ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી નવો મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યા છો? જરા વધુ વિચાર કરજો. આગળ જતાં મોબાઇલમાં કંઈ પ્રોબ્લેમ થાય તો કંપની તમને વોરંટીનો લાભ આપશે જ એની કોઈ ખાતરી નથી.
સાયબરસફર’ના અમદાવાદના એક વાચક હાર્દિકભાઈ જોશીએ એક મોબાઇલ ઓનલાઇન સાઇટ પરથી ખરીદ્યો. નવ મહિના પછી તેનું ટચપેડ બગડતાં તેમણે હેન્ડસેટ બનાવનારી કંપનીના સર્વિસ સેન્ટરનો સંપર્ક કર્યો, પણ કંપનીએ તેમને જણાવ્યું કે તે ઓનલાઇન, અનઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદાયેલી પ્રોડક્ટ પર વોરંટીનો લાભ આપતી નથી. ઉપરાંત, હાર્દિકભાઈના મોબાઇલ પર મેન્યુફેક્ચરરની નહીં પરંતુ સપ્લાયરની વોરંટી હોવાનું પણ જણાવવામાં આવ્યું. હાર્દિકભાઈ મેન્યુફેકચરર કંપની અને ઓનલાઈન સાઇટ વચ્ચે અટવાતા રહ્યા પણ તેમની સમસ્યાનું સમાધાન થયું નહીં.
આ અનુભવના આધારે ‘સાયબરસફર’ દ્વારા ઓનલાઇન સાઇટ અને મેન્યુફેક્ચરર કંપનીનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ પરથી, એક સામાન્ય ગ્રાહક તરીકે આપણે સૌએ કેટલીક વાતના બોધપાઠ લેવા જરુરી છે :
- ઓનલાઇન સાઇટ્સ પરથી ખરીદી વખતે એ વાત ખાસ સમજીએ કે અહીં વોરંટીનો મુદ્દો અત્યંત ગૂંચવણભર્યો છે.
- સાઇટ્સ ભલે ૧ વર્ષની મેન્યુફેક્ચરર વોરંટીની ખાતરી આપતી હોય, હકીકતમાં વોરંટી બે પ્રકારની હોય છે : એક, મેન્યુફેક્ચરર વોરંટી, જેમાં કંપનીના કોઈ પણ સર્વિસ સેન્ટર પર આપણે પ્રોડક્ટ લઈ જઈએ તો આપણને સપોર્ટ મળવો જોઈએ. બીજી, સપ્લાયર વોરંટી. જેમાં આપણે પ્રોડક્ટ જે સેલર પાસેથી ખરીદી હોય તે સેલરનો સંપર્ક કરવો પડે, જરુર પડે તો તેને પ્રોડક્ટ મોકલવી પડે અને પછીની વાત એ સેલર પર આધારિત રહે. મોટા ભાગની ઓનલાઈન શોપિંગ સાઇટ પર આ વાતની ચોખવટ હોતી નથી અને પરિણામે ગ્રાહક તેણે ખરીદેલી પ્રોડક્ટમાં તકલીફ ઊભી ન થાય ત્યાં સુધી અંધારામાં રહે છે.
- ઓનલાઇન સાઇટ્સ અને સેલર એ બંને અલગ બાબત છે. આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટ કે સ્નેપડીલ પાસેથી ખરીદી કરી એમ માનીએ, પણ આ કંપનીઓ દરેક કિસ્સામાં વેચનાર-સેલર હોતી નથી. મોટા ભાગની ઓનલાઇન સાઇટ્સ ફક્ત શોપિંગ પ્લેટફોર્મ છે, અહીં કોઈ પણ વેપારી થોડું પેપરવર્ક કરીને સેલર તરીકે જોડાઈ શકે છે.
- આપણે કોઈ પ્રોડક્ટ ઓનલાઇન ખરીદીએ તો સાઇટ તરફથી કન્ફર્મેશન ઈ-મેઇલમાં સેલર તરીકે કોઈ એક કંપનીનું નામ હોય અને પ્રોડક્ટ સાથે મળતા બિલમાં બીજી કોઈ કંપનીનું નામ હોય એવું બની શકે છે. આ વિગતો બરાબર ચકાસી લેવી જરુરી છે.
- જો મેન્યુફેક્ચરર કંપનીના દાવા મુજબ આપણે ખરીદેલી પ્રોડક્ટ સપ્લાયરની વોરંટી હેઠળ આવતી હોય તો આપણે એ સેલરનો સંપર્ક કરવો પડે, પરંતુ કેટલાક કિસ્સામાં એ સેલરનું પોસ્ટલ એડ્રેસ પણ ઓનલાઇન સાઇટ પર આપણને મળી શકતું નથી. જો એ સેલર એ સાઇટ પરથી વેચાણ બંધ કરી દો પછી આખી વાત પર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે.
- ઓનલાઇન સાઇટ્સ પ્રોડક્ટપેજ પર મેન્યુફેક્ચરર વોરંટી હોવાનું લખે છે (કયા કાયદાકીય આધાર પર આમ લખવામાં આવે છે? એ સવાલનો કોઈ જવાબ આપતું નથી), પરંતુ તેના દરેક સેલર ઓથોરાઇઝ્ડ ડીલર હોતા નથી.
મોબાઇલ કોઈ પણ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ અથવા અન્ય પ્રોડક્ટના પેજ પર જોઈએ તો એ એક પ્રોડક્ટ જુદા જુદા સંખ્યાબંધ સેલર્સ દ્વારા અલગ અલગ ભાવે અને અલગ અલગ શરતોએ વેચાણ કરવામાં આવતી હોય છે. આ દરેક સેલર મૂળ મેન્યુફેક્ચરર કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ખરીદી વખતે આપણે આ વાતની સ્પષ્ટ માહિતી મેળવી શકતા નથી, કેમ કે મોટા ભાગની મેન્યુફેક્ચરર કંપની પોતાના ઓથોરાઇઝ્ડ ડીલરની યાદી આપતી નથી.- જે મોબાઇલ મેન્યુફેક્ચરર કંપની તેના અમુક ચોક્કસ મોડેલ માટે ફક્ત ઓનલાઈન સેલિંગ કરતી હોય છે અને અમુક નિશ્ર્ચિત ઓનલાઇન સાઇટ સાથે તેનું એક્સક્લુઝિવ ટાઇ-અપ હોય છે તેમાં સામાન્ય રીતે ઇનવોઇસ, વોરંટીની વિગતો વગેરે પરફેક્ટ હોય છે, પણ અન્ય તમામ પ્રોડક્ટમાં બધી વાત ચકાસણી કરવાની જવાબદારી ગ્રાહકના શિરે રહે છે.
ઓનલાઇન શોપિંગમાં ફક્ત એક વાતનું આશ્વાસન રહે છે કે મોટા ભાગની ઓનલાઇન સાઇટ્સ ખરીદીના અમુક દિવસની અંદર, ખરીદેલી પ્રોડક્ટ પરત સ્વીકારે છે અને મોટા ભાગે, કોઈ સવાલ પૂછ્યા વિના આપણે ચુકવેલી રકમ પરત કરે છે. પરિણામે, ખરીદી કર્યા પછી કંઈ પણ શંકાસ્પદ લાગે તો આપણે પ્રોડક્ટ તરત પરત કરી શકીએ છીએ.
આટલું વાંચ્યા પછી, ઓનલાઇન શોપિંગ કરતી વખતે કે ‘મેગા ઈ-સેલ’, ‘ઈ-શોપિંગ ફિયેસ્ટા’ વગેરે જાહેરાતોમાં અક્લ્પનીય ભાવો વાંચીને ખરીદી કરતાં પહેલાં કેટલી વાતનું ધ્યાન રાખવું એ તમે વિચારી જુઓ!

