(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પિકાસામાં બનાવીએ વર્ચ્યુઅલ આલબમ્સ

ફેમિલી એક્ટિવિટીની આ સિરીઝમાં આપણે પરિવાર સાથે મળીને કમ્પ્યુટર પર કે ઇન્ટરનેટ પર અથવા એ બંનેનો લાભ લઈને, બંને વિના કંઈક પ્રવૃત્તિનો આનંદ લઈ શકે એવી વાતો કરવાના છીએ. શરૂઆત કરીએ પરિવારના ફોટોગ્રાફ્સનું મેનેજમેન્ટ કરતાં શીખીને.

માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો… કવિ કલાપિની આ પંક્તિઓને અત્યાર સુધી ધીમે ધીમે ભુલાવા લાગેલાં પેલાં ફોટો આલબમ્સ સાર્થક કરતાં આવ્યાં છે, પણ હવે પિકાસા સોફ્ટવેર તો વળી એક ડગલું આગળ વધે છે – એ આપણને માણ્યું તેનું સ્મરણ કરવાની તો તક આપે જ છે, સાથોસાથ બધી યાદોને સરસ રીતે મેનેજ કરવાની અને પરિચિતો, સ્વજનો કે મિત્રો સાથે સહેલાઈથી વહેંચવાની સગવડ પણ કરી આપે છે.

તમારા કમ્પ્યુટરમાં તમારી કલ્પના કરતાં કેટલીય વધુ ઇમેજીસ જુદાં જુદાં ફોલ્ડરમાં સ્ટોર થયેલી હશે. ક્યારેક તમે કોઈ વેબપેજ સેવ કરો તો એ પેજ પર વપરાયેલી તમામ નાનીમોટી ઇમેજીસ તમારા કમ્પ્યુટરમાં ઘર કરી જાય છે.

એ બધાથી તમારી પોતાની કે પરિવારની તસવીરો અલગ રહે એ માટે સામાન્ય રીતે તો તમે તમારા ડિજિટલ કેમેરા કે મોબાઇલ કેમેરાથી લીધેલી ઇમેજ અને વીડિયોને એક મુખ્ય અલગ ફોલ્ડરમાં જ સેવ કરવાની ટેવ વિકસાવી હશે. એવી ટેવ હોય કે ન હોય, ફોટોગ્રાફ અને વીડિયોને યોગ્ય રીતે મેનેજ કરવા માટે તમારા કમ્પ્યુટરમાં પિકાસા જેવું કોઈ સોફ્ટવેર હોવું જરૂરી છે.

કેમ? એ તો આપણે પિકાસાનાં વિવિધ પાસાં વિગતવાર સમજીશું એટલે સમજાશે!

આગળ શું વાંચશો?

  • પાયાના બે સિદ્ધાંત
  • ઓર્ગેનાઈઝ કરીએ ફોટોઝ
  • ક્રિયેટ કરો વર્ચ્યુઅલ આલ્બમ
  • પિકાસાનો પાયો

પાયાના બે સિદ્ધાંત

હવે આગળ વધતાં પહેલાં જરા અટકીએ અને પિકાસાના પાયાના બે સિદ્ધાંત સમજી લઈએ.

  1. પિકાસા પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં કોઈ ફોટોગ્રાફ ઉમેરતું નથી કે તેમની મૂળ જગ્યા ફેરવતો નથી. એ ફક્ત તમે કહો તે પ્રકારના અને તમે કહો તે ફોલ્ડરમાંના ફોટોગ્રાફ તમારી સમક્ષ લાવી દે છે. તમે કયાં ફોલ્ડર્સમાંની ઇમેજીસ પિકાસામાં જોવા માગો છે તે સેટ કરવા માટે ટૂલ્સમાં ફોલ્ડર મેનેજરમાં જાઓ. અહીંથી તમારા ફોટોઝ ધરાવતાં ફોલ્ડર્સ બતાવી, ચાહો તો જ્યારે પણ તેમાં ફોટોઝ ઉમેરો ત્યારે પિકાસા આપોઆપ તેને સ્કેન કરી લે તે માટે ‘સ્કેન ઓલ્વેઝ’ કહી દો.
  2. પિકાસામાં તમે ફોટોગ્રાફને ઘણી બધી રીતે એડિટ કરી શકો છો, પણ પિકાસા મૂળ ફોટોગ્રાફને અકબંધ રાખે છે. તમે પિકાસામાં ફોટોગ્રાફની વિગતો ઉમેરો તો એ તેના ડેટાબેઝમાં અલગ રીતે સેવ થાય છે અને જ્યારે બધા ફોટોગ્રાફનો બેકઅપ લઈને બીજા કમ્પ્યુટરમાં લઈ જાવ અને ત્યાં પિકાસા ચાલુ કરો તો ત્યાં પણ ફોટોગ્રાફની બધી વિગતો દર્શાવે છે.

અચ્છા તો આટલી સમજ સાથે આપણે પિકાસામાં આગળ વધીએ.

ઓર્ગેનાઇઝ કરીએ ફોટોઝ

હવે સમય છે, તમારા કમ્પ્યુટરમાં જેટલા ફોટોગ્રાફ છે એ બધાને યોગ્ય રીતે મેનેજ – ઓર્ગેનાઇઝ કરવાનો.

યોગ્ય રીતે એ બહુ મુશ્કેલ માપદંડ છે. ફોટોગ્રાફના સંદર્ભમાં તો યોગ્ય રીત ઘણા બધા પ્રકારની હોઈ શકે, જેમ કે એક તસવીરને તમે અનેક અલગ અલગ રીતે મૂલવી શકો છો, એમાં કોણ છે? કઈ જગ્યાની છે? કયા વર્ષમાં લેવાઈ હતી? સદભાગ્યે પિકાસા આ બધા ઉપરાંત બીજી ઘણી બધી યોગ્ય રીતે ફોટોગ્રાફને ઓર્ગેનાઇઝ કરી આપે છે.

પિકાસામાં ફોટોગ્રાફ મૂળભૂત ત્રણ અલગ અલગ રીતે ગોઠવાય છે.


  1. ફોલ્ડર્સ પ્રમાણે. તમારા કમ્પ્યુટરમાં જે ફોલ્ડર્સ હોય એ જ ફોલ્ડર્સ પિકાસામાં પણ ડાબી તરફ દેખાશે.
  2. આલબમ્સમાં. આ બહુ મજાનો ક્ધસેપ્ટ છે. આલબમ્સ માત્ર પિકાસામાં ક્રિયેટ થાય છે, કમ્પ્યુટરનાં ફોલ્ડર્સમાં નહીં.
  3. પીપલ એટલે કે ફોટોગ્રાફમાંના લોકો અનુસાર.

આ અંકમાં આપણે ફક્ત આલબમ્સની વાત કરીને અટકીશું.

આલબમ્સનો ક્ન્સેપ્ટ સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે પરિવાર સાથે નૈનિતાલ ફરવા ગયા અને ત્યાં ઢગલાબંધ તસવીરો ખેંચી. રોલ ધોવડાવવાના જૂના જમાનામાં એવું થયું હોત કે પરત આવી, ફિલ્મ ડેવલપ કરાવીને તમે નૈનિતાલની ટૂરનું નવું એક આલબમ બનાવ્યું હોત.

હવે માની લો કે તમને સૂર્યાસ્ત સમયે આકાશના વિવિધ મિજાજની તસવીરો ખેંચવાનો શોખ છે. નૈનિતાલ અગાઉ ઊટી ગયા હતા ત્યારે પણ તમે એવી અનેક તસવીરો ખેંચી હતી.

હવે બંને ટુરનાં આલબમમાંથી માત્ર સૂર્યાસ્તની તસવીરોનું આલબમ બનાવવું હોય તો? તસવીરો બંને આલબમમાંથી કાઢીને ત્રીજું આલબમ બનાવી શકાય, પણ તો નૈનિતાલ અને ઊટીનાં આલબમ અધૂરાં થઈ જાય!

ફોટોગ્રાફ ડિજિટલ બન્યા પછી આ સમસ્યા દૂર થઈ છે. એવું ન માનતા કે ફટ દઈને સૂર્યાસ્તની તસવીરો કોપી કરીને, નવા ફોલ્ડરમાં પેસ્ટ કરી દો એટલે વાત પતી ગઈ. એ રીતે તો તમે ડુપ્લિકેટ ફોટોગ્રાફનો ભાર વધાર્યો (તમારા કમ્પ્યુટરમાં કેટલા ડુપ્લિકેટ ફોટોઝ છે એ તો પિકાસાની મદદથી તપાસશો ત્યારે સમજાશે!).

યોગ્ય રીત પિકાસામાં વર્ચ્યુઅલ આલબમ બનાવવાની છે. તમારા ફોટોઝ જે તે ફોલ્ડર્સમાં જ રહેશે, પણ તેમાંથી તમારી પસંદગીના ફોટોગ્રાફ્સમાંથી તમે ઇચ્છો એટલાં વર્ચ્યુઅલ આલબમ્સ બનાવી શકશો, કોઈ ડુપ્લિકેટ ઇમેજ બનાવ્યા વિના અને કમ્પ્યુટર પર ભાર વધાર્યા વિના!

ક્રિયેટ કરો વર્ચ્યુઅલ આલબમ

આલબમ ક્રિયેટ કરવા માટે, પિકાસામાં ડાબી તરફ ટોચ પર બ્લ્યૂ રંગના આલબમની ઇમેજ પર ક્લિક કરો, આલમબનું નામ (જેમ કે સનસેટ!), તારીખ, થોડું વર્ણન, તસવીરોનાં સ્થળ, સ્લાઇડશો કે મૂવી પ્રેઝન્ટેશન વખતે સરસ ધીમું સંગીત ઉમેરવું હોય તો તેની ફાઈલનું લોકેશન વગેરે વિગતો આપો અને આલમબ ક્રિયેટ કરો.

હવે તમારાં જુદાં જુદાં ફોલ્ડરમાં રહેલા ફોટોઝ જોતા જાવ, સૂયર્સ્તિના ફોટો પર ક્લિક કરતા જાવ (એક જ ફોલ્ડરમાં જુદા જુદા ફોટોઝ સિલેક્ટર કરવા માટે કંટ્રોલ કી પ્રેસ કરી રાખજો) અને પછી માઉસનું જમણું બટન પ્રેસ કરશો એટલે ખૂલતા ઓપ્શન્સમાં ‘એડ ટુ આલબમ’ વિકલ્પમાં જતાં આપણે પહેલાં બનાવેલું ‘સનસેટ’ આલબમ દેખાશે, તેના પર ક્લિક કરો એટલે તમે પસંદ કરેલા ફોટોગ્રાફ હવે નૈનિતાલ અને ઊટીનાં ફોલ્ડર ઉપરાંત, સનસેટ આલબમમાં પણ દેખાશે. મૂળ ફોલ્ડરમાં ઓરિજિનલ ફોટોગ્રાફ રહેશે, આલબમમાં માત્ર તેની વર્ચ્યુઅલ ઇમ્પ્રેશન દેખાશે. આ રીતે કમ્પ્યુટર પર ભાર વધાર્યા  વિના તમે ઇચ્છો એટલી વિવિધ રીતે તમારા ફોટોગ્રાફ્સ મેનેજ કરી શકશો.

તમને ચોક્કસ ક્લિક થયું હશે કે જેમ સનસેટનું આલબમ બનાવી શકાય એમ પરિવારના અલગ અલગ સભ્યોનાં આગવાં આલબમ્સ પણ બનાવી શકાય. આ કામ તમે ઘણું ખરું ઓટોમેટિક થાય એ રીતે કરી શકો છો! પિકાસામાં એક સરસ સગવડ છે નેમ ટેગિંગની. એનો લાભ લેવાનો તમે જાતે પ્રયાસ કરી જુઓ અથવા આવતા અંકની રાહ જુઓ!


પિકાસાનો પાયો

મૂળ તો ૨૦૦૨માં કેલિફોર્નિયાની આઇડિયાલેબ નામની એક કંપનીએ આ સોફ્ટવેર વિક્સાવ્યું અને ૨૦૦૪માં તે ગૂગલની નજરે ચઢી ગયું! આ સોફ્ટવેર હવે બે ભાગમાં વિકસ્યું છે, એક ઓનલાઇન વર્ઝન તરીકે અને બીજું ઓફલાઇન વર્ઝન તરીકે.

અત્યારે આપણે વાત કરીશું, તમારા કમ્પ્યુટરમાં, ઇન્ટરનેટ કનેક્શન વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સોફ્ટવેરની. આ માટે સૌથી પહેલાં તમારે પિકાસા સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડશે. આ માટે http://picasa.google.com/ પર જાઓ. પિકાસામાં ખૂબીઓ ઉમેરાતી જાય છે તેમ તેમ તેની સાઇઝ વધતી જાય છે, અત્યારે તમારે ૧૪.૨ એમબીની ફાઇલ એક વાર ડાઉનલોડ કરવી પડશે.

ડાઉનલોડ ફાઇલ સેવ કરીને ઇન્સ્ટોલ કરશો, એટલે સોફ્ટવેરની સિસ્ટમ તમને પૂછશે કે તમે તમારા કમ્પ્યુટરનાં કયાં કયાં ફોલ્ડરમાંથી અને કઈ કઈ ફાઈલ ટાઇપની ઇમેજ સ્કેન કરવા ઇચ્છો છો (ઇમેજ પીએસડી, પીએનજી, જેપીઇજી વગેરે અનેક પ્રકારની હોય છે, એવું જ વીડિયોનું છે).

જો તમે તમારી પોતાની તસવીરો અને વીડિયો પહેલેથી એક અલગ ફોલ્ડરમાં મૂકવાની ટેવ રાખી હોય તો અહીં ફ્કત એ એક ફોલ્ડર સ્કેન કરવાનું કહી શકો છો. અથવા કમ્પ્યુટરની બધી જ ડ્રાઇવ સ્કેન કરવા કહી દો, એટલે પિકાસા હનુમાનજીની જેમ આખો પહાડ ઊંચકીને તમારી સામે લાવી દેશે!


સમજીએ આલબમનો કન્સેપ્ટ

આલબમ્સનો કન્સેપ્ટ સમજવા માટે પહેલાં એક આડ વાત કરીએ. જીમેઇલની શ‚રૂઆત થઈ તે પહેલાં તમે યાહૂ કે હોટમેઇલ કે રીડિફમેઇલ જેવી સર્વિસમાં ઈમેઇલ એકાઉન્ટ ખોલાવ્યું હશે. પછી જો જીમેઇલમાં શિફ્ટ થયા હશો તો કદાચ સૌથી નોંધપાત્ર ફેરફાર તમને તેની ફોલ્ડર સિસ્ટમમાં દેખાયો હશે.

જીમેઇલમાં ફોલ્ડર્સ નહીં પણ લેબલ્સ છે. ફોલ્ડર આપણી જૂની ફાઇલિંગ પદ્ધતિ જેવાં છે. તમને ટપાલમાં ફોનબિલ આવ્યું તેને ફોનબિલની ફાઈલમાં મૂકો અથવા તો ખર્ચની ફાઈલમાં મૂકો. બંનેમાંથી એકમાં જ મૂકી શકાય, અથવા કોપી કરીને, ઘરમાં વધુ એક કાગળનો ભાર વધારીને બંને ફાઈલમાં અલગ અલગ કોપી મૂકવી પડે.

કોઈ પણ સામગ્રીના ડિજિટલ સ્વરૂપમાં આ મર્યાદા નથી. જીમેઇલમાંના લેબલ કન્સેપ્ટમાં, તમે ફોનબિલનો ઈમેઇલ આવે તો તેને ફોનબિલ અને ઘરખર્ચ બંનેનું લેબલ લગાવી શકો છો. મેઇલ એક જ હોય, તમે એક્સેસ બે જગ્યાએથી કરી શકો.

આ જ કનસેપ્ટ પિકાસામાં આલબમ્સ સ્વરૂપે રજૂ થયો છે.


પિકાસામાં ફોટોગ્રાફ મૂળભૂત ત્રણ અલગ અલગ રીતે ગોઠવાય છે

  1. ફોલ્ડર્સ પ્રમાણે. તમારા કમ્પ્યુટરમાં જે ફોલ્ડર્સ હોય એ જ ફોલ્ડર્સ પિકાસામાં પણ ડાબી તરફ દેખાશે.
  2. આલબમ્સમાં. આ બહુ મજાનો ક્ધસેપ્ટ છે. આલબમ્સ માત્ર પિકાસામાં ક્રિયેટ થાય છે, કમ્પ્યુટરનાં ફોલ્ડર્સમાં નહીં.
  3. પિપલ એટલે કે ફોટોગ્રાફમાંના લોકો અનુસાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!