એન્ડ્રોઇડનું હાલનું (એટલે કે આ લખાય છે ત્યારનું, તમે આ વાંચતા હશો ત્યારે કદાચ નવા વર્ઝનની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી હશે!) વર્ઝન એન્ડ્રોઇડ ૫, લોલિપોપ હજી માંડ ૧૦ ટકા સ્માર્ટફોન સુધી પહોંચ્યું હોવાના અંદાજ છે ત્યાં તો એન્ડ્રોઇડ ‘એમ’ની ચર્ચા શરુ થઈ ગઈ છે.
આગળ શું વાંચશો?
- ઈન્ટરનેટ અને મહિલાઓ
- એપલ વોચઃ સમયસર ચાલશે
- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટેની ઓપરેેટિંગ સિસ્ટમ
ગૂગલ દર વર્ષે સોફ્ટવેર ડેવલપર્સ માટે સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં ગૂગલ આઇ/ઓ નામે એક કોન્ફરન્સ યોજે છે. આ વર્ષે મે ૨૮, ૨૯ દરમિયાન યોજાનાર આ કોન્ફરન્સમાં એન્ડ્રોઇડના નવા વર્ષની જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે. નવા એન્ડ્રોઇડનું
નામ એમ પરથી હશે એ સૌ જાણે છે કેમ કે દરેક એન્ડ્રોઇડનાં નામ એ, બી, સી, ડી મુજબ આપવામાં આવી રહ્યાં છે, પણ એમ પરથી કઈ સ્વીટ ડિશ પર ગૂગલ કળશ ઢોળે છે એનું સૌને કૂતુહલ છે!
આ નવા વર્ઝનમાં, ફોનના માલિકની ફિંગરપ્રિન્ટ જ ફોન ઓપન થાય તેવું નેટિવ ઓથેન્ટિકેશન, ઘરનાં વિવિધ સાધનોને સ્માર્ટફોનની કંટ્રોલ કરવાની બહેતર સુવિધા અને એન્ડ્રોઇડ વેર સાથેના વધુ સારા ઇન્ટીગ્રેશનની સુવિધા મળવાની સંભાવના છે.
ઇન્ટરનેટ અને મહિલાઓ
ઇન્ટરનેટ પર મહિલાઓ કેટલી સક્રિય છે? ગૂગલના સર્વેક્ષણનાં તારણો સાચાં હોય તો ખાસ નહીં. ગૂગલે ભારતમાં ‘વિમેન એન્ડ ટેક્નોલોજી’નો અભ્યાસ જાહેર કર્યો છે, જેમાં જણાવ્યા મુજબ ભારતમાં ઇન્ટરનેટ સર્ફ કરતા લોકોમાં ૭૦ ટકા પુરુષો છે. આ રિપોર્ટ અનુસાર, ૪૯ ટકા મહિલાઓને ઇન્ટરનેટ એક્સેસ કરવાની ખાસ કોઈ જરુર લાગતી નહોતી. મહિલાઓ ખાસ કરીને પ્રાઇવસીની ચિંતાને કારણે ઇન્ટરનેટ પર સક્રિય ન થતી હોવાનું આ અભ્યાસ કરે છે. ઉપરાંત, આ અભ્યાસ અનુસાર મોટા ભાગે પોતાની આવક ધરાવતી સ્ત્રીઓ અથવા કોલેજ સ્ટુડન્ટ્સ ઇન્ટરનેટ પર સક્રિય છે. જ્યારે બીજી એક કંપનીના સર્વે અનુસાર ભારતમાં વર્કિંગ વીમેન કરતાં ગૃહિણીઓ પોતાના મોબાઇલ થકી ઇન્ટરનેટ પર વધુ સક્રિય છે. આ બંનેમાંથી કઈ કંપનીનું તારણ સાચું એ તમે જ નક્કી કરો!
એપલ વોચ : સમયસર ચાલશે?
છેલ્લા થોડા સમયથી વેરેબલ ગેજેટ્સ ચર્ચામાં રહ્યાં છે અને એપલ વોચ લોન્ચ થયા પછી આ ચચર્મિાં વધુ ગરમી આવી છે. પરંતુ એપલ વોચ ગાજી એટલું ચાલી હોય તેવું લાગતું નથી.
સ્લાઇસ ઇન્ટેલિજન્સ નામની એક કંપની ઈ-કોમર્સની ઈ-મેઇલ રીસિપ્ટ્સના આધારે અમેરિકાના લોકોની ખરીદી પર નજર રાખે છે. એપલ કંપનીએ એપ્રિલ ૧૦ના રોજ યુએસ અને અન્ય આઠ દેશોમાં એપલ વોચ માટે પ્રીઓર્ડર્સ લેવાનું ચાલુ કર્યું અને ત્યારથી મે ૧૮ સુધીમાં કંપનીને ૨૫ લાખ વોચના ઓર્ડર મળ્યા હોવાનો અંદાજ છે, તેમાંથી અડધોઅડધથી વધુ પ્રીઓર્ડર્સ શરુ થયાના પહેલા દિવસે જ મળ્યા હતા! પછીના દિવસથી ઓર્ડર્સમાં તીવ્ર ઘટાડો થયો હોવાનો અંદાજ છે.
એવું મનાય છે કે એપલ વોચ ખરેખર કેટલી અને કઈ રીતે ઉપયોગી થશે એ વિશે લોકોમાં સ્પષ્ટતા નથી. અલબત્ત, તેના વેચાણ વિશે હજી ફક્ત અંદાજો જ વહેતા થયા છે અને એ પણ યાદ રાખવું જોઈએ કે એપલના આઇપોડને ૨૦ લાખના વેચાણ આંકડે પહોંચતાં ૨ વર્ષ લાગ્યાં હતાં અને એટલા જ આઇફોન વેચતાં પણ મહિનાઓ લાગી ગયા હતા. એપલ વોચ એ બંને કરતાં ઘણી આગળ છે!
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેની ઓપરેટિંગ સિસ્ટમ
એસી, કોફી મેકર, ફ્રિજ, કાર વગેરે બધાં સાધનો ધીમે ધીમે ઇન્ટરનેટ સાથે જોડાઈ રહ્યાં છે અને ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’નો વિચાર નક્કર આકાર લેવા લાગ્યો છે એ સાથે, આ બધાં સાધનો માટેની અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ પણ વિકસવા લાગી છે. થોડા સમય પહેલાં હુઆવૈ કંપનીએ ફક્ત ૧૦ કેબીની લાઇટઓએસ લોન્ચ કરી હતી અને હમણાં એક અહેવાલ અનુસાર ગૂગલે પણ ‘બ્રિલો’ નામે ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ઓએસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વિશે હજી ખાસ માહિતી જાહેરાત કરાઈ નથી, પણ એન્ડ્રોઇડ ટીમ જ તેના પર કામ રહી છે અને તે ૩૨ કે ૬૪ એમબી જેટલી ઓછી રેમથી ચાલી શકશે (એન્ડ્રોઇડ માટે ઓછામાં ઓછી ૫૧૨ એમબી રેમ જરુરી હોય છે).

