મોબાઈલમાં ઘણી વાર આપણે સ્ક્રીનશોટ લેવાના થતા હોય છે. જેમ સ્ક્રીનશોટ લેવાનાં કારણ જુદાં જુદાં હોય તેમ લગભગ દરેક મોબાઇલે સ્ક્રીનશોટ લેવાની પદ્ધતિ જરા જરા જુદી હોય છે.
મોટા ભાગના સ્માર્ટફોનમાં પાવર બટન અને વોલ્યૂમ બટન એક સાથે પ્રેસ કરીને સ્ક્રીનશોટ લઈ શકાય છે. કેટલાક ફોનમાં નોટિફિકેશન શટરમાં સ્ક્રીનશોટ લેવાનું બટન હોય છે અને તેની મદદથી સ્ક્રીન પર દેખાતો ભાગ કે તેથી ઊંડે જતા વેબપેજનો લાંબો સ્ક્રીનશોટ પણ લઈ શકીએ છીએ.
આ રીતે લેવાતા સ્ક્રીનશોટ ફોનની ફોટો ગેલેરી કે ગૂગલ ફોટોઝ એપ (જો તેને ડિફોલ્ટ ગેલેરી એપ હોય તો)માં સ્ક્રીનશોટ ફોલ્ડરમાં સેવ થતા હોય છે.
જો તમે કોઈની સાથે શેર કરવા માટે સ્ક્રીનશોટ લઈ રહ્યા હો તો તમે ગૂગલ આસિસ્ટન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. અલબત્ત તમારા ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ ફીચર હોવું જોઈએ.
ગૂગલ આસિસ્ટન્ટથી સ્ક્રીનશોટ લેવા માટે ફોનનું હોમ બટન જરા લાંબો સમય પ્રેસ કરતાં આસિસ્ટન્ટ ઓન થાય છે અને તેમાં ‘શેર સ્ક્રીનશોટ’નો વિકલ્પ મળે છે. તેને ક્લિક કરતાં સ્ક્રીનશોટ લેવાય છે અને પછી તરત જ જુદી જુદી રીતે શેર કરવાનો વિકલ્પ મળે છે.
એટલું યાદ રાખશો કે આ રીતે લીધેલો સ્ક્રીનશોટ મોબાઇલની ફોટોગેલેરીમાં આપોઆપ સેવ થતો નથી. આપણે તેને સીધો શેર કરવો પડે છે.
