(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તપાસો વસતી વિસ્ફોટ, જરા જુદી રીતે

પૃથ્વી પર માનવવસતિ સાત અબજના આંકને પાર કરી ગઈ છે. આપણે કેટલીક વેબસાઇટ પર બહુ મજાની રીતે, આ મહાઆંકડા સાથેનો આપણો વ્યક્તિગત સંબંધ તપાસી શકીએ છીએ.

આગળ શું વાંચશો?

  • પૃથ્વી પર તમારો નંબર કેટલામો?
  • વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન-લાઈવ
  • સાત અબજ લોકો એક પેજ પર

પાંચ કરોડ ગુજરાતીઓ આ શબ્દ પ્રયોગ આપણે વારંવાર સાંભળ્યો છે, એ પછી ‘છ કરોડ ગુજરાતીઓ’ પ્રચલિત થયું અને થોડા સમયમાં કદાચ ‘સવા અબજ ભારતીયો’ પણ સાંભળવાનું થશે, પણ ઘરઆંગણની આ વાતમાં આખા વિશ્વમાં આપણે છ અબજમાંથી સાત અબજ લોકો થઈ ગયા છીએ એ વાત જરા ધ્યાન બહાર રહી જાય છે.

સાત અબજનો આંકડો તો આપણે ૨૦૧૧ના વર્ષમાં પાર કરી ગયા. ચોક્કસ તારીખ જાણવી છે? ૨૦૧૧માં ઓક્ટોબરની ૩૧મી તારીખે, ગ્રીનવીચ મીન ટાઇમ (જીએમટી) અનુસાર ૫ કલાક, ૪૯ મિનિટ અને ૧૬મી સેકન્ડે આ ધરતી પર સાત અબજમી વ્યક્તિનું અવતરણ થયું! ક્લિન બોલ્ડ થયા? ગૂગલી હવે આવે છે – આ પૃથ્વી પર તમે જનમ્યા ત્યારે તમારો નંબર કેટલામો હતો, એ જાણવું છે? એ પણ શક્ય છે!

વિશ્વની વસતીના સંદર્ભમાં, ઇન્ટરનેટ પરનાં બે-ત્રણ મજાનાં ઇન્ટરએક્ટિવ વેબપેજની માહિતી અહીં જાણી લો…

પૃથ્વી પર તમારો નંબર કેટલામો?

બીબીસી ન્યૂઝ વર્લ્ડની સાઇટ પર બનાવવામાં આવેલું એક ખાસ ઇન્ટરએક્ટિવ પેજ કહે છે કે પૃથ્વી પર વસતી શરુઆતમાં બહુ ધીમી ગતિએ વધી, પણ છેલ્લાં ૫૦ વર્ષમાં એ બમણા કરતાં વધી ગઈ છે (વસતી વિસ્ફોટ શબ્દ અમથો નથી વપરાતો). http://www.bbc.co.uk/news/world-15391515આ પેજ પર જાઓ (અથવા the world at seven billion સર્ચ કરી લો).

આ પેજ પર તમારી જન્મતારીખ જણાવશો એટલે, તમારા જન્મ સમયે પૃથ્વી પર જીવંત વ્યક્તિઓ અને અત્યાર સુધીના તમામ માનવોમાં તમારો કુલ ક્રમ જાણવા મળશે. આ ગણતરી કઈ રીતે થઈ તે પણ જાણી શકશો. ત્યાંથી આગળ વધીને તમારો દેશ જણાવશો એટલે ભારતમાં વસતિને લગતી માહિતી જાણવા મળશે (નકશામાં કાશ્મીરનો ‘ઇન્ડિયન કન્ટ્રોલ્ડ કાશ્મીર’ તરીકે ઉલ્લેખ તમને ચોક્કસ ગુસ્સે કરશે).

આગળ વધતાં ભારતમાં સ્ત્રી અને પુરુષની જીવન સંભાવના જાણી શકશો, અને છેવટે આ બધાં પરિણામ એક સાથે જાણવા મળશે. છેલ્લે તમને એ પણ જાણવા મળશે કે તમે આ સાઇટ પર બધા આંકડા તપાસ્યા એટલી વારમાં વસતિમાં ૫૮૫ (કે બીજો કોઈ, ચોક્કસ આંકડો) લોકોનો ઉમેરો થઈ ગયો છે.
વસતીવધારાના મુદ્દાને સરળ રીતે સમજવા માટે જોવા જેવું વેબપેજ છે.

વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન – લાઇવ!

બરાબર આ ક્ષણે વિશ્વની વસતી કેટલી છે? આ વર્ષમાં અને આજના દિવસે જન્મ અને મૃત્યુની સંખ્યા કેટલી? આ વર્ષ કુલ કેટલી કાર કે સાયકલનું ઉત્પાદન થયું? કેટલાં કમ્પ્યુટર્સ વેચાયાં? કેટલાં નવાં પુસ્તકો પ્રકાશિત થયાં? આજના દિવસે કેટલાં અખબારોનું વિતરણ થયું? કેટલા ઇમેઇલ મોકલાયા, ગૂગલ પર કેટલી વાર સર્ચ કરવામાં આવ્યું? આવા કેટકેટલાય આંકડા, આપણે વેબપેજ પર જોતા હોઈએ એ સમયે બદલાતા જાય એ રીતે, સતત અપડેટ થતા આંકડા તમે જોઈ શકો છો આ સાઇટ પર : http://www.worldometers.info/. અહીં નકરી આંકડાની ફેકંફેકી નથી. દરેક માહિતી માટે, તેને લગતા આંકડા ક્યાંથી મેળવવામાં આવ્યા છે તે સ્રોત અને તેની લિંક જાણી શકાય છે. આ સાઇટને અમેરિકન લાઇબ્રેરી એસોસિએશને બેસ્ટ ફ્રી રેફરન્સ વેબસાઇટ્સમાંની એક તરીકે પસંદ કરી છે. બીબીસી ન્યૂઝ, વાયર્ડ મેગેઝિન, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ વગેરે પણ પોતાના ક્ધટેન્ટ પ્રોવાઇડર તરીકે પસંદ કરી છે.

સાત અબજ લોકો એક પેજ પર!

માની શકાય છે? વર્લ્ડોમીટર્સ સાઇટના સર્જકોએ જ નામે એક સાઇટ લોન્ચ કરી છે, જેમાં એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ વગેરેમાં રહેતી દરેક વ્યક્તિને એક નાનકડા માનવચિત્ર તરીકે રજૂ કરીને, એક જ વેબપેજ પર આવાં ૭ અબજ માનવચિત્રો મૂક્યાં છે! સાઇટ પર જણાવ્યા અનુસાર, આ એક જ પેજ અંદાજે ૧.૬ કિલોમીટર ઊંચું અને ૮૦૦ ફૂટ પહોળું છે અને આખા ઇન્ટરનેટ પરનું આ કદાચ સૌથી વિશાળ વેબપેજ છે. પેજની નીચે અને જમણી તરફના સ્ક્રોલ બાર તપાસતાં ખ્યાલ આવશે કે પેજ વાસ્તવમાં સખ્ખત મોટું છે. તેની એક હરોળમાં પૂરા ૪૦,૦૦૦ માનવચિત્રો મૂકેલાં છે. જો પેજ ખરેખર આટલું મોટું હોય તો આપણે સ્ક્રીન પર એને સહેલાઇથી જોઈ કઈ રીતે શકીએ? પેજ લોડ થતાં કેટલી વાર લાગે, બ્રાઉઝર ક્રેશ કેમ ન થાય? વગેરે સવાલોના જવાબ આપતાં, સાઇટ પર લખ્યું છે કે આખું પેજ ફક્ત ૧૩ કેબીના એક કોડથી તૈયાર કરવામાં આવ્યું છે અને પેજ પરનાં બધાં માનવચિત્રો વાસ્તવમાં એક જ ચિત્ર રીપ્રોડ્યુસ થતું હોવાથી પેજ લોડ થતાં વાર લાગતી નથી. સાઇટનો દાવો છે કે જો કોઈ વ્યક્તિ પેજ પર મૂકેલા દરેક માણસને ગણવા બેસે અને દર સેકંડે બે માણસ ગણી કાઢે તોય સાત અબજ માણસ ગણતાં તેને ૧૧૦ વર્ષ લાગે. હા, તમે પેજ સ્ક્રોલ કરીને જુદા જુદા માનવચિત્ર પર માઉસ લઈ જઈ તેનો ક્રમ જાણી શકો છો. ઇન્ટરનેટ પર, ઐસા ભી હોતા હૈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!