જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. હોર્ડિંગ આપણે દૂરથી જોવાનાં હોય એટલે તેમાં પિક્ચરનું રેઝોલ્યુશન થોડું ઓછું હોય તો ચાલે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના હોવા જરૂરી છે, તો જ એમાંની ડિટેઇલ્સ શાર્પ આવે અને તેના પિક્સેલ ફાટી ગયેલા ન લાગે.
હવે વિચારી જુઓ કે ૩૦૦ ડીપીઆઇના રેઝોલ્યુશન સાથે પ્રિન્ટ કરવાનો થાય તો આખા ફૂટબોલના મેદાન જેવડો પેપર જોઈએ, એ ફોટોગ્રાફની ડિજિટલ સાઇઝ કેટલી વિશાળ હશે અને એ ફોટોને કમ્પ્યુટરના સ્ક્રીન પર જોઈએ તો તેમાં કેટલી ઝીણવટભરી વિગતો જોઈ શકાય?
આ બંને સવાલના જવાબ મેળવવા આપણે જવું પડે આ વેબસાઇટ પર : http://www.in2white.com/
સૌથી વિશાળ પેનોરમાનો નવો વિશ્વવિક્રમ સર્જનાર આ ફોટોગ્રાફ ફિલિપ્પો બ્લેન્જિની નામના એક ઇટાલિયન ફોટોગ્રાફર અને તેમની પત્ની તથા અન્ય પ્રોફેશનલ્સની ટીમે તૈયાર કર્યો છે. ફિલિપ્પો મૂળ તો સિવિલ એન્જિનીયર છે અને છેલ્લાં પાંચ વર્ષથી, યુરોપના સૌથી મોટા પર્વત મોન્ટ બ્લાન્ક પરના એક રોપવે પ્રોજેક્ટમાં કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર તરીકે તેઓ કામ કરતા હતા. મોન્ટ બ્લાન્ક પર્વત પ્રત્યેનો લગાવ, ફોટોગ્રાફીનો બેહદ શોખ અને ટેક્નોલોજીમાં ઊંડો રસ, આ બધું ભેગું થયું. ફિલિપ્પો લખે છે કે તેમણે મોન્ટ બ્લાન્કની અનેક તસવીરો લીધી છે, પણ ક્યારેય આ વિશાળ પર્વતમાળાની ભવ્યતાને પૂરો ન્યાય આપ્યાનો સંતોષ થતો નહોતો. એક દિવસ, પત્ની એલેસાન્ડ્રા સાથે વાત કરતી વખતે ઝબકારો થયો, પોતાના પેશન, ટેક્નોલોજી અને ફોટોગ્રાફીનો સુમેળ કરીને આ પર્વતને સૌથી અનોખી અંજલી આપવી.
ફિલિપ્પો અને એલેસાન્ડ્રા કામે લાગ્યાં, વિશ્વભરમાંથી અલગ અલગ કંપનીઓ અને પ્રોફેશનલ્સની મદદ મેળવી અને તેમાંથી સર્જાયો આજની તારીખનો વિશ્વનો સૌથી વિશાળ પેનોરમા.
ગયા વર્ષે ઓક્ટોબરની ૨૪થી નવેમ્બર ૨ સુધી તેમની ટીમે ૩૫૦૦ મીટરની ઊંચાઈએ બર્ફીલી પર્વતમાળા ખૂંદી. માઇનસ ૧૦ ડીગ્રી સે. જેટલી ઠૂંઠવી નાખે એવી ઠંડીમાં રોજ એકાદ કલાક જેટલું ચાલીને, ગ્લેશિયરની વચ્ચે પહોંચીને તેમણે લોકેશન પસંદ કર્યાં.
આગળ શું વાંચશો?
-
ઘેરબેઠાં તપાસો ચંદ્રનો ખૂણેખૂણો
આ દરમિયાન કેનના હાઇ-ટેક કેમેરાથી સમગ્ર પર્વતમાળાના ૭૦,૦૦૦ જેટલા ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. તેને સ્ટોર કરવા માટે સેન્ડડિસ્કનાં ૧૨૮ જીબી એસડી કાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ બધાનો ૪૬ ટેરાબાઇટ્સનો ડેટા થયો, જેને બે મહિના સુધી પ્રોસેસ કરીને છેવટે ૩૬૫ ગીગાપિક્સેલનો પેનોરમા તૈયાર કરવામાં આવ્યો! આ નવી ઇમેજનું રેઝોલ્યુશન ૮ મેગાપિક્સેલના આઇફોન ૬થી લઈ શકાતી ઇમેજ કરતાં ૪૫,૦૦૦ ગણું વધુ છે.
આપણે આ પેનોરમા પ્રોજેક્ટની વેબસાઇટ પર જોઈ શકીએ છીએ. તમે માઉસથી ઇમેજને ફેરવીને ૩૬૦ ડીગ્રીનો વ્યૂ તપાસી શકો છો અને ઝૂમ કરતા જશો તેમ તેમ ફોટોગ્રાફની ડિટેઇલ્સ સ્પષ્ટ થતી જશે. તમે જ્યારે આ પેનોરમાનો ખૂણેખૂણો તપાસશો તો તેમાં એક ઇગલ અને ૨૦ પર્વતારોહકોની શોધખોળ પણ કરી શકો છો?
અત્યાર સુધી, દુનિયાના સૌથી વિશાળ ફોટોગ્રાફનું સન્માન લંડન શહેરના બર્ડવ્યૂ પેનોરમાને ફાળે હતું. ૨૦૧૨માં લંડન શહેરના દસમા ક્રમના સૌથી ઊંચા બિલ્ડિંગની અગાશીએથી ૪૮,૦૦૦ અગ અલગ ફોટોગ્રાફ્સ લઈને એ બધાને એકમેક સાથે જોડીને એક વિશાળ પેનોરમા તૈયાર કરવામાં આવ્યો હતો. ચાર કેમેરાથી ત્રણ દિવસ સુધી ફોટોગ્રાફી કર્યા પછી એ તમામ ફોટોગ્રાફ પર પ્રોસેસ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. (આ ફોટોગ્રાફ તમે અહીં જોઈ શકો છો : http://btlondon2012.co.uk/pano.html))
લંડનનો એ ૩૬૦ ડીગ્રી પેનોરમા ૩૨૦ ગીગાપિક્સેલનો હતો જ્યારે ઇનટુવ્હાઇટ વેબસાઇટ પર આપણે જે ફોટોગ્રાફ હવે જોઈએ શકીએ છીએ તે ૩૬૫ ગીગાપિક્સેલનો છે (આપણા સ્માર્ટફોનમાં સામાન્ય રીતે ૮ મેગાપિક્સેલના કેમેરા હોય છે!)
ઘેરબેઠાં તપાસો ચંદ્રનો ખૂણેખૂણો
ઇનટુવ્હાઇટનો પેનોરમા ૩૬૫ ગીગાપિક્સેલનો છે અને ઇન્ટરનેટ પર ૬૮૧ ગીગાપિક્સેલનો બીજો એક પેનોરમા પણ ઉપલબ્ધ છે, છતાં તેને પૃથ્વીનો સૌથી વિશાળ પેનોરમા ગણવામાં આવતો નથી, કેમ? કેમ કે ટેકનિકલી, એ પેનોરમા પૃથ્વીનો છે જ નહીં!
૧૮ જૂન, ૨૦૦૯ના દિવસે અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ ચંદ્ર અભિયાન શરૂ કરીને એક ઓર્બિટર અવકાશમાં મોકલ્યું, તેનો મુખ્ય હેતુ હતો ચંદ્રની સપાટીનો નક્શો તૈયાર કરવો અને ભવિષ્યનાં મિશન માટે ચંદ્ર પર અનુકૂળ લેન્ડિંગ સાઇટ્સ નક્કી કરવી. ચંદ્રની સપાટીથી અમુક નિશ્ચિત અંતરે રહીને આ ઓર્બિટરે ચાર વર્ષ સુધી ચંદ્રની સપાટીની જે તસવીરો લીધી, તેને એકમેક સાથે જોડીને ૬૮૧ ગીગાપિક્સેલનો એક પેનોરમા તૈયાર કરવામાં આવ્યો. આ પેનોરમા તમે અહીં જોઈ શકો છો :http://lroc.sese.asu.edu/images/gigapan/

