જો તમે પીસી પર કે મોબાઇલમાં જીમેઇલનો જોરદાર ઉપયોગ કરતા હો તો તમારા જીમેઇલ એકાઉન્ટમાં મેઇલ્સની સંખ્યા હજારોમાં હશે (નોટિફિકેશન કે ફોરમ કે પ્રમોશનલ મેઇલ્સને બાદ કરીએ તો પણ!).
આવી સ્થિતિમાં ઘણી વાર અગાઉ આવેલા મહત્ત્વના મેસેજ ફરી વાર શોધવા મુશ્કેલ બની જતા હોય છે. જો તમે જીમેઇલની ફિલ્ટર કે લેબલની સગવડ (જેના વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ)નો લાભ લેતા હો તો તમે તમારા ઈ-મેઇલ્સને ઘણી સારી રીતે ઓર્ગેનાઇઝ્ડ રાખી શકતા હશો અને તો મહત્ત્વવના મેઇલ્સ ફરી શોધવા સહેલા પણ બનતા હશે.
એ સિવાય જીમેઇલનું સર્ચ બોક્સ પણ અત્યંત પાવરફૂલ છે. પીસીમાં જીમેઇલના સર્ચ બોક્સના છેડે ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરતાં આપણા ઈ-મેઇલ્સને જુદી જુદી ઘણી રીતે (મોકલનાર, મેળવનાર, વિષય, મેઇલમાં સામેલ શબ્દો, તારીખ, સમયગાળો, એેટેચમેન્ટ, મેઇલની સાઇઝ વગેરે ઘણી રીતે) મેઇલને ફિલ્ટર કરીને સર્ચ કરી શકાય છે.
આવી રીતોને ‘સર્ચ ઓપરેટર્સ’ કહેવાય છે. પીસીમાં પૂરતી જગ્યા હોવાથી સર્ચ ઓપરેટર્સ આપણી નજર સામે રહે છે અને આપણે જોઇતા વિકલ્પો પસંદ કરી શકીએ છીએ.
એપમાં જગ્યા ઓછી છે પણ આ તમામ સર્ચ ઓપરેટર એપમાં પણ કામ તો લાગે જ છે.
જેમ કે તમારે સાયબરસફર તરફથી આવેલો મેઇલ શોધવો હોય તો એપના સર્ચ બોક્સમાં From:support@cybersfar.com લખી સર્ચ કરો. અથવા older_than:2d લખીને સર્ચ કરતાં બે દિવસથી વધુ જૂના મેઇલ્સ તમે જોઈ શકશો.
થોડા ક્રિએટિવ બનીને તમે જીમેઇલ એપમાં સર્ચના માસ્ટર બની જશો!
