ક્ષણે ક્ષણે આપણી પૃથ્વી પર બધું જ બદલાતું રહે છે અને જાણે-અજાણે આપણે સૌ આ પરિવર્તનને અસંખ્ય ફોટોગ્રાફ્સમાં કેપ્ચર કરીએ છીએ. હવે આ પબ્લિક ફોટોગ્રાફ્સને એકઠા કરવાની રોમાંચક કવાયત શરુ થઈ છે.
અગાઉ પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો એક ફોટોગ્રાફર રોકવામાં આવે અને એ આખા પ્રસંગના ફોટોગ્રાફ્સ લઈને જે આલબમ તૈયાર કરીને આપે, તેમાં આખા પ્રસંગની યાદગીરી સમેટાઈને રહેતી. હવે?
હવે સૌ કોઈ ફોટોગ્રાફર બની શકે છે! હોંશીલા મહેમાનો પોતપોતાના એંગલથી ફોટોગ્રાફી કરે અને પછી વોટ્સએપ કે ફેસબુક કે ઈ-મેઇલ મારફત એ તમામ ફોટોગ્રાફ જેમનો પ્રસંગ હોય એમના સ્માર્ટફોન કે કમ્પ્યુટરમાં ઠલવાય. આ ઢગલો એવો મોટો હોય કે મોટા ભાગે તે જેમનો તેમ રહે, યજમાન તેનું યોગ્ય રીતે સોર્ટિંગ કરવાની તસદી લે નહીં.
હવે આ આખી વાત જરા જુદી રીતે વિચારો.
આ પૃથ્વી પરની આપણી હાજરી પણ કોઈ પ્રસંગમાં ઉપસ્થિતિ જેવી છે. આપણે સૌ – મોટા ભાગના દુનિયાવાસીઓ – પોતપોતાના કેમેરા, સ્માર્ટફોનથી ડિજિટલ ફોટોગ્રાફી કરતા રહીએ છીએ અને પછી એ તમામ ફોટોગ્રાફ, સૌના યજમાન સમાન ગૂગલની પિકાસા કે યાહૂની ફ્લિકર જેવી અફલાતૂન ફોટો શેરિંગ સાઇટ્સ પર ઠાલવતા રહીએ છીએ. આ તમામ ફોટોગ્રાફમાં દુનિયાના વિવિધ ભાગની કોઈ એક ચોક્કસ ક્ષણ કેપ્ચર થતી હોય છે. કોઈક રીતે, આ તમામ ફોટોગ્રાફ્સને અલગ અલગ સ્થળ મુજબ અલગ અલગ તારવીને એક સાથે જોઈ શકાય તો?
બીજી રીતે જોઈએ તો પૃથ્વી દરેક પળે બદલાતી રહે છે. કોઈ શહેરની વાત કરીએ તો એ વર્ષોવર્ષ ચારે દિશામાં વિસ્તરતું જાય છે. કોઈક રીતે, આપણે શહેર પર બાજનજર રાખી શકતા હોઈએ તો ધીમી પણ મક્કમ ગતિએ વિસ્તરતો શહેરનો ફેલાવો આપણે જોઈ શકીએ. એના બદલે, ધારો કે કોઈ ચમત્કારથી આપણે પાંચ-દસ વર્ષના ગાળાને બિલકુલ સંકોચીને, અત્યંત તેજ ગતિએ જોઈ શકીએ તો? તો બે-પાંચ મિનિટમાં શહેરનો દસ વર્ષનો વિકાસ જોઈ શકીએ, હિમાલયની પર્વતમાળામાં ઓગળતી જતી હીમનદીઓ જોઈ શકીએ કે બાળકોને ઝપાટાભેર મોટાં થતાં જોઈ શકીએ!
આટલું વાંચીને, ‘સાયબરસફર’ના જૂના વાચકોને ઝબકારો થઈ જ ગયો હશે કે વાત ટાઇમ-લેપ્સ સિકવન્સીઝ તરફ આગળ વધી રહી છે! ટાઇમ-લેપ્સ વીડિયોઝમાં આપણે કોઈ ફૂલને ઝડપથી ખીલતું જોઈ શકીએ છીએ કે મૂવીઝમાં ઝપાટાભેર સૂર્ય આથમે, શહેર પર અંધારું ઊતરી આવે અને રસ્તા પરનો ટ્રાફિક પ્રકાશના લિસોટાની જેમ આમતેમ ભાગતો હોય એવી સિક્વન્સીઝ પણ ટાઇમ-લેપ્સનો એક પ્રકાર છે.
અત્યાર સુધી આવી સિક્વન્સ ડેવલપ કરવાનો એક જ રસ્તો હતો. ખીલતા ફૂલની વાત કરીએ તો ડાળી પર કળી બેસે ત્યારથી તેની સામે કેમેરો ખોડીને બેસી રહેવાનું અને કળી ખીલીને ફૂલ બને ત્યાં સુધીની આખી પ્રોસેસનો વીડિયો લેવાનો. પછી વીડિયોમાં ફ્રેમ્સ ફરવાની ઝડપ એકદમ વધારી દેવાની. ટાઇમ-લેપ્સમાં ટેક્નોલોજીનો ખાસ ચમત્કાર નથી અને હવે સ્માર્ટફોનમાં પણ એ શક્ય બનવા લાગી છે, પણ એમાં અખૂટ ધીરજ જોઈએ.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન અને ગૂગલના નિષ્ણાતોને લાગ્યું કે પૃથ્વી પરનાં પરિવર્તનોનો અભ્યાસ કરવામાં ટાઇમ-લેપ્સ ઉપયોગી થઈ શકે. એ માટે તેમણે પિકાસા, ફ્લિકર જેવી ફોટોસાઇટ્સ પર લોકોએ મૂકેલા અસંખ્ય ફોટોગ્રાફ્સ ફંફોસવાનું શરુ કર્યું.
ડિજિટલ ફોટોગ્રાફીની મજા એ છે કે તેમાં ઇમેજની ફાઇલમાં ઇમેજ ઉપરાંત પણ ઘણી બધી માહિતીનો સંગ્રહ થાય છે. કઈ કંપનીના, કયા મોડેલના કેમેરાથી ફોટો લેવાયો ત્યાંથી લઈને ફોટોગ્રાફ લેવાની તારીખ અને લોકેશનના અક્ષાંશ-રેખાંશની માહિતી પણ તેમાં હોય છે. નિષ્ણાતોએ ‘એક્ચેન્જેબલ ઇમેજ ફાઇલ ફોર્મેટ (એક્સિફ)’ તરીકે ઓળખાતા આ ઇમેજ ડેટાની મદદથી, જુદાં જુદાં સ્થળોના, જુદા જુદા સમયે લેવાયેલા ફોટોગ્રાફ એકઠા કરવાનું શરુ કર્યું. આ પ્રોજેક્ટને ‘ટાઇમ-લેપ્સ માઇનિંગ’ (ટાઇમ-લેપ્સ માટે ફોટોગ્રાફ્સનું ખોદકામ) નામ આપવામાં આવ્યું.
આખી વાતને આપણે પણ ટાઇમ-લેપ્સની જેમ ટૂંકાવીને જોવી હોય તો એમ કહી શકાય કે આ નિષ્ણાતોએ એક સ્થળના ફોટોગ્રાફ્સ તારવ્યા, તેમને વર્ષ મુજબ ગોઠવ્યા અને પછી એ તમામ ફોટોગ્રાફના સ્લાઇડશો જેવા વીડિયો તૈયાર કર્યા.
આટલી ટૂંકી વાત પાછળ ખરેખર બહુ લાંબી મથામણ છે. પાછલાં દસેક વર્ષની જ વાત કરીએ તો પણ ફોટોસાઇટ્સ પર કરોડો ફોટોગ્રાફ્સ એકઠા થયા છે. નિષ્ણાતોએ અમુક ચોક્કસ પ્રકારના અલ્ગોરિધમ્સ (ગૂગલનાં સર્ચ એન્જિન ઇન્ટરનેટ પરની સાઇટ્સ ફંફોસવા જે પ્રોગ્રામ્સનો ઉપયોગ કરે છે, લગભગ એ પ્રકારના પ્રોગ્રામ) વિક્સાવ્યા. જેની મદદથી, સૌથી પહેલાં ઇન્ટરનેટ પર પબ્લિકલી અવેલેબલ ફોટોઝમાંથી સાડા આઠ કરોડ જેટલા ફોટોગ્રાફ્સનો ડેટાબેઝ તૈયાર કરાયો. તેમાંથી ૧,૨૦,૦૦૦ જેટલા સ્થળના ફોટોઝ તારવવામાં આવ્યા. તેમાંથી ૧૦,૭૨૮ સ્થળો માટે ૩૦૦થી વધુ ફોટોગ્રાફ્સ હતા. તેમાંથી, એક હજારથી વધુ ઇમેજ હોય તેવાં સ્થળ પસંદ કરવામાં આવ્યાં.
કમ્પ્યુટરના પ્રોગ્રામ્સને આ એક હજાર ફોટોગ્રાફ્સ સૂંઘાડવામાં આવે, એટલે તે તેમાંથી એક જ એંગલ ધરાવતા ફોટોગ્રાફ અલગ તારવે. એમાંય પાછા ઘણા પડકાર હોય. વચ્ચે માણસ કે બીજા કોઈ ઓબ્જેટ હોય તો તે ફોટો રીજેક્ટ કરવાના. હીમનદીની વાત હોય તો બધા ફોટોગ્રાફ જુદા જુદા અંતરેથી લેવાયેલા હોય. તેમને એક જ અંતરેથી લેવાયેલા ફોટોગ્રાફ જેવા બનાવવા માટે ફોટોગ્રાફ્સને ક્રોપ કરવા પડે (વધારાના ભાગની કાપકૂપ કરવી પડે). વાંકા-ચૂંકા એંગલવાળા ફોટોગ્રાફસને એલાઇન કરવા પડે. જરિયાત મુજબ કલર્સ અને પ્રકાશમાં વધ-ઘટ કરવી પડે, જેથી બધા ફોટોગ્રાફ્સ એક સાથે જોવામાં આવે ત્યારે ઝાઝા ઝબકારા ન થાય. એ પછી એમને વર્ષ મુજબ, સૌથી જૂનાથી લઈને સૌથી નવા એવા ક્રમમાં ગોઠવવામાં આવે.
બિલકુલ ઓટોમેટિક થતી આ પ્રક્રિયા કમ્પ્યુટરમાં છ કલાક જેટલો સમય ચાલે છે અને પછી તૈયાર થાય છે જે તે સ્થળનો પાંચથી દસ વર્ષનો ઇતિહાસ કહેતો એક ટાઇમ-લેપ્સ વીડિયો! અત્યાર સુધીમાં આવા ૨૦,૬૭૨ ટાઇમ-લેપ્સ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે.
નિષ્ણાતો કહે છે કે અત્યાર સુધી આપણે કોઈ સ્થળ ભૂતકાળમાં કેવું લાગતું હતું એ અમુક ફોટોગ્રાફ્સથી બતાવી શકતા હતા. હવે એ સ્થળ ભૂતકાળથી વર્તમાન સુધીમાં કઈ રીતે બદલાયું એ પણ બતાવી શકીશું. આ ફક્ત બે ઘડીની મજાની વાત નથી, આનાથી વૈજ્ઞાનિક અભ્યાસો અને શોધોના પાયા પણ નંખાશે!
‘ટાઇમ-લેપ્સ માઇનિંગ’ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ લાખો પબ્લિક ઇમેજીસને તારવીને તેમાંથી અલગ અલગ સ્થળના ૨૦,૦૦૦થી વધુ ટાઇમ-લેપ્સ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. નક્શામાં જોઈ શકાય છે તેમ યુરોપ અને ભારતમાં સૌથી વધુ અને આફ્રિકામાં સૌથી ટાઇમ-લેપ્સ વીડિયો બની શકાયા છે. http://grail.cs.washington.edu/projects/timelapse/


