તમારા એપલ આઇફોનને તમે ફિંગર પ્રિન્ટ કે ફેસ આઇડીથી અનલોક કરી શકો છો, પરંતુ ફોનને જડબેસલાક રીતે લોક કરવા માટે પાસકોડ સૌથી વધુ સલામત ગણાય છે.
ફોનમાં સામાન્ય રીતે ચાર આંકડાનો પાસકોડ આપી શકાતો હતો પરંતુ આઈઓએસ૯ વર્ઝનથી પાસકોડને વધુ સલામત બનાવવા માટે છ આંકડાનો પાસકોડ આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
છ આંકડાનો પાસકોડ ચોક્કસપણે વધુ સલામત છે પણ તમને એ યાદ રાખવો મુશ્કેલ લાગતો હોય તો તમે ફરી ચાર અંકના પાસકોડ તરફ જઇ શકો છે. એ માટે આઇફોનની સેટિંગ્સ એપમાં ટચ આઇડી એન્ડ પાસકોડનો વિકલ્પ શોધો.
અહીંથી આગળ વધવા તમારે તમારો વર્તમાન પાસકોડ આપવો પડશે. હવે તેમાં ‘ચેન્જ પાસકોડ’ પર ટેપ કરો. સિસ્ટમ તમને છ અંકનો પાસકોડ નક્કી કરવા કહેશે, પણ અહીં તમને ‘પાસકોડ ઓપ્શન્સ’નો વિકલ્પ પણ મળશે. તેને ટેપ કરતાં છ ને બદલે ચાર અંકનો પાસકોડ આપવાનો વિકલ્પ મળશે.
જો તમને સગવડ કરતાં સલામતી વધુ મહત્ત્વની લાગતી હોય તો અહીં ‘કસ્ટમ આલ્ફાન્યૂમરિક કોડ’નો વિકલ્પ પસંદ કરો. તેને કારણે તમે આંકડા અને લેટર્સ બંનેનું મિશ્રણ કરીને પાસકોડ નક્કી કરી શકશો.
