રિલાયન્સ જિઓએ મફત કોલિંગથી ખળભળાટ મચાવી દીધા પછી, હવે અન્ય કંપનીઝ પણ વીઓએલટીઇ ટેક્નોલોજી અપનાવીને તેની સર્વિસ વિસ્તારી રહી છે.
ભારતના મોબાઇલ માર્કેટમાં અત્યાર સુધી વધુને વધુ ક્સ્ટમર્સને પોતાની તરફ ખેંચવા માટે, વધુ ને વધુ સસ્તા પ્લાનનો જંગ ચાલી રહ્યો હતો. હવે આ યુદ્ધ નવા મોરચે ખેલાઈ રહ્યું છે.
હવે આખી વાત ‘વીઓએલટીઇ’ના મોરચે પહોંચી છે, જે વધુ ઝડપી, વધુ સારી, વધુ વ્યાપક ડેટા કનેક્ટિવિટી તથા અવાજની વધુ સ્પષ્ટતા આપી શકે છે. ભારતમાં રિલાયન્સ જિઓ કંપનીએ ઘણી બધી રીતે મોબાઇલ માર્કેટ ઉપરતળે કરી દીધું, તેનું એક હથિયાર આ વીઓએલટીઇ ટેકનોલોજી પણ છે.
જો તમે જિઓ નેટવર્ક પર હો તો તમને વીઓએલટીઇ ટેકનોલોજીનો લાભ મળી જ રહ્યો છે. તેના ઉપરાંત હવે એરટેલ, વોડાફોન, આઇડિયા વગેરે અન્ય કંપની પણ આ ટેકનોલોજી તરફ વળી રહી છે અને ધીમે ધીમે ભારતમાં તેનો પ્રસાર વધારી રહી છે.
જો તમારો ફોન ફોરજી અને વીઓએલટીઇ ટેકનોલોજી સપોર્ટ કરતો હોય ને તમારા વિસ્તારમાં તમારી કંપની આવું પ્રકારનું નેટવર્ક ધરાવતી હોય તો તમારા ફોનમાં મોબાઇલ નેટવર્કની નિશાની સાથે ‘વીઓએલટીઇ’ દેખાતું હશે.

વીઓએલટીઇ છે શું?
વીઓએલટીઈ ટેકનોલોજીનું આખું નામ છે વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન. આ ટેકનોલોજીની ટેકનિકલ વિગતોને બાજુએ રાખીએ તો સાવ સાદા શબ્દોમાં એવું કહી શકાય કે તેની મદદથી સ્માર્ટફોનમાં વોઇસ કોલિંગ પણ ઇન્ટરનેટ ડેટા નેટવર્કની મદદથી થઈ શકે છે.
આપણે ત્યાં ટેલિકમ્યુનિકેશન કંપનીઓએ થોડા સમય પહેલાં થ્રીજી નેટવર્ક અને પછી ફોરજી નેટવર્કના ગુણગાન ગાઇને માત્ર ડેટાની સ્પીડના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આપણા મનમાં પણ એવું જ ઠસાવ્યું હતું કે થ્રીજી કે ફોરજી એટલે કે સૌથી ઝડપી નેટવર્ક. વાત સાચી, પણ માત્ર ડેટા માટે.
હકીકતમાં ફોરજી વાયરલેસ નેટવર્ક પણ માત્ર એલટીઇ એટલે કે લોંગ ટર્મ ઇવોલ્યુશન તરીકે ઓળખાતી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તે માત્ર ડેટાની આપલે માટેની નેટવર્કિંગ ટેકનોલોજી છે.
વોઇસની વાત આવે ત્યારે આપણો ફોન અને ફોન કંપનીનું નેટવર્ક જૂના પૂરાણા ટુજી કે થ્રીજી નેટવર્ક પર બધો મદાર રાખે છે. અન્ય શબ્દોમાં કહીએ તો આપણા ફોનમાં ફોરજી કનેકશન હોય તો તેનો લાભ માત્ર ડેટાની આપલે માટે મળે છે, વોઇસ કોલિંગ માટે નહીં.

મતલબ કે જ્યારે આપણે એલટીઇ ટેકનોલોજીવાળા ફોનમાં કોલ પર વાતચીત કરી રહ્યા હોઇએ ત્યારે ફોરજી ડેટા સર્વિસિઝ એક્સેસ થઇ શકતી નથી. આને પરિણામે ફોનમાં ધીમી ઇન્ટરનેટ સ્પીડ અને અવાજની નબળી સ્પષ્ટતા જેવી તકલીફો સર્જાય છે. આ ટેકનોલોજીમાં ફોનની સિસ્ટમે વારંવાર ટુજી, થ્રીજી અને ફોરજી કનેક્ટિવિટી વચ્ચે સ્વિચિંગ કરવું પડતું હોવાથી ફોનની બેટરી પણ ઝડપથી ઊતરે છે.
તેને બદલે નવી (આપણે માટે નવી!) વીઓએલટીઇ ટેકનોલોજીમાં વોઇસ કોલ્સ પણ ઇન્ટરનેટ ડેટાનાં ‘પડીકાં’ની જેમ પેકેજ્ડ ફોર્મમાં નેટવર્ક પર ગતિ કરી શકે છે. મતલબ કે ફોનમાં આપણી વાતચીત ચાલુ હોય ત્યારે પણ ફોનમાં ફોરજી ડેટા કનેક્ટિવિટી ચાલુ રહી શકે છે.
વીઓએલટીઇને કારણે ટેલિકમ્યુનિકેશન કંપની આપણને રીચ કમ્યુનિકેશન સર્વિસિઝ (આરસીએસ)નો લાભ પણ આપી શકે છે, જે આપણને વીડિયો કોલિંગ, ફાઇલ ટ્રાન્સફર, રઇલ ટાઇમ લેંગ્વેજ ટ્રાન્સલેશન અને વોઇસ મેઇલ સર્વિસિઝમાં પણ મદદરૂપ થાય છે.
એલટીઇની સરખામણીમાં વીઓએલટીઇ ટેકનોલોજી બધી રીતે ચઢિયાતી છે પરંતુ ભારતમાં તેનો વ્યાપ હજી ઘણો મર્યાદિત છે.
ટેલિકમ્યુનિકેશન કંપનીઝ માટે આ પ્રકારનું નેટવર્ક ઊભું કરવું ખર્ચાળ હોવાથી તેનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. બીજી તરફ એ પણ હકીકત છે કે એક વાર આવું નેટવર્ક ઊભું થઈ ગયા પછી તેની મદદથી કંપની ઓછા ખર્ચે ફોરજી સર્વિસ આપી શકે છે. એટલે આપણી સાથોસાથ કંપની માટે પણ આ લાભનો સોદો છે. આ જ કારણે રિલાયન્સ જિઓ લાંબા સમય સુધી પોતાના તમામ સબસ્ક્રાઇબર્સને બિલકુલ મફતમાં વોઇસ કોલિંગની સગવડ આપી શકી હતી.
મને વીઓએલટીઇનો લાભ મળી શકે?
તમને વીઓએલટીઇનો લાભ મળી શકે તેમ હશે તો તમારી મોબાઇલ કંપની આપોઆપ તમારા કનેકશનને વીઓલએટીઈમાં ફેરવી નાખશે. તમને તેની માહિતી આપતો એક એસએમએસ કંપની તરફથી મળી જશે અને આગળ કહ્યું તેમ સ્માર્ટફોનના મથાળે કનેક્ટિવિટીના આઇકનની બાજુમાં વીઓલએટીઈ લખેલું જોવા મળશે.
જો અત્યારે તમને તેનો લાભ ન મળતો હોય તો તમને લાભ મળી શકે છે કે કેમ એ પણ તમે તપાસી શકો છો. એ માટે તમારે તમારી મોબાઇલ કંપનીની વેબસાઇટ પર જઇને સૌથી પહેલાં તો એ તપાસવું પડશે કે તમારો મોબાઇલ આ ટેકનોલોજી માટે કમ્પેટિબલ છે કે નહીં (ફોનના કનેક્ટિવિટી સ્પેશિફિકેશન સર્ચ કરીને પણ તમે આ તપાસી શકો છો). એ પછી તમારા વિસ્તારમાં તમારી કંપની આ પ્રકારનું કવરેજ ધરાવે છે કે નહીં એ તપાસવાનું રહેશે.
એક વાત નક્કી છે કે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે આવનારાં વર્ષોમાં વીઓએલટીઇનો દબદબો રહેવાનો છે. આ ટેકનોલોજીના પ્રતાપે થોડા સમયમાં બધી ટેલિકોમ કંપની આપણે માટે વોઇસ કોલિંગ તદ્દન મફત કરી નાખે એવું પણ બની શકે છે (જેની શરૂઆત થઈ જ ચૂકી છે). એટલે હવે તમે નવો સ્માર્ટફોન ખરીદો ત્યારે એ વીઓએલટીઇ કમ્પેટિબલ છે કે નહીં એ તપાસવાનું ભૂલશો નહીં.
ક્વિક નોટ્સ
વીઓએલટીઇ વિશે જાણવા જેવું
- આ ટેક્નોલોજી મોબાઇલ ફોન્સ ઉપરાંત ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ અન્ય ડિવાઇસીઝ (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) અને વેરેબલ્સ માટે પણ ઉપયોગી છે
- તેના ઉપયોગની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૨માં, અમેરિકામાં થઈ
- આ પ્રકારનું નેટવર્ક ટુજી નેટવર્ક કરતાં છ ગણી ક્ષમતાએ ડેટા અને વોઇસનું વહન કરી શકે છે
- આ નેટવર્ક પર અવાજની સ્પષ્ટતા અત્યંત સારી મળે છે, પરંતુ બંને છેડાના ફોન આ નેટવર્ક પર હોય તો જ
- ૨૦૧૬માં રિલાયન્સ જિઓએ ભારતના પહેલા અને ફોરજી-ઓન્લી નેટવર્ક તરીકે વીઓએલટીઇ સર્વિસ શરૂ કરી
- અત્યારે ભારતમાં એરટેલ, વોડાફોન-આઇડિયા, બીએસએનએલ વગેરે વીઓએલટીઇ સર્વિસ આપે છે
- તમને તેનો લાભ મળી શકે તેમ છે કે નહીં તે જાણવા, જે તે કંપનીની વેબસાઇટની મુલાકાત લો
- દરેક કંપની એક નિશ્ચિત નંબર પર એસએમએસ કરીને આ જાણવાની સુવિધા પણ આપે છે

