આગળ શું વાંચશો?
- ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય?
- ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય?
ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે આપણે એમના પેજ પર પહોંચીએ ત્યારે આપણને એવો વીડિયો જોવામાં જ રસ હોય છે એટલે એ વીડિયો આપોઆપ ચાલુ કરી દે છે – આપણી વીડિયો જોવાની ઇચ્છા હોય કે ન હોય.
આપણે એકથી વધુ ટેબમાં બ્રાઉઝિંગ કરી રહ્યા હોઈએ ત્યારે તકલીફ વધે કેમ કે જુદી જુદી ટેબમાં જુદા જુદા વીડિયો ચાલુ થઈ જાય અને ઘોંઘાટ કરી મૂકે!
છેલ્લા થોડા સમયથી ક્રોમ બ્રાઉઝરમાં એવી સુવિધા ઉમેરાઈ છે કે જે ટેબમાં વીડિયો કે ઓડિયો ચાલુ હોય તે ટેબમાં વોઇસનો આઇકન જોવા મળે અને તેને ક્લિક કરીને આપણે વોઇસ બંધ કરી શકીએ, પરંતુ એમ કરવાથી પેલો વીડિયો બંધ થતો નથી, ફક્ત અવાજ બંધ થાય છે. આવી રીતે કોઈ પણ પેજ પર પહોંચતાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો આપણો ડેટા પણ ખર્ચવા લાગે છે.
થોડા સમય પહેલાં ગૂગલ ક્રોમમાં એચટીએમએલ ફાઇવ આધારિત વીડિયો ઓટો પ્લે થતા બ્લોક કરવાની સગવડ ઉમેરવામાં આવી હતી. આપણે જે સાઇટ પર ઓટો પ્લે થતા વીડિયોને અટકાવી દઈએ એ સાઇટ ક્રોમ યાદ રાખી લે અને પછી જ્યારે આપણે બીજી કોઈ વાર એ સાઇટ પર જઈએ ત્યારે ક્રોમને આપણી પસંદગી યાદ હોય એટલે એ સાઇટ પર વીડિયો ઓટો પ્લે કરવામાં આવે નહીં.
પરંતુ બ્રાઉઝર આધારિત ગેમ્સમાં ઓટો પ્લે બંધ કરવાથી ગરબડ થતી હોવાથી ક્રોમમાં મળેલી આ સગવડ પાછી ખેંચી લેવામાં આવી.
હવે જો તમે ક્રોમમાં કોઈ પણ સાઇટ ઓટોમેટિકલી વીડિયો પ્લે ન કરે એવું ઇચ્છતા હો એ માટે ક્રોમના સેટિંગ્સમાં જરા ઊંડા ઉતરીને ખાંખાખોળા કરવા પડે.
ઊંડા ઉતરવાનું જરૂરી એટલા માટે છે કે એ માટેના સેટિંગ ગૂગલે સહેલાઈથી આપણી નજરમાં આવે એ રીતે રાખ્યા નથી. એ માટે આપણે ક્રોમનો એક ખાસ પ્રકારનો ‘ફ્લેગ’ ઇનેબલ કરવો પડે.
હવે નવો સવાલ થાય કે આ ફ્લેગ શું છે? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જે નવાં ફીચર્સ કે સેટિંગ્સ ઉમેરાવાનાં હોય તેને પહેલેથી બધા માટે ઇનેબલ કરી દેવાને બદલે ફ્લેગ્સ સ્વરૂપે ઓપ્શનલ સેટિંગ તરીકે આપે છે. આ સેટિંગ્સ હજી પ્રાયોગિક ધોરણે હોવાથી પરફેક્ટ રીતે કામ આપે જ એવી ખાતરી ન હોય પરંતુ મોટા ભાગે તે આપણને ધાર્યું કામ કરી આપે.
અત્યારે આપણા મૂળ મિશન પર પરત જઈએ. ક્રોમમાં ઓટો પ્લે થતા એચટીએમએલ ફાઇવ વીડિયોને બંધ કરવા માટે નીચેનાં પગલાં લેવા જોઈશે.
- ક્રોમમાં એક નવી ટેબ ઓપન કરો.
- તેમાં આ ટેક્સ્ટ ટાઇપ કરો : chrome://flags/#autoplay-policy
- હવે તમે ઓટોપ્લે પોલિસીના ફ્લેગ સુધી પહોંચી જશો. તેમાં જમણી તરફ ડિફોલ્ટ લખેલું બટન જોવા મળશે.
- તેને ક્લિક કરો. અહીં ‘ડોક્યુમેન્ટ યૂઝર એક્ટિવેશન ઇઝ રીક્વાયર્ડ’ એવો વિકલ્પ પસંદ કરો.
- આથી એક સ્ક્રીનના બોટમમાં એક પોપ-અપ બાર જોવા મળશે જેમાં લખ્યું હશે કે તમે ક્રોમને રીસ્ટાર્ટ કરશો પછી તમે કરેલો ફેરફાર અમલમાં આવશે.
- તેની સાથે આપેલા ‘રીલોન્ચ નાઉ’ બટન પર ક્લિક કરી ક્રોમ રીલોન્ચ કરો.
હવે ક્રોમ રીસ્ટાર્ટ થશે અને તમે જુદી જુદી સાઇટ્સ પર જશો ત્યારે આનંદાશ્ચર્ય સાથે પેલા વીડિયો ઓટોપ્લે નહીં થાય!
ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય?
એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં આ કામ જરા જુદી જુદી રીતે થાય છે.
એન્ડ્રોઇડમાં : પહેલાં એન્ડ્રોઇડની વાત કરીએ, તો એમાં પણ એ માટેના બે રસ્તા છે! પહેલો રસ્તો અપનાવવા, એન્ડ્રોઇડી ફેસબુક એપમાં જમણી તરફની ત્રણ આડી લીટી ક્લિક કરો.
- તેમાં ઘણે નીચે, ‘સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી’માં જાઓ. તેમાં ‘ડેટા સેવર’માં જાઓ.
- અહીં તમને કહેવામાં આવશે કે આ વિકલ્પ ઓન કરતાં, ઇમેજ સાઇઝ ઘટાડીને તમને બતાવવામાં આવશે અને વીડિયો ઓટોમેટિક પ્લે નહીં થાય, જેથી ડેટા ઓછો વપરાય.
- જો તમને ડેટાની બચત કરવાની ચિંતા ન હોય, તો બીજો રસ્તો અપનાવી શકો છો. એ માટે, ‘સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી’માં જ, ફરી ‘સેટિંગ્સ’માં જાઓ. અહીં પણ ઘણે નીચે જતાં, ‘મીડિયા એન્ડ કોન્ટેક્ટ્સ’ વિભાગમાં જાઓ. વીડિયોનો માત્ર સાઉન્ડ બંધ રાખવો હોય તો એનું સેટિંગ અહીંથી થઈ શકશે.
- જરા આગળ જતાં, ‘ઓટોપ્લે’નો વિકલ્પ જોવા મળશે. તેમાં જઈને તમારી ફેસબુક એપમાં, તમે મોબાઇલ ડેટા કે વાઇ-ફાઇથી નેટ સાથે કનેક્ટેડ હો ત્યારે કે માત્ર વાઇ-ફાઇ સાથે કનેક્ટેડ હો ત્યારે વીડિયો ઓટોપ્લે થાય એવું સેટિંગ કરી શકો છો. અથવા, ક્યારેય વીડિયો ઓટોપ્લે થાય જ નહીં એવું સેટિંગ કરી શકાય છે.
ફેસબુકમના સેટિંગ્સમાં છેક અહીં સુધી પહોંચી ગયા હો તો ‘મીડિયા એન્ડ કોન્ટેક્ટ્સ’માં તમારા કોન્ટેક્ટ્સ સતત ફેસબુક પર અપલોડ થવા દેવા માગો છો કે નહીં એનું સેટિંગ પણ તપાસી લઈ શકાય!
આઇફોનમાં : ફેસબુક એપ ઓપન કરી, મેનુ બટન ટેપ કરીને, સેટિંગ્સમાં જાઓ.
- અહીં ફરી ‘એકાઉન્ટ સેટિંગ્સ’ ટેપ કરી, તેમાં ‘વીડિયોઝ એન્ડ ફોટોઝ’ના વિકલ્પો જુઓ.
- હવે એન્ડ્રોઇડ જેવા જ વિકલ્પો જોવા મળશે અને તમે ક્યારેય વીડિયો ઓટોપ્લે ન થાય એવું સેટિંગ કરી શકશો.


