જઈ રહ્યો છે તે જાણી શકે છે, એક્સેલરોમીટરથી એ દિશામાં આપણે કેટલી ગતિથી જઈએ છીએ તે નક્કી થાય છે અને જાયરોસ્કોપથી આપણો ફોન જે કોઈ વળાંક લે તે પારખી લેવાય છે.
ફોનની બહારથી, સેટેલાઇટ્સનાં સિગ્નલ્સ કે વાઇ-ફાઇનાં સિગ્નલ્સ જેવો કોઈ ઇનપુટ ન મળતો હોય ત્યારે આ સેન્સર્સ થોડા સમય માટે ફોનનું લોકેશન નક્કી કરી શકે છે. જેમ કે આપણે કારમાં કોઈ પહાડી પ્રદેશમાં મુસાફરી કરી રહ્યા હોઈએ ત્યારે જીપીએસથી ફોનનું લોકેશન નક્કી થતું રહે, જેને આપણે ફોનમાં નેવિગેશન મેપ પર કારને આગળ વધતા બ્લુ ટપકા સ્વરૂપે જોઈ શકીએ.
હવે ધારો કે આપણી કાર કોઈ મોટા બોગદામાં દાખલ થઈ. તો ફોનને સેટેલાઇટ્સનાં સિગ્નલ મળતાં બંધ થશે, પણ ફોનમાં સેન્સર્સની મદદથી, નક્શા પરનું બ્લુ ટપકું, કારની ગતિ અને દિશા થોડા સમય સુધી બરાબર જણાવતું રહેશે!
૭. બેરોમીટર
ઘણા ફોનનાં સ્પેસિફિકેશનની યાદીમાં, તમે ક્યારેક બેરોમીટરનો ઉલ્લેખ પણ જોયો હશે. આ બેરોમીટર તો હવામાન સંબંધિત સાધન છે, જે દબાણ માપવા માટે ઉપયોગી છે, તેનું સ્માર્ટફોનમાં શું કામ?
હકીકતમાં સ્માર્ટફોનમાંનું બેરોમીટર પણ આપણા જાસૂસનું કામ કરે છે! આપણે કોઈ રસ્તે ચાલતા કે વાહનમાં જતા હોઈએ તો અમુક-તમુક દિશામાં જતા હોઈએ કે ડાબે-જમણે વળતા હોઈએ, ત્યારે ખુલ્લામાં હોઈએ એટલે આપણું લોકેશન પકડવું જીપીએસથી સહેલું બને છે. પરંતુ જ્યારે કોઈ મકાનની અંદર હોઈએ ત્યારે જીપીએસનાં સિગ્નલ્સ તો નબળાં હોય જ, સાથોસાથ આપણે બિલ્ડિંગમાં ઉપર કે નીચે જઈ રહ્યા હોઈએ એવું પણ બને.
આવે સમયે, ફોનમાંનું બેરોમીટર હવાનું દબાણ પારખીને આપણે કેટલી ઊંચાઈએ છીએ તે પારખી શકે છે અને તેના આધારે, જીપીએસના ડેટાને વધુ સચોટ બનાવી શકે છે.
અલબત્ત, આ કામ એકદમ અસરકારક રીતે કરવા માટે તેને એ સ્થળના હવાના દબાણનો ડેટા જોઈએ. એટલે બેરોમીટર એકલું આપણું લોકેશન જાણી શકતું નથી, પણ લોકેશન નક્કી કરતી સુવિધામાં એ સહાયક જરૂર બને છે.
૮. અલ્ટ્રાસોનિક સિગ્નલ્સ
સ્માર્ટફોનની મદદથી આપણું પગેરું દબાવવાની વધુ એક અનોખી રીત પણ ભેજાબાજોએ શોધી કાઢી છે.
આવી એક રીતે મુજબ, ધારો કે તમે કોઈ મોટા મોલમાં દાખલ થયા. તમારા સ્માર્ટફોનમાં એક એવી એપ છે, જે આ મોલમાંના જુદા જુદા સ્ટોરમાં ખરીદી સમયે ડિસ્કાઉન્ટ કોડ ઓફર કરે છે. તમે મોલના દરવાજામાંથી જેવા દાખલ થાવ કે તરત, જે રીતે આપણને ‘જોઈને’ કાચનો દરવાજો આપોઆપ ખૂલી જતો હોય છે, કંઈક એવી જ રીતે, દરવાજે મૂકેલાં અલ્ટ્રાસોનિક સિગ્નલ્સને પ્રતાપે, તમારા સ્માર્ટફોનમાંની પેલી એપને જાણ થઈ જાય છે કે તમે આ ક્ષણે મોલમાં પ્રવેશ્યા છો!
તરત એ એપ કામે લાગશે અને એ મોલમાં જે સ્ટોર્સ સાથે તેનું જોડાણ હશે તેનાં ડિસ્કાઉન્ટ કૂપન તમને નોટિફિકેશન તરીકે મોકલવા લાગશે!
આ તરકીબના મૂળમાં, નીયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) નામની ટેકનોલોજી છે, જેનો ઉપયોગ મોટા ભાગે, ક્રેડિટ/ડેબિટ કાર્ડને મશીનમાં સ્વાઇપ કરવાને બદલે, ફક્ત સ્માર્ટફોનને આવા મશીન પાસે લઈ જઈને પેમેન્ટ શક્ય બનાવવા માટે થાય છે.
નજીકના અંતરમાં સિગ્નલ મોકલીને કામ કરવાની આ ટેક્નોલોજીથી, વ્યક્તિનું લોકેશન જાણીને વેચાણ વધારવાના નવા રસ્તા પણ શોધાવા લાગ્યા છે.
૯. બ્લુટૂથ સિગ્નલ્સ
અલ્ટ્રાસોનિક સિગ્નલ્સની જેમ, મોટા સ્ટોર્સમાં હવે બ્લુટૂથ ટેક્નોલોજીનો પણ ઉપયોગ થાય છે. વાઇ-ફાઇ નેટવર્કમાં જેમ થોડા મોટા વિસ્તારમાં આપણી હાજરી તપાસાય છે, તેમ સ્ટોર્સની અંદર, બ્લુટૂથ સિગ્નલ્સ મોકલતાં નાનાં નાનાં મશીનોથી, સિગ્નલ્સનું એવું જાળું રચવામાં આવે છે કે આ સિગ્નલ્સ અને આપણા ફોનના પ્રતાપે, સ્ટોરની સિસ્ટમ જાણી શકે છે કે આપણે કરિયાણાના વિભાગમાં ઊભા છીએ અને બાસમતી રાઇસનાં સેક્શન પાસે છીએ. આટલી ખબર પડતાં જ સ્ટોરની સિસ્ટમ આપોઆપ આપણને બાસમતી રાઇસની કોઈ ચોક્કસ બ્રાન્ડ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે!
૧૦. ટ્રાન્સમીટર્સ
આપણે આગળ જોયું તેમ સ્માર્ટફોનનું લોકેશન જાણવા માટેની અત્યાર સુધીની સૌથી સચોટ પદ્ધતિ જીપીએસની છે, પણ એ તો અંતરિક્ષમાં ઘૂમતા સેટેલાઇટ્સ પર આધારિત છે. સેટેલાઇટ્સને બદલે પૃથ્વી પર, મોટાં શહેરોમાં જુદાં જુદાં બિલ્ડિંગ પર જ, સેલફોન કંપનીના ટાવર્સ સાથે જ, જીપીએસ સેટેલાઇટ જેવાં સિગ્નલ્સ મોકલી શકે તેવાં સાધનો ગોઠવી દીધાં હોય તો?
વિશ્વના જુદા જુદા ભાગોમાં આ દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ ટેક્નોલોજી અત્યારે મોંધી છે, પણ પ્રારંભિક ટેસ્ટિંગમાં આ પ્રકારે, નક્શા પર આપણું લોકેશન નક્કી કરવામાં માંડ બે-ત્રણ ઇંચનો જ તફાવત રહે એટલી ગજબની ચોક્સાઈ નોંધાઈ છે!
તો પછી, ફોનમાં લોકેશન સર્વિસ ઓન રાખવી કે નહીં?
તમારો સ્માર્ટફોન પોતાનું (એટલે કે તમારું!) લોકેશન જાણતો રહે તેનો તમને લાભ છે કે ગેરલાભ એ તમારે જ નક્કી કરવાનું છે – કારણ કે આ વિજ્ઞાન કે ટેક્નોલોજીની દરેક વાતની જેમ, આ બાબતના ફાયદા-ગેરફાયદા બંને છે અને એ દરેક વ્યક્તિએ જુદા-જુદા હોઈ શકે.
પરંતુ આપણે એક વચલો રસ્તો કાઢી શકીએ. સૌથી પહેલાં, તમે ફોનના સેટિંગ્સમાં, પર્સનલમાં લોકેશન વિભાગમાં જાઓ. અહીં જો આ સર્વિસ ઓન હશે અને તમારા ફોનમાં એન્ડ્રોઇડનું પ્રમાણમાં નવું વર્ઝન હશે તો ફોનમાંની કઈ કઈ એપ તમારું લોકેશન જાણી રહી છે તે તમે જોઈ શકશો. તેના આધારે, તમે નક્કી કરી શકશો કે તમારે આ સર્વિસ ઓન રાખવી જરૂરી છે કે નહીં.
લોકેશન સર્વિસ ઓન રાખવી હોય તો તેના ત્રણ મોડનો વિકલ્પ મળે છે. હાઇ એક્યુરસી, જેમાં ફોન, આ લેખમાં જણાવેલી અને તેને ઉપલબ્ધ બધી રીતનો ઉપયોગ કરીને આપણું લોકેશન જાણે છે. તેમાં બેટરી વધુ વપરાય છે. બીજો મોડ, બેટરી સેવિંગનો છે, જેમાં જીપીએસ સિવાયની સગવડોનો લાભ લેવાય છે અને ત્રીજા મોડમાં ફક્ત જીપીએસનો ઉપયોગ થાય છે.
એવું પણ થઈ શકે કે તમે લોકેશન સર્વિસ તદ્દન બંધ રાખો. આવી સ્થિતિમાં, તમે મેપ જેવી કોઈ એપ ઓપન કરશો ત્યારે તે જ તમને કહેશે કે લોકેશન સર્વિસ ઓન કરો! યોગ્ય લાગે તો જ હા કહો!
સેટિંગ્સમાં લોકેશન વિભાગમાં નીચે, ‘ગૂગલ લોકેશન હિસ્ટ્રી’ની લિંક જોવા મળશે. જો તમે અગાઉ લોકેશન સર્વિસ ઓન રાખી હશે, તો આ લિંક પર તમને તમારા જ વિશે ઘણું નવાઈજનક જાણવા મળશે – એની વાત ફરી ક્યારેક!

