જી, બિલકુલ! મેગેઝિનના છેલ્લા પેજ પર ભલે પહોંચી ગયા, વાંચન સામગ્રી પૂરી થઈ નથી. હવે સમય છે દરેક પેજ રિવાઇન્ડ કરવાનો.
જગ્યા અનુસાર, દરેક પેજ નીચે આ વખતે સાયબરજગતના કેટલાક પારિભાષિક શબ્દો આપ્યા છે (આ પારિભાષિક શબ્દનો અર્થ જાણવો હોય તો પહોંચો http://www.gujaratilexicon.com પર, ત્યાં આવા બીજા કેટલાય ‘અઘરા’ શબ્દોના અર્થ જાણવા મળશે!).
તમે ઘરવપરાશ પૂરતું કમ્પ્યુટર લીધું હોય કે ઓફિસમાં તેનો બહોળો ઉપયોગ કરતા હો, અહીં આપેલા શબ્દોમાંથી ઘણા કદાચ તમારા માટે સાવ અજાણ્યા હોય એવું બની શકે છે. આ બધા શબ્દોમાંથી બધાના પૂરેપૂરા અર્થ જાણવા જરુરી નથી, પણ આછો પાતળો ખ્યાલ હોય તે જરુરી છે. જેમ કે પહેલો જ શબ્દ આપ્યો છે એક્ટિવએક્સ. આપણે કોઈ ઇન્ટરનેટ પર કોઈ ગેમ રમતા હોઈએ ત્યારે ક્યારેક એવું બની શકે છે કે આપણું બ્રાઉઝર આપણને કહે કે તમે જે પ્રોગ્રામ રન કરવા માગો છો તેના માટે એક્ટિવએક્સ કંટ્રોલની જરુર છે. આગળ વધવું છે? આપણે રમત રમવાની ઉતાવળમાં હા કહીને આગળ વધીએ છીએ. વાસ્તવમાં એક્ટિવએક્સ કંટ્રોલ માઇક્રોસોફ્ટ કંપનીએ વિક્સાવેલી એક પ્રકારની ટેક્નોલોજી છે, જેનાથી બ્રાઉઝરની અંદર નાના નાના પ્રોગ્રામ રન થઈ શકે છે.
અહીં આપેલા બીજા શબ્દો પણ કંઈક અંશે આ પ્રકારના છે, એ શબ્દ પાછળ રહેલી આખી ટેક્નોલોજી ના સમજીએ તો કોઈ વાંધો નહીં, આપણું કોઈ કામ અટકતું નથી, પણ એની પ્રાથમિક સમજ હોય તો એને લગતી કોઈ ચર્ચા ચાલતી હોય તો બધું સાવ આપણા માથા ઉપરથી જાય નહીં!
અહીં ફક્ત એ થી સી સુધીના શબ્દો જ આપી શકાયા છે. આગળના અંકોમાં અનુકૂળતાએ વધુ શબ્દો જાણીશું.

