તમે કોઈ એક વાતને જુદા જુદા કેટલા દૃષ્ટિકોણથી જોઈ તપાસી શકો છો? અથવા કોઈ એક મુદ્દાના તમે કેટલાં પાસાં કલ્પી શકો છો? રોજિંદી જિંદગીમાં આપણો દૃષ્ટિકોણ જેટલો વ્યાપક એટલો આપણને વધુ લાભ.
તમારે એક જ વાતને અનેક રીતે જોવા સમજવાની ક્ષમતા વિકસાવવી હોય તો ફોનમાં ઇન્સ્ટોલ કરો પોલીસ્ફિયર નામની એપ.
નાનપણમાં આપણે સૌ ઘણી જિગ્સો પઝલ રમ્યા છીએ, જેમાં કોઈ એક ચિત્રના સંખ્યાબંધ ટુકડા કરી નાખવામાં આવે અને પછી આપણે એ ટુકડાઓને બરાબર જોડીને એ ચિત્ર ફરી તૈયાર કરવાનું હોય. આ જ રમત સ્માર્ટફોનની એપ સ્વરૂપે ખરેખર નવું અને સ્માર્ટ સ્વરૂપ લે છે.
પોલીસ્ફિયર એપ ઇન્સ્ટોલ કરીને ઓપન કરતાં આપણને જુદાં જુદાં ચિત્રો બતાવવામાં આવે છે. આ દરેક ચિત્ર સંખ્યાબંધ ટુકડાઓમાંથી બનેલું હોય છે. કોઈ પણ એક ચિત્રને ક્લિક કરતાં આ તમામ ટુકડાઓ જાણે હવામાં તરતા હોય એ રીતે સ્ક્રીન પર દેખાવા લાગે છે. આપણે આંગળીની મદદથી આ ટુકડાઓને એવી રીતે ફેરવીને ગોઠવવાના છે જેથી એ ચિત્ર બની જાય.
ટુકડાઓની સંખ્યા પાર વગરની છે અને તેમને ૩૬૦ ડિગ્રીએ ફેરવી શકાતા હોવાથી આ ગેમ ખાસ્સી કસરત કરાવે તેવી છે. પરંતુ એક વાર તમે તેની પેટર્ન સમજવા લાગશો એ પછી બહુ વેરવિખેર પાસાંને એકમેક સાથે જોડીને સમગ્ર વાતનો સાર કેવી રીતે મેળવવો એ તમારે માટે રમત વાત બની જશે!
એપ ડાઉનલોડઃ

