ફેસબુકનો જબરજસ્ત ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો પોતાની પ્રાઇવસી માટે ખાસ સજાગ હોતા નથી. ફેસબુક માટે સામાન્ય મત એવો છે કે તેનાં પ્રાઇવસી સેટિંગ સતત બદલાતાં રહે છે અને આપણે જે ખાનગી રાખવા માગતા હોઈએ તે બધું જ દુનિયા આખી સમક્ષ મુકવા માટે ફેસબુક સતત પ્રયત્નશીલ રહે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે પ્રાઇવસીનાં સેટિંગ બદલતી વખતે, યુઝર્સને વિકલ્પો આવ્યા વિના જ સેટિંગ્સ બદલી નાખવામાં આવે છે. જોકે એ ફેસબુકનો દોષ જોવાનો અર્થ નથી, આપણી પ્રાઇવસી આપણી પોતાની જવાબદારી છે.
આથી જ ફેસબુક પરના આપણા ડેટાની પ્રાઇવસી માટે આપણે પોતે સજાગ રહેવું અનિવાર્ય છે. અહીં એ માટેની પાયાની માહિતી આપી છે. – સંપાદક
આગળ શું વાંચશો?
- બેઝિક લેવલ સિક્યોરીટી
- એક્સપર્ટ લેવલ સિક્યોરીટી
- આટલું હંમેશા યાદ રાખો
ફેસબુક પર પ્રાઇવસીનો મુદ્દો વારંવાર ચર્ચાતો રહે છે. પણ એ વિશે આગળ વધતાં પહેલાં ચાલો જરા ઇતિહાસનાં પાનાં ફંફોળી લઈએ અને જાણીએ કે આ ફેસબુક આખરે આવ્યું કઈ રીતે અને કઈ રીતે તેણે વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટનું બિરુદ મેળવ્યું.
હાર્વર્ડ યુનિવર્સીર્ટીમાં અભ્યાસ કરતા માર્ક ઝકરબર્ગ દ્વારા ૨૦૦૪માં ફેસબુક અસ્તિત્વમાં આવ્યું જેનું સાચું નામ “ધ ફેસબુક હતું. શરૂઆતના દિવસોમાં કેમ્પસમાં તે ખાસ્સું લોકપ્રિય બની ગયેલું. થોડા સમય બાદ ઝકરબર્ગ દ્વારા અન્ય બે વિદ્યાર્થીઓ ડસ્ટન મોસ્કોવીત્ઝ અને ક્રીસ હેગ્સને પોતાના સહાયક તરીકે નિમણૂક કરવામાં આવી અને પછી તો થોડા જ મહિનાઓમાં સમગ્ર દેશમાં બધી જ કોલેજોને સાંકળીને “ધ ફેસબુકએ સફળતાનાં શિખરો સર કરવા માંડ્યાં.
આજે ફેસબુક વિશ્માંવમાં ૧.૦૧ અબજ યુઝર્સ સાથે ટોપ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ છે. જેમાં ૪૫ લાખ લોકો મોબાઇલ દ્વારા પણ ફેસબુક વાપરે છે. ફેસબુક વાપરનારા ટોપ ૧૦ દેશોમાં ભારત ત્રીજા સ્થાન પર છે. અત્રે આપને જણાવી દઉં કે ભારતમાં સાત કરોડથી વધુ લોકો ફેસબુક પર છે. એક અંદાજ પ્રમાણે ફેસબુક યુઝર્સની સરેરાશ સંખ્યામાં દર વર્ષે ૨૬ %નો વધારો થઈ રહ્યો છે. (આવનારા જમાનામાં કોઈ એવું પણ પુછી શકે “અરે રે… તમે ફેસબુક પર નથી??? ક્યાં જમાનામાં જીવો છો ભાઈ…??).
તો આવી રીતે સડસડાટ સફળતાની સીડી ચડીને ફેસબુકે વિશ્વવ્યાપી સન્માન તો મેળવી લીધું, પરંતુ મહત્ત્વનો પ્રશ્ર તો આ સફળતાને ટકાવી રાખવાનો છે અને આ જવાબદારી બંને પક્ષે સમાન છે. આપણે જોઈએ છીએ કે આજે લોકો પોતાની ઝીણી ઝીણી વિગતો, ખાવા પીવાનું, ક્યાં જાય છે… શું કરે છે, બધું જ બેફામ ફેસબુક પર અપડેટ કરે છે. કદાચ કોઈ છાપા ન વાંચે તો પણ કેટલાય ન્યૂઝ અપડેટ તો આપણને ફેસબુક પરથી મળી રહે છે. તો, ફેસબુક વાપરવાની મજા તો બહુ આવે છે, પરંતુ આપના એકાઉન્ટની સિક્યોરીટી વિશે આપ કેટલા જાગૃત છો…???
- શું આપને ખબર છે કે આપનું ફેસબુક એકાઉન્ટ કેટલા લોકો જોઈ શકે છે?
- શું આપને ખ્યાલ છે કે આપે મુકેલ ફોટોગ્રાફ્સ કોઈ અજાણ્યો શખ્સ જોઈ શકે છે કે નહિ?
- આપના કેટલા અને કોણ કોણ મિત્રો છે તે કોઈ બહારની વ્યક્તિ જાણી શકે કે કેમ?
- કોઈ આપનું ફેસબુક એકાઉન્ટ ખોલે તો આપને કેમ ખબર પડે?
ફેસબુક સિક્યોરીટીને લગતા આ ઉપરાંત એવા ઘણા બધા સવાલો આપને થતા હશે, જેમાંથી શક્ય તેટલા જવાબો આપને આજે મળી શકશે. ફેસબુક આપણને ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાની સુરક્ષા સુવિધાઓ પૂરી પાડે છે જેથી આપને સંપૂર્ણ સુરક્ષિત રહીને સોશિયલ નેટવર્કનો સાચો આનંદ માણી શકીએ.
તજજ્ઞોના મત પ્રમાણે ફેસબુક સિક્યોરીટીના મુખ્યત્વે બે લેવલ હોય છે.
- બેઝિક લેવલ સિક્યોરીટી
- એક્સપર્ટ લેવલ સિક્યોરીટી
અહીં આપને બંને લેવલની સિક્યોરીટી વિશે વિસ્તૃત જાણકારી આપીશું તો ચાલો શીખી લો કે આપના ફેસબુક એકાઉન્ટને કઈ રીતે વધુ ને વધુ સુરક્ષિત બનાવી શકો.
૧. બેઝિક લેવલ સિક્યોરીટી :
બેઝિક લેવલની સિક્યોરીટી દરેક ફેસબુક યુઝર માટે ખૂબ જરૂરી છે. જેનાથી આપ પોતાના એકાઉન્ટને મૂળભૂત રીતે સુરક્ષિત કરી શકો છો.
- પાસવર્ડ : સૌથી જરૂરી મુદ્દો છે આપનો ફેસબુક પાસવર્ડ. ફેસબુક હેકિંગના આર્ટિકલમાં જણાવ્યું હતું કે ગમે તેટલો અંગત વ્યક્તિ હોય… ક્યારેય આપનો પાસવર્ડ કોઈની સાથે શેર ના કરો તથા આપનો પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ રાખો જેમાં આલ્ફાબેટ, સિમ્બોલ્સ અને નંબરનો સંયુક્ત સમાવેશ હોય. ઉપરાંત ક્યારેય આપનો પાસવર્ડ લખીને ના રાખવો તેમ જ દર મહીને આપનો પાસવર્ડ બદલતા રહો.
- જનરલ એકાઉન્ટ સેટિંગ : આપના ફેસબુક પેજની જમણી બાજુએ પ્રમાણે સેટિંગનું બટન આવેલું હોય છે. જ્યાંથી આપ આપના એકાઉન્ટમાં કેટલાક મૂળભૂત ફેરફારો કરી શકો છો. જેમ કે આપનું ફેસબુક યુઝરનેમ, ફેસબુક સાથે સંકળાયેલું ઈ-મેઇલ એકાઉન્ટ, આપનો પાસવર્ડ બદલવો, છેલ્લો ક્યારે પાસવર્ડ અપડેટ કરેલો વગેરે માહિતી અહીંથી મળે છે. અહીં દશર્વિેલ તસવીરમાં છેલ્લે આપેલા ઓપ્શન Download a Copy દ્વારા આપના આખા ફેસબુક એકાઉન્ટની અત્યાર સુધીની બધી જ અપડેટ્સ, સ્ટેટસ, ફોટો તથા મેસેજની લાંબીલચક યાદીને ડાઉનલોડ કરીને સાચવી શકો છો.
- સિક્યોરીટી : General Account Setting ની નીચે જ Securityનો ઓપ્શન આવેલો છે. જેના વડે આપ આપના એકાઉન્ટને વધુ સુરક્ષિત કરી શકો.
- Secury Browsing : અહીં આપ ફેસબુકની બ્રાઉઝર સિક્યોરીટી ઇનેબલ/ ડિસેબલ કરી શકો છો. જે સેફ સર્ફિંગ માટે હિતાવહ છે.
- Login Notification : સૌથી ઉપયોગી એવી આ લિંક વડે આપ જ્યારે જ્યારે પણ લોગઇન થાઓ છો કે તરત જ તમને ઈ-મેઇલ કે ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવે છે કે આપ ક્યારે લોગીન થયા તથા તે સમય સાથે બતાવે છે.
- આ ઉપરાંત તમે કઈ કઈ ડિવાઇસ પરથી લોગઇન થાઓ છો (ઓફિસ કમ્પ્યુટર, હોમ કમ્પ્યુટર, લેપટોપ પબ્લિક સાયબર કાફે વગેરે કે જ્યાંથી તમે ફેસબુક લોગઇન કર્યું હોય) તેની યાદી રાખી શકો છો.
તો આ પ્રમાણે અનુસરીને આપ આપના ફેસબુક એકાઉન્ટ ઘણાખરા અંશે સેફ રાખી શકો છો. તેમ છતાં જો કોઈ વાર આપ ફેસબુકથી કંટાળી જાઓ તો અહીંથી જ તેને De-Activate પણ કરી શકો છો.
૨. એક્સપર્ટ લેવલ સિક્યોરીટી
ઉપર જણાવ્યા મુજબ આપણે ફેસબુક એકાઉન્ટને પ્રાયમરી લેવલ પર સિક્યોર રાખી શકીએ. પરંતુ જો આપ ફેસબુકના બહુ શોખીન છો તો આપે બેઝિક સિક્યોરીટી ઉપરાંત પણ ઘણી સિક્યોરીટી રાખવી પડશે જેથી આપ ફેસબુક પર સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકો. આ માટે આપને પોતાના ફેસબુક એકાઉન્ટના પ્રાઈવસી સેટિંગ સેટ કરવાના છે. તો ચાલો જાણીએ કે પ્રાઈવસી સેટિંગસ વડે આપણે ફેસબુક સિક્યોર કઈ રીતે રાખી શકીએ.
Who can see my stuff? : ફેસબુક પર કરોડો લોકોના એકાઉન્ટ છે, બધા પોત પોતાની વાતો, વિચારો, ફોટોગ્રાફ્સ, વીડિયોે બિન્દાસ શેર કરતા હોય છે, પરંતુ આપને ખ્યાલ છે કે આપે મુકેલી પોસ્ટ કોઈ એવું વ્યક્તિ તો નથી જોઈ રહ્યું ને, જેને આપ ઓળખતા પણ નથી? જો એવું હોય તો આપની પ્રાઈવસી ખતરામાં છે. આપના અંગત ફોટોગ્રાફ્સ કે આપની અંગત માહિતી લીક થઈ શકે અથવા તો તેનો દુરુપયોગ થઈ શકે. આવું ના થાય એના માટે હંમેશા આપના પોસ્ટને એ રીતે સેટ કરો કે જેથી આપની અંગત માહિતી માત્ર આપના મિત્રો જ જોઈ શકે. આપ custom ઓપ્શન વડે ખાસ એટલા જ મિત્રોને જ આપની પ્રાઇવેટ પોસ્ટ બતાવી શકો છો. ત્યાર બાદ આપેલા Activity Logમાં આપે મુકેલી પોસ્ટ, આપને ટેગ કરાયેલી પોસ્ટ વગેરે વગેરે તમામ માહિતી મળી શકે છે.
who can look up? :
કેટલાય લોકો પોતાના મેઇલ આઈડી અને ફોન નંબર પણ રાખે છે કે જેથી તેમના મિત્રો તેમનો સંપર્ક કરી શકે, પરંતુ આ ફોન નંબર કોઈ અજાણી વ્યક્તિ પાસે ના જાય અથવા તો મેઇલ આઈડીનો દુરુપયોગ ના થાય એટલા માટે આ ઓપ્શન ફ્રેન્ડસ પૂરતો લિમિટેડ રાખો.
Timeline Tagging Settings: આપની ઝશળયહશક્ષય પર કોણ કોણ પોસ્ટ કરે શકે, કોણ આપને પોતાની પોસ્ટમાં ટેગ કરી શકે તે બધું સેટ કરી શકો છો.
Manage Blocking:
જેટલી સુવિધા તેટલી દુવિધા ધરાવતા ફેસબુક પર ક્યારેક ક્યારેક અણગમતી કે અજાણી વ્યક્તિઓની ફ્રેન્ડ રીક્વેસ્ટ, ગેમ્સ કે એપ્લિકેશનની વારંવાર આવતી રીક્વેસ્ટ વગેરેથી કંટાળી જતા હોઈએ છીએ. તો આ માટે ફેસબુક બ્લોક કરવાની સુવિધા પણ આપે છે. એન્ટિવાઇરસ સોફ્ટવેરમાં જેમ ફાયરવોલ વડે અણગમતા અને અજાણ્યા સોફ્ટવેર કે પેજને બ્લોક કરી દેવામાં આવે છે તે જ રીતે અહીં પણ આપને નડતી વ્યક્તિઓ કે એપ્લિકેશન્સને બ્લોક કરી શકો છો.
Notification Settings: આપના એકાઉન્ટ સંબંધિત દરેક એક્ટીવીટીનો આપ ઈ-મેઇલ રેકોર્ડ રાખી શકાય તે માટે હંમેશા ઈ-મેઇલ નોટીફિકેશન ઓન રાખો. જેથી આપ ક્યારે ફેસબુક પર લોગઇન થયા, શું કર્યું વગેરે ઈ-મેઇલ સ્વપે આપની પાસે રહે. જો આપ ઈ-મેઇલ કરતાં પણ ઝડપી અપડેટ લેવા માંગતા હોય તો આપના મોબાઇલ દ્વારા પણ Activate Text Messaging વડે મેળવી શકો છો, પરંતુ શક્ય છે કે દિવસના સરેરાશ ૫૦-૧૦૦ જેટલા ફેસબુકના મેસેજથી કંટાળીને આ સર્વિસ De-Activate કરી નાખો તો નવાઈ નહીં. આ ઉપરાંત આપને કઈ કઈ બાબતોની નોટીફિકેશન જોઈએ છે તે પણ અહીંથી સેટ કરી શકો છો.
તો આ રીતે સેફટી સેટિંગ દ્વારા આપ ફેસબુકનો આનંદ સુરક્ષા સાથે માણી શકો છો. ઉપરાંત આપને બીજી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેથી આપ ફેસબુક સંબંધિત સાયબર ક્રાઈમ સામે સુરક્ષિત રહી શકો.
મિત્રો, આવનારો યુગ ટેકનોલોજી ક્ષેત્રે સોનાનો સૂરજ લઈને આવી રહ્યો છે. આજથી ૧૦ વર્ષ પહેલાં કલ્પના પણ નહોતી કે આવી રીતે દરેક વ્યક્તિ એક બીજાના સતત સંપર્કમાં રહી શકશે અને આંકડા જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષોમાં સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે કઈ કેટલાંય અવનવાં સંશોધનો થશે, પણ આ બધામાં આપણે પોતાનું સ્થાન સુરક્ષિત રાખીને ટેકનોલોજીના વરદાનનો સાચો ઉપયોગ કરીએ તે હિતાવહ છે.
આટલું હંમેશા યાદ રાખો
- આપના પાસવર્ડ અંગે હમેશા સ્માર્ટ રહો. ક્યારેય ના તો પાસવર્ડ શેર કરો કે ન તો લખી રાખો.
- નકલી એકાઉન્ટથી સાવધાન રહો. જે વ્યક્તિને તમે ઓળખતા ના હો તેવા લોકોની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારશો નહિ.
- શંકાસ્પદ ફેસબુક એકાઉન્ટને તરત જ બ્લોક કરી દો.
- ફ્રેન્ડ લિસ્ટને હંમેશા અપ-ટુ-ડેટ રાખો. લાંબા સમયથી નિષ્ક્રિય ફ્રેન્ડ અંગે સાવધ રહો.
- કોઈ પ્રકારની સ્પામ એપ્લિકેશનને એડ કરવી નહિ.
- ફેસબુક પરના ફોટો આલ્બમની પ્રાઈવસી સેટ કરી રાખો.
- વારંવાર દેખાતી ભ્રામક જાહેરાતો પર વિશ્ર્વાસ મૂકીને પોતાની એકાઉન્ટ ડિટેઇલ શેર ના કરવી.
- ચેટિંગ કરતી વખતે આપને પરેશાન કરતી વ્યક્તિને ચેટ બ્લોક લિસ્ટમાં મૂકી શકો છો.
- ફેસબુક હેકિંગ માટેના ખોટા ટૂલ્સ કે સોફ્ટવેરથી દૂર જ રહો. દરેકની પ્રાયવસીને માન આપો.

