કમ્પ્યુટરનો રોજબરોજ ઠીકઠીક ઉપયોગ કરવા છતાં મોટા ભાગે આપણે ઝડપી ટાઇપિંગ શીખવા પર ખાસ ધ્યાન આપતા નથી. અહીં આપેલી એક વેબસાઇટ તમને આ કામમાં ઘણી ઉપયોગી થઈ શકે છે.
જેમને કમ્પ્યુટર પર થોડું ઘણું પણ કામ કરવાનું રહે છે એવા મોટા ભાગના લોકો, કમ્પ્યુટર પરની સફરના પહેલા કદમ જેવા ટાઇપિંગ તરફ લગભગ ધ્યાન આપતા નથી. પરિણામે લાંબા સમય સુધી કાં તો બંને હાથની એક-એક આંગળીથી ટાઇપ કરતા રહે છે, અથવા બધો સમય કી-બોર્ડ પર નજર ખોડી રાખીને, જુદી જુદી કી શોધીને તેમણે કામ કરવું પડે છે, આમાં યંગસ્ટર્સ પણ બાકાત નથી.
આમાંથી બહાર નીકળવું હોય, તમારા વિચારોની ઝડપે ટાઇપ કરવું હોય તો તમારે ટચ ટાઇપિંગ શીખવું પડે. ટચ ટાઇપિંગ એટલે કી-બોર્ડ પર નજર રાખવાની બિલકુલ જરૂર વિના, ફક્ત સ્પર્શના અનુભવથી ટાઇપિંગ કરવાની કળા. આ કળા જો આત્મસાત થઈ જાય તો તમે કાગળ-પેન કરતાં પણ વધુ ઝડપથી કમ્પ્યુટર પર ટાઇપ કરી શકો અને ટાઇપિંગ પછીનું કામ પણ ઝડપી બની શકે.
વાત કી-બોર્ડ પર નજર રાખ્યા વિના ટાઇપિંગ કરતાં શીખવાની છે, પણ એ માટે પહેલાં કી-બોર્ડ પર જરા વધુ ધ્યાનથી નજર નાખવી પડશે! કી-બોર્ડમાં આમ સાવ આડાઅવળા અક્ષરોની ગોઠવણી કેમ કરી હશે એવું સાદું કૂતુહલ પણ આપણને લગભગ ક્યારેય થતું નથી (જે સવાલ પહેલી વાર કી-બોર્ડ જોતા બાળકને અચૂક થતો હશે!), આપણે તો યંત્રવત, ફાવે તેમ ટાઇપિંગ કરી લઈએ છીએ. હકીકતમાં અત્યારનું ક્વર્ટી -qwerty તરીકે ઓળખાતું કી-બોર્ડ (અક્ષરોની પહેલી હરોળના અક્ષરો પરથી આ નામ પડ્યું) ૧૯મી સદીમાં ટાઇપરાઇટર સાથે વિકસ્યું (તેની શોધ વિશે વિવાદ છે, કેટલાક માને છે કે ટાઇપરાઇટર જામ ન થઈ જાય એટલે આવી ગોઠવણી થઈ, તો નવાં સંશોધનો કહે છે કે ટેલિગ્રાફ ઓપરેટર્સની સલાહ મુજબ આવી ગોઠવણી થઈ હતી).
કી-બોર્ડમાં જુદા જુદા ફેરફાર પણ થયા છે, છતાં અત્યારે સૌથી વધુ ચલણ આ કર્વર્ટી કી-બોર્ડનું જ છે. તેને વૈજ્ઞાનિક ગણીએ કે ન ગણીએ, પરંતુ વૈજ્ઞાનિક ઢબે તેનો ઉપયોગ શીખવાનો પ્રયાસ કરીએ તો પિયાનો કે હાર્મોનિયમ વગાડતા સિદ્ધહસ્તની જેમ આપણે પણ કી-બોર્ડના કલાકાર ચોક્કસ બની શકીએ!
એ માટે મદદરૂપ થાય એવી એક ફ્રી વેબ અપ્લિકેશન છે – www.keybr.com.
તમે વર્ષો પહેલાં ટાઇપરાઇટર માટેનું ટાઇપિંગ શીખ્યા હશો તો યાદ હશે કે તેમાં ક્લાસવાળા બે-બે કે ત્રણ-ત્રણ અક્ષરના શબ્દ આંગળીઓ કરતાં મગજ વધુ થાકી જાય એટલી વાર ટાઇપ કરાવતા હતા. જ્યારે આ વેબસાઇટ પર, આપણી આવડત અનુસાર સ્માર્ટ અલ્ગોરિધમથી નાનાં નાનાં ટાઇપિંગ લેસન્સ જનરેટ થતાં જાય છે અને આપણે તેની પ્રેક્ટિસ કરવાની રહે છે. એક લેસન પતે એટલે આપણો સ્કોર જાણવા મળે, આપણે મિનિટદીઠ કેટલા શબ્દની ઝડપે ડાઇપ કરી શક્યા, કેટલી ભૂલ કરી, આપણા વિશ્વાસનું સ્તર કેવુંક રહ્યું વગેરે જાણવા મળે.
સાઇટનો દાવો છે અને ઘણે અંશે સાચો પણ છે કે જેનો કંઈ અર્થ નીકળતો ન હોય એવું વારંવાર ટાઇપ કરવાને બદલે, અર્થસભર વાક્યો ટાઇપ કરવાનાં હોય તો આપણને સહેલું લાગે, મજા પડે અને તેમાં વારંવાર જે કી પ્રેસ કરવાની થતી હોય તે યાદ પણ રહેવા લાગે (સાઇટ આપોઆપ જે રેન્ડમ લેસન્સ જનરેટ કરે છે તેમાં આ મુદ્દાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે).
આ સાઇટની સિસ્ટમ આપણે જેમ જેમ ટાઇપ કરતા જઈએ તેમ તેમ આપણને દરેક કી પ્રેસ કરવામાં (એટલે કે શોધવામાં!) કેટલો સમય લાગે છે તેની પણ નોંધ રાખવામાં આવે છે અને તેના આધારે આગળનાં લેસન્સ જનરેટ થાય છે.
આ સાઇટ પર જઈને આપણે સીધું જ કી-બોર્ડ પર ત્રાટકી શકીએ છીએ, પણ તમે તમારી પ્રગતિનો બરાબર ટ્રેક રાખીને આગળ વધવા માગતા હો તો સાઇટ પર ફ્રી એકાઉન્ટ ખોલાવીને વધારાની સગવડના લાભ લઈ શકો છો. સાઇટ પર મલ્ટિપ્લેયર ટાઇપિંગ રેસ કરવાની પણ સગવડ છે!
આપણે મોબાઇલમાં lol કે you are ને બદલે ur જેવું ઝડપથી લખીને ભલે કામ ચલાવી લેતા હોઈએ, પણ વાસ્તવિક જીવનમાં, વ્યાવસાયિક કારકિર્દીમાં એવા શોર્ટકટ ચાલશે નહીં અને એ રેસમાં આગળ રહેવા તેજ ગતિએ વિચારવાની અને એટલી જ તેજ ગતિએ તેને કમ્પોઝ કરવાની શક્તિ કેળવવી જરુરી છે.

