(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેબલેટ કે સ્માર્ટફોનની મીઠી મૂંઝવણ છે?

બજારમાં દરેકના બજેટમાં સમાય એવાં ટેબલેટ અને સ્માર્ટફોનના એટલા બધા વિકલ્પો આવી પડ્યા છે કે તેમાંથી પસંદગી એક અઘરો નિર્ણય બની જાય. આ લેખ તમારી મૂંઝવણ આસાન બનાવશે.

આગળ શું વાંચશો?

  • ક્નેક્ટિવિટી
  • સ્કીન સાઈઝ અને રેઝોલ્યુશન
  • ટચસ્ક્રીન
  • મેમરી કેપેસિટી
  • બેટરી
  • એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ
  • સ્માર્ટફોન કે ટેબલેટની સરખામણી કેવી રીતે કરશો?

સ્માર્ટફોન, ટેબલેટ કે પછી ફેબલેટ? કે નેટબુક જ ઠીક રહેશે? આજના સમયમાં મિત્રો અને કામકાજ માટે સતત ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહેવાનું તમને અનિવાર્ય લાગે છે, પણ એ માટે કઈ મોબાઈલ ડિવાઇસ પર કળશ ઢોળવો તે નિર્ણય બહુ મુશ્કેલ બની રહ્યો છે? બજારમાં એટલા બધા સ્માર્ટફોન અને ટેબલેટ આવી ગયાં છે અને કિંમત એટલી ઝડપથી નીચી આવી રહી છે કે સ્વાભાવિક રીતે મન લલચાઈ જાય અને ગૂંચવાઈ પણ જાય. આપણે નિર્ણય થોડો સહેલો બનાવવાની કોશિશ કરીએ.

સૌથી પહેલાં તો, કિંમતના આધારે નહીં પણ તમારી જરૂરિયાતના આધારે કયું સાધન લેવું ઠીક રહેશે તે નક્કી કરો. એકાદ વર્ષ પહેલાં સુધી, કોઈ પણ સરેરાશ વ્યક્તિની ડિજિટલ લાઇફની રીતે જોઈએ તો સંપર્કમાં રહેવા માટે ફોન કે સ્માર્ટફોન, ઘર કે ઓફિસથી દૂર હોઈએ ત્યારે કામ કરવા માટે લેપટોપ કે નેટબુક અને ઓફિસ/ઘરમાં કામકાજ માટે ડેસ્કટોપ પીસી – આટલું પૂરતું હતું. તેમાં હવે એક નવો વિકલ્પ ઉમેરાયો છે ટેબલેટ.

સરેરાશ જરૂરિયાતની વાત કરીએ તો સૌની સાથે વાતચીતથી કે સોશિયલ મીડિયા પર સંપર્કમાં રહેવા માટે અને સાથોસાથ બિઝનેસ માટે મેઇલ્સ ચેક કરવા કે ફટાફટ રીપ્લાય કરવા પૂરતી જરુરિયાત હોય તો તમારે માટે કોઈ પણ સારો એન્ડ્રોઇડ બજેટ સ્માર્ટફોન પૂરતો છે.

ટેબલેટની જરુર ત્યારે ઊભી થાય જ્યારે તમે પીસીથી દૂર હો એવા સમયમાં થોડું સીરિયસ નેટસર્ફિંગ કે નેટરીડિંગ કરી લેવા માગતા હો (ગેમ કરવા કે વીડિયો જોવા માટે પણ ટેબલેટ કામ લાગે, પણ ખરેખર એ આપણી જરૂર હોતી નથી!)

ટેબલેટ અને સ્માર્ટફોનમાં સ્ક્રીનના કદમાં તફાવત સિવાય લગભગ કોઈ ફેર હોતો નથી. મોટા ભાગનાં ટેબલેટમાં અડધોઅડધ સ્ક્રીન સ્પેસ રોકી લેતાં ટચ-સ્ક્રીન પરનાં કીબોર્ડ હોય છે અને એ જ બતાવે છે કે ટેબલેટ ઇન્ટરનેટ ‘કન્ઝ્યુમ’ કરવા માટે છે, કશું ‘પ્રોડક્શન’ કરવા માટે નહીં. મતલબ કે મોટા સ્ક્રીનને કારણે સ્માર્ટફોન કરતાં ટેબલેટ પર નેટસર્ફિંગ કે રીડિંગ કરવામાં વધુ સરળતા રહે છે, પણ પીસી કે લેપટોપ પર આપણે જેટલી સહેલાઈથી લાંબાં ડોક્યુમેન્ટ બનાવી શકીએ કે એક્સેલ સ્પ્રીડશીટમાં કામ કરી શકીએ એવી અપેક્ષા ટેબલેટ પાસેથી રાખી શકાય નહીં.

ટૂંકમાં તમે નેટ સાથે સતત કનેક્ટેડ રહેવા માગતા હો તો બે-ત્રણ વિકલ્પ રહે છે, ઓછી જરુરિયાત હોય તો સરેરાશ સ્ક્રીન-સાઇઝવાળા સ્માર્ટફોનથી કામ ચલાવો, અથવા પાંચેક ઇંચનો સ્ક્રીન ધરાવતો સ્માર્ટફોન ખરીદો (જે હવે ફેબલેટ (ફોન વત્તા ટેબલેટ) તરીકે પણ ઓળખાય છે) અથવા પછી ટેબલેટ ખરીદો. ટેબલેટના વિકલ્પમાં વળી બે શક્યતા છે, તમે ફક્ત નેટસર્ફિંગ થઈ શકે એવું – કોલિંગ ફેસિલિટી વિનાનું ટેબલેટ ખરીદો, અથવા તમે સીમ કાર્ડવાળું ટેબલેટ ખરીદો, જેથી ટેબલેટ અને ફોન બંનેનું કામ એકથી જ ચલાવી શકાય, પણ સાત ઇંચનું ટેબલેટ કાને ધરીને વાત કરવી એ જરા અગવડભર્યું બને, તમારે સતત બ્લુટૂથ હેન્ડ્સફ્રીના ઉપયોગની ટેવ પાડવી પડે. પાંચ-સાત ઇંચનું સાધન ખિસ્સાવગું નહીં રહે, મોર્નિંગ વોક કરતી વખતે કે દૂધ-શાક લેવા જતી વખતે એને અલગથી સંભાળવું પડશે એ પણ ધ્યાને રાખશો!

જરૂરિયાત પછી મહત્ત્વનો મુદ્દો બજેટનો છે – સ્માર્ટફોન હોય કે ટેબલેટ, ગોળ નાખીએ એટલું ગળ્યું થાય એ તો સ્વાભાવિક છે. ટેબલેટ અને સ્માર્ટફોનમાં એપલનાં આઇપેડ કે આઇફોન, વિન્ડોઝ ફોન, બ્લેકબેરી કે એન્ડ્રોઇડ જેવા અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સની જુદી જુદી ઇકોસિસ્ટમ ધરાવતાં સાધનોના વિકલ્પ છે. પણ ઓછા ગોળે વધુ ગળપણ મેળવવું હોય તો એન્ડ્રોઇડ સૌથી લોકપ્રિય છે. એન્ડ્રોઇડમાં હવે સાથેના રૂા. ૧૫,૦૦૦થી ઓછા બજેટમાં પણ સારાં ટેબલેટ (સ્ક્રીન સાઇઝ સાત ઇંચ), રૂા. ૧૦,૦૦૦થી ઓછા બજેટમાં સારા ફેબલેટ (સ્ક્રીન સાઇઝ પાંચ ઈંચ) અને રૂા. ૬૦૦૦ની આસપાસમાં સારા સ્માર્ટફોન (સ્ક્રીન સાઇઝ સાડા-ત્રણ ઈંચ) મળી રહે છે.

તો આટલી સ્પષ્ટતા પછી, સ્માર્ટફોન, ફેબલેટ કે ટેબલેટ ખરીદવાનું નક્કી જ હોય તો કઈ કઈ ટેકનિકલ બાબતો ખાસ તપાસવી જરૂરી છે, એની વાત કરી લઈએ.

કનેક્ટિવિટી

આગળ કહ્યું તેમ, તમારી જરૂર શું છે તે નક્કી કરો. સ્માર્ટફોનમાં ૩જી સીમકાર્ડ અને વાઇફાઇથી સતત કનેક્ટેડ રહી શકશો, પણ બજેટ ટેબલેટમાં માત્ર ટુજી કે વાઇફાઇ કનેક્ટિવિટી મળવાની શક્યતા વધુ છે. ૩જીવાળા વિકલ્પ ઓછા છે. તમારા ઘરમાં વાઇ-ફાઇની સગવડવાળું રાઉટર હોય અને તેની મદદથી તમે પીસી ઉપરાંત લેપટોપમાં વાયરલેસ કનેક્ટિવિટી મેળવતા હો તો ઘરમાં ટેબલેટ પણ વાઇફાઈ પર ચાલશે. ટુજી કાર્ડ પર સારી સ્પીડ નહીં મળે અને ટેબલેટમાં ૩જી નેટ કનેક્શનનું એકસ્ટ્રા ડોંગલ લગાવવાની સગવડ હોય તો જ ટેબલેટ ખરીદીનો મૂળ હેતુ – થોડી ફુરસદમાં ફટાફટ નેટસર્ફિંગ કરી લેવાનો હેતુ – પાર પડશે.


સ્ક્રીન સાઇઝ અને રેઝોલ્યુશન

સ્ક્રીન સાઇઝ તો તમે તમારી જરૂરિયાત અનુસાર નક્કી કરી શકશો, પણ એક જ સ્ક્રીનસાઇઝમાં સ્ક્રીન રેઝોલ્યુશન અલગ અલગ હોઈ શકે છે. સ્માર્ટફોનમાં ૨૪૦ x ૩૨૦ જેવા સરેરાશ રેઝોલ્યુશનથી માંડીને બજેટ ટેબલેટમાં ૬૦૦ x ૧૦૨૪ કે તેથી વધુનું રેઝોલ્યુશન મળી શકે છે. સ્ક્રીનના સ્પષ્ટ ડિસ્પ્લેનો આધાર વધુ સારા રેઝોલ્યુશન પર છે. ટેબલેટ ખરીદતા હો તો ડિસ્પ્લેની બ્રાઇટનેસ વ્યૂઇંગ એંગલ કેવોક છે એ પણ ખાસ જોવું. સસ્તાં ટેબલેટમાં સ્ક્રીન સહેજ ત્રાંસો રહે તોય જોવા-વાંચવામાં તકલીફ પડે એવું બની શકે છે. સૂર્યપ્રકાશમાં સ્ક્રીન જોવો સરળ રહે છે કે કેમ તે ખાસ તપાસો.

ટચ સ્ક્રીન

ટચ સ્ક્રીન બે પ્રકારના હોય છે, કેપેસિટીવ ટચ સ્ક્રીન અને રેઝિસ્ટિવ ટચ સ્ક્રીન. બંનેની આગવી ખૂબી છે, પણ એન્ડ્રોઇડમાં ઘણી ખરી બ્રાન્ડમાં હવે કેપેસિટીવ ટચ સ્ક્રીન હોય છે. કેપેસિટીવ ટેક્નોલોજી આપણા ટેરવાંના તદ્દન હળવા સ્પર્શથી મળતી વિદ્યુતઊર્જા પારખીને આગળ સંદેશા મોકલે છે. સ્માર્ટફોન કે ટેબલેટ ખરીદતી વખતે તેનો ટચ સ્ક્રીન કેટલા હળવા સ્પર્શથી ચાલે છે તેનો જાતઅનુભવ મેળવી લેવો હિતાવહ છે.

મેમરી કેપેસિટી

સ્માર્ટ ફોન કે ટેબલેટમાં બે પ્રકારની મેમરી હોય છે, ઇન્ટરનલ મેમરી અને એસડીકાર્ડની એક્સટર્નલ મેમરી. હવે મોટા ભાગનાં ટેબલેટમાં ઓછામાં ઓછી ૪થી ૮ જીબીની અને સ્માર્ટફોનમાં ૨થી ૪ જીબીની ઇન્ટર્નલ મેમરી હોય છે. જીમેઇલ, મેપ્સ, કે ઓનલાઇન મેગેઝિન જેવી રીડિંગ ફેસિલિટી આપતી ઘણી એપ્સ ફક્ત ઇન્ટર્નલ સ્ટોરેજમાં ઇન્સ્ટોલ થાય છે, એ ધ્યાને લેતાં ઇન્ટર્નલ મેમરી બહુ મહત્ત્વનું પરિબળ છે.

પ્રોસેસર અને રેમ કેપેસિટી

પીસીની જેમ મોબાઇલ ડિવાઇસનું હૃદય છે તેનું પ્રોસેસર અને રેમ કેપેસિટી. સ્માર્ટફોનમાં ૧ ગીગાહર્ટ્ઝનાં પ્રોસેરસ હવે સામન્ય થઈ ગયાં છે, જ્યારે ટેબલેટમાં એથી આગળ વધીને ડ્યુઅલ કોર કે ક્વાડ કોર પ્રોસેસર મળે તો ઉત્તમ. રેમમાં, સ્માર્ટફોન માટે કદાચ ૫૧૨ એમબીની રેમથી કામ ચાલી જાય, પણ ટેબલેટ માટે ઓછામાં ઓછઈ ૧ જીબી રેમ જોઈશે. ટેબલેટમાં ડીડીઆર-૨ કરતાં ડીડીઆર-૩ વધુ સારી ટેક્નોલોજી છે.

બેટરી

સ્માર્ટફોન કે ટેબલેટની બેટરી કેટલું ચાલશે તેનો આધાર આપણા વપરાશ અને પ્રોસેસર, સ્ક્રીન સાઇઝ વગેરે પર રહે છે. મોબાઇલ ડિવાઇસની બેટરીની ક્ષમતા સામાન્ય રીતે એમએએચ – મીલીએમ્પિયર અવરમાં મપાય છે. જેમ વધુ એએએચ તેમ બેટરીની ક્ષમતા વધુ.

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ

હવે મોટા ભાગનાં મોબાઇલ ડિવાઇસીઝ એન્ડ્રોઇડ ૪.૦ આઇસ ક્રીમ સેન્ડવીચ વર્ઝન સાથે મળે છે. કેટલાંકમાં ૪.૧ અને ૪.૨ જેલીબીન વર્ઝન પણ મળે છે. પ્લે સ્ટોરની ઘણી એપ એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનમાં જ ચાલતી હોય છે.
આ બધા ઉપરાંત, ફ્રન્ટ અને રીયર કેમેરા, વજન, જાડાઈ, દેખાવ, ટીવી આઉટપૂટ અને તે ઉપરાંત, એ જ સાધન ખરીદનારા મિત્રોનો અનુભવ વગેરે બાબતો પણ મહત્ત્વની છે!

સ્માર્ટફોન કે ટેબલેટની સરખામણી કેવી રીતે કરશો?

તમે સ્માર્ટફોન અને ટેબલેટ ખરીદવા માગતા હો તો વિવિધ મોડેલ્સ વિશે ઇન્ટરનેટ પર પૂરતો રીસર્ચ કરીને પછી સ્ટોરમાં જઈને જાતઅનુભવ લેવાથી ફાયદો રહેશે. વિવિધ ઓનલાઇન સ્ટોરમાં તમે અનેક મોડેલ્સ સર્ચ કરી શકો છો. ફોનકરી (www.phonecurry.com/) અને ટેબલેટકરી (www.tabletcurry.com) નામની બે સાઇટ આ કામ સહેલું બનાવે છે. અહીં તમે બજેટ અને સુવિધા અનુસાર મોડેલ સર્ચ કરી શકો છો તેમ જ અલગ અલગ મોડેલએકબીજા સાથે સરખાવી શકાશે, તેનાં ટેકનિકલ સ્પેસિફિકેશન્સ તપાસી શકાશે, કંપનીની ઓફિશિયલ સાઇટની લિંક મળશે અને વિવિધ સાઇટ પર જે તે મોડેલના રીવ્યૂ પણ વાંચી શકાશે. એટલું જ નહીં, તમે બનાવેલું કમ્પેરિઝન ટેબલ તમે ફેસબુક પર મિત્રો સાથે શેર કરીને તેમનો અભિપ્રાય પણ મેળવી શકો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!