સ્માર્ટફોનથી આપણા સૌની જિંદગી બદલાઈ રહી છે – આપણે માનીએ છીએ એના કરતાં ઘણી જુદી જુદી રીતે.
આજે એક જ પરિવારના લોકો, એક જ રૂમમાં બેઠા હોય, પણ સૌ પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય એવાં દૃશ્યોની નવાઈ નથી.
થોડા સમય પહેલાં, દાદા-દાદીઓને પરિવાર તેમના તરફ પૂરતું ધ્યાન આપતો નથી એવી ફરિયાદ હતી, પણ હવે તેઓ પોતે પણ વોટ્સએપમાં મશગૂલ થવા લાગ્યાં છે. પણ, જેના હાથમાં હજી સ્માર્ટફોન આવ્યા નથી, એ નાનાં બાળકોને, મમ્મી-પપ્પાનું સ્માર્ટફોનનું જબરું વળગણ કેવી અસર થાય છે એ વિચારવાની તાતી જરૂર છે.
આ સંદર્ભે, સીનેટ મેગેઝિનના એક્ઝિક્યુટિવ એડિટર ઇઆન શેરના એક લેખનો ભાવાનુવાદ વાંચો. આ વાત ભલે એક વિદેશી પપ્પાની છે, પણ આપણે પણ બરાબર લાગુ પડે છે!
હું અને મારો ફોન
મારા જેવી હાલત ઘણાની હશે. મને મારા ફોન વગર એક મિનિટ પણ ચાલતું નથી. પણ મને ડર એ વાતનો છે કે એ મારા બે વર્ષના દીકરાનું બાળપણ છીનવી રહ્યો છે.
ક્યારેક કોઈ મહત્ત્વના સમાચાર ટપ દઈને આવી જાય એટલે જોયા વગર રહેવાય નહીં કે પછી કંટાળો દૂર કરવા અમસ્તાં જ બધા મેસેજ સ્ક્રોલ કરું. ભલે આ મોબાઇલથી હું દુનિયાઆખીનું જ્ઞાન મેળવી લઉં છું, દુનિયા મારા હાથમાં છે પણ એ ધ્યાન સતત જકડી રાખે છે.
સ્માર્ટફોનના ઉપયોગની મયર્દિા નક્કી કરવી સહેલી નથી. ગ્રોસરી સ્ટોરમાં પેમેન્ટ માટે લાઇનમાં ઊભો હોઉં ત્યારે કે દીકરાને લઈને ડોક્ટર પાસે ગયા હોઈએ અને વારો આવવાની રાહ જોતા હોઈએ ત્યારે પણ હું મોબાઇલ હાથમાં લઈને કશુંકને કશું જોતો રહું છું.
૨૦૦૭માં એપલો આઇફોન લોન્ચ થવાનો હતો ત્યારે હું સખત એક્સાઇટેડ હતો અને કદાચ ત્યારે જ મારી પત્નીને ખબર પડી ગઈ હતી કે હવે પ્રોબ્લેમ થવાના છે. ત્યારથી એ મને કહે છ કે મારા હાથમાં ફોન હોય ત્યારે હું ઘરમાં બહુ ઉદ્ધતાઈથી વર્તું છું. હવે મારું એ વર્તન મારા દીકરાને કઈ રીતે અસર કરે છે એની એને ચિંતા થયા કરે છે.
એ કહે છે, મને તો એટલી ચિંતા થાય છે કે ભવિષ્યમાં આપણો દીકરો કહેશે કે આપણે માબાપ તરીકે એના તરફ જરાય ધ્યાન નથી આપ્યું.
સ્ક્રીન એડિક્શનની બીમારી ફક્ત મને જ છે એવું નથી. મોટા ભાગના લોકો દિવસના પાંચેક કલાક મોબાઇલમાં માથુ ખોસીને બેઠા હોય છે, એમાં પણ ૧૮થી ૩૦ વર્ષના યુવાનો ખાસ.
થોડા વખત પહેલાં એક સ્કૂલમાં બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવ્યું જેમાં તેમણે નાનકડો નિબંધ લખવાનો હતો કે એવી કઈ વસ્તુ છે જેની શોધ ક્યારેય ન થઈ હોત એવું તમે ઇચ્છો છો? ઘણાં બાળકોએ જવાબમાં લખ્યું : મમ્મી પપ્પાનો મોબાઇલ.
એની પાછળનું કારણ છે આપણું દિમાગ. મોબાઇલમાં આવતા એલર્ટ્સ, જાતભાતના નોટીફિકેશન્સ જેવા પોપ-અપ થાય એટલે આપણા દિમાગમાં ચમકારો થાય અને આપણે એ શું છે તે જોયા વગર રહી શકીએ જ નહીં.
આનાથી મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ પેદા થાય છે અને આ એ જ કેમિકલ છે જેને કારણે આપણને ભૂખ, કેફી દ્રવ્યોની તલપ જેવી લાગણીઓ અનુભવાય છે. તેને કારણે આપણને મોબાઇલના સ્ક્રીનનું પણ વળગણ થતું જાય છે.
એવા સમયે નોટિફિકેશન કે કોઈ મેસેજ ટપકી પડે જ્યારે આપણને કોઈ મેસેજની રાહ ન હોય ત્યારે એ ડોપામાઇન વધુ સક્રિય થઈ જાય છે. પરિણામે અમારા જેવા ઘણા નવા માતાપિતા બનેલા લોકો મોબાઇલના સકંજામાં આવી જાય છે.
બહુ ગંભીર પ્રશ્ન આપણી સામે આવે છે કે આપણા મોબાઇલ વળગણથી આપણા નાનાં બાળકો પર શી અસર થતી હોય છે?
મારા સાવ નાના દીકરાનો જ દાખલો આપું. એ કોઈ પણ વસ્તુ હાથમાં લઈને કાન પાસે રાખીને કહેશે, “હલો!
આ કંઈ હસી કાઢવા જેવી વાત નથી. મારા મોબાઇલના વળગણે એના નાનકડા મન પર કેટલી ગંભીર અસર ઉપજાવી છે એ વિશે હું વિચારતો થઈ ગયો છું.
ફોન બાળકોનો સમય ઝૂંટવે છે
એક બાબત છે, બાળકોનો પોતાનો ટાઇમ. એ સમય તેમની પાસેથી તમારો ફોન છીનવી લે છે.
કદાચ તમને નવાઈ લાગશે પણ બાળકોને ખરેખર તમારા સ્માર્ટફોનના વળગણ માટે સખત ચીડ છે, ગુસ્સો છે.
થોડા વખત પહેલાં એક સ્કૂલમાં બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવ્યું જેમાં તેમણે નાનકડો નિબંધ લખવાનો હતો કે એવી કઈ વસ્તુ છે જેની શોધ ક્યારેય ન થઈ હોત એવું તમે ઇચ્છો છો.
જવાબો ચોંકાવી દે એવા હતા. કેટલાંક બાળકોએ લખ્યું હતું કે મને મારા મમ્મીપપ્પાનો ફોન જરાય ગમતો નથી કારણ કે એ લોકો આખો દિવસ એમાં જ રચ્યાંપચ્યાં હોય છે. બીજા એક બાળકે લખ્યું હતું કે મને મારી મમ્મીનો ફોન બિલકુલ ગમતો નથી. હું એને નફરત કરું છું. હું તો ઇચ્છું છું કે મારી મમ્મી પાસે કોઈ ફોન જ ન હોય.

આ હોમવર્ક આપનારાં અને બાળકોના જવાબ વાંચનારાં ટીચરે પોતાના ફેસબુક પેજ પર આ જવાબો લખ્યા અને તેમની એ પોસ્ટને ૨,૬૧,૦૦૦ વાર શેર થઈ.
માતાપિતાના ફોનના વળગણની બાળકોના માનસ પર બહુ માઠી અસર થાય છે. તેમને લાગે છે કે માતાપિતા માટે ફોન વધારે મહત્ત્વનો છે. આવી લાગણી તેમને ઉદાસ, દુખી અને એકલા બનાવી દે છે અને મનમાં ગુસ્સો જગાવે છે.
માતાપિતાની આ લતને માટે ટેક્નોફરન્સ શબ્દ વપરાય છે. મોબાઇલના વધુ પડતા જ ઉપયોગથી બાળકો ગેરવર્તન પણ કરવાનું શરૂ કરી દે એવી શક્યતા પૂરી છે.
ફોનમાં જ રચ્યાપચ્યા રહેતાં માબાપને જોઈને બાળકો તેમનું ધ્યાન ખેંચવા જાતભાતનું વર્તન કરે છે. બધા સાથે જમતા હોય ત્યારે કે બાળકો સાથે રમતી વખતે કે બીજી કોઈ પ્રવૃત્તિઓ વખતે માતાપિતા જો થોડી થોડી વારે ફોન ચેક કરતાં રહે ત્યારે બાળકોને પોતાના સમય બીજું કોઈ ઝૂંટવી લે તે નથી ગમતું અને તેઓ ગુસ્સે થાય છે કે અકળાય છે કે રડવા લાગે છે.
આપણા પોતાના સમયનું શું? અને આનો ઉપાય શું?
માતાપિતા તરીકે આપણે કહીએ કે અમને પણ અમારો પોતાના સમય જોઈએ- મી ટાઇમ. અમને પણ દિવસભરના કામમાંથી પોતાનો સમય જોઈએ. વાત સાચી, પણ એ બાળકોના સમયના ભોગે ન થવું જોઈએ. બાળકને શું જોઈએ છે, એ શું કહેવા માગે છે એ સમજવા માટે એની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો જરૂરી છે.
તમે ફોન પછી, બાળક પહેલાં એવું હંમેશાં ન કરી શકો પણ તમારે મયર્દિારેખા તો દોરવી જ રહીં. મોબાઇલ વિના આજની દુનિયામાં ચાલે એમ નથી પણ એનો પોઝિટિવ રીતે ઉપયોગ કેમ કરવો તે બાળકો સામે મૂકવાની જરૂર છે.
મારો દીકરો પોતાની જાતે એકલો રમતો હોય તો હું મારો ફોન હાથમાં લઉં તે ઠીક છે પણ મારે સ્માર્ટ રીતે એને પણ ધ્યાન આપવાનું છે અને મારી ગેમ પણ રમવાની છે તો વચ્ચે વચ્ચે હું બ્રેક લઈને તેની સાથે વાત કરી લઉં.

એ ક્યારેક રમકડાંથી રમતો હોય તો કહું કે વાહ, સરસ રમે છે, એને ભેટીને વહાલ કરી લઉં, થોડું એની સાથે દિલથી રમી પણ લઉં અને પાછો ભલે મારા ફોનમાં પરોવાઈ જાઉં. જરૂરી એ છે કે બંને વાતનું સારું સંતુલન જળવાય.
બાળક અમુક સમયે એકલા પોતાની જાતે રમવાનું શીખે એ પણ જરૂરી છે.
બાળક આપણું ધ્યાન ખેચવા માગે અને આપણે લાંબો સમય સુધી એમની સામે જોઈએ નહીં તો પછી એ કંઈક ધમપછાડા કરશે પણ થોડી રાહ જોવડાવીને તેની વાત સાંભળીએ તો એ ધીરજ રાખતાં પણ શીખશે. મારો દીકરો બોલાવતો હોય અને એ જ વખતે મારે ફોન વાપરવો જરૂરી હોય તો હોય તો હું એને કહું કે મારે અગત્યનો મેઇલ જોવાનો છે કે મારે કોઈને જવાબ આપવો જરૂરી છે.
આ બધું લાગે છે સહેલું પણ ખરેખર એ કરીએ ત્યારે જ ખબર પડે કે કેટલું મુશ્કેલ છે!
જોકે ક્યાંકથી શરૂઆત તો કરવી જ રહી. આપણે આપણાં બાળકોને રમતાં, સૌની સાથે હળતાભળતાં અને ખરા અર્થમાં ખુશ જોવાં હોય, તો આપણે પોતે મોબાઇલનો સમજપૂર્વકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું પડશે.
નહીં તો આ જ બાળકો અત્યારથી આપણી નકલ કરવાનું શરૂ કરી દેશે અને આપણે એમનુ ધ્યાન આપણા તરફ ખેંચવા શું શું કરવું પડશે એ વિચારવું રહ્યું.
(ભાવાનુવાદ : દામિની દેસાઇ)


