એક તરફ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ યુએસમાં ગૂગલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે.
ગયા મહિને યુએસમાં યોજાયેલી ગેમ ડેવલપર્સ કોન્ફરન્સમાં ગૂગલે ‘સ્ટેડિયા’ નામે એક નવું ગેમિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આપણે આપણા પીસી કે મોબાઇલમાં કોઈ ગેમ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને તેની મજા લૂંટતા આવ્યા છીએ. મતલબ કે ગેમના પારવરફૂલ પર્ફોર્મન્સ માટે આપણું ડિવાઇસ પણ જબરું પાવરફૂલ હોવું જોઈએ.
સ્ટેડિયા આ સ્થિતિ બદલી નાખશે. તે એક ક્લાઉડબેઝ સર્વિસ છે. તેનો અર્થ એ થયો કે લગભગ દરેક પ્રકારના ફોન, ટેબલેટ કે કમ્પ્યુટરમાં આપણને એકસરખું પર્ફોર્મન્સ મળશે. ફક્ત આપણું ઇન્ટરનેટ કનેકશન પાવરફૂલ હોવું જોઈશે.
આ ગેમિંગ પ્લેટફોર્મની સાથોસાથ ગૂગલે એક ખાસ પ્રકારનું ‘સ્ટેડિયા કન્ટ્રોલર’ પણ લોન્ચ કર્યું છે. એ ઉપરાંત સ્ટેડિયાને યુટ્યૂબ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. જેથી તમે યુટ્યૂબ પર કોઈ લાઇવ સ્ટ્રીમ જોઈ રહ્યા હો એ સમયે એ યૂટ્યૂબર પોતાની ગેમ પોતાના ઓડિયન્સ માટે ઓપન કરી નાખશે તો તમે પણ એ ગેમમાં ઓનલાઇન જોડાઈ શકશો!
અત્યારે સ્ટેડિયા વિશે પૂરતી વિગતો ઉપલબ્ધ નથી, પણ ગૂગલ ગેમિંગનું પણ ભાવિ બદલશે એ નક્કી છે.
