આપણે અવારનવાર અખબારમાં એક ખૂણે ટચૂકડા ફોટોગ્રાફ સાથે ‘પીએચ.ડી. થયા’ એવા શીર્ષક સાથેના સમાચાર પર નજર ફેરવી બીજા સમાચારો તરફ આગળ વધી જઈએ છીએ, પણ ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવનારી એ વ્યક્તિએ કેટલી મહેનતથી કેવું સંશોધન કર્યું હશે એનાથી તદ્દન અજાણ રહી જઈએ છીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ખાઈ પૂરવાનો એક પ્રયાસ કર્યો છે. યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીએ ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રીસર્ચ આર્કાઈવ’ નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેના અંતર્ગત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચ.ડી. થેસિસને ઓનલાઇન ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ બધા જ થેસિસ એક ખાસ સાઇટ (http://etheses.saurashtrauniversity.edu) પર અપલોડ કરવામાં આવ્યા છે. સાઇટ પર અત્યારે ગુજરાતીમાં ૩૬૭, ઇંગ્લિશમાં ૫૩૮ અને હિન્દીમાં ૮૦ મળીને કુલ ૯૮૫ થેસિસ મૂકવામાં આવ્યા છે. પીએચ.ડી. માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ, તેમના ગાઇડ માટે તો આ અદભુત ખજાનો છે, કેમ કે તેમને પોતે પસંદ કરેલા વિષય અંગે અને શોધનિબંધનું માળખું તૈયાર કરવા માટે અનેક સંદર્ભો અહીંથી મળી રહે છે. પી.એચ.ડી.ની પદવી સિવાય પણ જે તે વિષયમાં રસ ધરાવતા લોકોને અહીં મોટું ભાથું મળી રહે છે.
તમને સમગ્ર ભારતની ૧૦૦થી વધુ યુનિવર્સિટીઓના થેસિસ તપાસવામાં રસ હોય તો ભારતના ઇન્ફર્મેશન એન્ડ લાયબ્રેરી નેટવર્ક (ઇન્ફ્લિબનેટ) દ્વારા શોધગંગા નામે એક પ્રોજેક્ટ/સાઇટ શરૂ કરીને તેમાં ૫૦૦૦થી વધુ થેસિસની ફુલ ટેક્સ્ટ ઉપલબ્ધ કરી છે, અહીંથી આપણે સમગ્ર શોધનિબંધને પ્રકરણદીઠ પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ કરી શકીએ છીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓનલાઇન પ્રોજેક્ટનાં મૂળ શોધગંગામાં જ છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રયાસ દેખીતી રીતે ચઢિયાતો લાગે છે. તેમાં સમગ્ર ડેટાબેઝને ઘણી વધુ સરળ અને વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવ્યો છે. સાઇટને આજના સમય મુજબ ફેસબુક અને ટવીટર સાથે સાંકળવામાં આવી છે અને આરએસએસ ફીડ જેવી સુવિધાનો લાભ પણ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીના લાઇબ્રેરિયન શ્રી નિલેષ સોની અને મોરબીની ઓમ વિદ્યાવાસીની કોલેજ ઓફ આઇટી એન્ડ મેનેજમેન્ટના વ્યાવસાયિકોએ જે જહેમત લીધી છે તે આ સાઇટ પર દેખાઈ આવે છે.
(આપની યુનિવર્સિટી કે શાળાએ આવી કોઈ નોંધપાત્ર ઈ-પહેલ કરી હોય તો editor@duplics.cybersafar.in પર વિગતો મોકલવા વિનંતી)

