(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેપરમોડેલ્સની મસ્તીભરી દુનિયા

સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યુટર સામે ચીટકી જાય અને મા-બાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે.

કિડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ ‘હટા ટીવી, હટા કમ્પ્યુટર, દમ હૈ તો બાહર નીકલ’ વારંવાર બાળકોને કહેવું પડે તો વળી નવો પ્રોબ્લેમ થાય – ઘર બહાર જવું ક્યાં? અને કેટલીક વાર? બંગલો દરેક પાસે હોય નહીં અને દરેક એપાર્ટમેન્ટમાં કારનો એટલો ખડકલો થઈ પડ્યો છે કે બાળકો માટે મોટું મજાનું આંગણું તો હવે સપનું થઈ પડ્યું છે.

તો કરવું શું? જવાબ સિમ્પલ છે – ઘરે બેસીને કાગળના વાઘ કરવા! બસ થોડી જ વાર માટે કમ્પ્યુટર અને નેટ કનેક્શન ઓન કરો, એક એવી મજાની  સાઇટ પર પહોંચી જાવ, જ્યાં તમારાં આવતાં બે-ત્રણ વેકેશન ઓછાં પડે એવો ખજાનો ભર્યો છે.

http://papertoys.com આ સાઇટ પર અનેક પ્રકારનાં પેપરટોય્ઝ કે મોડેલ બનાવવાની સરળ રીત આપી છે.

જેમ કે અહીં તમને સાદી પાર્ટી હેટ કે પેપર ડોલથી શરૂ કરીને તાજમહાલ, વ્હાઇટ હાઉસ, એફિલ ટાવર, ધોની ફેમ હમ્મર કાર, વ્હાઇટ હાઉસ, બિલ ગેટ્સનું હાઉસ, હેલિકોપ્ટર, બિગ બેન, સાન્તા, સ્પેસ શટલ, રેસિંગ કાર અને સિડનીનું ઓપેરા હાઉસ સુધીનાં મોડેલ બનાવવાની સામગ્રી મળી જશે.

સામગ્રીમાં ખાસ કંઈ છે જ નહીં. આ દરેક મોડેલ માટે સાદા એ-૪ સાઇઝના પેપર પર મોડેલના કટ-આઉટ આપવામાં આવ્યા છે. તમે એ પેજ પર પહોંચીને આખા પેજની ઇમેજ, ઘરમાં પ્રિન્ટર હોય તો સીધી પ્રિન્ટ કરી લો અથવા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી, પેનડ્રાઇવમાં લઈને ઝેરોક્સ શોપમાં પહોંચી જાવ.

અહીં તમે થોડી એન્લાર્જ કરેલી પ્રિન્ટ પણ લઈ શકશો. દરેક મોડેલ માટે સરળ ફોલ્ડ, નંબર સાથે સમજાવેલા છે. બસ, કાતર-ગુંદર (અજાણ્યો શબ્દ લાગ્યો?) લઈને મચી પડો. નાનાં ટાબરિયાંથી માંડીને મોટેરાં સુધીનાં સૌ કોઈને મજા પડે એવાં અનેક મોડેલ્સ અહીં ઉપલબ્ધ છે. મોડેલ બનાવીને તેને સરસ કલર કરી દો!

આ સાઇટ પાછળ કોનું ભેજું ને જહેમત છે એનો સાઇટ પર કોઈ ઉલ્લેખ નથી, પણ ટાઇમ મેગેઝિન, ટાઇમ્સ ઓફ લંડન અને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પાનાં સુધી આ સાઇટનો ઉલ્લેખ પહોંચી ગયો છે.

સાઇટ પર જે દેખાય છે એ કરતાંય એના સર્જનની વાત વધુ રસપ્રદ હશે એવા વિશ્વાસ સાથે ‘સાયબરસફર’એ આ સાઇટના સર્જકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો એ તો ૬૫ વર્ષની વય વટાવી ચૂકેલા દાદા નીકળ્યા!

અત્યારે બિલકુલ એકલવાયું જીવન જીવતા શ્રી હેરોલ્ડ ગ્રેગે બહુ પ્રેમથી ‘સાયબરસફર’ના આપ સૌ વાચકો માટે એમના અનુભવો લખી મોકલ્યા.

વાંચો એમના જ શબ્દોમાં…


“હું ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે મેં કાગળમાંથી રમકડાં બનાવવાની શરૂઆત કરી હતી. ૧૯૫૦ની આસપાસનો એ દાયકો હતો. એ સમયે કેટલીક કંપનીઓ તેમની પ્રોડક્ટના પ્રમોશન માટે બાળકોને આકર્ષિત કરવા પ્રોડક્ટ સાથે કાગળનાં રમકડાં ભેટ આપતી. મને યાદ છે ત્યાં સુધી બેબીફૂડ, કોમિક બુક્સ પર કે ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટનાં ચોપાનિયાંમાં એ દેખાતાં. હું મોટો થયો તેમ સ્વાભાવિક રીતે રમકડાંમાંથી મારો રસ ઊડી ગયો, પણ મને હંમેશાં લાગ્યું છે કે રમકડાંથી આપણી સર્જનશક્તિ ખીલે છે.

હું એન્જિયિર બન્યો, ઓઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયો અને મારી બે શોધ માટે મેં બે પેટન્ટ પણ મેળવી – કદાચ આ કારણે પણ મને લાગતું હશે કે રમકડાં આપણને રચનાત્મક બનાવે છે!

૧૯૯૪ સુધીમાં, ઇન્ટરનેટ પરની પ્રથમ ૩૦,૦૦૦ વેબસાઇટ્સમાં એક મારી પણ હતી – TheYellowPages.com. ૨૦૦૧ સુધીમાં મેં બીજી પણ ઘણી બધી વેબસાઇટ્સ બનાવી. બીજી કેટલીક સાઇટ સાથે TheYellowPages.com પણ ૨૦૦૧માં વેચાઈ ગઈ. એ પછી હું વેબસાઇટ બનાવીને કંટાળ્યો હતો, કંઈ એવું કરવું હતું કે લોકો એની વાત કરતાં થાકે નહીં.

મારી ઇચ્છા હતી કે એક વધુ વેબસાઇટ બનાવું અને તેને માત્ર વર્ડ-ટુ-માઉથ દ્વારા જ પ્રચલિત કરું. તેથી મેં મારો નાનપણનો, કાગળનાં રમકડાં બનાવવાનો વિચાર ફરીવાર તાજો કર્યો. આ વખતે, તે રમકડાં પ્રોડક્ટ બોક્સની જગ્યાએ ઇન્ટરનેટ પર મૂકવાનાં હતાં જેથી લોકો તે જોઈને બીજા સાથે શેર કરી શકે.

સમસ્યા એ હતી કે હું આર્ટિસ્ટ નથી. તેથી મારે આખા વિશ્વના અનેક કલાકારોને શોધવા પડ્યા અને તેમને મારા માટે મોડેલ્સ બનાવવાનું કામ સોંપ્યું. આમ PaperToys.comની શરૂઆત થઈ.

કોઈ પણ કલાકારને એક મોડેલ બનાવવામાં લગભગ પાંચથી ૨૦ કલાક જેટલો સમય લાગે છે. સાઇટ પર તમે જે મોડેલ્સ જોશો તે તાલીમબદ્ધ એન્જિયિર્સે ઓટોકેડ જેવી લેટેસ્ટ ટેક્નોલોજીથી બનાવેલાં વિવિધ મોડેલ છે.

મને ખરેખર લાગે છે કે કાગળમાં જુદા જુદા ટુકડાઓ કાપીને તેને યોગ્ય રીતે ભેગા કરી, ચોંટાડીને મોડેલ્સ બનાવવાનું કામ ચોક્કસ તમારી સર્જનશક્તિ વધારે છે. આ સાઇટ શિક્ષકોમાં વધુ લોકપ્રિય છે, તેઓ વર્ગમાં આ મોડેલ્સ બનાવે છે.

દુર્ભાગ્યે આજના કિશોરો અને યુવાનોને ટીવી અને કમ્પ્યુટર ગેમ્સ રમવામાં વધુ રસ છે, પણ હું માનું છું કે જો તેઓ તેમનો થોડો સમય પણ આ પ્રકારનાં મોડેલ્સ બનાવવામાં વિતાવે તો તેમનું મગજ વધુ સતેજ થશે અને તેમને જીવનમાં લાંબા ગાળાનો લાભ કરાવશે.

૨૦૦૨ના અરસામાં તમે ઇન્ટરનેટ પર પેપરટોય્ઝ સર્ચ કર્યું હોત તો તમને લગભગ ઝીરો પરિણામ મળ્યાં હોત. આજે આવી ઘણી બધી સાઇટ જોવા મળશે. લોકોને કાગળમાંથી મજાનાં મોડેલ બનાવવાની કલામાં રસ પડ્યો હોય ને એનો થોડો યશ મારી સાઇટને પણ જતો હોય તો હું બહુ ખુશ છું!

તમે પણ તમારા વિદ્યાર્થીઓ કે સંતાનોને ક્રિએટિવ બનાવવા માગતા હો તો સૌથી પહેલાં તો ટીવીથી પીછો છોડાવો. કમ્પ્યુટર વાપરવાનો સમય દિવસના બે કલાકથી વધુ ન હોય તે જુઓ, આખો પરિવાર સાથે મળીને સમય વિતાવે, બોર્ડ ગેમ્સ, પઝલ્સ વગેરે વારંવાર રમે તે જુઓ, અને હા, સાથે મળીને પેપરટોય્ઝ બનાવો!’’

જો તમે આ સાઇટ પર આપેલાં મોડેલ્સની મદદથી કોઈ પેપરટોય બનાવો તો તેનો ફોટોગ્રાફ લઈ, તમારા નામ સાથે સાયબરસફરને 92272 51513 પર વોટ્સએપ કરો અથવા himanshu@duplics.cybersafar.in પર મેઇલ કરવાનું ભૂલશો નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!