લાંબા સમયના અંતરાય બાદ ફરી એક વાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું, પરંતુ તે પહેલાં આ સમય દરમિયાન આપના પ્રતિભાવો, ફોન કોલ્સ તથા ઈ-મેઇલ બદલ આપનો ખૂબ અભાર વ્યક્ત કરું છું અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કંઈક શીખવા મળે છે, કંઈક પ્રેરણા મળે છે તેમના તરફથી કોઈ પણ સૂચનો અથવા કારકિર્દીને લગતા પ્રશ્રો આવકાર્ય છે!
આગળ શું વાંચશો?
- પેઈડ એન્ટિવાઈરસ
- ઈન્ટરફેસ (સોફ્ટવેર ડિઝાઈન)
- ડીટેકશન
- સ્પીડ
- મોબાઈલ એન્ટિવાઈરસ સોફ્ટવેર
કમ્પ્યુટર વાઇરસથી તો આપ પરિચિત જ હશો! VIRUS નું સાચું પૂરું નામ : Vital Information Resources Under Seize છે. પરંતુ આપણે માત્ર સમજવા ખાતર કહી શકીએ કે
V ery
I mmediate
R isk to
U ser
S ecurity
ટૂંકમાં કહીએ તો કમ્પ્યુટર પર દેખાતા (ક્યારેક ના પણ દેખાતા) તમામ પ્રકારના નુકસાનકારક પ્રોગ્રામ્સ કે સોફ્ટવેર જેને માલવેર પણ કહેવાય છે તેમાં કમ્પ્યુટર વાઇરસનો પણ સમાવેશ થાય છે. આવા વાઇરસથી આપણા કમ્પ્યુટરને સુરક્ષિત રાખવા માટે આપણે એન્ટિવાઇરસ સોફ્ટવેર વાપરીએ છીએ.
મિત્રો, અપને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એન્ટિવાઇરસ એ પણ એક જાતનો વાઇરસ જ હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે તેમનું પ્રોગ્રામિંગ કમ્પ્યુટરને અવનવા ખતરાઓથી બચાવવા માટે થયેલું હોય છે. અલગ અલગ કમ્પ્યુટર સિસ્ટમ માટે અલગ અલગ એન્ટિવાઇરસ હોય છે. આપ સૌ જાણો જ છો કે એન્ટિવાઇરસ સોફ્ટવેર બજારમાં ૩૦૦-૪૦૦થી માંડીને ૧૦-૧૨૦૦૦ રુપિયા સુધીની રેંજમાં ઉપલબ્ધ છે. કેટલાક એન્ટિવાઇરસ સોફ્ટવેર આપ ઇન્ટરનેટ દ્વારા પણ ખરીદી શકો છો. હવે કેટલાક મિત્રોને એવો વિચાર જરૂર આવ્યો હશે કે એન્ટિવાઇરસ તો ઇન્ટરનેટ પરથી મફતમાં પણ ડાઉનલોડ કરી લેવાય ને!!! તો પછી ખોટો ખર્ચો શું કામ કરવો?? સાચી વાત છે… આપણે રહ્યા પાક્કા ગુજ્જુ…. પૈસાનો હિસાબ તો પહેલો! તો ચાલો આજે આપણે જાણીએ કે એન્ટિવાઇરસ પ્રોગ્રામ ખરીદવો કે નહિ અને ખરીદવો હોય તો બજારમાં ઉપલબ્ધ ઢગલાબંધ એન્ટિવાઇરસ સોફ્ટવેરમાંથી કયો ખરીદવો….??
એન્ટિવાઇરસ પ્રોગ્રામ ખરીદવો જોઈએ કે ફ્રીમાં ડાઉનલોડ કરીને વાપરવો જોઈએ તેનો સાચો જવાબ તો સામેવાળી વ્યક્તિ પર આધારિત છે. એક રીતે જોઈએ તો ઇન્ટરનેટ પરથી ફ્રીમાં મળતો એન્ટિવાઇરસ પણ સારો… (ના મામા કરતાં કાણો મામા શું ખોટા???) પણ આજ સવાલ જો કોઈ પ્રોફેશનલ બિઝનસમેન પૂછે ત્યારે તદ્દન વિપરીત જવાબ આપવો પડે. પેઈડ તથા એન્ટિવાઇરસ બંનેના પોતાના પ્લસ-માઇનસ પોઇન્ટ્સ છે. તે જાણવા માટે આપણે સમજવું પડશે કે એન્ટિવાઇરસ કેટલા પ્રકારના હોય છે અને આપણને ક્યાં ક્યાં ફીચર્સ પૂરાં પાડે છે.
એન્ટિવાઇરસ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે:
- ફ્રીવેર
- પેઈડ
- સ્યુટ
- પ્રીમીયમ સ્યુટ
ફ્રીવેર એન્ટિવાઇરસથી જેમ જેમ આગળ પ્રીમીયમ સ્યુટ તરફ જતા જઈએ તેમ તેમ એન્ટિવાઇરસનાં ફીચર્સ અને સુવિધાઓમાં (સાથે સાથે ભાવમાં પણ…) વધારો થતો જાય છે.
ફ્રી એન્ટિવાઇરસ સોફ્ટવેર સામાન્ય રીતે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે જે આપને બેઝિક લેવલની સિક્યોરીટી આપે છે. દા. ત. સ્કેનિંગ. તો કેટલાક એન્ટિવાઇરસમાં બ્રાઉઝર સિક્યોરીટી તો કેટલાકમાં ફ્રી ફાયરવોલ ફીચર્સ આપવામાં આવે છે, પરંતુ મોટા ભાગના ફીચર્સ તેઓ પેઈડ એન્ટિવાઇરસ માટે અનામત રાખતા હોય છે. કેટલાક ફ્રી એન્ટિવાઇરસમાં તમારા કમ્પ્યુટરની એક્ટિવીટી પરથી માલવેર ડિટેકશન કરે છે. ફ્રી એન્ટિવાઇરસ સોફ્ટવેરનો ફાયદો એ છે કે આપ તેને એ ગમે ત્યારે ઓનલાઇન કોઈ પણ રજિસ્ટ્રેશન વગર અપના કમ્પ્યુટર પર આસાનીથી ડાઉનલોડ કરી શકો છો, પરંતુ ફ્રી એન્ટિવાઇરસ માત્ર સેમ્પલ જેવું કામ આપે છે કે જેના દ્વારા એન્ટિવાઇરસ કંપની પોતાની સર્વિસનો ડેમો બતાવે છે.
પેઈડ એન્ટિવાઇરસ
પેઈડ એન્ટિવાઇરસ સોફ્ટવેર એ ફ્રીવેર અને ફીચર-પેક પ્રીમીયમ સ્યુટની વચ્ચે આવે છે. જે વ્યાપક પ્રમાણમાં સિક્યોરીટી ટૂલ્સ ઉપલબ્ધ કરાવે છે. જેમ કે પેરેન્ટલ કંટ્રોલ, આઈડી થેફ્ટ પ્રોટેક્શન વગેરે. ફ્રીવેર એન્ટિવાઇરસ કરતાં અન્ય ઘણી સુવિધાઓ તેમાં આપવામાં આવેલી હોય છે. આવા પેઈડ એન્ટિવાઇરસ હોમ એડીશન તરીકે પણ ઓળખાય છે કે જે કોઈ સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ અથવા લેપટોપ માટે ઉપયોગી છે.
પેઈડ પ્રોડક્ટનો અન્ય એક ફાયદો છે તેની કસ્ટમર સર્વિસ. કેટલીક કંપનીઓ પોતાના ગ્રાહકોને ફોન અથવા ઈ-મેઇલની સર્વિસ પૂરી પાડે છે. ફ્રી એન્ટિવાઇરસ પ્રોડક્ટ્સમાં સામાન્ય રીતે વારંવાર પેઈડ પ્રોડકટ્સની જાહેરાતોનો ત્રાસ રહેતો હોય છે જે પેઈડ પ્રોડક્ટ્સમાં હોતો નથી. તો આ રીતે જેમ જેમ ફીચર્સ અને સિક્યોરીટી વધતા જાય તેમ તેમ એન્ટિવાઇરસ આપની સિસ્ટમને વધુ ને વધુ સુરક્ષિત બનાવતો જાય છે.
એન્ટિવાઇરસમાં મુખ્ય ત્રણ ફીચર્સ હોય છે.
- ઇન્ટરફેસ
- માલવેર ડીટેકશન અને
- સ્પીડ
ઇન્ટરફેસ (સોફ્ટવેર ડિઝાઇન)
કેટલાક એન્ટિવાઇરસ સોફ્ટવેર ખૂબ સરસ ઇન્ટરફેસ અને આકર્ષક વિઝ્યુંઅલ ઈફેક્ટસ વડે ગ્રાહકોને આકર્ષે છે. દા. ત. ફદફતિં એન્ટિવાઇરસ પોતાની વોઈસ ઇન્ફોર્મેશન સિસ્ટમ વડે સ્કેનિંગ, અપડેટ, વાઇરસ ડીટેકશન વગેરેની માહિતી તેના યુઝરને આપે છે જે અન્ય એન્ટિવાઇરસ કરતાં અલગ પડે છે અને યુઝરને પણ મજા આવે છે.
ડીટેકશન
મોટા ભાગના એન્ટિવાઇરસ સોફ્ટવેરની ગુણવત્તા તેના રેન્કિંગ સિસ્ટમને આધારે થતી હોય છે, પરંતુ “વર ને કોણ વખાણે??? વરની મા… એની જેમ બધી જ એન્ટિવાઇરસ કંપનીઓ પોત-પોતાની વેબસાઇટને પોતે જ કોઈ ને કોઈ રીતે રેન્કિંગ અપાવે છે. તો આવા ભ્રામક રેન્કિંગને આધારે એન્ટિવાઇરસની પસંદગી ના કરવી, પરંતુ આપની જરુરિયાત અને ઉપયોગીતાના આધારે એન્ટિવાઇરસ પસંદ કરવો. “રીયલ વર્લ્ડ એન્ટિવાઇરસ સર્વે અનુસાર ફ્રીવેર કરતાં પેઈડ એન્ટિવાઇરસ સોફ્ટવેર ૯૬% બેસ્ટ પર્ફોમન્સ આપે છે.
સ્પીડ
એન્ટિવાઇરસની પસંદગી માટેનું અન્ય એક મહત્ત્વનું પાસું છે તેની પ્રોસેસ સ્પીડ. ફ્રીવેર કરતાં પેઈડ એન્ટિવાઇરસ દસ ગણું ઝડપી પરફોર્મન્સ આપે છે. જોકે બંને પ્રકારના એન્ટિવાઇરસ સિસ્ટમના સ્ટાર્ટ-અપને ૨૦થી ૫૦ સેકંડ જેટલો ઓછો કરી શકે છે, પરંતુ તેમ છતાં મહત્ત્વનો તફાવત તો સ્કેનિંગ સ્પીડનો છે. જેમ કે ૪.૫ જીબીનો ડેટા સ્કેન કરતાં જે ફ્રીવેર એન્ટિવાઇરસને બે મિનિટ લાગે છે તે જ ડેટાને પેઈડ વર્ઝન ૨૦-૨૫ સેકંડમાં પૂરું કરી દે છે. જેમ જેમ તેમાં વધુ ફીચર્સ તરફ જતા જઈએ તેમ તેની સ્પીડ અને અન્ય એડ-ઓન્સમાં પણ વધારો થતો જાય છે.
તો આ છે ફીચર્સ જેના આધારે આપ કોઈ પણ એન્ટિવાઇરસની પસંદગી આપની જરૂરિયાત મુજબ કરી શકો છો. આ સિવાય પણ અન્ય ઘણા ફીચર્સ છે જેના આધારે આપ પોતાને અનુરૂપ એન્ટિવાઇરસની પસંદગી કરી શકો છો. જે નીચે દશર્વિેલ ચાર્ટમાં દશર્વિેલ છે. જો આપનો બિઝનેસ મોટો છે તો આપને બધા જ ફીચર્સ પર ધ્યાન આપવું પડશે અને તે પ્રમાણે સૌથી સિક્યોર એન્ટિવાઇરસની પસંદગી કરવી પડશે. તે જ રીતે જો કોઈ સ્કૂલ – કોલેજ માટે થોડા ઘણા ફેરફાર સાથે જરૂરી એન્ટિવાઇરસ જરૂરી રહેશે, પરંતુ જો એન્ટિવાઇરસ ઘરના કમ્પ્યુટર પર વાપરવો હોય તો આપના માટે હોમ એડીશન -પ્રીમીયમ પેક બેસ્ટ રહેશે.
- ઉપરોક્ત ચાર્ટમાં આપની વિવિધ જરુરિયાત મુજબ આપનો એન્ટિવાઇરસ પસંદ કરી શકો છો. જેમ કે…
- જો આપ ઇન્ટરનેટ બેન્કિંગ કે ઓનલાઇન શોપિંગ કરતા હો તો આપના માટે વર્ચુઅલ કીપેડવાળો કાસ્પર સ્કાય ઉપયોગી રહેશે.
- જો ઘરે બાળકો અથવા ઓફિસના કર્મચારીઓ પર આપની ગેરહાજરીમાં વોચ રાખવા માંગતા હોય તો પેરેન્ટલ ક્ધટ્રોલની સુવિધા આપતા એન્ટિવાઇરસની પસંદગી કરો.
- કંપની આપને ક્યાં પ્રકારની કસ્ટમર સર્વિસ આપશે તેના આધારે પણ એન્ટિવાઇરસ પસંદ કરી શકો છો જેમ કે કેટલાક લોકોને ઈ-મેઇલ કરતા ટેલિફોનિક હેલ્પ વધુ ફાવતી હોય છે.
મોબાઇલ એન્ટિવાઇરસ સોફ્ટવેર
એન્ડ્રોઈડ, વિન્ડોઝ, બ્લેક્બેરી જેવા સ્માર્ટફોન્સમાં પણ એન્ટિવાઇરસ દ્વારા અલગ અલગ ફીચર્સ આપવામાં આવે છે જેના દ્વારા મોબાઇલને વધુ સિક્યોર રાખી શકાય છે. અહીં કરેલા સર્વેક્ષણ અનુસાર કંપની મોબાઇલ એન્ટિવાઇરસમાં ફ્રી તથા પેઈડમાં કઈ કઈ સુવિધા આપે છે તે દશર્વ્યિું છે. જેમાં આપની જરૂરિયાત મુજબનું સિલેકશન કરી શકો છો.
(અત્રે પ્રસ્તુત ચાર્ટ માત્ર માહિતી માટે છે. અહીં કોઈ કંપનીની જાહેરાતના હેતુસર નથી.)
તો આ રીતે અલગ અલગ એન્ટિવાઇરસ સોફ્ટવેરના ફીચર્સ વ્યક્તિગત કે વ્યવસાયિક હેતુ પાર પાડે છે, પરંતુ જ્યાં સિક્યોરીટીનો સવાલ છે ત્યાં ક્યારેય કિંમત સાથે બાંધછોડના કરવી કારણ કે અંતે તો ખતરનાક સાયબર વર્લ્ડમાં આપણે એકલા જ નથી. તો રણમેદાનમાં ઉતરતી વખતે જરાક હથિયારોની પસંદગી અને ચકાસણી અતિ આવશ્યક છે. આપના અભિપ્રાય આવકાર્ય છે.

